Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સરકારી મહેમાન

'એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' અને લોકસભા: ભાજપ હરખાય નહીં અને કોંગ્રેસને ડરવું નહીં

6 થી 13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પગંત મહોત્સવ યોજાશે પરંતુ વાયબ્રન્ટ વિનાનો છે: ગુજરાત કેડરના સિનિયર આઇએએસને કેન્દ્રમાં થનારા રિસફલમાં મહત્વનું પોસ્ટીંગ મળશે: ગુજરાતના ચીફ મિનિસ્ટર રૂપાણી જો નવા વર્ષે 19 કામો કરે તો કોંગ્રેસનો ગજ વાગશે નહીં

લવ સ્ટોરી આધારિત અને કોમેડી ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં ધૂમ મચાવે છે પરંતુ રાજનિતી પર બનેલી ફિલ્મો એક કે બે સપ્તાહમાં ઉતરી જાય છે, એ હકીકત છે. જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી. નરેન્દ્ર મોદી અને બીજા રાજકીય નેતાઓના જીવન આધારિત ફિલ્મો આવી છે પણ તેણે ધૂમ મચાવી નથી. ઇન્દિરા ગાંધીના જીવન આધારિત સંજીવકુમારની આંધી ફિલ્મ સૌથી વધુ પિટાઇ ગઇ હતી. છેલ્લે રાજનીતિ ફિલ્મ પણ ખાસ સફળ થઇ નથી. હવે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિન્સ્ટર ફિલ્મ આવી છે. ચરિત્ર્ય અભિનેતા અનુપમ ખેર કોંગ્રેસના ડો. મનમોહનસિંઘના રોલમાં છે. આ ફિલ્મમાં તેમણે જાનદાર અભિનય કર્યો છે. સોનિયા ગાંધીનું પાત્ર પણ અદ્દભૂત છે. લોકસભાની ચૂંટણીના કારણે તેનો સીધો ફાયદો ભાજપને થવાની આશાએ આ ફિલ્મનું પ્રમોશન ખુદ ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ કરી રહ્યાં છે. આ ફિલ્મની રજૂઆત 11 જાન્યુઆરીએ થવાની છે પરંતુ ફિલ્મની ચર્ચા અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. ગુજરાત સહિતના ભાજપ શાસિત રાજ્યોમાં ઉત્સુકતા વધારે છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યો ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસે ડરવાની જરૂર એટલા માટે નથી કે આ ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં એપ્રિલ-મે સુધી ટકવાની નથી. કેમ કે એટલા લાંબા સમય સુધી તો એકપણ હિન્દી ફિલ્મ ચાલતી નથી. ભાજપે પણ હરખાવાની જરૂર નથી.

2019માં રૂપાણી સરકારે કરવા જેવા 19 કામ...

નવા વર્ષ 2019માં ગુજરાતના મુખ્યમંત્રીએ કરવા જેવા કામ-- 1. શહેરોની ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાને કન્ટ્રોલ કરવી 2. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વધારીને માર્ગો પરનો ટ્રાફિક હળવો કરવો 3. માર્ગો પર મુંબઇ જેવી લેન સિસ્ટમનો ફરજીયાત અમલ 4. કલ્પસર, ગિફ્ટ અને ધોલેરા ઉપર ધ્યાન કેન્દ્રીત 5. શિક્ષણમાંથી ટ્યુશન પ્રથા નાબૂદ કરી શિક્ષણનું સ્તર સુધારવું જોઇએ 6. સરકારમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આકસ્મિક ચેકિંગ કરવું અનિવાર્ય છે 7. ખોરાકમાં થતી ભેળસેળ રોકવા કડક સજાનો કાયદો બનાવવો જોઇએ 8. સચિવાલયમાં રાજનેતાઓની બદલીની ભલામણો સદંતર બંધ કરવી 9. એજન્ટપ્રથાને દૂર કરી લાભાર્થી કે અરજદારને કામની સીધી જાણ કરવી 10. વિભાગો, જાહેર સાહસોમાં ફરિયાદ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવવી 11. ગુજરાત 12. સરકારની તમામ વેબસાઇટ સતત અપડેટ્સ હોવી જરૂરી છે 13. ખેડૂતોના પ્રશ્નો મોબાઇલ એપથી ઉકલે તેવી કાયમી વ્યવસ્થા 14. યુવાનોને સરકારી સાથે પ્રાઇવેટ નોકરીમાં મદદ કરવી જોઇએ 15. ગુના બનતા અટકાવવા ત્વરીત પોલીસ મોબાઇલ સિસ્ટમ 16. આખા વર્ષમાં 365 દિવસ વૃક્ષારોપણ 17. પ્રદૂષણ ઘટાડવા ઇકો ફ્રેન્ડલી વાહનોમાં ઇન્સેન્ટીવ 18. ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ 19. કરપ્શન કરતાં કર્મચારી કે ઓફિસરોને ફરજીયાત ઘેર બેસાડી પગાર-ભથ્થાં સહિતના સરકારી તમામ લાભ બંધ થાય તેવો કાયદો. રૂપાણી સરકાર જો આવનારા એક વર્ષમાં આટલા કામો કરે તો કોંગ્રેસની તાકાત નથી કે રૂપાણીને કોઇ હરાવી શકે. 2022માં કોંગ્રેસને ચૂંટણી જીતવી ભારે પડી શકે છે.

વસુંધરાને દિલ્હીમાં મોટી જવાબદારી મળશે...

રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા નવા ફોરેન મિનિસ્ટર બની શકે છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ તેમને રાજસ્થાનથી ટીકીટ આપી શકે છે. કેન્દ્રમાં જો એનડીએનું શાસન ફરી આવશે તો વસુંધરાને મહત્વનું પદ મળી શકે છે. પાર્ટીના સૂત્રો કહે છે કે વસુંધરા રાજે એ રાજસ્થાન વિધાનસભામાં ભાજપને હરાવ્યા પછી તેમને કેન્દ્રમાં લઇ જવામાં આવશે. આ અગાઉ પણ જ્યારે રાજસ્થાન ભાજપમાં મુખ્યમંત્રી પદને કારણે વિવાદ થયો હતો ત્યારે તેમને કેન્દ્રમાં લઇ જવાની અટકળો થઇ હતી કેમ કે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જાણતા હતા કે રાજસ્થાનમાં તેમના નેતૃત્વમાં જો ચૂંટણી લડાશે તો ભાજપ ફરીથી સત્તા પર આવી શકશે નહીં. જો તે વખતે તેમને કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હોત તો આજે રાજસ્થાનમાં ભાજપની સરકાર શાસન કરતી હોત. હવે તેમને ફરી એકવાર દિલ્હી લઇ જવાની અટકળો તેજ બની છે. જો એનડીએ એટલે કે મોદી સરકાર ફરીથી સેન્ટ્રલમાં આવશે તો તેમને ફોરેન મિનિસ્ટરનું પદ મળશે જે હાલ સુષ્મા સ્વરાજ પાસે છે. તેમણે થોડાં દિવસો પહેલાં જ લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી કેમ કે તેમની તબિયતના કારણે તેઓ ચૂંટણી લડવા માગતા નથી.

મોદી માટે વારાણસીમાં હાલ ધમાધમ ચાલે છે...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડવાના હોવાથી ભાજપની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. 2014માં નરેન્દ્ર મોદીની લીડ 3.71 લાખની હતી જે કોઇ નેતા તોડી શકે તેમ નથી પરંતુ એસપી અને બીએસપીનું ગઠબંધન થશે તો મોદીની લીડ ઘટી શકે છે. ગઇ ચૂંટણીમાં મોદીના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ હતા. વારાણસીનો ઇતિહાસ જોઇએ તો 1952માં કોંગ્રેસના ઉમેદવાર રધુનાથસિંહ વિજેતા થયા હતા. તેઓ 1957 અને 1962માં પણ વિજયી થયા હતા. વિજયની તેમની હેટ્રીક હતી. 1967માં કોમ્યુનિસ્ટ પાર્ટીના સત્યનારાયણસિંહ અને 1971માં રાજારામ શાસ્ત્રી વિજયી બન્યા છે. 1991 પછી ચિત્ર ફરી ગયું હતું અને તે વર્ષમાં ભાજપના શાસ્ત્રી ચંન્દ્ર દિક્ષિત ચૂંટણી જીત્યા હતા. 1996, 1998 અને 1999માં ભાજપના શંકર પ્રસાદ જયસ્વાલ સતત ત્રણ ટર્મ સુધી વિજેતા રહ્યાં હતા. 2004માં ફરી કોંગ્રેસના ઉમેદવાર રાજેશ કુમાર મિશ્રા વારાણસીમાં વિજેતા થયા હતા. 2009માં આ બેઠક પરથી ભાજપના મુરલી મનોહર જોષી વિજેતા થયા હતા અને 2014માં નરેન્દ્ર મોદી વિજયી બન્યા હતા. 2014માં નરેન્દ્ર મોદીને 581022 મતો મળ્યા હતા જ્યારે તેમના નજીકના પ્રતિસ્પર્ધી અરવિંદ કેજરીવાલને 209238 મતો મળ્યા હતા. મોદી આ બેઠક પર 371784 મતોની સરસાઇથી વિજેતા થયા હતા.એક તરફ ગુજરાતના નવસારીના સંસદસભ્ય સી આર પાટિલ વારાણસીમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની દેખરેખ રાખી રહ્યાં છે. આ ઉપરાંત ગાઝીપુરના સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ચાંદોલીના સંસદસભ્ય મહેન્દ્ર નાથ પાંડેય પણ વારાસણીમાં સક્રીય છે. ઉત્તર પ્રદેશ માટે નવા ચૂંટણી સહ પ્રભારી દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિત્રા પણ પોત પોતાની યોજનાઓ સાથે અહીં સક્રિય છે. કહેવાય છે કે ઉત્તરપ્રદેશની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે ગોરધન ઝડફિયાનું કુર્મી જાતિ પર મોટું પ્રભુત્વ છે.

ગુજરાત કેડરના અધિકારીને નવું પોસ્ટીંગ મળશે...

ગુજરાત કેડરના 1986 બેચના આઇએએસ અધિકારી ડો. ગુરૂપ્રસાદ મોહપાત્ર ભારતના સિવિલ એવિયેશનના સેક્રેટરી બની શકે છે. દિલ્હીમાં ચાલતી અટકળો પ્રમાણે મોહપાત્રને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલ તેઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. તેમના સમયમાં દેશમાં ઘણાં એરપોર્ટ બન્યા છે અને ઘણી ફ્લાઇટ્સ શરૂ થઇ છે. સિવિલ એવિયેશનના હાલના સેક્રેટરી આર.એન. ચોધરી 1લી ફેબ્રુઆરીના રોજ વયનિવૃત્ત થાય છે ત્યારે કેન્દ્રમાં થનારા રિસફલમાં ગુરુપ્રસાદને નવો હોદ્દો મળી શકે છે. બીજી તરફ જેમનું ડેપ્યુટેશન થયું છે તેવા ગુજરાત કેડરના બીજા ઓફિસર અને હાલ ગુજરાતના વેટ (જીએસટી) કમિશનર પી.ડી. વાઘેલાને સેન્ટ્રલમાં નિયુક્ત કરવામાં આવી શકે છે. કહેવાય છે કે ગ્લોબલ એવિયેશન સમિટનું આયોજન કરવામાં ગુરૂપ્રસાદનો મોટો ફાળો છે. આ સમિટ 15-16 જાન્યુઆરીએ મુંબઇમાં થવાની છે. ભારત સરકારે તેની મોબાઇલ એપ GAS 2019 પણ બનાવી છે. ગુરુપ્રસાદે પોલિટીકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન એમએસ યુનિવર્સિટીમાંથી કર્યું છે ત્યારબાદ તેમણે ઇન્ટરનેશનલ રિલેશનશીપમાં એમફીલ કર્યું છે. એમએસ યુનિવર્સિટીમાંથી જ તેઓએ પીએચડી કર્યું છે. ગુજરાત સરકારમાં 30 વર્ષનો અનુભવ છે એ દરમ્યાન તેમણે રાજ્યના ઘણાં બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવી છે. દિલ્હી જતાં પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ વર્ષ સુધી કમિશનર રહ્યાં છે.

પહેલીવાર વાયબ્રન્ટ વિનાનો પતંગ મહોત્સવ...

ગુજરાતમાં પહેલીવાર વાયબ્રન્ટ વિનાનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઇ રહ્યો છે. આ વખતનું આકર્ષણ એ છે કે આ પતંગ મહોત્સવ કચ્છના ઘોરડોના રણ ઉપરાંત નવનિયુક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધોલેરા ખાતે પણ યોજાશે. મુખ્ય મહોત્સવ અમદાવાદમાં રાખવામાં આવ્યો છે. રાજ્યમાં આ વખતે 6 થી 13 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ થવાનો છે. આ વખતે પતંગ મહોત્સવની સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થવાની નથી. પ્રવાસન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેવડિયા ખાતે 8મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે જેમાં દેશ-વિદેશના પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેશે. આ મહોત્સવ રાજ્યના શહેરો જેવા કે, રાજકોટ, વડોદરા, સુરત, સોમનાથ, ભાવનગર, દ્વારકા, જેતપુર, સોનગઢ, સાપુતારા અને ઘોરડો પણ યોજાશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ભાગ લેનાર દેશોમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, કેનેડા, થાઇલેન્ડ, ઇટાલી, એસ્ટોનિયા, કમ્બોડિયા, નેધરલેન્ડ, રશિયા, સ્વિત્ઝરલેન્ડ, યુક્રેન, ફિલિપાઇન્સ, વિયેતનામ, આર્જેન્ટિના, ચીન, તૂર્કી, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇઝરાયલ, ફ્રાન્સ, નાઇઝિરિયા, પોલેન્ડ અને દક્ષિણ કોરિયાના પતંગબાજોનો સમાવેશ થાય છે.

ફરી એકવાર બદલીઓની મોસમ આવે છે...

ગુજરાતના પોલીસ તંત્ર અને વહીવટી તંત્રમાં ફરી એકવાર બદલીઓની મોસમ આવી રહી છે. લોકસભાની ચૂંટણી દરમ્યાન ભારતનું ચૂંટણી પંચ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ઓફિસર કે કર્મચારીની બદલી કરાવે છે ત્યારે રૂપાણીએ અગાઉથી જ એવા કર્મચારી અને અધિકારીઓની બદલી કરવાનો આદેશ આપ્યો છે કે જેમને નોકરીમાં એક સ્થળે ત્રણ કે તેથી વધુ વર્ષ થયાં હોય તેમને બદલી નાંખવા. મુખ્યમંત્રી રૂપાણી આ કામગીરી પોલીસ તંત્રથી શરૂ કરી રહ્યાં છે. . રૂપાણીએ તાજેતરમાં કહ્યું હતું કે ગુજરાત સરકારમાં મહેસૂલ અને પોલીસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે, તેની સચિવાલયમાં અસર થઇ છે. રૂપાણીએ તો આવું બયાન પછી આપ્યું પરંતુ તે પહેલાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે તેમના વિભાગમાં ત્રણ વર્ષ થયાં હોય તેવા તમામ કર્મચારીઓના ટેબલ બદલી નાંખ્યા છે. કાશ, બીજા વિભાગો પણ આવા ત્વરિત પગલાં ભરે તો વહીવટી તંત્રમાંથી કરપ્શનનો સડો દૂર થઇ શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:34 am IST)
  • કાલે ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમીટીની બેઠક : દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે સાંજે ૪ વાગે બેઠક મળશેઃ ૧૮ અને ૨૨ માર્ચે પણ ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટિની બેઠક મળશેઃ તમામ બેઠકમાં નરેન્દ્રભાઇ હાજર રહેશે access_time 3:33 pm IST

  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST