Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

૩-જૂન વર્લ્ડ બાઈસિકલ ડે

૧૯૮૮-૮૯માં અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કિ.મી. 'ભારત જોડો' સાયકલ-યાત્રામાં ગુજરાતમાંથી આઠ યુવક-યુવતીઓએ રાષ્ટ્ર-ભાવનાથી પ્રેરાઈને ભાગ લીધો હતો

(૧)(૨)૧૯૮૮-૮૯: અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કિ.મી. 'ભારત જોડો' સાયકલ-યાત્રા (૩) (૪) ૨૦૧૮: 'ભારત ગૌરવ' સાયકલ યાત્રા, ચોટીલા

ચોટીલાઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ૨૦૧૮માં જૂન ૦૩થી 'વર્લ્ડ બાઈસિકલ ડે' તરીકે જાહેર કરાયો છે. આ અવસરે — આજથી ૩૦ વર્ષ પૂર્વે — ૧૯૮૮-૮૯માં અરૂણાચલથી ઓખા સુધી ૯૦૦૦ કિ.મી. 'ભારત જોડો' સાયકલ-યાત્રાનું યાદગાર સંભારણું અત્રે પ્રસ્તુત છે. પાંચ મહિનામાં ૧૫ રાજયોમાંથી પસાર થયેલી આ સાયકલ-યાત્રામાં દેશનાં ૮૭ યુવા ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતમાંથી આઠ યુવક-યુવતીઓ પણ રાષ્ટ્ર-ભાવનાથી પ્રેરાઈને જોડાયાં હતાં: રાજેશ ભાતેલીયા (રાજકોટ), વિજય ભારતીય (અમદાવાદ), વંદના ગોરસીયા (જૂનાગઢ, હાલ જામ ખંભાળીયા), નયના પાઠક (જામ ખંભાળીયા, હાલ રાજકોટ), પરીષા પંડ્યા (જામનગર), દેવેન્દ્ર ખાચર (સણોસરા-ચોટીલા), મુસ્તુફા કોટવાલ (રાજકોટ), સ્વ. મહેરાઝ મીરઝા (જેતલસર જંકશન). 'ભારત જોડો' યાત્રા દરમિયાન સાયકલ-યાત્રીઓ વહેલી સવારે ૪ વાગે જાગે. નિત્ય-ક્ર્મ પતાવીને પોતપોતાની સાયકલ લઈને સવારે ૬ વાગે તો નીકળી પડે. સૂર્યાસ્ત સુધી આશરે ૮૦-૧૦૦ કિ.મી.નો પંથ કાપે. પહાડી અને દુર્ગમ વિસ્તારમાં તો માંડ ૨૫-૩૦ કિ.મી. જ કાપી શકાય. પહાડ, જંગલ, નદી તેમનાં સંગી. હિંદી, અંગ્રેજી તથા સ્થાનિક ભાષામાં લખેલાં પ્રેરક સંદેશનાં પ્લે-કાર્ડ સાયકલ પર આગળ રાખે. રસ્તાની બન્ને બાજુ સ્વાગતમાં ઊભેલાં ગ્રામજનોનું અભિવાદન ઝીલતાં જાય. સ્થાનિક લોકો સાથે હળે-મળે, તેમની સાથે ગોષ્ઠી કરે તથા તેમની સંસ્કૃતિ, રીત-રીવાજો, કલા, સાહિત્ય, અને જીવન-શૈલી વિશે જાણે. ગ્રામજનો ભાવથી ભોજન કરાવે. તરસ લાગે ત્યારે વચ્ચે આવતાં નદી-ઝરણાંનું પાણી પણ પી લે. રાત્રે ગામમાં પડાવ થાય ત્યારે પણ મેળાવડો જામે. આમ ભરતભરનાં ભિન્ન-ભિન્ન પ્રદેશોનું વિરાટ દર્શનનો લ્હાવો આ સાયકલ-યાત્રીઓને મળ્યો. 'અનેકતામાં એકતા'નું સૂત્ર જાણે સાર્થક થયું હતું. ડો. એસ. એન. સુબ્બારાવજી, સ્વ. બાબા આમટેજી, સ્વ. યદુનાથજી થટ્ટે જેવા અગ્રણી સમાજ-સેવકોની પ્રેરણા અને માર્ગદર્શન આ સાયકલ-યાત્રીઓને ત્યારે પ્રાપ્ત થયું હતું.નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અંખડતા, ભાઈચારો, સમાનતા, સ્વચ્છતા, વ્યસનમુકિતની પ્રેરણા મળે તે આશયથી, ૨૦૧૮માં, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે પિનાકી મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા 'ભારત ગૌરવ' સાયકલ-યાત્રાનું આયોજન કરાયું હતું. પરિભ્રમણ માટે ઝવેરચંદ મેઘાણી સાયકલનો ઉપયોગ પણ કરતા જે ખાસ ઉલ્લેખનીય છે. મેઘાણી-ગીતોના વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડ, 'ભારત જોડો' સાયકલ-યાત્રાનાં સાયકલ-વીરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાવિકોની ઉપસ્થિતિ રહી હતી.'ભારત જોડો' સાયકલ-યાત્રાનાં સાયકલ-વીરો ૅં રાજેશ ભાતેલીયા, વિજય ભારતીય, વંદના ગોરસીયા, નયના પાઠક, પરીષા પંડ્યા, દેવેન્દ્ર ખાચર, મુસ્તુફા કોટવાલ, સ્વ. મહેરાઝ મીરઝાનું ગુજરાત સરકાર દ્વારા સન્માન થાય તેવી લોકલાગણી છે.

આલેખન  પિનાકી નાનકભાઈ મેદ્યાણી  * ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(2:14 pm IST)