Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

સરકારી મહેમાન

રાજ્યની બ્યુરોક્રેસીમાં 18 IAS અને 7 IPS ઓફિસરો 2019ના અંતે નિવૃત્ત; CS ને એક્સટેન્શનની શક્યતા

કોંગ્રેસની સરખામણીએ ભાજપમાં ફિલ્મ સ્ટાર્સ વધારે, પ્રચારમાં માટે પણ તૈયાર : લોકસભા ચૂંટણીના પરિણામ પછી ગુજરાતમાં બન્ને પાર્ટીમાં પરિવર્તનની શક્યતા : ત્રણ યુવા રાજનેતાઓનો ગુજરાતમાં ઉદય થયો પરંતુ હાર્દિક પટેલ સૌથી આગળ

ગુજરાતના વહીવટી તંત્રમાં 18 આઇએએસ અને સાત આઇપીએસ અધિકારીઓ 2019ના વર્ષના અંતે નિવૃત્ત થઇ રહ્યાં છે જે પૈકી રાજ્યના ચીફ સેક્રેટરી ડો. જેએન સિંઘ અને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા ગિરીશચંદ્ર મુર્મુને લોટરી લાગી શકે છે કેમ કે જો કેન્દ્રમાં મોદી સરકારની વાપસી થશે તો આ બન્ને ઓફિસરોની મોદીને જરૂર છે તેથી તેમનું કોઇપણ જગ્યાએ પોસ્ટીંગ થવાની સંભાવના વધારે છે. જેએન સિંઘ અને એસએલ અમરાણી મે મહિનામાં વયનિવૃત્ત થઇ રહ્યાં છે. સચિવાલયના સૂત્રો કહે છે કે જેએન સિંઘ ને ચીફ સેક્રેટરીની નોકરીમાં ત્રણ કે છ મહિનાનું એક્સટેન્શન મળવાની શક્યતા વધુ છે, કેમ કે સરકારને તેમની જરૂર છે. ગુજરાતમાં બીજા 16 આઇએએસ ઓફિસરો આ વર્ષના અંત સુધીમાં નિવૃત્ત થઇ રહ્યાં છે જેમાં આનંદ મોહન તિવારી, આરએમ જાદવ અને વીએ વાઘેલા જૂનમાં તેમજ આરજી ત્રિવેદી, જેકે ગઢવી અને અમૃત પટેલ જુલાઇમાં નિવૃત્ત થાય છે. એ ઉપરાંત સંજય પ્રસાદ, જીસી બ્રહ્મભટ્ટ, એસકે લાંગા અને એચજે વ્યાસ સપ્ટેમ્બરમાં, લલીત પાડલિયા અને એસબી પટેલ ઓક્ટોબરમાં, ગિરીશચંદ્ર મુર્મુ, સુજીત ગુલાટી અને પ્રેમકુમાર ગેરા નવેમ્બરમાં તેમજ આરએમ માંકડિયા ડિસેમ્બરમાં નિવૃત્ત થશે. એવી જ રીતે સાત આઇપીએસ ઓફિસરો પણ નિવૃત્ત થશે જે પૈકી એસએસ ત્રિવેદી અને એસએમ ખત્રી મે મહિનામાં, વીએમ પારગી અને આરજે પારગી જૂનમાં, મોહન ઝા જુલાઇમાં, સતીશ શર્મા ઓગષ્ટમાં અને આરજે સવાણી ડિસેમ્બરમાં વય નિવૃત્ત થાય છે.

બોલિવુડનો ઝૂકાવ કોંગ્રેસ નહીં, ભાજપ સાથે છે...

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપ વધુને વધુ સ્ટારકાસ્ટને મેદાનમાં ઉતારી રહી છે. ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના અને શત્રુધ્નસિંહા પછી હવે ધર્મેન્દ્ર પુત્ર સની દેઓલ, પત્ની હેમા માલિની, કિરણ ખેર, સ્મૃતિ ઇરાની, જયાપ્રદા જેવા ફિલ્મ કલાકારોને ટિકીટ આપી ચૂંટણી લડાવે છે પરંતુ ફિલ્મની સાથે રાજનીતિમાં આવીને ગયેલા અમદાવાદના પૂર્વ સાંસદ પરેશ રાવલ.  સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાનો અનુભવ બહુ ખરાબ છે. બીજી તરફ કોંગ્રેસને પણ ફિલ્મી ઉમેદવારો જોઇતા હતા, પરંતુ રાજેશ ખન્ના, સુનિલ દત્ત, રાજબબ્બર, ગોવિંદા, ગુલ પનાંગ, રામ્યા અને ઉર્મિલા માતોડકર સિવાય કોઇ કોંગ્રેસ પાર્ટીમાં આવ્યું નથી. એવું લાગી રહ્યું છે કે બોલિવુડને ભાજપ પ્રત્યે વધારે લગાવ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નિવાસસ્થાને મળવા ગયા છતાં માધુરી દિક્ષીતે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી તેણીએ કારકિર્દીને અસર ન થાય તેની કાળજી રાખી છે. ત્રણેય ખાન બંધુઓ-- આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ ચૂંટણી મેદાનમાં હજી સુધી આવ્યા નથી. ભાજપે તો અરવિંદ ત્રિવેદી, દિપીકા ચિખલિયા, ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયાને ગુજરાતમાં પણ અજમાવ્યા હતા. જયલલીથા અને અન્ય સાઉથના એક્ટર્સને જોઇને છેલ્લે છેલ્લે સાઉથના બે મોટા સ્ટાર રજનીકાન્ત અને કમલ હાસન પણ રાજકારણમાં આવ્યા છે પરંતુ હજી રિયલ પરફોર્મન્સ બતાવી શક્યા નથી. રાજનીતિમાં કોઇ ફિલ્મસ્ટાર ચૂંટણી લડીને તો કોઇ પાર્ટીનો ચૂંટણી પ્રચાર કરીને રાજનીતિમાં આવ્યા છે પરંતુ રિયલ પોલિટીક્સમાં તેનું કોઇ મહત્વ હોતું નથી. પાર્ટીઓ અને રાજકીય નેતાઓ તેમની બેઠકો વધારવા માટે ફિલ્મસ્ટારોનો ઉપયોગ કરી જાય છે. ફિલ્મસ્ટાર કે જેમને ટિકીટ આપી નથી છતાં મોદીની સાથે છે તેમાં પરેશ રાવલ, અનુપમ ખેર, વિવેક ઓબેરોય અને અક્ષય કુમાર મુખ્ય છે. આપણા દેશમાં હવે 'યુઝ એન્ડ થ્રો' ની રાજનીતિ રંગ લાવી રહી છે.

ચૂંટણીના પરિણામો પછી રાજ્યમાં પરિવર્તન...

લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ગુજરાતમાં પરિવર્તન શરૂ થવાનું છે. આ પરિવર્તનની દિશા ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીઓમાં જોવા મળી શકે છે. કોંગ્રેસ જો લોકસભાની પાંચ થી સાત બેઠકો લઇ જાય તો ભાજપમાં ભૂકંપ જેવી હાલત થાય તેમ છે, જેની અસર મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર અને પ્રદેશ સંગઠન ઉપર પડે તેમ છે. સંગઠનમાં પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના હોદ્દેદારોમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. ભાજપને વિધાનસભામાં 99 નો આંકડો મળ્યો છે ત્યારથી નેતાઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. કુંવરજી બાવળિયાને લઇને આંકડો 100નો કર્યો પરંતુ નોમિનેશનની ભૂલના કારણે ભાજપે તેના દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ગુમાવ્યા છે. એટલે ફરી પાછો આંકડો 99 પર આવીને અટક્યો છે. ચાર પેટા ચૂંટણીમાં એક બેઠક આવે તો આંકડો 100નો થાય તેમ છે પરંતુ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપર લટકતી તલવાર છે. તેમણે જીતેલી ચૂંટણી રદ બાતલ થઇ શકે છે. આ 99 ધારાસભ્યોએ ભાજપને મુશ્કેલી વધારી છે. એથી ઉલટું જો ગુજરાતની 26 બેઠકો ભાજપને મળી તો કોંગ્રેસમાં બહુ મોટા ફેરફારો આવી શકે છે. કોંગ્રેસમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને બદલવાની શક્યતા છે. સત્તાવાર ઉમેદવારને હરાવવા બદલ કોંગ્રેસના કેટલાય નેતાઓને ઘરભેગા કરવામાં આવી શકે છે. આજેપણ કોંગ્રેસના સિનિયર નેતાઓ કે જેઓ ખૂણો પાળી રહ્યાં છે તેમને અચ્છે દિન આવવાની આશા છે. કોંગ્રેસમાં સવાલ એ છે કે પાર્ટી કેટલા લોકોને સસ્પેન્ડ કરશે?  પાર્ટીમાં રહ્યું છે કોણ... મોટાભાગના નેતાઓ તો ભાજપમાં જતા રહ્યાં છે. પાર્ટી પાસે કાર્યકરો છે પરંતુ નેતાઓનો દુકાળ છે.

ત્રણ યુવા નેતાઓનો ઉદય અને ભવિષ્ય...

રાજ્યમાં ત્રણ યુવા નેતાઓ કે જેમનો ઉદય 2015 પછી થયો છે. હજી તો તેમનું રાજકારણ ચાર વર્ષનું થયું છે તે પૈકી પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી હવે શરૂ થઇ રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં તે કોંગ્રેસમાં જોડાયો પછી તેની લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા પર અદાલતે પૂર્ણવિરામ મૂકી દીધું છે પરંતુ તેણે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટેના ખૂબ પ્રયાસ કર્યા છે. લોકસભાનું પરિણામ ભલે કોંગ્રેસની વિરૂદ્ધમાં આવે, હાર્દિક પટેલનું સ્થાન નેશનલ લેવલે જવાની શક્યતા વધારે છે. બીજા યુવા નેતા અલ્પેશ ઠાકોર છે કે જેમણે પોતાના હાથે પોતાના પગ પર કુહાડો માર્યો છે. તેઓ ભાજપમાં મંત્રી તો ન બની શક્યા, કોંગ્રેસને દુશ્મન બનાવી બેઠાં છે. લોકસભામાં સત્તાવાર ઉમેદવારોની વિરૂદ્ધમાં ચૂંટણી પ્રચાર કરવા બદલ તેઓ ધારાસભ્ય પદ ખોઇ શકે છે. અલ્પેશ ઠાકોર પાસે ઠાકોર સેના હતી પરંતુ હવે આ સેના તિતર-બિતર થઇ ચૂકી છે. તેણે હવે નવી સ્ટેટેજી અપનાવીને રાજનીતિને ચાલુ રાખવી પડે તેમ છે. ત્રીજા દલિત સમાજના યુવા નેતા જીજ્ઞેશ મેવાણી છે કે જેઓ લોકસભાની ચૂંટણીમાં ક્યાંય વિવાદમાં આવ્યા નથી. દલિત નેતાને યુવા ચહેરો મળ્યો છે પરંતુ હાલ તેઓ અપક્ષ છે. તેમની કોઇ પાર્ટી નથી. તેમની રાજકીય કારકિર્દી ઘણી લાંબી છે. ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં વિધાનસભા કે લોકસભાની તમામ બેઠકોમાં દલિત મતદારો ફેલાયેલા છે તેથી જીજ્ઞેશ મેવાણી દલિત સમાજ માટેનો લડવૈયો બની શકે છે.

2022 માટે ગુજરાતમાં કોંગ્રેસ સક્રિય બનશે...

1985 થી 1990ના પાંચ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસે સંપૂર્ણ સત્તા જોઇ નથી. ખાસ કરીને 1995માં ભાજપની બહુમતવાળી સરકાર આવ્યા પછી દોઢ વર્ષ શંકરસિંહ વાઘેલાનો બાદ કરીએ તો 2019 સુધી ભાજપની સત્તા છે. એટલે કે છેલ્લા 23 વર્ષથી કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. પાર્ટીના એક રાષ્ટ્રીય નેતાએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓને 2022ની વિધાનસભા માટે તૈયારી કરાવવાની છે. કોંગ્રેસ એવી સ્થિતિમાં આવી જશે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદના દાવેદારની ઘોષણા કરી દેવાશે. કોંગ્રેસ એવો ચહેરો શોધે છે કે જે મુખ્યમંત્રી પદને લાયક હોય અને માસ લિડર હોય કે જેથી રાજ્યભરની જનતા તેને ઓળખતી હોવી જોઇએ. બીજા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસને ગુજરાતમાં બીજા મોદીની જરૂર છે. મોદી જેવો ચહેરો હોય તો ગુજરાતમાં કોંગ્રેસને સત્તામાં આવતા કોઇ રોકી શકશે નહીં. 1980 અને 1985માં કોંગ્રેસની જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ લાવવાનો આ નેતાએ દાવો કર્યો છે. 1980માં કોંગ્રેસને 141 અને 1985માં 149 બેઠકો મળી હતી. કોંગ્રેસની પડતી 1990થી શરૂ થઇ હતી. એ વખતની ચૂંટણીમાં ચીમનભાઇ પટેલના જનતાદળને 70 અને ભાજપને 57 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને સૌથી ઓછી 33 બેઠકો મળી હતી. ભાજપની પહેલી કેશુભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારને 121 બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે 2022માં ગુજરાતમાં ભાજપના શાસનને 26 વર્ષ થશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:38 am IST)
  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST