Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સરકારી મહેમાન

ગુજરાતનું વહીવટી તંત્ર યુવાની તરફ: 23 IAS ઓફિસરો 2019માં વય નિવૃત્ત

હોલિવુડ પછી બોલિવુડમાં પ્રવેશેલી મી ટુ ઝૂંબેશ જો ગુજરાતમાં શરૂ થાય તો કોને વધુ અસર કરશે : નવમી ગુજરાત વાયબ્રન્ટ સમિટની થીમ યુવા ભારત અને યુવા ગુજરાત પર બનાવવામાં આવી છે : રાજનીતિમાં આત્મવિશ્વાસ જરૂરી છે, જો નહીં હોય તો ફેંકાઇ જશો-- આવું કોંગ્રેસને કોણ સમજાવશે?

રાજ્યના 23 આઇએએસ અધિકારીઓ 2019માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે જેમાં ચીફ સેક્રેટરી જે.એન.સિંઘનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના સિનિયર મોસ્ટ અધિકારીઓની વધુ એક ટીમ નિવૃત્તિના આરે છે, બીજી મોટી ટીમ 2020માં નિવૃત્ત થાય છે પરંતુ તે પછી રાજ્યમાં યંગ ઓફિસરોનો દબદબો રહેશે કારણ કે ગુજરાતના વહીવટી તંત્રમાં આઇએએસ અને જીએએસ કેડરમાં 75 ટકાથી વધારે ઓફિસરો યુવાન છે. ગુજરાતની બ્યુરોક્રેસી યુવાની તરફ સરકતી જાય છે. કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા હસમુખ અઢિયા આ વર્ષના નવેમ્બર મહિનામાં વયનિવૃત્ત થાય છે પરંતુ સૂત્રો કહે છે કે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીના વર્ષ 2019માં રાજ્યના વધુ 23 ઓફિસરો વય નિવૃત્ત થાય છે જેમાં-- રાજગોપાલ- જાન્યુઆરી, સી.એસ.ચોધરી- ફેબ્રુઆરી, વી.પી.પટેલ અને જે.ટી.અખાણી- માર્ચ, ડો. જે.એન.સિંઘ અને એસ.એલ.અમરાણી- મે, એ.એમ.તિવારી, વી.એ.વાઘેલા અને બી.કે.કુમાર- જૂન, એન.પી.ઠાકર, જે.કે.ગઢવી, આર.જી.ત્રિવેદી અને અમૃત પટેલ-  જુલાઇ, સંજય પ્રસાદ, જી.સી.બ્રહ્મભટ્ટ, એસ.કે.લાંગા અને એચ.જે.વ્યાસ- સપ્ટેમ્બર, લલીત પાડલિયા અને એસ.બી.પટેલ- ઓક્ટોબર, સુજીત ગુલાટી, પી.કે.ગેરા અને ગિરીશચંન્દ્ર મુર્મુ- નવેમ્બર તેમજ આર.જે.માંકડિયા- ડિસેમ્બરનો સમાવેશ થાય છે. રાજ્યની વધુ એક સિનિયર ટીમ નિવૃત્તિના આરે છે. સચિવાલયના સૂત્રો કહે છે કે જે.એન.સિંઘ મે મહિનામાં નિવૃત્ત થાય છે ત્યારે લોકસભાની ચૂંટણી ચાલતી હોવાથી તેમને પણ એક્સટેન્શન મળી શકે તેમ છે.

મી ટુ શબ્દસમૂહ એ મહિલાનું શસ્ત્ર છે...

ME TOO-- એ એક એવી બાબત છે કે જેનાથી રાજકીય નેતાઓ, ફિલ્મસ્ટાર્સ, ફિલ્મ નિર્માતા-નિર્દેશક, જાણીતા પત્રકારો અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓ થરથર કાંપે છે. મી ટુ ઝૂંબેશે હાલમાં વેગ પકડ્યો છે. એક પછી એક કિસ્સા સામે આવી રહ્યાં છે. આ ઝૂંબેશ આજકાલની નથી, 2006માં તે શરૂ થઇ હતી. તે સમયે જાણીતા સામાજીક કાર્યકર તારાના બૂર્કે દ્વારા જાણીતા ફિલ્મ વેઇન્સ્ટેઇન સામે જાતીય સતામણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે 2017માં જ્યારે અમેરિકન ફિલ્મ અભિનેત્રી એલીસા મિલાનો દ્વારા ટ્વિટર પર મી ટુ શબ્દસમૂહને જાણીતો બનાવવામાં આવ્યો હતો. મી ટુ ઝૂંબેશ પાછળનો હેતુ એવો છે કે દુકાન, ઓફિસ કે સંસ્થામાં કામ કરતી મહિલાઓની થતી જાતિય સતામણી સામે ઝૂંબેશ શરૂ કરી શકાય. હોલિવુડમાં મી ટુ ના કારણે જેમની સામે આંગળી ચિંધાયેલી છે તે તમામનો બહિષ્કાર થતાં તેમની કારકિર્દી પૂર્ણ થઇ છે. સંસ્કારી ઇમેજની ઘૂળધાણી થઇ જાય છે. આબરૂના આવરણ ઉતરી રહ્યાં છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર અને કંગના રનૌતે વિકાસ બહલની પટ્ટી ઉતારી છે. તારા સિરિયલની લેખિકા વિન્તી નંદાએ અભિનેતા આલોકનાથની સંસ્કારીનો ઢોળ ઉતારી દીધો છે. મહિલા કે યુવતિનું જાતીય શોષણ જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ માટે ટાઇમબોમ્બ સમાન છે. આ મી ટુ નો પ્રયોગ જો ગુજરાતમાં થાય તો જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓના જીવનના પડદા ઉતરી જાય તેમ છે. મુંબઇમાં હિરોઇન બનવા આવેલી યુવતિનું શોષણ થતું હોય તેવી સંખ્યાબંધ ફિલ્મો બોલિવુડમાં આવી છે પરંતુ અસલ જીંદગીમાં માત્ર અપવાદરૂપ કિસ્સામાં પર્દાફાશ થયો છે.

કોંગ્રેસના નેતાઓમાં આત્મવિશ્વાસ રહ્યો નથી...

ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી સત્તાવિહિન કોંગ્રેસના પ્રદેશ નેતાઓમાં ચૂંટણીમાં વિજયનો આત્મવિશ્વાસ દેખાતો નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જો લોકસભામાં 26 બેઠકો લાવવાનો ટંકાર કરતા હોય તો કોંગ્રેસના નેતાઓ કેમ માત્ર આઠ થી નવ બેઠકોનો દાવો કરી રહ્યાં છે, એનો સીધો અર્થ એવો થયો કે કોંગ્રેસના નેતાઓ તેમના આત્મવિશ્વાસમાં પણ પરાસ્ત થઇ ચૂક્યા છે. કોંગ્રેસના નેતાઓની સોચ કેટલી તળીયે છે તે તેમના દાવા કહી બતાવે છે. ભાજપે ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસ બેઠકોનો ટારગેટ રાખ્યો હતો ત્યારે ભાજપને 99 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસે એ સમયે 95 બેઠકોનો ટારગેટ રાખ્યો હતો. અનુભવથી જણાય છે કે નીચા ટારગેટ કોંગ્રેસને નુકશાન કરે છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર વિજય મેળવવાના ખ્વાબ અને દાવા સાથે નરેન્દ્ર મોદીએ 2014માં કોંગ્રેસના કબ્જામાં રહેલી નવ બેઠકો ઉપર નજર દોડાવી હતી. કોંગ્રેસ પાસે તે સમયે પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ,  જામનગર, આણંદ, ખેડા, દાહોદ, બારડોલી અને વલસાડ બેઠક હતી. આ બેઠકોમાં આવતા વિધાનસભા મતવિસ્તારોનો ભાજપે સર્વે કરાવ્યો હતો અને ભાજપે 26 બેઠકો કબજે કરી લીધી હતી. 2014માં ચૂંટણી પહેલાં ભાજપ પાસે લોકસભાની 17 બેઠકો હતી. કેશુભાઇના શાસન વખતે થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26 પૈકી 23 બેઠકો મળી હતી તેથી મોદીને આ રેકોર્ડ તોડવો હતો અને 2014ની ચૂંટણીમાં મોદીએ તે રેકોર્ડ તોડી 26 બેઠકો મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ કહે છે કે અમને 26માંથી આઠ થી દસ બેઠકો મળશે. કોંગ્રેસના રાષ્ટ્રીય તેમજ પ્રદેશના નેતાઓ 10 થી વધુ બેઠકોનો અંદાજ પણ લગાવી શકતા નથી, કારણ કે તેમને તેમના ઉમેદવારો ઉપર વિજયનો વિશ્વાસ રહ્યો નથી.

બીટીટી કેમ ન આવ્યો?, સિંહા દૂર, બાબા મૌન...

ભારતમાં 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યાં હતા. કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ એક પ્રપોઝલ કરી હતી કે ઇન્કમટેક્સ અને સર્વિસ ટેક્સ સહિતના તમામ ટેક્સ નાબૂદ કરીને બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સ લાવવો જોઇએ. આ વિધાન સાથે બાબા રામદેવે પણ સૂર પુરાવ્યો હતો અને તેઓ એવું બોલી ગયા હતા કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી આવશે ત્યારે બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ કરશે. આ પછી ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ તેમના ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો ચોક્કસ આ દિશામાં વિચાર કરશે. હવે આ ભલામણ કરનારા લોકોને ભારતની પ્રજા શોધે છે, કારણ કે ભારતની જનતા વિવિધ પ્રકારના ટેક્સ અને સેસના ભારણમાં દબાતી જાય છે. બાબા રામદેવને હવે આવી બાબતોમાં રસ નથી, કેમ કે તેમણે તો તેમનો ગોલ સિદ્ધ કરી દીધો છે. 2014માં તત્કાલિન નાણામંત્રી યશવંતસિંહા કહેતા હતા કે ભાજપની સરકાર આવશે તો બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સ નાંખશે અને ઇન્કમટેક્સ દૂર કરશે, હવે તેઓ ભાજપથી દૂર જઇ રહ્યાં છે. બાબા રામદેવ તો ગાઇ વગાડીને કહેતા હતા કે ભાજપની સરકાર આવશે તો બીટીટી ફરજીયાત કરશે. આ બાબા પણ તેમના બિઝનેસના વિસ્તરણમાં ખોવાઇ ગયા છે. બીટીટીનો ફાયદો શું છે તેનો ખ્યાલ આપતાં એક અધિકારીએ કહ્યું કે બીટીટીના કારણે સરકારને ઇન્કમટેક્સમાંથી મળતી આવક કરતાં ત્રણ ગણી વધારે આવક મળી શકે છે. આ પગલાંથી ટેક્સચોરીનું દૂષણ દૂર થઇ જશે, કેમ કે પ્રત્યેક વ્યક્તિ બેન્ક ટ્રાન્ઝેક્શન કરતી હોય છે. જનધન યોજના પછી દેશમાં 90 ટકા લોકો પાસે બેન્ક એકાઉન્ટ છે જેનો સીધો ફાયદો સરકારને મળી શકે છે.

વધુ એક બદલાવ: GST પછી સ્ટેમ્પડ્યુટી...

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ -જીએસટી- પછી આખા ભારતમાં એક સમાન સ્ટેમ્પડ્યુટી રાખવામાં આવશે, એટલે કે ફાયનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ટેક્સના દરોમાં એકરૂપતા લાવવા સરકાર સ્ટેમ્પડ્યુટી એક્ટમાં બદલાવ કરી રહી છે. સામાન્ય રીતે શેર, ડિબેન્ચરની ખરીદી અને વેચાણ તેમજ પ્રોપર્ટીના સોદામાં સ્ટેમ્પડ્યુટીની જરૂરિયાત ઉભી થતી હોય છે. સરકારનો દાવો છે કે આ દર સમાન થતાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે. રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સ્ટેમ્પડ્યુટી એક્ટમાં બદલાવ કરીને તેને અંતિમ રૂપ આપ્યું છે. કેન્દ્ર સરકારમાં તૈયાર થયેલી દરખાસ્તને બિલના સ્વરૂપમાં સંસદના શિયાળુ સત્રમાં લાવવામાં આવશે. જો આ બિલ પસાર થશે તો દેશના તમામ રાજ્યોમાં સ્ટેમ્પડ્યુટીના દરો એકસમાન રહેશે. કેન્દ્ર સરકારે વચન આપ્યું છે કે એકસમાન દર થતાં રાજ્યોને સ્ટેમ્પડ્યુટીની આવકમાં કોઇ નુકશાન થશે નહીં.

મંદી અને ટ્રેડવોર છતાં મૂડીરોકાણના ઉંચા દાવા...

ગુજરાત સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓને વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ માટેના ટારગેટ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારનો દાવો છે કે અગાઉની વાયબ્રન્ટ સમિટ કરતાં વધુ એમઓયુ સાઇન નવમી વાયબ્રન્ટ સમિટમાં થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વખતે 30 લાખ કરોડ રૂપિયાની એમઓયુ સાઇન કરવા માગે છે પરંતુ વૈશ્વિક મંદી અને ટ્રેડવોરના સમયમાં આટલા ઉંચા મૂડીરોકાણના દાવા સફળ થાય તો નવાઇ પામવા જેવું હશે, કારણ કે ગુજરાતની જેમ બીજા રાજ્યોએ પણ મૂડીરોકાણ માટેના મેળા શરૂ કર્યા છે. હવે તો નાના રાજ્યો પણ આ દિશામાં ઉદ્યોગજૂથોને આમંત્રણ આપી રહ્યાં છે તેવા સમયમાં બીજા રાજ્યોમાંથી મૂડીરોકાણ ગુજરાત તરફ વાળવું અશક્ય જણાય છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ એક સમયે કહ્યું હતું કે- ભારતના રાજ્યો વચ્ચે મૂડીરોકાણની તંદુરસ્ત સ્પર્ધા થાય તે જરૂરી છે પરંતુ અહીં તો રાજ્યો વચ્ચે મૂડીરોકાણ અને ઉદ્યોગોને ખેંચવાની હોડ શરૂ થઇ છે. આ સ્પર્ધાને તંદુરસ્તીનું નામ અપાય તેમ નથી, કારણ કે ગુજરાતની જેમ બીજા રાજ્યો પણ મૂડીરોકાણ માટે ઉદ્યોગજૂથોને લાલચ અને પ્રલોભનો આપી રહ્યાં છે જે ગુજરાતની સરકાર આપે છે તેની સરખામણીએ વધારે લાલચ પેદા કરે તેવા છે. છત્તીસગઢ જેવું રાજ્ય ઉદ્યોગો માટે પહેલાં જમીન નક્કી કરે છે અને પછી ઉદ્યોગજૂથને આમંત્રણ આપે છે, જ્યારે ગુજરાતમાં પહેલા ઉદ્યોગોને આમંત્રણ આપી એમઓયુ સાઇન કરવામાં આવે છે અને પછી જમીન શોધવામાં આવે છે જેથી પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબ થાય છે. ગુજરાત સરકારે ઉદ્યોગો માટેના ધારાધોરણો બદલી વધારે પ્રેક્ટિકલ થવાની જરૂર છે. પ્રોજેક્ટના અમલીકરણ સુધીની ફોર્માલિટી ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે.

નવમા વાયબ્રન્ટ સમિટની થીમ મજેદાર છે...

લોકસભાની ચૂંટણી પહેલા યોજાઇ રહેલા ગુજરાત વાયબ્રન્ટ સમિટની થીમ આ વખતે મજેદાર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેના મહેમાન બનવાના છે તે નવમી સમિટમાં યંગ ઇન્ડિયા અને યંગ ગુજરાત પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. નવમી સમિટમાં એમએસએમઇ સેક્ટર અને સ્ટાર્ટઅપ મિશનને મેઇન ટારગેટ બનાવવામાં આવ્યું છે. ગુજરાતના યુવા ઉદ્યોગપતિઓ, યુવા રોકાણકારો અને યુવા વેપારીઓને વધારે મહત્વ આપવામાં આવશે. આ વખતે પહેલીવાર ટ્રેડીંગને સમાવવામાં આવ્યું છે. ગુજરાતના ચાર મુખ્ય શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના યુવા કનેક્ટ ફોરમ અનુસંધાને યુવાનોની સફળ બિઝનેસ ગાથા,. સફળ વ્યવસાય અને વેપાર સાહસિકો સાથે યુવાનોનો વાર્તાલાપ કરાશે. ગુજરાતની આ સમિટ 18 થી 20 જાન્યુઆરીએ યોજાવાની છે. આ સમિટમાં 125થી વધુ દેશોના પ્રતિનિધિઓને ઉપસ્થિત રહેવાના આમંત્રણ આપવામાં આવ્યા છે. આ સમિટમાં પાર્ટનર કન્ટ્રીની સંખ્યા વધીને 12 કરવામાં આવે તેવી સંભાવના છે. આ સમિટમાં પહેલીવાર ફ્લાઇંગ કાર એટલે કે ઉડતી ગાડી તેમજ ઇલેક્ટ્રોનિક વાહનો મહેમાનોનું આકર્ષણ બની રહેશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:42 am IST)