Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પુરૂષોતમ -સ્‍તવન

કર્તવ્‍ય પાલનને જીવનનું એક લક્ષ્ય બનાવો...!

દરીદ્રની સેવા કરીએ...

ધર્મનું બીજુ નામ છે. ફરજ અને કર્તવ્‍ય ધર્મ અને કર્મ એક જ વાત છે. ધર્મનો અર્થ શુધ્‍ધ રૂપે એ છે કે, તમે પોતાની જવાબદારીઓ સમજો. પોતાની ફરજો સમજો. અને કર્તવ્‍યોને સમજો.

ગીતામાં જ્ઞાનયોગ, કર્મયોગ, અને ભકિતયોગની ચર્ચા થઇ છે. આપણે આપણાં પ્રશ્નોનું સાચુ સમાધાન કરી શકીએ, તેનું નામ જ્ઞાનયોગ છે. તે આપણને એ જ શીખવે છે કે, આપણે આપણું વલણ બદલી નાખીએ. અને વિવેક બુધ્‍ધિનો વિકાસ કરીએ. જે દિવસે તમે જ્ઞાની બનશો તે દિવસે તમારૂં દુઃખ દૂર થઇ જશે.

ગીતાનો ઉદેશ જ એક રીતે કર્મયોગ છે. કર્મનો અર્થ એ છે કે આપણી ફરજો શું છે? ફરજ નિભાવવામાં આપણે કે પછી બીજાએ નુકસાન ભોગવવું પડે તો ભલે. અર્જુનને ભગવાન એ જ તો કહેતા હતાં. કે તારા કુટુંબીઓને નુકશાન પહોંચે છે તો ભલે પહોંચે આપણે સમાજની વ્‍યવસ્‍થાઓને ઉચિત રાખવા માટે જે વસ્‍તુની જરૂર છે તે કામ કેમ ન કરવું જોઇએ.

કર્તવ્‍યને પોતાનું સૌથી મોટું ગૌરવ, સૌથી મોટું માન અને સૌથી મોટી સફળતા માનીને ચાલવું જોઇએ.

દરેક વ્‍યકિતએ શ્રમશીલ થવું જોઇએ. કર્તવ્‍ય પરાયણ બનવું જોઇએ. તમારા સ્‍વભાવનો ભાગ એવી રીતે બનાવો કે જેમાં ફરજ અને કર્તવ્‍ય સૌથી ઉંચા હોય.

દિમાગનું બેલેન્‍સ જાળવી રાખવું એ વ્‍યકિત માટે મોટી સમજદારીની વાત છે.

આપણે અપેક્ષા રાખી હતી. તે ન મળ્‍યું. પણ આપણે પોતાના કર્તવ્‍ય તો પુરા કર્યા. ફરજનું તો પાલન કર્યુ. આ સ્‍વયં એટલા માટે મોટા ગૌરવની વાત છે કે આપણને તેની સરખામણીએ સફળતા મળી હોત તો પણ શું ? અને ના મળે તો પણ શું...?...!

પણ પોતાનું કર્તવ્‍ય પાલન તો કરવાનું જ. જો આને એક લક્ષ્ય બનાવી લઇએ તો પછી જે સ્‍થિતિમાં રહેવું પડે તેમાં આપણે પ્રસન્ન રહી શકીએ. આનંદમાં રહી શકીએ.

દરીદ્ર અને દર્દીની સેવા કરો જેને સેવાની જરૂર છે. તેની  ચાકરી કરો. તે દુઃખમાં હોય કે પછી વિપતિમાં હોય, ત્‍યારે તેની સેવા કરો.

પક્ષી અને પ્રાણીની સેવા કરો. દયા, સ્‍નેહ અને સહાનુભૂતિથી એમની સેવા કરો.

સેવા એ જ તો પ્રભુ પૂજા છે. અને બીજાની સેવા કરીને તમે ઇશ્વરની સેવાને પામો છો. આ જ તો એક સર્વોત્તમ ધર્મ છે... હે ! પ્રભુ ! અમને ઉદારતા, સમદર્શિતા, અને સમતા આપો.

શ્રધ્‍ધા, ભકિત, અને ડહાપણ આપો....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:24 am IST)