Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સરકારી મહેમાન

રાજ્યમાં હોર્ટિકલ્ચર ક્રોપનું ફુલગુલાબી ચિત્ર: 16.70 લાખ હેક્ટરમાં 2.34 મે.ટન ઉત્પાદન

રહેઠાણ ઓછાં થતાં જંગલી પશુ અને પક્ષીઓ ઘરના દરવાજા સુધી આવે છે : આઠ વાયબ્રન્ટમાં 70 લાખ કરોડનું રોકાણ તો આવ્યું છે, હવે વધુ ક્યાંથી આવે : પાર્કિંગની સુવિધા હોય તો જ નવું વાહન ખરીદજો, નહીં તો દંડ ચૂકવવો પડશે

રાજ્યમાં હોર્ટિકલ્ચરમાં ફુલગુલાબી ચિત્ર ઉપસ્યું છે. 22 વર્ષ પહેલાં ગુજરાતમાં 4.80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હતું અને તેનું ઉત્પાદન 43.05 લાખ મેટ્રીક ટન હતું પરંતુ છેલ્લા વર્ષના આંકડા પ્રમાણે રાજ્યમાં 16.87 લાખ હેક્ટર વિસ્તારમાં હોર્ટિકલ્ચર પાકનું નું વાવેતર થાય છે અને ઉત્પાદન વધીને 2.34 કરોડ મેટ્રીક ટન થયું છે. ફ્રુટ પાકનો એરિયા 22 વર્ષ પહેલાં 1.29 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 23.26 લાખ મેટ્રીક ટનનું ઉત્પાદન થતું હતું પરંતુ છેલ્લા આંકડા પ્રમાણે ગુજરાતમાં 4.28 લાખ હેક્ટરમાં ફ્રુટનું વાવેતર થાય છે અને ઉત્પાદન વધીને 90.04 લાખ મેટ્રીક ટન થયું છે. શાકભાજીનો વાવેતર વિસ્તાર પહેલાં 1.21 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 17.26 લાખ મેટ્રીક ટન થતું હતું તે 22 વર્ષમાં વધીને અનુક્રમે 6.50 લાખ હેક્ટર સાથે 1.32 કરોડ મેટ્રીક ટન થયું છે. રાજ્યમાં મસાલા પાકોનો વાવેતર વિસ્તાર 2.30 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 2.55 લાખ મેટ્રીટ ટન થતું હતું જે વધીને અત્યારે 5.88 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે અને ઉત્પાદન વધીને 10.03 લાખ મેટ્રીક ટન થયું છે. ગુજરાતમાં ફુલોની ખેતી પણ વધી છે. 22 વર્ષ પહેલાં ગુજરાતમાં ફુલોનો વાવેતર વિસ્તાર નહીંવત હતો પરંતુ 2003માં તે પ્રથમવાર 5 હજાર હેક્ટર થયો હતો જેમાં 39 હજાર મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન નોંધાયું હતું. સર્વેના છેલ્લા વર્ષમાં ફુલ પાકનો વાવેતર વિસ્તાર 20 હજાર હેક્ટર થયો છે અને તેનું ઉત્પાદન વધીને 1.93 લાખ મેટ્રીક ટન થયું છે.

વાયબ્રન્ટના ટારગેટ પૂર્ણ કરવા કઠીન છે...

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સફર ન્યૂ ઇન્ડિયા સુધી પહોંચી છે. ગુજરાતનું અનુકરણ દેશના છ રાજ્યોએ કર્યું છે જેમાં તેમને કરોડો રૂપિયાના મૂડીરોકાણ મળ્યાં છે. 2002માં શાસનની શરૂઆત કરી મોદીએ ગુજરાતને ઔદ્યોગિકરણમાં આગળ વધારવાનું પ્લેટફોર્મ બનાવ્યું હતું અને 2003માં તેમણે પહેલી ઇન્વેસ્ટર્સ સમિટ કરી હતી. પહેલી સમિટમાં 80 એમઓયુ સાથે કુલ 66068 કરોડના મૂડીરોકાણ કરાર થયા હતા. દર બે વર્ષે થતાં વાયબ્રન્ટની આ સફરમાં છેલ્લે 2015માં 25 લાખ કરોડના મૂડીરોકાણ માટે એમઓયુ થયા હતા પરંતુ 2017માં બઘાંના આશ્ચર્ય વચ્ચે સરકારે મૂડીરોકાણના ફીગર જાહેર કર્યા ન હતા, કારણ કે અગાઉના વર્ષ કરતાં ઓછા કરાર થયા હતા. 2019માં પણ એવી સ્થિતિ છે, કેમ કે વૈશ્વિક મંદીનો માહોલ છે અને દેશો વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતે નક્કી કરેલા 30 લાખ કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવો લગભગ અશક્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ વિભાગોને આદેશ કર્યા છે કે વધુમાં વધુ મૂડીરોકાણને આમંત્રણ આપો પરંતુ ઉદ્યોગોની નાજૂક બનેલી સ્થિતિના કારણે ગુજરાતના ટારગેટ સફળ થઇ શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે સરકારે અત્યાર સુધીમાં યોજેલા આઠ વાયબ્રન્ટ સમિટમાં કુલ 70 લાખ કરોડના મૂડીરોકાણ માટે કરાર કર્યા છે.

લ્યો, હવે તો મોર માર્ગો પર આવી જાય છે...

ગીરના અભ્યારણ્યના સિંહો માનવવસતીમાં આવી જાય છે તે વાત તો બહુ જૂની છે પરંતુ હવે તો શહેરોના ભરચક વિસ્તારમાં પણ વન્ય પ્રાણીઓ ઘરમાં ઘૂસી જાય છે. સાબરમતી નદીમાં થઇને ગાંધીનગરના સચિવાલયમાં દિપડો ઘૂસી જાય છે. નીલગાય સેક્ટરોમાં ફરે છે અને લોકોના આવાસમાં પક્ષીઓ ઘુસીને ફ્ર્ટ કે અન્ય ખાદ્યસામગ્રી પર તરાપ મારે છે. ગાંધીનગરના બગીચામાં અને આસપાસના ખેતરોમાં જોવા મળતું રાષ્ટ્રીય પ્રાણી મોર હવે તો જાહેર માર્ગો પર આવી જાય છે. માનવીઓની વસતી વધે છે તેમ પ્રાણીઓ અને પક્ષીઓની વસતી પણ વધતી જાય છે, મુશ્કેલી એ છે કે માનવી તો આવાસ બનાવી લેતો હોય છે પરંતુ અબોલ પ્રાણી અને પક્ષીઓની વસાહતો નાબૂદ થતી જાય છે તેથી આવો સિલસિલો શરૂ થયો છે. ગાંધીનગરમાં એક સમયે મોરની ગણતરી કરવામાં આવી હતી ત્યારે માત્ર પ્રકૃતિ ઉદ્યાનમાં જ 1000 મોર ગણવામાં આવ્યા હતા. આ મોર હવે તો સચિવાલયના પ્રાંગણમાં પ્રવેશી ચૂક્યાં છે. મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો જ્યાંથી હેલીકોપ્ટર મારફતે પ્રયાણ કરે છે તે સચિવાલયના હેલીપેડ પાસે ઢગલો મોર જોવા મળે છે. એટલું જ નહીં પ્રધાનમંડળના સભ્યોના બંગલા વિસ્તારમાં રોડ પર મોર આવી જતા હોય છે. મોર માટે સંશોધકો કહે છે કે આ એવું પક્ષી છે જેને એક નહીં અનેક રાણી હોય છે. એટલે કે તે બહુપત્નિત્વ હોય છે. અબોલ જીવોના રહેઠાણો આપણે છીનવી લીધી છે ત્યારે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.

પાર્કિંગનું સ્થળ હોય તો જ વાહન ખરીદ કરજો...

ગુજરાતના શહેરોમાં બેકાબૂ બનેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે રાજ્ય સરકાર એકશન મોડમાં આવી છે. સરકારે પાર્કિંગ પોલિસી જાહેર કરી છે જેમાં નવી ગાડી ખરીદતાં પહેલાં પાર્કિંગ ક્યાં કરવાની છે તેની સાબિતી આપવી પડશે. તમારી સોસાયટીમાં જગ્યા નથી અને ગાડી બહાર પાર્ટ કરવી હશે તો દંડ ભરવો પડશે. ઓન સ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગના દરો પણ નક્કી કરવામાં આવી રહ્યાં છે. સરકાર તેની નવી યોજનામાં વાહનોના પાર્કિંગ માટે મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરી રહી છે. સરકારનું આ પગલું સરાહનિય છે પરંતુ ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે સેન્ટ્રલ મુંબઇ જેવી લેન સિસ્ટમ લાગુ નહીં થાય ત્યાં સુધી ટ્રાફિક જામના દ્રશ્યો ઓછા થઇ શકે તેમ નથી. ટ્રાફિક અને પાર્કિંગ એ ગુજરાતના શહેરો માટે ભારે પરેશાની ઉભી કરી છે. ટ્રાફિક જંકશનમાં હવે તો વાહનોની સાથે પદયાત્રી લોકોને પણ ફરજીયાત ઉભા રહેવું પડે છે. ગાંધીનગર જેવા શહેરમાં તો દ્વિચક્રી વાહનચાલકો ચાલવા માટેના ફુટપાથ પર વાહનો ચલાવી રહ્યાં છે. સરકારની પોલિસીનો જો કડકહાથે અમલ થાય તો આ સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે. ગુજરાતમાં 2.40 કરોડ નોંધાયેલા વાહનો છે એટલે કે સરેરાશ દર ત્રીજી વ્યક્તિએ એક વાહન છે. કુલ વાહનો પૈકી 1.50 કરોડ તો દ્વિચક્રી વાહનો છે.

મોદી સરકારનું આયુષ્ય વધારતી 19 યોજનાઓ...

ભારતની બિન ભાજપ પાર્ટીઓના મેળાવડા સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની 2019ની ચૂંટણીમાં એવી સ્ટેટેજી બનાવી છે કે જેના કારણે તેમની સરકારના આયુષ્યમાં વધારો થઇ શકે છે. ભાજપ એ ગરીબોની પાર્ટી છે તેવું બિરૂદ મેળવવાનો પ્રયાસ કરતા મોદીએ 10 કરોડ પરિવારોના 50 કરોડ લોકો માટે આયુષ્યમાન ભારતની યોજના લાગુ કરીને વિપક્ષોને ચોંકાવી તો દીધા છે પરંતુ તે સાથે મોદી સરકારની ક્લિન ઇન્ડિયા, બેટી બચાવો-બેટી પઢાવો, મુદ્રા, ફસલ બીમા યોજના, સુરક્ષા બીમા યોજના, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, સ્કીલ ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, જનધન યોજના, મેક ઇન ઇન્ડિયા મુખ્ય છે. એ ઉપરાંત મોદી પાસે ન્યૂ ઇન્ડિયાનો પ્લાન છે. ઉજાલા યોજના છે. 2022 સુધીમાં પ્રત્યેર માટે ઘર નું ઘર છે. ખેડૂતોની આવક ડબલ કરતી સ્ટેટેજી છે. યુવાનો માટે કૌશલ્ય વિકાસ યોજના, સ્ટાર્ટઅપ મિશન, લધુમતિ માટે નઇ મંઝીલ અને બાળકો માટે મિશન ઇન્દ્રધનુષ્ય જેવા મહત્વ ધરાવતા પ્રોજેક્ટ પણ છે. 2014માં સત્તા મેળવ્યા પછી મોદી સરકારે ચાર વર્ષમાં તેમની સરકારની યોજનાઓના પ્રચાર અને પ્રસાર પાછળ સત્તાવાર 4000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે ત્યારે હવે 2019ની ચૂંટણીમાં ભાજપે સોશ્યલ મિડીયા પર સરકારની વિકાસ યોજનાની જનજન સુધી પબ્લિસિટી કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પહેલાના છ મહિના મોદી માટે અત્યંત મહત્વના બની રહેશે તેવું લાગી રહ્યું છે. આ સઘળી યોજનાઓ મોદી સરકારના આયુષ્યને વધુ પાંચ વર્ષ વધારી શકે તેમ છે.

ટોલટેક્સની જફા: સરકાર ઉદાર છે, બાબુ નથી...

ગાંધીનગર થી સરખેજ જવું હોય તો માત્ર 30 કિલોમીટરનું અંતર કાપતાં એક કલાક લાગે છે પરંતુ હવે એવું નહીં થાય. હાલ ડગલે ને પગલે સ્પીડબ્રેકર અને ટ્રાફિક સિગ્નલ ધરાવતો આ રાજમાર્ગ સુપર ફાસ્ટ હાઇવે બની જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એસજી હાઇવે તરીકે ઓળખાતા આ માર્ગનું એક્સપાન્સન કરવાનું નક્કી કર્યું છે જેનો ખર્ચ 720 કરોડ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ તેના ખર્ચમાં વધારો થઇ શકે છે. આ મોડલ માર્ગ પર ટોલટેક્સ લેવાની ભલામણ આપણા સરકારી બાબુઓએ કહી હતી પરંતુ પોલિટીકલ નિર્ણયમાં ટોલટેક્સ લેવાની બાબતનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. એટલે કે આ સુપરફાસ્ટ માર્ગ પર ટોલટેક્સ નહીં લેવાય. કેન્દ્ર સરકારે જ નક્કી કર્યું છે કે આ હાઇવે પર કોઇ ટોલટેક્સ લેવામાં નહીં આવે. ગાંધીનગર થી સરખેજ જવું હોય તો હાલ એક કલાક જેટલો સમય લાગે છે જે અંતર ઘટીને 40 મિનીટનું થઇ શકે છે. હાઇવે પર પાંચ જગ્યાએ ફ્લાય ઓવરબ્રીજ બનાવવાનું આયોજન છે. જાણીને નવાઇ લાગશે કે આ માર્ગ પરથી પ્રતિદિન એક લાખ વાહનો અવર-જવર કરતા હોય છે, કારણ કે આ માર્ગ સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ છે.

યોગગુરૂ બાબા રામદેવ તો માર્કેટ ગુરૂ છે...

બાબા રામદેવ માર્કેટ ગુરૂ બની ગયા છે. ક્યારે કેવી રીતે શું વેચવું તે સારી રીતે જાણે છે. ભારતમાં તો ખેડૂતોને ગાયનું દૂધ 45 રૂપિયે લીટર વેચવામાં ફાંફાં પડી રહ્યાં છે ત્યારે બાબા રામદેવની પતંજિલ કંપની 90 રૂપિયે લીટર ગૌમૂત્ર વેચી રહ્યાં છે. આ ને કહેવાય કથીરમાંથી સોનું પેદા કરવું... આ કંપની લીમડાના પાનનું માર્કેટીંગ પણ સારી રીતે કરી જાણે છે. ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં જ દેશના ધનિકોની યાદી બહાર પાડી હતી જેમાં પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ 35500 કરોડ રૂપિયાના માલિક બન્યા છે. એક વર્ષમાં તેમની દોલતમાં બે ગણો વધારો થયો છે. બાબા રામદેવની આ કંપનીમાં બાલકૃષ્ણનો હિસ્સો 98.6 ટકા છે. આ કંપની હર્બલ, એફએમજીસી અને ટેક્સટાઇલ સહિતની અનેક પ્રોડક્ટ્સનો વેપાર કરે છે. આ ધનિક ભારતમાં 48 નંબરે અને વિશ્વમાં 274ના સ્થાને આવે છે. પતંજલિ આયુર્વેદની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. આ કંપનીમાં બે લાખ લોકો કામ કરે છે. આ કંપનીની રેવન્યુ 2010-11માં માત્ર 320 કરોડ રૂપિયા હતી જેમાં 2014 પછી ક્રમશ ત્રણ-ત્રણ ગણો વધારો થતો ગયો છે. આ કંપનીની રેવન્યુ 2017-18માં 1.7 બિલિયન ડોલર એટલે કે 12000 કરોડ હતી જે વધીને માર્ચ-2018માં 20 હજાર કરોડને ક્રોસ કરી રહી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:42 am IST)
  • ભાવનગરમાં ભારતીબેન શિયાળ, હિરાભાઇ સોલંકી સહિત દાવેદારોની ઉમેદવારી માટે રાફડો ફાટયો access_time 3:33 pm IST

  • સુપ્રિમ કોર્ટનો ચુકાદો શ્રીસંત પર BCCIનો પ્રતિબંધ રહેશે યથાવતઃ ક્રિકેટર શ્રીસંતની અરજી મુદ્દે સુપ્રિમનો ચુકાદો : શ્રીસંતને ક્રિકેટ રમવા પરનો આજીવન પ્રતિબંધ સુપ્રિમે હટાવ્યો : બીસીસીઆઈને શ્રીસંતનો પક્ષ સાંભળવા સુપ્રિમનો આદેશઃ શ્રીસંત પર બીસીસીઆઈનો પ્રતિબંધ રહેશે યથાવત access_time 11:28 am IST

  • કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક હવે ૧૭ માર્ચે મળશેઃ તારીખો ફરી access_time 11:26 am IST