Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

સરકારી મહેમાન

ગુજરાતના ચીફ સેક્રેટરી કોણ: જેએન સિંઘના એક્સટેન્સન વચ્ચે પાંચ IAS ઓફિસરો રેસમાં

વય નિવૃત્તિની મોસમ IPS ઓફિસરોમાં પણ છે પરંતુ IAS કેડર કરતાં ધીમી છે: હેલ્થ વિભાગની કચેરી સામે શાક બજારમાં પ્લાસ્ટીક બેગનો બિન્દાસ વપરાશ: એક પંડિતે કહ્યું હતું કે, જો ખેડૂતો દુખી હશે તો આપણે સુખી નહીં થઇ શકીએ

ગુજરાત સરકારમાં ચીફ સેક્રેટરી (વહીવટી વડા) નો તાજ કોને મળશે તેની ચર્ચાએ સચિવાલયમાં જોર પકડ્યું છે. ડો, જગદીપ નારાયણ સિંઘનું સ્થાન કોણ લેશે તેવા સવાલ પર પાંચ નામો સપાટી પર આવ્યા છે. રાજ્યના ચીફ સેક્રેટરી ડો. જેએન સિંઘ 31મી મે ના રોજ વયનિવૃત્ત થઇ રહ્યાં છે. એવું કહેવાય છે કે ગુજરાત સરકારની ભલામણના આધારે કેન્દ્ર સરકાર ડો. જેએન સિંઘ ને ત્રણ કે છ મહિનાનું એક્સટેન્શન આપી શકે છે. જો તેમ થાય તો સિનિયોરિટીમાં આવતા સુજીત ગુલાટી, પીકે ગેરા, સંજય પ્રસાદ અને ગિરીશચંદ્ર મુર્મુ માટે ચીફ સેક્રેટરી બની શકશે નહીં. આ સંજોગોમાં સિનિયોરિટી પ્રમાણે જો પસંદગી થાય તો ઓગષ્ટ 2020માં નિવૃત્ત થતા 1985 બેચના અનિલ મુકિમ અને એપ્રિલ 2020માં નિવૃત્ત થતાં અતનુ ચક્રવર્તીના ચાન્સ પ્રબળ બને છે, જો કે આ બન્ને ઓફિસરો દિલ્હીમાં ડેપ્યુટેશન પર છે તેથી ગુજરાતમાં પાછા આવવાની ખૂબ શક્યતા ઓછી છે છતાં તેમના નામની ચર્ચા સચિવાલયમાં ચાલી રહી છે. ગુજરાતમાં ફરજ બજાવતા ત્રણ બીજા ઓફિસરો આ પદ માટેની લાયકાત ધરાવે છે જેમાં 1984ની બેચના અરવિંદ અગ્રવાલ, 1985 બેચના પુનમચંદ પરમાર અને 1986 બેચના સંગીતાસિંઘના નામ અગ્રતાક્રમે ચર્ચાઇ રહ્યાં છે. આ ત્રણ ઓફિસરો 2020માં નિવૃત્ત થાય છે. ગુજરાતમાં ચીફ સેક્રટેરી પદની રેસમાં કોઇપણ ઓફિસર હોય, સરકાર ઇચ્છે તેને આ પદ પર બેસાડી શકે છે, કેમ કે ગુજરાતમાં ઘણીવાર એવું બન્યું છે કે સિનિયોરિટી નહીં પસંદગી જોવામાં આવી છે.

ગુજરાતના પોલીસ ઓફિસરો જવાની તરફ...

ગુજરાતના વહીવટી તંત્રમાં યુવાન ઓફિસરોની શરૂઆત થઇ છે તેમ પોલીસ ઓફિસરોમાં પણ યુવા ઓફિસરોએ કમાન સંભાળી છે. કહેવાય છે કે રાજ્યના 70 ટકા આઇએએસ ઓફિસરો યંગ છે તેમ 60 ટકા આઇપીએસ ઓફિસરો પણ યંગ છે. નિવૃત્તિને આરે આવેલા અધિકારીઓની જગ્યાએ નવા ઓફિસરોને પ્રમોશન મળી રહ્યાં છે અને નવા ઓફિસરોની નિયુક્તિ થઇ રહી છે. વહીવટી તંત્રમાં આવન-જાવન એ સદીઓથી શરૂ થયેલી પરંપરા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એપ્રિલ 2020 સુધી તેમના પદ પર કાયમ છે. બીજી તરફ 2019ના મે મહિનામાં એસએસ ત્રિવેદી અને એસએમ ખત્રી, જૂનમાં વીએમ પારગી, ઓગષ્ટમાં સતીષ કુમાર શર્મા અને ડિસેમ્બરમાં આરજે સવાણી નિવૃત્ત થાય છે. 2020ના વર્ષમાં રાજ્યના બીજા 10 આઇપીએસ અધિકારીઓ વયનિવૃત્ત થવાના છે જેમાં ફેબ્રુઆરીમાં પ્રવિણ ગોંદિયા, માર્ચમાં એકે જાડેજા અને આરએફ સંઘાડા, મે માં એકે સુરોલિયા, જૂનમાં ડીબી વાઘેલા અને ડીએન પટેલ, સપ્ટેમ્બરમાં એકે સિંઘ અને ઓક્ટોબરમાં એકે નિનામા નિવૃત્ત થઇ રહ્યાં છે. એક સર્વેક્ષણ પ્રમાણે ઓફિસરોની નિવૃત્તિની મોસમ આઇપીએસ કરતાં આઇએએસ કેડરમાં વધારે છે.

ગુજરાતમાં કોઇ ચીજનો પ્રતિબંધ નથી...

ગુજરાતમાં નશાબંધી છે પણ અમલ નથી. તમાકુ પર પ્રતિબંધ છે પરંતુ પકડનાર કોઇ નથી. પ્લાસ્ટીક બેગ પર પાબંધી છે પરંતુ આરોગ્ય વિભાગ પાસે કર્મચારી નથી તેથી એવું કહી શકાય કે રાજ્યમાં કોઇ ચીજનો પ્રતિબંધ નથી. પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કર્યા પછી આરોગ્ય વિભાગમાં અમલ શરૂ નહીં થતાં ગાંધીનગરના શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટીકની બેગનો બિન્દાસ વપરાશ થાય છે. અત્યંત પાતળી અને ઓછા માઇક્રોનવાળી બેગ વપરાઇ રહી છે જે આરોગ્ય માટે અતિ જોખમી છે. શહેરના સેક્ટર-21ના શાકભાજી માર્કેટમાં જેટલું પ્લાસ્ટિક વપરાતું હશે તેનાથી અનેક ગણું વધારે પ્લાસ્ટીક આરોગ્ય વિભાગની કચેરીની સામેના શાકભાજી બજારમાં વપરાય છે. રાજ્યને પ્લાસ્ટીક ફ્રી અને ટોબેકો ફ્રી કરવાની જાહેરાત મુખ્યમંત્રી તરફથી કરવામાં આવેલી છે પરંતુ આ બન્ને પ્રતિબંધોની ક્યાંય અસર નથી. જ્યાંથી ગુજરાતના કાયદા બને છે ત્યાં જ આ બન્ને પ્રતિબંધનો વેપારીઓ ભંગ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગના એક અધિકારીને પૂછતાં તેમણે કહ્યું હતું કે-- પ્રતિબંધ છે પરંતુ અમારી પાસે દરોડા પાડી શકે તેટલો સ્ટાફ નથી. આ બન્ને પ્રતિબંધનો ચુસ્ત અમલ થાય તે માટે રાજ્ય સરકારે વોલિયેન્ટર યુવક અને યુવતિઓની ટીમો દોડાવવી જોઇએ. ગુજરાતે આ બન્ને પ્રતિબંધોમાં સફળ થવું હશે તો પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના મોડલને અપનાવવું પડશે.

લોકશાહી દેશમાં બે પાર્ટી જ હોવી જોઇએ...

ભારતમાં સાત નેશનલ પાર્ટી છે જે પૈકી કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે. કોંગ્રસનો ઉદય 1985માં થયો હતો જ્યારે બીજા નંબરની મોટી પાર્ટી ભાજપ છે જેનો ઉદય 1980માં થયો હતો. દેશમાં 49 સ્ટેટ રેકગ્નાઇઝ્ડ પાર્ટીઓ છે જ્યારે અન-રેકગ્નાઇઝ્ડની સંખ્યા 27 છે. એ ઉપરાંત દેશમાં 329 રેકગ્નાઇઝ્ડ અને 2044 અન-રેકગ્નાઇઝ્ડ પાર્ટી છે. લોકશાહી દેશમાં પાર્ટીઓની સંખ્યા પર પ્રતિબંધ કે નિયંત્રણો મૂકી શકાતા નથી પરંતુ કેટલાક રાજકીય તજજ્ઞોનું કહેવું છે કે- 125 કરોડની જનસંખ્યા ધરાવતા ભારત દેશમાં ચૂંટણીના સમયે માત્ર બે જ પાર્ટીઓ હોવી જોઇએ. લોકોનો સાચુ ચિત્ર તો જ મળશે કે જ્યારે બન્ને બળિયા વચ્ચે બરોબરની ટક્કર રહેશે. દેશના કેટલાક રાજ્યોમાં જોવામાં આવ્યું છે કે મતદારોએ માત્ર ભાજપ કે માત્ર કોંગ્રેસને જ પસંદ કરી છે. ત્રીજી પાર્ટીને યારી મળી નથી. ત્રીજી પાર્ટીના અસ્તિત્વથી ખરીદ-વેચાણની પ્રવૃત્તિને વધારે વેગ મળે છે અને રાજકીય અસ્થિરતા સર્જાય છે. ત્રિશંકુ હાલતમાં પાર્ટીઓના નેતાઓ બળ અને સંપત્તિના જોરે સત્તા હાંસલ કરે છે. હવે એવો સમય આવ્યો છે કે ભારતમાં યોજનારી ચૂંટણીઓમાં પ્રતિસ્પર્ધી તરીકે માત્ર બે જ પાર્ટીઓ મેદાનમાં ઉતરે. આમ થવાથી ચૂંટણી પરિણામ એકદમ સાફ અને પ્રામાણિક આવશે, જો કે આ બન્ને પાર્ટીઓએ તેમની વિચારધારાને આગળ ધરી ફેસલો દેશના મતદારો ઉપર છોડી દેવો જોઇએ.

સ્ટાર્ટઅપ કેવી રીતે સફળ થાય તેની ચાવી...

ભારતમાં દર વર્ષે એવરેજ 800 સ્ટાર્ટઅપ કંપનીઓ સ્થપાઇ રહી છે પરંતુ ઇનોવેશનના અભાવે મોટાભાગના સ્ટાર્ટઅપ ફેઇલ થઇ જાય છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં 1500 થી વધુ સ્ટાર્ટઅપ શરૂ થઇને બંધ થઇ ગયા છે. કેન્દ્રની મોદી સરકારનો દાવો છે કે 2020 સુધીમાં ભારતમાં 11500 સ્ટાર્ટઅપ બિઝનેશ શરૂ થયા હશે અને તેમાં 2,500,00 ને નોકરી મળી હશે. હાલ તો સ્ટાર્ટઅપની કંપનીઓ 5000 સુધી પણ પહોંચી શકી નથી. નિષ્ણાંતો કહે છે કે ઇનોવેશન નહીં હોય તો સ્ટાર્ટઅપ બિઝનેશ ચાલી શકશે નહીં. મોદી સરકારના કેબિનેટ મંત્રી સુરેશ પ્રભુએ ગુજરાતમાં આવીને બહું સારી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે- “જો કોઈ સ્ટાર્ટ અપને સફળ બનાવવું હોય તો બજારમાં ગેપ(અવકાશ) ક્યા છે તે શોધવું જોઈએ અને તેની આસપાસ વેપાર મોડલ તૈયાર કરવું જોઈએ.”તેમણે કહ્યું છે કે શરૂ થનારા દરેક સ્ટાર્ટ અપ ટકી ન શકે. પરંતુ બજારની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને, જે ક્ષેત્ર હજુ વણખેડાયેલું હોય, એવા ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ સફળ થવાની સંભાવના વધી જાય છે. અંત:પ્રેરણા (Intuition) એ જીવનની અત્યંત મહત્વની બાબત છે. પોતાની અંત:કરણથી આવતા વિચારો પર વિશ્વાસ ન કરે એ વ્યક્તિ સફળ થઇ શકતો નથી. આ માટે યુવાન ઉદ્યોગ સાહસિકોને તેમણે સલાહ આપી હતી કે તમારી આંખો ખુલ્લી રાખો, બરાબર વિચારો અને બજારમાં રહેલા એ ગેપને શોધી કાઢો તથા એ ગેપને પૂરો કરવા માટે વેપાર મોડલ તૈયાર કરો.

ગુજરાતનો માર્ગ પ્રગતિશીલ કહેવાય ખરો...

સચિવાલયની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે રૂપાણી સરકાર ફાસ્ટટ્રેક મોડમાં નથી. મોદી સરકારની અધુરી યોજનાઓ હજી લંબાતી જાય છે. સરકારે બજેટમાં નવી યોજનાઓમાં મોટો કાપ મૂક્યો છે. વિભાગોના બજેટને કાપી નાંખવામાં આવ્યા છે. કેટલીક યોજનાઓના ચોક્કસ પરિણામ આવતા નથી જેમ કે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનામાં કોઇ ખાસ પ્રગતિ નથી. બાર શહેરોને સિસ્ટર સિટી બનાવવાના કન્સેપ્ટ પર હજી નક્કર કામગીરી થઇ નથી. તાલુકા સરકારમાં લોકોનો અવાજ દબાઇ ગયો છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન અને રાઇટ ટુ એજ્યુકેશન માત્ર કાગળ પરના વાઘ સાબિત થયા છે. ટુરિઝમની મિલકતોના નિકાલ માટે 12 વર્ષમાં દસ પ્રયાસો થયા છે પણ તેમાં નિષ્ફળતા મળી છે. પોલીસ અને જનતા મિત્ર બની શક્યા નથી. કર્મયોગી તાલીમનો હવે અર્થ રહ્યો નથી. આપણે માત્ર સોલાર મિશનની વાતો કરી છે અને તેનો લાભ બીજા રાજ્યો લઇ ગયા છે. વિભાગોના ભ્રષ્ટાચારમાં નિયંત્રણો આવ્યા નથી. ગુજરાતમાં આજેપણ ભેળસેળ યુક્ત ખોરાક મળે છે. કિસાનોને એમએસપી મળતી નથી. યુવાનોને રોજગારી નસીબ નથી. SEZ અને SIRમાં કાર્યવાહી સ્થગિત છે. ગુજરાતની જનતા 70 રૂપિયે લિટર પેટ્રોલ મેળવે છે. ડિજીટલ યુગ અને કેશલેસ વહીવટ ચાલતો નથી. નરેન્દ્ર મોદીના દિલ્હી ગયા પછી જ્યોતિગ્રામની વીજળી રિસાઇ છે. અમદાવાદની મેટ્રો ટ્રેન 16 વર્ષથી ડચકાં ખાય છે. આખા રાજ્યમાં પીવાના ચોખ્ખા પાણીની સુવિધા આપણે કરી શક્યા નથી. સ્કૂલ-કોલેજોની ફી એટલી બઘી વધી છે કે કમાનાર વ્યક્તિનો 70 ટકા પગાર બાળકોના અભ્યાસમાં જતો રહે છે, આમ છતાં કહેવાય છે પ્રગતિશીલ ગુજરાત...

ખેડૂતો દેવાંમાં હશે તો આપણે સુખી નહીં થઇએ...

ભારતમાં કોઇને કોઇ રાજ્યના ખેડૂતો આંદોલનો કરે છે છતાં તેઓ સફળ થતાં નથી, કેમ કે તેમને ઉદ્યોગ પ્રતિનિધિઓની જેમ સરકારી ઓફિસરને લાંચ આપતા આવડતી નથી. દેશમાં ભાજપ હોય કે કોંગ્રેસ-- તમામ પાર્ટીઓ ખેડૂતોના હિતના વાયદા કરે છે પરંતુ કામ તો ઉદ્યોગોનું જ કરે છે. સર્વેક્ષણ પ્રમાણે એક ઉદ્યોગજૂથનો વ્યક્તિ આત્મહત્યા કરતો નથી પરંતુ ખેડૂતો આત્મહત્યા કરે છે. આ રીતે જીવનને હોમી દેવાનું મુખ્ય કારણ ક્રોપ ફેઇલ અને ખેડૂતોના વધતાં જતાં દેવાં છે. એક સર્વે પ્રમાણે આંધ્રપ્રદેશના સૌથી વધુ 92.9 ટકા ખેડૂતો દેવાદાર છે જ્યારે તેલંગાણાના 89.1 ટકા ખેડૂતોએ લોન લઇને દેવાં કર્યા છે. પંજાબમાં આ આંકડો 53.2 ટકા છે. સૌથી ઓછું દેવું કર્યું હોય તેવા માત્ર 2.4 ટકા ખેડૂતો મેઘાલયના છે. ગુજરાતના 42.6 ટકા ખેડૂતોએ બેન્ક લોન લઇને દેવાં કર્યા છે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળતા નથી. સ્વામિનાથન સમિતિની ભલામણો હોવા છતાં ખેડૂતોને સરકાર વળતર આપી શકતી નથી. દેશના અન્ય રાજ્યોમાં જોઇએ તો કેરળમાં 77.7 ટકા, કર્ણાટકમાં 77.3 ટકા, ઓડિસામાં 57.5 ટકા, રાજસ્થાનમાં 61.8 ટકા, ઉત્તરપ્રદેશમાં 50.8 ટકા, મધ્યપ્રદેશમાં 43.8 ટકા, બિહારમાં 42.5 ટકા, બંગાળમાં 51.5 ટકા, હરિયાણામાં 42.3 ટકા, છત્તીસગઢમાં 37.2 ટકા તેમજ ઝારખંડમાં 28.9 ટકા ખેડૂતો દેવાદાર છે.મણિપુર જેવા નાના રાજ્યમાં પણ 23.9 ટકા, ત્રિપુરામાં 22.9 ટકા, અરૂણાચલમાં 19.1 ટકા, સિક્કીમમાં 14.4 ટકા, નાગાલેન્ડમાં 2.5 ટકા અને મિઝોરમમાં 6.2 ટકા ખેડૂતો દેવાદાર છે. ખેડૂતો દુખી હશે તો આપણે સુખી કદી નહીં થઇ શકીએ.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

 

 

 

(9:09 am IST)