Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

કાલે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ

સરદાર પટેલઃ જુનાગઢ અને તાબાના રાજયોને સૌરાષ્ટ્રમાં વિલીનીકરણ કરવાનું અદ્દભૂત કાર્ય કરેલું

રાજકોટ :લોર્ડ માઉન્ટબેટનને ૧૫મી જુલાઇ ૧૯૪૭માં મંત્રી મંડળની બેઠક બોલાવીને રાજાઓને સમજાવ્યું કે, સ્વરક્ષણ, પરરાષ્ટ્ર સાથેનો સંબંધ તથા વાહન વ્યવહાર માટે પોત-પોતાની નજીક આવતા રાષ્ટ્રો-ભારત અથવા પાકિસ્તાનને સોંપી દેવા.

હેૈદ્રાબાદ, કાશ્મીર અને જૂનાગઢ સિવાયના બીજા દેશીરાજયોએ સંમતિ આપી. આમ છતાં સરદાર પટેલ અને વાઇસરોય વારંવાર રાજાઓને મળીને પરિસ્થિતિની સમજણ આપતા રહેતા હતા. આ વખતે મહમદઅલી જીણાએ જોધપુર, બીકાનેર અને જેસલમેરના રાજાઓને પાકિસ્તાનમાં ભળી જવા સમજાવ્યા જેમાં જોધપુરના મહારાજા હનુમંતસિંહજી માની ગયા હતા.

આ વાતની ખબર મળતા જોધપુરના મહારાજાને દિલ્હી બોલાવીને વાઇસરોય, સરદાર પટેલ અને સચિવશ્રી મેનને સમજાવીને સમજુતી ઉપર સહી લીધી. ભોપાલના નવાબે તથા ઇંદોર નરેશને સમજાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી. પરંતુ છેલ્લે ઘણી મહેનત પછી સમજુતીનો સ્વીકાર કર્યો.

આવી રીતે ભારતના પપર દેશી રાજયોને ભારત સાથે એકીકરણ કરવા માટે સરદાર પટેલે ત્રણ માર્ગો ખુલ્લા રાખ્યા હતા. (૧) કેટલાક રાજયોને પ્રાંત સાથે ભેળવી દીધા , (ર) કેટલાકને ભારત સરકારના અધિકાર નીચે અને (૩) કેટલાંક રાજયોનું એકીકરણ કરીને તેના સંઘો સ્થાપ્યા.

અંગ્રેજોએ ભારત છોડી દીધાં પછી દેશી રાજયોએ પ્રજા ઉપર કરેલા જુલ્મોનો ઢાંકપીછોડો બંધ થયો. પરિણામે લગભગ બધા દેશીરાજયોનાં પ્રજામંડળોએ આંદોલન શરૂ કર્યું જેને કારણે રાજય વહીવટ બંધ પડી ગયો. પરિણામે ભારત સરકાર વતી વલ્લભભાઇ પટેલે આ પ્રશ્ન હાથમાં લીધો. તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા કે, '' હવે દેશી રાજયોની સ્વતંત્ર સતા રહેવા દેવી જોઇએ નહી. પરિણામે રાજસંઘની યોજના અમલમાં આવી તેમજ રાજાઓને સાલીયાણા આપવાનું વિચારાયું.

રાજયના વિલીનીકરણમાં રાજયસંઘોનો નિર્ણય વધુ મહત્વપૂર્ણ રહયો. આવા સંઘોનો સૌ પ્રથમ કાઠિયાવાડમાં પ્રારંભ થયો. કાઠિયાવાડમાં ૧૪ સલામી રાજયો અને ૧૯૧ નાનારાજયો તથા ૪૪૯ એવા રાજયો હતા કે જ જાગીરદારો કે દેશી રાજાઓના અધિકારથી વિશેષ અધિકાર ભોગવતા હતા. આવા ગરાસદારોનો ભાગ એક બીજા રાજયોમાં આવતો હતો. આ રીતે નાના મોટા રાજયો તથા ગરાસની ભાગીદારી  મળીને ૮૬૦ જેટલા ભાગમાં કાઠિયાવાડ વહેંચાયેલું હતું.

સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ ભાવનગર રાજયે પ્રજાસતાક રાજયની ઘોષણા કરી જેમાં બળવંતભાઇ મહેતાને રાજયના દિવાન બનાવવામાં આવ્યા. કાઠિયાવાડના અન્ય રાજાઓ ઉપર આ બનાવની સારી એવી અસર થઇ. પછી તો કાઠિયાવાડની સમસ્યાનો ઉકેલ લાવવા અનેક યોજનાઓ આવી. પરંતુ તે ખામી ભરેલી હોવાથી તેનો ઉકેલ લાવી શકાયો નહિ. આખરે એવો નિર્ણય લેવાયો કે કાઠિયાવાડના રાજયનો એક સંઘ બનાવવાનો. બે લાખની વસ્તીએ એક પ્રતિનિધિ ચૂંટીને વિધાનસભાનું આયોજન કરવું.

૧૯૪૮ જાન્યુઆરીમાં કાઠિયાવાડના રાજાઓનો એક સંઘ સ્થપાયો જેનું નામ સૌરાષ્ટ્ર સંઘ રાખવામાં આવ્યુ. આ સંઘની વિશિષ્ટતા એ હતી કે પાંચ સભ્યોવાળુ સભાપતિ મંડળ રચાયું જેમાં રાજપ્રમુખ તથા ઉપ રાજપ્રમુખના નામના બે  હોદ્દાઓ રાખવામાં આવ્યા નવાનગર તથા ભાવનગર રાજાઓને અનુક્રમે સ્થાન મળ્યું. બાકીની ત્રણ જગ્યાઓ માટે રાજાઓએ ચૂંટણી કરીને નિમણૂંક કરવાનું નક્કી કરાયું. સંધિપત્ર તૈયાર થયું. જેના ઉપર બધા રાજાઓએ તા. ૧૩મી જાન્યુ-૧૯૪૮ના રોજ સહી કરીને તેનું નામ સૌરાષ્ટ્ર રાજયસંઘ રાખ્યું જેનું ઉદ્દઘાટન તા. ૧પ ફેબ્રુઆરી-૧૯૪૮માં ભાવનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલે કર્યું.

 સોૈરાષ્ટ્ર રાજયસંઘાની સ્થાપના પછી તા. ૧૫/૪/૧૯૪૮ માં સોૈરાષ્ટ્ર રાજયનો પ્રારંભ થયો છતાં મુસ્લીમ રાજયો જેવા ક ેજુનાગઢ, માણાવદર, બાબરિયાવાડ, સરદારગઢ, અને માંગરોળ હિંદ સંઘમાં ભળ્યા ન હતા, કારણકે પ્રથમથીજ આ રાજયોને જુનાગઢના નવાબે પોતાનું લશ્કર મોકલીનેે રક્ષણ આપ્યું હતું રાજયમાં હિદૂવસ્તી હોવા છતા મુસલમાન રાજાનું આધિપત્ય હતું. ેના પ્રજા ઉપર જુલ્મો અત્યાચારો, થતાં હતા હિંદુ પ્રજા પોતાના ઘરબાર ઉઘાડા મુકીને રાજયની હદ છોડીને ભાગી જતી હતી.

જુનાગઢના વર્ચસમાંથી છુટવા બાબરીયાવાડના નવાબે ભારત સરકારને વિનંતી કરી જેનો ભારત સરકારે સ્વીકાર કર્યો પરિણામે ઓકટો. ૧૯૪૮ ના અંતમાં ભારતીય સેનાને મોકલીને બાબરિયાવાડ, માંગરોળ, માણાવદર, રાજયના અધિકાર જમાવી દીધો

આમ છતા જુનાગઢની હકુમતવાળા ગામોની પ્રજાના જુલ્મો ઓછા થયા નહીં પરંતુ વધવા લાગ્યા પરિણામે જુનાગઢની પ્રજા વિદ્રોહને પંથે વળી. જુનાગઢની પ્રજાના નેતા શ્રી શામળદાસ ગાંધીએ આરઝુ હકુમત સ્થાપીને લોકોને યુધ્ધ લલકાર આપ્યો. પ્રજાએ પડકાર જીલી લીધો . આરઝુ હકુમતના સૈનિકો, જુનાગઢ રાજયના જે જે ગામો ઉપર ચઢાઇ કરતા તે તે ગામો જીતી લેતા હતા. નવાબને લાગ્યું કે હવે બીજો કોઇ ઉપાય નથી. પાકિસ્તાન તરફથી સૈના આવતી નથી. હવે નમતુ જોખ્યા વગર છુટકો નથી, એટલે ૨૫ મી ઓકટોબર ૧૯૪૭ નારોજ રાજય ભંડારની કરોડોની સંપતિ લઇને પોતાના પરિવાર સાથે વિમાનમાં બેસીને પાકિસ્તાન પલાયન થઇ ગયો.

જતાં જતાં ભારત સરકારને કહેતો ગયો કે, જુનાગઢ રાજયનો અધિકાર સંભાળી લઇને રકતપાત થતો અટકાવે.

નવાબની વિનંતીનો સ્વીકાર કરીને સરદારની આજ્ઞાથી ૯ નવે. ૧૯૪૭ ના દિવસે ભારત સરકારે જુનાગઢનું શાસન સંભાળ્યું અને. તેનો વહીવટ આરઝી હકુમતના સરનશીન શામળદાસ ગાંધીને ત્રણ લોક પ્રતિનીધીની સહાયતા સાથે સોંપ્યોે

સરદાર વલ્લભભાઇ પટેલ જુનાગઢ રાજયનો કબજો સંભાળ્યા પછી ૧૩ મી નવે.૧૯૪૭ માં જુનાગઢ આવ્યા ત્યાંથી પ્રભાસ પાટણ વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરના દર્શન માટે ગયા. અહિં મંદિર ન હતું પણ મંદિરનું ખંડેર ઉભુ હતું. મંંદિરની દુર્દશા દેખીને તેમણે મંદિરના પુનનિર્માણનો સંકલ્પ કર્યો. યોજના તૈયાર થઇ. મંદિરનું નિર્માણ કાર્ય પુરઝડપે રાત અને દિવસ ચાલ્યું અને ૧૧ મે ૧૯૫૧ માં પ્રથમ રાષ્ટ્રપતિ દેશભકત ધર્માભિમુખ એવા રાજેન્દ્રપ્રસાદજીના વરદ હસ્તે સોમનાથ મહાદેવના  મુર્તિની પ્રાર્ણ પ્રતિષ્ઠા થઇ ભગવાન સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાના સ્વપ્રદ્રષ્ટા સરદાર વલ્લભભાઇ  તો સ્વર્ગે સીધાવી ગયા હતા. સ્વપ્નદ્રષ્ટા સ્વપ્ન સાકાર થતું જોઇ શકયા નહીં.

૧૯૪૮ ના ફેબ્રુઆરી મહિનામાં જુનાગઢની જનતાને ભારતમાં રહેવું છે કે પાસ્કિતાનમાં તેનો નિર્ણય જાણવા માટે જનમત લીધો. જનતાનો નિર્ણય ભારતની તરફેણમાં આવ્યોે

૧૯૪૮ ડીસેમ્બર માસમાં જુનાગઢની જનતા વતી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓએ ભારત સરકારને વિનંતી કરી કે જુનાગઢ, માણાવદર, માંગરોળ,બાંટવા, બાબરીયાવાડા, સરદારગઢ, રાજયને સોૈરાષ્ટ્ર સંઘસાથે ભેળવી દઇને વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ આપવું પરીણામે ૨૦ જાન્યુ. ૧૯૪૯ ના દિવસે આ તમામ રાજયનું સોૈરાષ્ટ્રમાં વિલીનીકરણ થયું.

સોંરાષ્ટ્ર સંઘની સ્થાપનાથી માંડીને જુનાગઢ અને તેના તાબાના રાજયોને એકત્રીત કરીને સોૈરાષ્ટ્રમાં વિલીન કરવાનું અદ્ભુત કાર્ય સરદાર વલ્લભભાઇ પટેલની કુશાગ્ર બુધ્ધિથી પરિપૂર્ણ થયું હતું.

: આ લેખનઃ

-દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:15 am IST)
  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST