Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સરકારી મહેમાન

ગુજરાતમાં 'સરપ્લસ' ફંડની જફા: AG કહે છે; નાણાં બેન્કોમાં મૂકો, સરકાર કહે GSFSમાં મૂકો

ચૂંટણી પૂર્ણ થઇ છે તેવા પાંચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ મોસ્ટ પોપ્યુલર છે : ડૂબવાના આરે આવેલી એક કંપનીએ ગુજરાતના બે મોટા પ્રોજેક્ટ્સને પણ વિલંબમાં નાંખ્યા છે : વૈશ્વિક સોલાર મિશનમાં ભારત પાંચમાક્રમે જ્યારે સોલાર હબ કહેવાતું ગુજરાત દેશમાં છઠ્ઠાક્રમે

ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ-કોર્પોરેશનના સરપ્લસ ફંડની જમા ઉભી થઇ છે. સરકારી કચેરીઓ, જાહેર સાહસો, સંસ્થાઓ અને સોસાયટીની વણ વપરાયેલી રકમ ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિઝ -જીએસએફએસ- માં મૂકવાનો રાજ્યના નાણા વિભાગે આદેશ તો કર્યો છે પરંતુ વિભાગોએ એવો ખુલાસો કર્યો હતો કે વધારાના ફંડના નાણાં અમે બેન્કમાં નહીં મૂકીએ તો ઓડિટર જનરલ - એજી- વાંઘા ઉઠાવે છે. જો કે આ ખુલાસાનું ખંડન કરતાં નાણા વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે સરપ્લસ ફંડ તમામ વિભાગો અને સરકારી કચેરીઓએ જીએસએફએસમાં મૂકવા અને એજીને લખીને કહેવું કે સરકારનો આદેશ છે તેથી અમે આ સરપ્લસ નાણાં બેન્કમાં મૂકતા નથી. નાણા વિભાગે કહ્યું છે કે જીએસએફએસમાં મૂકેલા નાણાંનું વ્યાજ બેન્કો કરતાં વધારે મળે છે. એ ઉપરાંત જમા રકમ ગમે ત્યારે ઉપાડવાની સુવિધા પણ મળે છે તેથી આવી સરપ્લસ રકમ જીએસએફએસમાં મૂકવામાં આવે. સરકારની વારંવારની સૂચનાનું પાલન થતું ન હોવાનું ધ્યાને આવતા નાણા વિભાગને ફરીથી આદેશ કરવો પડ્યો છે. કેટલાક કેસોમાં વિભાગોએ એજી ને જાણ કરી છે તેમ છતાં સરપ્લસ નાણાં બેન્કોમાં જમા કરાવ્યા છે તે સ્વિકાર્ય નથી. હવે આવું થશે તો જે તે જવાબદાર અધિકારી સામે પગલાં લેવામાં આવશે. નાણા વિભાગ દ્વારા એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે જે સરકારી વિભાગો, કચેરી, બોર્ડ-કોર્પોરેશન, ટ્રસ્ટ, મિશન, સંસ્થા કે ઇન્સ્ટીટ્યુટે તેમના સરપ્લસ નાણાં બેન્કોમાં જમા કરાવ્યા હોય તેની યાદી બેન્ક ડિટેઇલ સાથે નાણા વિભાગમાં રજૂ કરવાની રહેશે.

એક કંપનીએ બે પ્રોજેક્ટને મુશ્કેલીમાં મૂક્યાં છે...

કોઇપણ કંપની કે જે મહત્વશીલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી હોય તે માંદી પડે અથવા તો આર્થિક મુશ્કેલીમાં આવે ત્યારે પ્રોજેક્ટને માઠી અસર પહોંચતી હોય છે. એક કંપનીના કારણે ગુજરાતના બે મોટા પ્રોજેક્ટ- ગિફ્ટ સિટી અને મેટ્રોરેલ ને માઠી અસર થઇ છે જેની કબૂલાત પણ સરકારે કરી છે. ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝીંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીઝ (આઇએલ એન્ડ એફએસ) કંપનીની નાણાકીય મુશ્કેલીઓમાં વધારો થતાં ગિફ્ટ સિટીમાંથી કંપનીને રૂખસદ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે અમદાવાદ મેટ્રોરેલમાંથી પણ કંપનીને પડતી મૂકવામાં આવી શકે છે. આ કંપનીની પેટા કંપનીએ છેલ્લા બે મહિનાથી મેટ્રોનું કામ બંધ કરી દેતાં તેને નોટીસ આપવામાં આવી છે. મેગા-- કે જે મેટ્રોરેલની ઓથોરિટી છે તેણે નોટીસમાં જણાવ્યું છે કે કંપની કામ નહીં કરે તો બીજી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે. કહેવાય છે કે ઓક્ટોબર મહિનામાં પ્રોજેક્ટના સ્ટાફને પગાર મળ્યા પછી કામ અટકી ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તો ગિફ્ટ સિટીમાં આઇએલ એન્ડ એફએસની ઉપસ્થિતિ અંગે કહ્યું હતું કે- સરકાર આ કંપનીનો 50 ટકા હિસ્સો ખરીદી લેવાની તૈયારી કરી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ક્ષેત્રની આ કંપની પોતાના દેવું ચૂકવી શકે તેમ નથી. જેને કારણે અનેક મોટી બેન્કો સંકંટમાં આવી ગઇ છે. આ સાથે જ પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન ફંડમાં નાણાં રોકનારા સામાન્ય માણસોની પરસેવાની કમાણી દાવ પર લાગી ગઇ છે. કંપનીએ આશરે 90 હજાર કરોડની લોન ચૂકવવાની બાકી છે. આઇએલ એન્ડ એફએસ એક એવી કંપની છે, જેની 40 સહયોગી કંપની છે. આ એક નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની છે. આ કંપની બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે અને કંપની કોઇપણ સંપત્તિ ગિરવે રાખતી નથી અને માત્ર કાગળ પર લોન ભરપાઇ કરવાની ગેરંટી આપે છે.

મેટ્રોરેલના ત્રણ પ્રોજેક્ટનું ભાવિ અનિશ્ચિત છે...

ગુજરાતની ભાજપ સરકારની યોજના છે કે અમદાવાદ પછી ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતમાં મેટ્રોરેલની યોજના શરૂ કરવામાં આવશે, પરંતુ હકીકત એ છે કે 15 વર્ષ જેટલો લાંબો સમય પસાર થયો હોવા છતાં અમદાવાદની મેટ્રોરેલ હજી શરૂ થઇ શકી નથી. આ મેટ્રોરેલનો પ્રથમ તબક્કો 2019માં પૂર્ણ થવાની સંભાવના છે. આ તબક્કો પૂર્ણ થયા પછી સરકારની યાદીમાં ગાંધીનગર આવે છે. અમદાવાદની મેટ્રોરેલને ગાંધીનગર સુધી જોડી દેવામાં આવશે. ભારત સરકારે 2003ના વર્ષમાં મેટ્રોરેલ શરૂ કરવા માટે દેશભરના શહેરોની યાદી મંગાવી હતી પરંતુ ગુજરાતે તે સમયે મેટ્રોરેલની જગ્યાએ બીઆરટીએસ પસંદ કરી અને જયપુર માટે રાજસ્થાને મેટ્રો પસંદ કરી હતી. ગુજરાતે ફરીથી 2007માં મેટ્રોરેલ માટે દરખાસ્ત કરી હતી જેને કેન્દ્રની યુપીએ સરકારે મંજૂરી આપી દીધી હતી. રાજસ્થાન આગળ હોવાથી જયપુરમાં લોકો મેટ્રોમાં સફર કરી રહ્યાં છે પરંતુ અમદાવાદમાં હજી રાહ જોવી પડશે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મેટ્રોરેલ દોડાવવાના ઇરાદા 1999માં આપણે રાખ્યા હતા. ચાર વર્ષ જવા દઇએ તો પણ 15 વર્ષ થયા છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એવું વચન આપ્યું હતું કે અમદાવાદ મેટ્રોરેલની જેમ સરકાર રાજકોટ, સુરત અને વડોદરામાં પણ મેટ્રોરેલનો પ્રોજેક્ટ શરૂ કરશે. જો અમદાવાદ મેટ્રોની આ હાલત હોય તો બાકીના શહેરો માટે તો આપણે 2030 સુધી રાહ જોવી પડશે.

વિશ્વના સોલાર નકશામાં ભારત પાંચમાક્રમે છે...

સોલાર પાવર કેપેસિટીમાં આજે પણ ચીન નંબર વન છે. ચીનમાં 1.31 લાખ મેગાવોટ વીજળી સોલારથી ઉત્પન થાય છે. ચીન પછી અમેરિકાનો નંબર આવે છે. અમેરિકામાં 51000 મેગાવોટ વીજળી પેદા થાય છે. ભારતમાં સોલાર પાવર મિશન શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં દેશમાં કુલ 22000 મેગાવોટ વીજળી પેદા કરી શકાઇ છે. ગ્સોબલ ફોટોવોલ્ટીક માર્કેટના રિપોર્ટ પ્રમાણે વિશ્વના ટોપ ફાઇવ કન્ટ્રીમાં ચીન અને અમેરિકા પછી જાપાન (49000 મેગાવોટ), જર્મની (42000 મેગાવોટ), ભારત (22000 મેગાવોટ)નો ક્રમ આવે છે. ભારત સમગ્ર વિશ્વમાં પાચમાક્રમે આવે છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં આઠગણું સોલાર પાવરનું ઉત્પાદન થયું છે. ચાર વર્ષ પહેલાં માત્ર 2630 મેગાવોટ વીજળી પેદા થતી હતી પરંતુ છેલ્લા આંકડા પ્રમાણે 22,000 મેગાવોટને પાર છે. ભારતના 21 રાજ્યોમાં કુલ 41 સોલાર પાર્ક બનાવવામાં આવ્યા છે જેની કેપેસિટી 26144 મેગાવોટની છે. જો કે દેશમાં ગુજરાતને સોલાર હબ બનાવવાના સપનાં તૂટ્યાં છે, કારણ કે ગુજરાત કરતા બીજા પાંચ રાજ્યો સોલાર વીજળી પેદા કરવામાં અગ્રતાક્રમ ધરાવે છે. આ રાજ્યોમાં કર્ણાટકા, તેલંગાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ આવે છે. કહેવાતા સોલાર હબ ગુજરાતનો ક્રમ છઠ્ઠો છે.

સરકારમાં સોશ્યલ મિડીયાનો શુદ્ધ ઉપયોગ...

ગુજરાત સરકાર ઇચ્છે તો પણ સોશ્યલ મિડીયાનો સરકારની કચેરીઓમાં ઉપયોગ ઓછો થઇ શકે તેમ નથી. આ એક એવું વ્યસન છે કે જેના વિના કોઇપણ ઉંમરના વ્યક્તિને ચાલે તેમ નથી. સરકારે એક આદેશમાં પ્રતિબંધ નહીં પણ કેટલાક નિયંત્રણો મૂક્યાં છે, કેમ કે ફેસબુક, વોટ્સઅપ અને ટ્વિટર જેવા માધ્યમો બંધ કરવા અઘરાં છે. સરકારી અધિકારીઓ કર્મચારીની રજા, માહિતી, ફાઇલ, ડોક્યુમેન્ટ્સ, ફોટા અને ઓફિશિયલ વિડીયો શેરીંગ માટે વોટ્સઅપનો સહારો લેતા હોય છે. તેના કારણે સરકારી કામ માટે કર્મચારીઓને ધક્કા થતા નથી અને વહીવટી કામમાં ઝડપ આવે છે. સરકારમાં સોશ્યલ માધ્યમનો આ બહુ મોટો ફાયદો છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે તેમના વિભાગમાં ટ્વિટર એકાઉન્ટ બનાવવાની સૂચના આપ્યા પછી પ્રત્યેક જિલ્લા કલેક્ટર કચેરી ટ્વિટરનો ઉપયોગ કરતી થઇ ગઇ છે. ટ્વિટર પર પ્રશ્નો સાંભળે છે અને ત્વરીત નિરાકરણ લાવે છે. એટલે જ કહેવાય છે કે માહિતી મેળવવાના યુગમાં કોઇજગ્યાએ સોશ્યલ મિડીયા માટે પ્રતિબંધ મૂકી શકાતો નથી પરંતુ તેના પર નિયંત્રણ રાખી શકાય છે. કેટલાક રાજ્યોમાં અધિકારીઓ તેમના વિરોધીઓને ખુલ્લા પાડવા સોશ્યલ મિડીયાનો સહારો લેતાં જોવા મળ્યા છે જેથી ગુજરાત સરકારે પાણી પહેલાં પાળ બાંધી છે. સાવધાનની સૂચનામાં સરકારે કહ્યું છે કે સરકારી કામગીરીના કલાકો બગાડ્યા વિના સોશ્યલ મિડીયા જેવાં કે ફેસબુક, ટ્વિટર અને વોટ્સઅપ વાપરી શકાય છે, જો કે સત્તાવાર માધ્યમ તરીકે સરકારી ઇ-મેઇલ અને ટેલીફોન એ મુખ્ય પ્લેટફોર્મ રહેશે.

તમારો ફોન ટેપ થાય છે કે નહીં તે જાણવું છે...

તમારો મોબાઇલ ફોન ટેપ થતો હોવાની શંકા હોય તો તેનો ઉકેલ છે. તમારો ફોન ટેપ થાય છે કે કેમ તે શોધવું હોય તો રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ શોધી શકાય છે. આ માહિતી તમને ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી -ટ્રાઇ- આપી શકે છે. દિલ્હી હાઇકોર્ટે તેના એક ચૂકાદામાં કહ્યું છે કે ટ્રાઇ એ આવેદક તરફથી તેમના ફોનના સર્વેલન્સ અથવા ટ્રેકિંગની જાણકારી આપવી પડશે, કેમ કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડ પાસેથી પ્રત્યેક વ્યક્તિ માહિતી મેળવવાનો અધિકારી છે. અદાલતે તાજેતરમાં જે ચુકાદો આપ્યો તે મુજબ જો કોઈ પબ્લિક ઓથોરિટી પાસે આરટીઆઇ એક્ટ સેકશન હેઠળ પ્રાઈવેટ એકમ પાસેથી વ્યક્તિને તેમની જરૂરી માહિતી માંગવાનો અધિકાર છે અને તેમને તે અંગેની જાણકારી આપવી તે પબ્લિક ઓથોરિટીની ફરજ પણ છે. એટલે કે હવે કોઇપણ વ્યક્તિને એવી શંકા જાય કે તેનો ફોન ટેપ થાય છે અથવા સર્વેલન્સમાં મૂકવામાં આવ્યો છે તો તે આરટીઆઇ એક્ટ પ્રમાણે વિગતો માગી શકે છે. આ માહિતી આપવા માટે ટેલીફોનના સર્વિસ પ્રોવાઇડરો બંધાયેલા છે.

પાંચ પૈકી ચાર રાજ્યોમાં કોંગ્રેસ હોટ ફેવરિટ...

ભારતના પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ 11મી ડિસેમ્બરે આવવાનું છે ત્યારે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી અગાઉ થયેલા સર્વે પ્રમાણે પોપ્યુલારિટીનો ગ્રાફ કાઢવામાં આવ્યો હતો જે રસપ્રદ છે. છત્તીસગઢમાં ભાજપના વર્તમાન મુખ્યમંત્રી રમણસિંઘ છે, જેમની સામે અજીત જોગીને ઉતારવામાં આવ્યા છે. જો કે રમણસિંઘની પોપ્યુલારિટી 36.2 ટકા છે જ્યારે જોગીની માત્ર 20.1 ટકા છે.

મધ્યપ્રદેશમાં ભાજપના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે જેમની સામે કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉતાર્યા છે. શિવરાજસિંહનો ગ્રાફ 37.4 ટકા છે જ્યારે સિંધિયાનો 41.6 ટકા છે. રાજસ્થાનમાં ભાજપના વસુંધરા રાજે મુખ્યમંત્રી છે જેમની સામે કોંગ્રેસના સચિન પાયલોટ મુખ્યમંત્રી પદના દાવેદાર છે તેમને રાજ્યની જનતાએ 38.7 ટકા મત આપેલા છે જ્યારે વસુંધરાને માત્ર 22.7 ટકા મત મળેલા છે. તેલંગાણામાં ચંન્દ્રશેખર રાવ કે જે ટીઆરએસ પાર્ટીના છે તેમને 42.9 ટકા મળ્યા છે જ્યારે કોંગ્રેસના કે. જનારેડ્ડીને 22.6 ટકા મત મળ્યા છે. નાનકડા રાજ્ય મિઝોરમમાં કોંગ્રેસના લાલ થાન્હવાલાને 27.3 ટકા મતો મળેલા છે જ્યારે એમએમએફના ઝોરમથાંગાને 25.4 ટકા મતો મળ્યા હતા. પોપ્યુલારિટીની દ્રષ્ટિએ જોઇએ તો રમણસિંઘને બાદ કરતાં ચાર રાજ્યોમાં કોંગ્રેસના ઉમેદવારોને વધુ મતો મળ્યા છે પરંતુ કોંગ્રેસે આ નેતાઓને ઓફિસિયલ સીએમ કેન્ડિડેટ તરીકે જાહેર કર્યા નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:53 am IST)
  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • શેરબજારમાં તોફાની તેજી : સેન્સેકસ ૩૮૦૦૦ની ઉપર : શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે : બેંક-ઓટો-આઇટીમાં ધુમ લેવાલી : મોદી સરકારની વાપસીના એંધાણ વચ્ચે શેરબજાર સતત પાંચમાં દિવસે અપમાં છે : બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૩૩ પોઇન્ટ વધીને ૩૮૧૮૮ અને નીફટી ૧ર૭ પોઇન્ટ વધીને ૧૧૪૭ર ઉપર છે ડોલર સામે રૂપિયો ૬૯.૦૮ ઉપર ટ્રેડ કરે છે આઇસીઆઇસીઆઇ, ટાટા સ્ટીલ, નવકાર, જય કોર્પો.માં લેવાલી : નીફટીમાં એનટીપીસી, ઇન્ડસ બેંક, એરટેલ, યશ બેંક, સનફાર્મા તેજીમાં છે access_time 3:58 pm IST