Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતિ પૂર્વે ડીસામાં જીવન - કવન અને ગીતોનો વિશેષ કાર્યક્રમ યોજાયો

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતિ પૂર્વે બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત કે. બી. અગ્રવાલ હાઈસ્કૂલ પ્રાંગણ ખાતે એમના જીવન-કવન અને ગીતોનો વિશેષ કાર્યક્ર્મ યોજાયો હતો. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ઉત્ત્।ર ગુજરાતમાં સહુપ્રથમ વખત આવા પ્રેરક કાર્યક્ર્મનું આયોજન ડીસાની અગ્રગણ્ય સંસ્થાઓ કરૂણા ભકિત પરિવાર, સહયોગ સેવા ટ્રસ્ટ અને હરિઓમ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા થયું હતું, જયારે સંયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું હતું.

પ્રથમ સત્રમાં લોકગાયક અભેસિંહ રાઠોડ (ભરૂચ), ઈતિહાસકાર-સંશોધક-લેખક ડો. પ્રદ્યુમ્ન ખાચર (જૂનાગઢ), પત્રકાર-સંશોધક-લેખક લલિત ખંભાયતા (અમદાવાદ) અને પિનાકી મેઘાણી (અમદાવાદ)એ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી. દ્વિતીય સત્રમાં મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને ઋષભ આહીરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. ઉદ્ઘોષક તરીકે ડો. તૃપ્તિબેન પટેલ અને પ્રહલાદભાઈ ઠક્કરએ સેવા આપી હતી.

ડીસા પંથકની શાળા-કોલેજનાં ૧૦૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આ સમગ્ર કાર્યક્ર્મને રસપૂર્વક માણ્યો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ડીસાના સાહિત્ય-પ્રેમી ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, ગુજરાત વેર-હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલભાઈ માળી, ડીસા નગરપાલિકાનાં પ્રમુખ શિલ્પાબેન માળી, લોકગાયક અભેસિંહ રાઠોડ, ઈતિહાસકાર ડો. પ્રદ્યુમ્ન ખાચર, પત્રકાર લલિત ખંભાયતા, આયોજક સંસ્થા કરૂણા ભકિત પરિવારના પ્રમુખ ભરતભાઈ ઠક્કર (ભાગ્યશાળી), સહયોગ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રહલાદભાઈ ઠક્કર, હરિઓમ એજયુકેશન ટ્રસ્ટના નિયામક નટુભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ હાપુજી ગેલોત, અગ્રણીઓ વાલજીભાઈ ઠક્કર, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મહેશભાઈ દવે, દિલીપભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ અને કમલેશભાઈ ઠક્કર, ડીસા જનરલ હોસ્પીટલના અધિક્ષક ડો. અરવિંદભાઈ પરમાર, તબીબો ડો. નવીનકાકા શાહ, ડો. વર્ષાબેન-ડો. પ્રવીણભાઈ શાહ અને ડો. એસ. ટી. કોટક, લેખકો કનુભાઈ આચાર્ય અને ભગવાનદાસ ઠક્કર (બંધુ), નાયબ ડીઈઓ (ગાંધીનગર) ભરતદાન ગઢવી, શિક્ષણ-જગતમાંથી ડો. છગનભાઈ પટેલ, પ્રા. પાઠક, મફતલાલ મોદી, નાથાભાઈ બ્રહ્મક્ષત્રીય, એચ. કે. દવે અને હર્ષદબા જાડેજા, અખિલ ગુજરાત દરજી સમાજના પ્રમુખ હાથીભાઈ વાઘેલા, ક્ષત્રીય સમાજના યુવરાજસિંહ જાડેજા (ગાંધીનગર), નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા (રાજકોટ) સહિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વભરમાં વસતાં ૩૫૦૦૦૦ જેટલાં ગુજરાતીઓએ આ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો.                           

નવી પેઢી ગુજરાતી સાહિત્ય-લોકસાહિત્યનાં વાંચન માટે પ્રેરિત થાય તે માટે મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શન તથા વિશેષ વળતરથી વેચાણનું આયોજન કરાયું હતું. જરૂરીયાતમંદ દર્દી માટે આરામ-બેડ, હવાનું ગાદલું, પાણીનું ગાદલું, વ્હીલ-ચેર, વોકર, ટોયલેટ-સીટ વગેરેનો સેટ કરૂણા ભકિત પરિવારને આ અવસરે એક સેવાભાવી તબીબ તરફથી ભેટ તરીકે પ્રાપ્ત થયો હતો. ૧૯૮૮-૮૯માં અરૂણાચલથી ઓખા સુધીની ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક 'ભારત જોડો' સાયકલ-યાત્રાના રાજકોટ-નિવાસી સાયકલ-વીર રાજેશ ભાતેલીયાનું અભિવાદન કરાયું હતું. ઉપસ્થિત સહુ માટે સાત્વિક ભોજનની સુંદર વ્યવસ્થા આયોજકોએ કરી હતી. કાર્યક્ર્મનાં સ્થળ માટે હરિઓમ એજયુકેશન ટ્રસ્ટ અને તેનાં પ્રમુખ રમેશભાઈ અગ્રવાલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. વિવિધ સેવાકીય કાર્યોમાં કાર્યરત કરૂણા ભકિત પરિવારના સ્થાપક ભરતભાઈ ઠક્કર (ભાગ્યશાળી) અને સાથીઓએ ૫૦ જેટલી શાળા-કોલેજની મુલાકાત લઈને ૨૦૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓને આ કાર્યક્ર્મ વિશે જાણકારી આપી હતી.

૯ માર્ચ ૧૯૪૭ના રોજ માત્ર ૫૦ વર્ષની વયે આ દુનિયા છોડી ગયેલા ઝવેરચંદ મેઘાણી વધુ જીવ્યા હોત તો ઉત્ત્।ર ગુજરાતમાં પરિભ્રમણ, સંશોધન કરીને તેનાં મૂલ્યવાન લોકસાહિત્ય-લોકસંસ્કૃતિને સવિશેષ ઉજાગર કર્યાં હોત તેવી લોકલાગણી રહી હતી.

આલેખન : પિનાકી નાનકભાઇ મેઘાણી,

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(9:41 am IST)