Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને પિનાકી મેઘાણીના માતુશ્રી કુસુમબેન નાનકભાઇ મેઘાણીનું અવસાન

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને પિનાકી મેઘાણીના માતૃશ્રી કુસુમબેન નાનકભાઈ મેઘાણીએ ૮૦ વર્ષની વયે ૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. પરિવારમાં પુત્ર પિનાકી મેઘાણી અને અમેરિકા સ્થિત તબીબ પુત્રી ડો. શેણી મેઘાણી છે. પ્રાધ્યાપક રહી ચૂકેલાં કુસુમબેન પુત્ર પિનાકી મેઘાણી અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'નાં સતત પથદર્શક રહ્યાં હતાં.

ઝવેરચંદ મેઘાણીની અધિકૃત અને માહિતીસભર વેબસાઈટ www.jhaverchandmeghani.com ના સંશોધન  માટે પિનાકીભાઈ સાથે ગુજરાત-રાજસ્થાનનો સઘન પ્રવાસ કર્યો હતો. દરેક કાર્યક્ર્મમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહે.  'મેઘાણીગાથા', 'કસુંબીનો રંગ' પુસ્તકો તેમજ 'ઘાયલ મરતાં મરતાં રે', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' મ્યુઝીક સીડીનાં સંકલનમાં પણ સવિશેષ પ્રેરણા આપી હતી. યુવાવસ્થામાં પતિ નાનકભાઈ મેઘાણી સંચાલિત રાજકોટ સ્થિત 'સાહિત્ય મિલાપ' ગ્રંથભંડારમાં પણ સક્રીય હતા.જે સમયે કન્યા કેળવણીનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે ભાવનગર ખાતે જન્મેલાં કુસુમબેન મેઘાણીએ એમ.એ. - બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. માતા લક્ષ્મીબેન અને પિતા ત્રિભુવનદાસ શાહની પ્રેરણાથી શાળા-કોલેજ દરમિયાન અભ્યાસ ઉપરાંત કલા અને રમતગમત ક્ષેત્રે પણ અનેક સિધ્ધિઓ હાંસલ કરી હતી. ૧૯૫૯માં દિલ્હીનાં તાલકટોરા ગાર્ડન ખાતે યોજાયેલ ઓલ-ઈન્ડિયા યુથ ફેસ્ટીવલમાં ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં પ્રાચીન રાસ-ગરબા-લોકગીતો ગુંજયાં હતાં. ભાવનગરની શામળદાસ કોલેજનાં ૧૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ દેશની ૩૭ યુનિવર્સિટીઓમાં લોક-નૃત્યમાં પ્રથમ ક્ર્મ પ્રાપ્ત કર્યો હતો. શામળદાસ કોલેજમાં જુનિયર બી.એ.માં ત્યારે અભ્યાસ કરતાં કુસુમબેન આ વિજેતા ટીમમાં શામેલ હતાં. દેશના પ્રથમ પ્રધાન મંત્રી પંડીત જવાહરલાલ નહેરુએ વિજેતા ટીમનું સન્માન કર્યું હતું. એન.સી.સી.માં બેસ્ટ કેડેટ તરીકે પણ પસંદગી પામેલા.

ત્રણ ટર્મ સુધી લોકસભાનાં સાંસદ રહી ચૂકેલા મોટા બહેન જયાબેન શાહની પ્રેરણાથી બચપણમાં આઝાદીની ચળવળમાં પણ રસ લેતા. નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર કુસુમબેનને પ્રાપ્ત થયો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(12:08 pm IST)