Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સરકારી મહેમાન

દેશના વડાપ્રધાનના ઇતિહાસમાં પણ કોંગ્રેસે સ્થાન ગુમાવ્યું, 14 પૈકી માત્ર છ PM આપ્યાં

કોંગ્રેસના એ ત્રણ સિંહ અને આજના બે સિંહ: નામમાં સિંહ નહીં, કર્મથી સિંહ બનાય તો સત્તા આવે: જે શહેરની રચના દિલ્હી-મુંબઇ કોરિડોરમાં થઇ હતી તેનો સંપૂર્ણ શ્રેય હરગોવિંદ મેવાડાને જાય છે : ગુજરાતના ત્રણ સંવેદનશીલ મંત્રીઓ: કાશ, આજે આવા મંત્રીઓ હોય તો સરકારને ચાર ચાંદ લાગે

15મી ઓગષ્ટ-1947 થી અત્યાર સુધીમાં સત્તાસ્થાને આવેલા (કાર્યવાહક ગુલઝારીલાલ નંદા સિવાય) ભારતના 14 વડાપ્રધાન પૈકી ભાજપના બે સહિત કુલ આઠ વડાપ્રધાન બિન કોંગ્રેસી રહ્યાં છે, જેમાં મોરારજી દેસાઇ પહેલા એવા વડાપ્રધાન હતા જેઓ જનતા પાર્ટીમાંથી આવતા હતા. તેઓ ગુજરાતી હતા. ફેબ્રુઆરી મહિનાની 29મી તારીખે જન્મેલા ‘નસીબદાર’ એવા આ નેતા ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને છઠ્ઠા વડાપ્રધાન હતા. તેમનો કાર્યકાળ 1977 થી 1979 સુધીનો હતો. ભારત રત્ન અને નિશાન-એ-પાકિસ્તાન એવા બે ખિતાબ તેમને મળી ચૂક્યાં છે. તેઓ વલસાડ જિલ્લાના ભદેલી ગામના વતની હતા. અંગ્રેજોની નોકરી છોડીને આઝાદીની જંગમાં જોડાયા હતા. સ્વ.મોરારજી દેસાઇ પછી જનતા પાર્ટીમાંથી ચૌધરી ચરણસિંઘ વડાપ્રધાન બન્યા હતા. એ ઉપરાંત જનતાદળમાંથી વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંન્દ્રશેખર, એચ.ડી.દેવગૌડા અને ઇન્દ્રકુમાર ગુજરાલ તેમજ ભાજપમાંથી અટલ બિહારી વાજપેયી બે વખત વડાપ્રધાન પદ પર રહ્યાં છે. ઇન્દિરા ગાંધી, વાજપેયી અને ડો. મનમોહનસિંહ એ ત્રણ નામ એવાં છે કે જેઓ દેશમાં બે બે વાર વડાપ્રધાન બની શક્યા છે પરંતુ હવે તેમાં નરેન્દ્ર મોદીનું નામ જોડવું પડે તેમ છે, કેમ કે નરેન્દ્ર મોદી 2014 થી 2019માં પાંચ વર્ષ પૂર્ણ કરી ફરી એકવાર પાંચ વર્ષ માટે વડાપ્રધાન બન્યા છે. દેશનું વડાપ્રધાન પદ ઉત્તર પ્રદેશની મોનોપોલી જેવું હતું પરંતુ છેલ્લી બે ટર્મથી દેશને નરેન્દ્ર મોદીના નામે ગુજરાતી વડાપ્રધાન મળી રહ્યાં છે. કોંગ્રેસમાં હવે પૂર્વ વડાપ્રધાનની સંખ્યામાં ઘટાડો થયો છે, કારણ કે 14 પૈકી માત્ર છ વડાપ્રધાન કોંગ્રેસ આપી શક્યું છે જ્યારે બિન કોંગ્રેસી પાર્ટીઓએ દેશમાં આઠ વડાપ્રધાન આપ્યાં છે.

ગુજરાતના કૈલાસનાથન મોદીની ટીમમાં જઇ શકે છે...

ગુજરાતના ચીફ સેક્રેટરી ડો. જેએન સિંઘ ને છ મહિનાનું એક્સટેન્શન મળ્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથનની નિયુક્તિ નવી દિલ્હીમાં થાય તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરાલાની મુલાકાત લીધી ત્યારે તેમણે કૈલાસનાથનને મુલાકાતની વ્યવસ્થા માટે અગાઉથી કેરાલા મોકલ્યા હતા. સચિવાલયના સૂત્રો કહે છે કે કૈલાસનાથન ટૂંક સમયમાં દિલ્હી જઇ શકે છે. તેમની ખાલી પડેલી જગ્યાએ સરકાર કોને નિયુક્ત કરે તેની ચર્ચાઓ ચાલી રહી છે, જો કે કૈલાસનાથન કેન્દ્ર સરકારમાં ક્યારે નિયુક્ત થશે તે નિશ્ચિત નથી. હાલ તેમની ફરજ કેન્દ્ર અને ગુજરાત સરકાર સાથે તાલમેલ બનાવવાની છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે કૈલાસનાથનને ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ આનંદીબહેન પટેલના શાસનમાં પણ આ પદ પર હતા અને વિજય રૂપાણીની પહેલી ઇનિંગ્સમાં પણ તેઓ આ પદ પર હતા. આજેપણ તેઓ આ પદ પર ચાલુ છે.  કૈલાસનાથનને ડિસેમ્બર 2017માં બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવેલું છે અને તેઓ ડિસેમ્બર 2019માં નિવૃત્ત થશે. 1979 બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી કૈલાસનાથન જૂન 2013માં મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી નિવૃત્ત થયા હતા, ત્યારબાદ નરેન્દ્ર મોદીએ તેમને ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીની નવી ક્રિયેટ કરેલી જગ્યાએ નિયુક્તિ આપી હતી.

પીએમઓમાંથી પીકે મિશ્રાને હવે આરામ મળી શકે છે...

ગુજરાત કેડરના એક આઇએએસ ઓફિસર પીકે મિશ્રા કે જેઓ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરીના હોદ્દા પર ફરજ બજાવે છે. મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પીકે મિશ્રાને 2014માં દિલ્હી લઇ ગયા હતા. તેઓ 1972ની બેચના આઇએએસ ઓફિસર છે. ઇકોનોમિક્સમાં તેમણે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી કર્યું છે. મિશ્રા ગુજરાતમાં રેવન્યુ અને એગ્રીકલ્ચરમાં એડિશનલ ચીફ સેક્રેટરી હતા. તેમણે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રટેરી તરીકે પણ હોદ્દો સંભાળ્યો છે. વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા નૃપેન્દ્ર મિશ્રા 74 વર્ષના છે અને 2014માં તેઓને પીએમઓમાં નિયુક્તિ મળી હતી પરંતુ વધતી ઉંમરના કારણે તેમને હવે બદલવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાત કેડરના પીકે મિશ્રા હજી 70 વર્ષના છે. તેઓ શક્તિશાળી ઓફિસર છે અને મોદીના ભરોસેમંદ છે. મિશન ગંગામાં તેમનો રોલ મોટો છે. પીએમઓના સૂત્રો કહે છે કે પીકે મિશ્રા ને પણ હવે આરામ આપવામાં આવી શકે છે. તેમના સ્થાને ગુજરાત કેડરના બીજા કોઇ ઓફિસરને ડેપ્યુટ કરવામાં આવે તેવી અટકળો તેજ બની છે. આ જગ્યા પર ગુજરાતમાંથી જો પદ સ્વિકાર કરે તો ડો. મંજૂલા સુબ્રમણ્યમ, સુધીર માંકડ અને ડી. રાજગોપાલન જેવા અધિકારીઓના નામ ચર્ચાય છે.

સિંહ હોવાથી સત્તા મળી જતી નથી: જુઓ કોંગ્રેસને...

ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રી કક્ષાના ઉમેદવારોની મોટી ખોટ પડી છે. હાલના કોંગ્રેસના નેતાઓ સ્થાનિક કક્ષાનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેઓ તેમના જિલ્લા પુરતા લોકપ્રિય છે પરંતુ રાજ્યની જનતા જેમને સ્વિકારી શકે તેવા નેતાઓનો કોંગ્રેસમાં અભાવ છે. કોંગ્રેસ પાસે ત્રણ સિંહ હતા ત્યારે તેઓ ભાજપને હંફાવતા હતા. કોંગ્રેસમાં સૌથી વધુ શાસન કર્યું છે તેવા માધવસિંહ સોલંકી માસ લિડર રહ્યાં છે. તેમના પછી અમરસિંહ ચૌધરી માસ લિડર બન્યા હતા. પાર્ટીમાં રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા પણ માસ લિડર હતા. આ ત્રણ સિંહ ભાજપના જૂજ સભ્યોને વિધાનસભામાં અને ચૂંટણીના મેદાનમાં હંફાવતા હતા. આજે પણ માધવસિંહ સોલંકીએ વિધાનસભામાં જીતેલી 149 બેઠકોનો વિક્રમ ભાજપના નરેન્દ્ર મોદી કે અમિત શાહ તોડી શક્યા નથી. એક બાબત ચોક્કસ છે કે માધવસિંહ કરતાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વધુ સમય સુધી શાસન કર્યું છે. કોંગ્રેસમાં સિંહોનો બીજો તબક્કો 1995 પછી આવ્યો હતો. કોંગ્રેસ પાસે શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી જેવા માસ લિડર મોજૂદ હતા પરંતુ તેઓ ગુજરાતમાં કોંગ્રેસને સત્તા પર લાવી શક્યા નથી. કોંગ્રેસ પાસે શંકરસિંહ વાઘેલા પણ હતા પરંતુ કોંગ્રેસે તેમનો ઉપયોગ કરવાની જગ્યાએ તેમની સામે શંકાની નજરે જોવાનું શરૂ કર્યું આખરે શંકરસિંહે કોંગ્રેસને તિલાંજલિ આપી દીધી. આ ત્રણ સિંહ પાર્ટી પાસે હતા છતાં ગુજરાતમાં 1995 પછી કોંગ્રેસનું શાસન આવ્યું નથી. કોંગ્રેસના અગાઉના ત્રણ સિંહ સામે આ ત્રણ સિંહ શાસન અપાવવામાં વામણા પુરવાર થયા છે. શક્તિસિંહ અને ભરતસિંહે તો તેમના મતવિસ્તારમાં જનાધાર ખોઇ નાંખ્યો છે. પાર્ટીમાં કહેવાય છે કે સિંહ નામધારી હોવાથી સત્તા મળી જતી નથી, તેના માટે જનતાની વચ્ચે જઇને તનતોડ મહેનત કરવી પડે છે.

ગુજરાત પાસે સંવેદનશીલ મંત્રીઓ પણ હતા...

ગુજરાત પાસે પણ સંવેદનશીલ મંત્રીઓ હતા. કોંગ્રેસની ચીમનભાઇ પટેલની સરકારમાં ઉર્વિશીદેવી પ્રવાસન વિભાગના એવા મંત્રી હતા કે એક દિવસ તેમણે ટુરિઝમનો કચ્છ મહોત્સવ કર્યો હતો. એ સમયે આ મહોત્સવમાં એટલું મોટું કૌભાંડ થયું કે અખબારોએ પાના ભરીને લખ્યું કે કચ્છનો મહોત્સવ કૌભાંડ મહોત્સવ બની ગયો છે. ઉર્વશીદેવીને લાગી આવ્યું અને તેમણે ત્વરીત ગતિએ તેમના હોદ્દાનું રાજીનામું મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલને આપીને મહોત્સવની તપાસ શરૂ કરવા કહ્યું હતું. બીજા એક મંત્રી કેશુભાઇની 1995ની સરકારમાં હતા. રાજકોટના ધારાસભ્ય અને બંદર વિભાગના મંત્રી ઉમેશ રાજ્યગુરૂને મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે જ્યારે મત્સ્યોદ્યોગ વિભાગ આપ્યો ત્યારે તેમણે રાજીનામું આપી દીધું હતું અને કેશુભાઇને કહ્યું હતું કે હું જન્મજાત બ્રાહ્મણ છું તેથી મત્સ્યોદ્યોગ વિભાગ મારે જોઇતું નથી. કેશુભાઇને ભૂલ સમજાતાં તેમણે ઉમેશ રાજ્યગુરૂને બંદર વિભાગનો હવાલો આપ્યો હતો. એવી જ રીતે માધવસિંહ સોલંકીની સરકારમાં સનત મહેતા નાણાં અને શ્રમ મંત્રી હતા. એક સમયે સચિવાલયમાં મંત્રીઓ પાસે ફાઇલોનો ઢગલો થઇ ગયો હતો. માધવસિંહે તમામ મંત્રીઓના પ્રવાસ રદ કરીને ફાઇલ નિકાલ કરવાની સૂચના આપી દીધી ત્યારે સનત મહેતાએ કહ્યું કે- સાહેબ, મારી પાસે કોઇ ફાઇલ પેન્ડિંગ નથી, બીજા કોઇ મંત્રીની બાકી હોય તે ફાઇલો મને આપી દો... સનત મહેતાની કામ કરવાની સ્ટાઇલ બઘાં કરતાં અલગ હતી. તેઓ અભ્યાસુ અને મહેનતું હતા. પોતાના વિભાગના કામોનો તાત્કાલિક નિકાલ કરી દેતાં હતા. સચિવાલયમાં ફાઇલોને તુમાર કહેવાય છે. પ્રત્યેક મુખ્યમંત્રી તેમની કેબિનેટમાં તુમાર નિકાલ ઝૂંબેશ ચલાવે છે. આપણને વિજય રૂપાણીની સરકારમાં સનત મહેતા જેવા મહેનતું મંત્રી હોત તો મંત્રીઓની ઓફિસમાં મહિનાઓ સુધી ફાઇલ પડી ન રહે.

અમિતભાઇ, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી 2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી 100 દિવસના તેમના શાસન પછી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તે સમયે ગુજરાતના અખબારો એવી નોંધ  કરતા હતા કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... આ વાક્ય એટલા માટે વપરાયું હતું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ટુરિઝમ સેક્ટરમાં ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચનને એમ્બેસેડર બનાવ્યા હતા. અમિતાભ બચ્ચને ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સ્થળોને પ્રમોટ કરવા માટે ટુરિઝમ કેમ્પેઇન શરૂ કરી શોર્ટ ફિલ્મો બનાવી હતી. આ કેમ્પેઇનને નરેન્દ્ર મોદીની સરકારે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... નામ આપ્યું હતું. ગુજરાતમાંથી ચૂંટાયા પછી મોદી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે 100 દિવસ વિતી ગયા હતા. હવે ગુજરાતના બીજા રાજકીય નેતા મોદી સરકારમાં ગૃહમંત્રી બન્યા છે. હવે તેમના માટે પણ કહેવાઇ રહ્યું છે કે-- અમિતભાઇ, તમે પણ કુછ દિન તો ગુજાતો ગુજરાત મેં... જો કે અમિત શાહ લોકસભામાં ચૂંટાયા પછી ગુજરાતની મુલાકાત લઇ ચૂક્યાં છે અને હવે ફરીથી આ મહિનામાં ગુજરાત આવી રહ્યાં છે. દેશનું સુકાન બન્ને ગુજરાતીઓના હાથમાં છે. એકના હાથમાં દેશનું વહીવટી તંત્ર છે તો બીજાના હાથમાં દેશની સલામતીની વ્યવસ્થા છે. અમિત શાહ માટે તો એવું કહેવાય છે કે તેઓ ગૃહમંત્રી માટે સર્જાયા છે, કારણ કે તેઓ જ્યારે ગુજરાતમાં મોદી કેબિનેટમાં હતા ત્યારે રાજ્યકક્ષાના ગૃહમંત્રીની ફરજ બજાવતા હતા અને હવે કેન્દ્રમાં પણ ગૃહમંત્રીની ફરજ તેઓ બજાવી રહ્યાં છે.

ગાંધીનગરમાં હરગોવિંદ મેવાડાનો રોલ શું હતો...

ગુજરાતના પ્રથમ ચીફ મિનિસ્ટર ડો.જીવરાજ મહેતાએ અમદાવાદથી 25 કિલોમીટર દૂર 5500 હેક્ટરમાં ગાંધીનગર બાંધવાની જાહેરાત કરી હતી પરંતુ તેમાં મહત્વનો રોલ અદા કર્યો હતો હરગોવિંદ મેવાડાએ, કે જેમણે ગાંધીનગરનો વિકાસ પ્લાન બનાવ્યો હતો. ગાંધીનગર માટે પસંદ કરાયેલા વિસ્તારમાંથી મુંબઇ-દિલ્હીનો હાઇવે પસાર થતો હતો. મુખ્યમંત્રીએ દૂરંદેશી વાપરીને સરકારી કર્મચારીઓના વ્યાપક વિરોધ છતાં ગાંધીનગરની રચના કરી હતી. જાન્યુઆરી-1965માં ગાંધીનગરના મુખ્ય ટાઉન પ્લાનર તથા આર્કિટેક્ટ તરીકે હરગોવિંદની પસંદગી કરવામાં આવી હતી, જે ચંદીગઢના ટાઉનપ્લાનર કોર્બુસિએના મદદનીશ રહી ચૂક્યા હતા. મેવાડા વડોદરાની કલાભવન ઇન્સ્ટીટ્યુટમાં આર્કિટેક્ચર ભણ્યા પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં આર્કિટેક્ટની તેમજ ઇલિનોઇસ યુનિવર્સિટીમાં ટાઉન પ્લાનિંગની માસ્ટર ડીગ્રી મેળવી હતી. આજના સિટીના પહોળા માર્ગો અને આયોજનબદ્ધ આવાસો તેમને આભારી છે. હકીકતમાં જોવા જઇએ તો દિલ્હી-મુંબઇના હાઇવે ઉપર વસેલું શહેર આજે આખા વિશ્વના નકશામાં કેદ થઇ ચૂક્યું છે. ગુજરાતના ગાંધીનગરના એક સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે તેમની બીજી ઓળખ ગાંધીનગર છે, કારણ કે તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ કરીને વિશ્વના ડિપ્લોમેટ્સ અને વૈશ્વિક ઉદ્યોગજગતના પ્રતિનિધિઓને આમંત્ર્યા હતા. હરગોવિંદ મેવાડાની એક ખાસિયત એ હતી કે તેઓ આગામી 10 થી 15 વર્ષ પછીનું પ્લાનિંગ કરતા હતા. ગાંધીનગરના માર્ગોની રૂપરેખા બની ત્યારે તેમાં તેમણે માર્ગોના ચાર રસ્તાઓ પર સિંગલ માર્ગના અંડરબ્રીજ કોંક્રીટથી ચણીને માટીથી ઢાંકી દીધા હતા. શહેરનો ટ્રાફિક વધે ત્યારે આ અંડરબ્રીજને ખોલીને તેનો ઉપયોગ કરવાનું તેમનું પ્લાનિંગ હતું. આ ઉપરાંત પ્રત્યેક સેક્ટરમાં બાગ-બગીચા, રંગમંચ અને બાળકો માટેની બાલકનજી બારી જેવા પ્રોજેક્ટ પણ લોંચ કર્યા હતા.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:44 am IST)
  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST