Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સરકારી મહેમાન

દુનિયાના 206 દેશો વચ્ચે યુદ્ધ નહીં વાયરસ વોર છે, 12.30 લાખ સંક્રમિત, 68,000 મોત

દેશમાં લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમણમાં વધારો, 29 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચપર: પોઝિટીવ કેસોમાં અમેરિકા ફર્સ્ટ : એકલા ન્યૂયોર્કમાં 1.25 લાખ જેટલા વિક્રમી કેસ : કુદરતી સંપદાથી છલકાતાં નેપાળમાં 8 અને ભૂતાનમાં ત્રણ કેસ, કોઇ મૃત્યુ નહીં

કોરોના વાયરસના સંક્રમણના કારણે વિશ્વના દેશોમાં કુલ 12.30 લાખ લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. આ એવી મહામારી છે કે જેના કારણે આધુનિક મેડીકલ સાયન્સ અને વિજ્ઞાનના સમયે પણ 68000 લોકોએ તેમના જીવન ગુમાવ્યા છે. સમગ્ર વિશ્વમાં એકપણ દેશના વૈજ્ઞાનિક હજી કોરોના સામે લડી શકાય તેવી રસી કે દવા બનાવી શક્યા નથી. વિશ્વ આરોગ્ય સંગઠને આ મહામારીને કાતીલ કહી છે, જેમાં ડેવલપ કન્ટ્રીની સાથે ડેવલપ કરી રહેલી કન્ટ્રીને પણ સહન કરવાનો વારો આવ્યો છે. ડીસેમ્બરના અંતમાં ચીનના વુહાનમાં ફેલાયેલો આ રોગચાળો અત્યારે વિશ્વના 206 જેટલા નાના-મોટા દેશોમાં ફેલાયેલો છે. મેડીકલ સાયન્સ માટે આ એક સૌથી મોટો પડકાર છે. અત્યારના વિકસિત મેડીકલ સાયન્સ લોકોની જીવનદોરી વધારી રહ્યું છે ત્યારે અસાધ્ય બની રહેલી મહામારીને નાબૂદ કરવામાં વૈજ્ઞાનિકો દિન-રાત પ્રયાસ કરી રહ્યાં છે. મહત્વની બાબત એવી છે કે કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની 12.30 લાખની સંખ્યા સામે અત્યારે 2.54 લાખ દર્દીઓ રિકવર્ડ થયાં છે. રિપોર્ટ એવો છે કે હજી પણ 44900 જેટલા દર્દીઓ સિરીયસ અથવા તો ક્રિટીકલ કન્ડીશનમાં છે.

કેસ અને મૃત્યુઆંક એકસાથે વધી રહ્યો છે...

વિશ્વના દેશોમાં કોરોનાના પોઝિટીવ કેસ અને મૃત્યુઆંક એકસાથે વધી રહ્યાં છે. જેને આપણે વિકસિત દેશોની હરોળમાં મૂકીએ છીએ તેવા અમેરિકામાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા 3.25 લાખ થવા જાય છે જે સમગ્ર વિશ્વમાં એક વિક્રમી સંખ્યા છે. એકલા અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 8600 લોકોના મોત થઇ ચૂક્યાં છે, જ્યારે 15000 દર્દીઓ રિકવર્ડ થયાં છે. કહેવાય છે કે અમેરિકામાં હાલની સ્થિતિએ હજી 8300 દર્દીઓ ક્રિટીકલ સ્થિતિમાં છે. વિશ્વમાં સૌથી વધુ કેસો છે તેવા બીજા નંબરના સ્પેનમાં 1.27 લાખ કેસો છે અને મૃત્યુઆંક 12000 ઉપર પહોંચી ચૂક્યો છે. સ્પેનમાં હજી પણ 6600 દર્દીઓ ક્રિટીકલ સ્થિતિમાં છે. ત્રીજાક્રમે ઇટાલીમાં કેસોની સંખ્યા 1.25 લાખ પહોંચી છે પરંતુ આ દેશમાં મોતનો આંકડો સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. ઇટાલીમાં 15400 લોકોના મોત થયાં છે. 96100 સાથ જર્મની ત્રીજાક્રમે અને 90000 સાથે ફ્રાન્સ ચોથાક્રમે આવે છે. આ બન્ને દેશોમાં મૃત્યુઆંક અનુક્રમે 1500 અને 7600 જોવા મળ્યો છે. કોરોનાના ઉદ્દગમસ્થાન એવા ચીનમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા 81700 ઉપર સ્થિર જોવા મળી છે. આ દેશમાં મોતનો આંકડો 3335 છે. મૃત્યુઆંકમાં ભારે માત્રામાં ઘટાડો થયો છે. ચીનમાં સિરીયસ કન્ડીશનમાં હોય તેવા કેસોની સંખ્યા માત્ર 295 છે. અતિ સમૃદ્ધ એવા યુકેમાં એક જ દિવસમાં 5903 કેસો સાથે કુલ પોઝિટીવ કેસનો આંકડો 48000 થયો છે અને 5000 જેટલા મોત થયાં છે.

કુદરતી સંપદા જ્યાં છે ત્યાં કેસો ખૂબ ઓછા છે...

કુદરતી સંપદા જ્યાં છે તેવા પ્રદેશોમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. ભારતના પડોશી દેશ ભૂતાનમાં અત્યાર સુધીમાં માત્ર પાંચ કેસો સામે આવ્યા છે જે પૈકી બે કેસોમાં રિકવરી થયેલી છે. ભૂતાનમાં કોરોનાના કારણે એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ભૂતાનની ગણના એક પ્રવાસન કન્ટ્રી તરીકે થાય છે છતાં ત્યાં કેસોની સંખ્યા ખૂબ ઓછી છે. એવી જ રીતે નેપાળ પણ ટુરિસ્ટ ડેસ્ટીનેશન હોવા છતાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા માત્ર નવ નોંધાયેલી છે જે પૈકી એક કેસમાં રિકવરી થઇ છે. નેપાળમાં પણ કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કુદરતનો કરિશ્મા જ છે. આ બન્ને દેશો ઉપરાંત જેની અત્યંત નાના દેશો તરીકે ગણના થાય છે તેવા પાપુઆ ન્યુ ગુનેઆ, તિમોર-લેસ્ટ અને ફાલ્કલેન્ડ-ઇસલેન્ડમાં માત્ર એક-એક કેસ જોવા મળ્યો છે.

અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક છે...

અમેરિકામાં સૌથી વધુ કોરના વાયરસના સંક્રમણથી પ્રભાવિત કોઇ પ્રદેશ હોય તો તે ન્યૂયોર્ક છે. 1.15 લાખ કેસ અને સૌથી ઉંચા 3600ના મોત સાથે ન્યૂયોર્કે વિક્રમ સર્જ્યો છે. ન્યૂયોક્રની બાજુમાં આવેલા ન્યૂજર્સીમાં 35200 કેસ છે પરંતુ મૃત્યુઆંક 850નો છે. મિશીગનમાં 14300 કેસ છે અને મૃત્યુઆંક 545 છે. કેલિફોર્નિયામાં 14 હજાર, ફ્લોરિડામાં 10500 અને વોશિંગ્ટનમાં 7600 જેટલા કેસો છે.

ભારતમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે...

કોરોના વાયરસની ઝપટમાં ભારતના રાજ્યો આવી ચૂક્યાં છે. દેશમાં રવિવારે સવારે કુલ 3588 કેસો નોંધાયેલા છે. દેશના વિવિધ રાજ્યોમાં કુલ 99 (સત્તાવાર 77) લોકોના મોત થયાં છે. રિકવર પેશન્ટની સંખ્યા 229 જોવા મળી છે. મહારાષ્ટ્રમાં સૌથી મોટો ખતરો એશિયાની વિશાળ ઝૂંપડપટ્ટી ધારાવી છે કે જ્યાં કોરોના પોઝિટીવના દર્દીઓ મળ્યાં છે. ભારતમાં સૌથી વધુ 748 પોઝિટીવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે. આ રાજ્ય ભારતમાં ટોચનું સ્થાન ધરાવે છે. બીજાક્રમે 575 સાથે તામિલનાડુનો ક્રમ આવે છે. એ ઉપરાંત 505 કેસો દિલ્હીમાં થયેલા છે. કેરાલામાં 306, તેલંગાણામાં 272, ઉત્તરપ્રદેશમાં 235, રાજસ્થાનમાં 210, આંધ્રપ્રદેશમાં 226, મધ્યપ્રદેશમાં 179, કર્ણાટકમાં 144 અને ગુજરાતમાં 128 કેસ થયેલા છે. ગુજરાતના 15 જિલ્લામાં આ મહામારીએ ભરડો લીધો છે. ભારતમાં 21 દિવસના લોકડાઉન છતાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધતી જાય છે, જો કે બીજા દેશોની સરખામણીએ આંકડામાં એટલો મોટો ઉછાળો આવ્યો નથી. ભારતના 29 રાજ્યોમાં કોરોના પોઝિટીવ કેસો ફેલાયેલા છે, જો કે 100નો આંક વટાવી ચૂકેલા રાજ્યોની સંખ્યા 11 જોવા મળી છે. દેશમાં મિઝોરમમાં માત્ર એક અને મણીપુરમાં બે કેસ સામે આવ્યા છે.

મહામારીનું વર્લ્ડવોર, જેમાં હથિયાર વાયરસ છે...

વર્ષોથી કહેવાઇ રહ્યું છે કે વિશ્વના દેશો વચ્ચે વૈમનસ્ય વધતાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળશે પરંતુ વર્લ્ડવોર તો ના થયું પરંતુ મહામારીનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે. સૌથી વધુ કાતીલ એવા કોરોના વાયરસથી લોકો ટપોટપ મરી રહ્યાં છે. આ વાયરસની હજી સુધી કોઇ સચોટ દવા કે રસી શોધી શકાઇ નથી. મેડીકલ સાયન્સ અને સાયન્ટીસ્ટ લાચાર છે. પ્રયાસ કરે છે પરંતુ હજી સફળતા મળતી નથી. આ વર્લ્ડવોરમાં વિવિધ દેશો બોર્ડર પર આવ્યા નથી. કોઇના હાથમાં પરમાણું બોમ્બ નથી. કોઇ વેપન્સ નથી. સૈનિકો સામ-સામે આવ્યા નથી. આકાશમાં યુદ્ધ વિમાનો ઉડતા નથી. મિસાઇલો ગોઠવાઇ નથી. સરહદ પર ટેન્ક નથી. સમુદ્દ્રમાં સબમરીન નથી. હા, એક સૈનિક છે જે નિર્દોષતાથી માનવ બોમ્બ બનીને આવે છે અને નજીકના મિત્રો, સ્નેહીજનો તેમજ બહોળા સમુદાયને ભરખી જાય છે. કોરોના વાયરસનો ચેપ લગાડી જાય છે અને પછી જે તે દેશમાં ઉજાગરા શરૂ થાય છે. લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખનારા દેશોને અત્યારે પસ્તાવો થઇ રહ્યો છે.

ભારત આધ્યાત્મ ગુરૂ છે અને રહેશે...

ભારતને વિશ્વ આખું આધાત્મ ગુરૂના નામથી ઓળખે છે. ભારતના આયુર્વેદને વિશ્વએ અપનાવ્યું છે. વિવિધ દેશો આજે યોગ અને પ્રાણાયામ કરતા થઇ ગયા છે. કોરોના સંક્રમણના સમયમાં ચીન પછી સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં કોરોના કેવો કહેર મચાવે છે તે જોવા માટે વિશ્વના દેશોની નજર ભારત પર સ્થિર થયેલી છે પરંતુ તેઓને આશ્ચર્ય થાય છે કે ભારતમાં આટલા ઓછા કેસ કેમ છે. ભારતમાં આધ્યાત્મિકતા કહો કે લોકોની શ્રદ્ધા, ભક્તિ અને શક્તિ – મહામારીને કાબૂમાં લેવા માટે ભારત સક્ષમ છે તે 125 કરોડની જનતાએ સાબિત કરી દીધું છે.

હાલના સમયમાં કોઇએ સાચું જ કહ્યું છે કે ---

જો કભી રોશની, દૂર તક ન દિખે

જીંદગી મેં કભી, જીંદગી કમ લગે...

જો કભી આદમી, સે ડરે આદમી

જો દિલો મેં કભી પ્યાર કી હો કમી...

ભટકે ન તેરા ઇસાં, કોઇ રાસ્તા નિકાલ લેના

માલિક સંભાલ લેના, હમકો સંભાલ લેના

હિંમત હમે તૂ દેના, માલિક સંભાલ લેના...”

કહેવાય છે કે આપદા સમયે ભગવાન આપણને યાદ આવે છે. આજે મંદિરો બંધ છે પરંતુ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં 22મી માર્ચે જનતા કરફ્યુ દરમ્યાન ઘંટ, થાળી અને વાજીંત્રો વગાડવાની અપીલ કરી હતી તેવી રીતે 21 દિવસના લોકડાઉન દરમ્યાન 5મી એપ્રિલે ઘરની ચોખટ પર અથવા બાલ્કનીમાં દીવો કરવાની અપીલ કરી હતી. આમ કરવા પાછળ તેમનું વૈજ્ઞાનિક કે ખગોળિય ગણિત હોવાનું સમજાય છે. તેમના શબ્દોમાં ભારતની જનતાને વિશ્વાસ છે તેથી ભારતમાં આજે વિશ્વના દેશોની સરખામણીએ ખૂબ ઓછા પોઝિટીવ કેસો જોવા મળી રહ્યાં છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:32 am IST)