Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

'નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છેઃ ખબર છે આટલી કે માતની હાકલ પડી છે'

ધંધુકા સ્થિત જિલ્લા પંચાયતના ઐતિહાસિક રેસ્ટ-હાઉસ ખાતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવાંજલિનું આયોજન

રાજકોટ, તા.૨૬: અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરીને ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધંધુકા ખાતે મેજિસ્ટ્રેટ ઇસાણીની વિશેષ અદાલત સમક્ષ રજૂ કરાયા. પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવી તેનો અસ્વીકાર કરતાં ઝવેરચંદ મેઘાણીએ કોર્ટની અનુમતિથી ધીરગંભીર અવાજે 'સિંધુડો'માંથી એમનું સ્વરચિત દર્દભર્યું ગીત 'છેલ્લી પ્રાર્થના' ગાવાનું શરૂ કર્યુઃ 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિરને જીવતાંનાં આંસુડાંઓઃ સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ !'  તેમની છાતીના બંધ તૂટી ગયા. ફુલાવેલા ગળામાંથી નીકળતા સ્વરો અદાલતમાં ગુંજી ઊઠયા. વાતાવરણ લાગણીભીનું બની ગયું. 'નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છેઃ ખબર છે આટલી કે માતની હાકલ પડી છે' પંકિતઓ આવી ત્યાં તો કોર્ટના ઓરડામાં, ઓરડાનાં દ્વારોમાંને ફરતી ઓંસરીમાં હૈયેહૈયું દળાય તે રીતે ભીડાભીડ ઊભેલાં હજારો ભાઈ-બહેનોએ અત્યાર સુધી માંડ દાબી રાખેલ ડૂસકાં પથ્થરને પણ પીગળાવે તેવી રીતે હીબકવા લાગ્યાં. ઝવેરચંદ મેદ્યાણીનાં વાંકડિયાં કાળાં જુલફાં, ઉન્નત મસ્તક, લાલઘેઘૂર આંખો, ઊંચા પહોળા હાથ એક ભવ્ય ચિત્ર ઉપસાવતાં હતાં. પ્રાર્થના પૂરી થતાં એ ખુરશી પર બેસી ગયા.  કોર્ટનું મકાન હજારોની માનવમેદનીનાં ડૂસકાંને આર્તનાદોથી કંપતું રહ્યું. મેજિસ્ટ્રેટ ઇસાણીની આંખ પણ આંસુભીની થઈ ગઈ.

બીજે દિવસે દસ વાગ્યાની આસપાસ લીંબડા નીચે બેઠેલા મેજિસ્ટ્રેટ ઇસાણીએ બે વર્ષની સજા ફરમાવી. 'ઈન્કિલાબ ઝિન્દાબાદ'ના નારાથી કોર્ટનું પ્રાંગણ ગાજી રહ્યું. અમદાવાદની સાબરમતી જેલમાં લઈ જવાતા ઝવેરચંદ મેઘાણીને વિદાય આપવા સહુકોઈ રેલવે-સ્ટેશન પહોચ્યાં. ઝવેરચંદ મેઘાણીએ લોકોનો આભાર વ્યકત કરતાં કહ્યુઃ 'ભાઈઓ,  તમારામાં – હિંદુ-મુસ્લિમોમાં – જરા સરખીયે તિરાડ હોય તો મારા લોહીથી તે બુરાઈ જાઓ એવી મારી પ્રાર્થના છે. હિંદમાતાની આઝાદીના આ યજ્ઞમાં તમારા બલિ હોમો અને સ્વતંત્રતાને વરો.'

તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ ઐતિહાસિક પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડયો હતો. મહાત્મા ગાંધીએ પણ વાઇસરાયને ખાસ પત્ર લખીને ધ્યાન દોર્યુ હતું: 'ગુનો કર્યાનું કહેવાય છે તે સમયે તો કવિ રાણપુરમાં પોતાને ઘર ઘસઘસાટ ઊંઘતા હતા.'

આ પ્રસંગની ૮૯મી જયંતી અવસરે — ૨૮ એપ્રિલ ૨૦૧૯ ને રવિવારે સાંજે ૫ કલાકે — 'શૌર્યભૂમિ' ધંધુકા સ્થિત જિલ્લા પંચાયતના ઐતિહસિક રેસ્ટ-હાઉસ ખાતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવાંજલિનું આયોજન કરાયું છે. સહુ ભાવિકોને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯)નું જાહેર નિમંત્રણ છે.

એ સમયે 'ડાક બંગલા' તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં 'રેસ્ટ-હાઉસ'માં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. જે ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં ૨૦૧૧માં મેઘાણી ઓટલો પ્રસ્થાપિત થયો છે. આ ઐતિહાસિક ઘટનાને નિરૂપતું માહિતીસભર પ્રદર્શન તથા ઝવેરચંદ મેઘાણીનાં રેખાચિત્ર અને હસ્તાક્ષર કોતરેલી કાળા ગ્રેનાઈટમાં સોનેરી અક્ષરોવાળી આકર્ષક તકતી પણ ૨૦૧૩માં સ્થાપિત કરાયાં છે. હાલ અત્યંત જરજરિત હાલતમાં આ ઐતિહાસિક ઈમારતનો સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર કરવામાં આવે તેમજ અહિ ભવ્ય સ્મારક સંકુલનું નિર્માણ થાય તથા પાસે આવેલ નિર્માણધીન ફ્લાયઓવરનું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બ્રીજ'તરીકે નામકરણ થાય તેવી લોકલાગણી છે.

આલેખનઃ પિનાકી નાનકભાઇ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:36 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST