Gujarati News

Gujarati News

News of Thursday, 27th December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

આજે સવારમાં જ કેટલાક લોકો આચાર્યશ્રીને મળવા આવી લાગ્યા, તેઓ સ્નાન કરીને તડકે બેઠા છે. તેમને કોઇએ પૂછયું, ''જીવન કેવી રીતે જીવવું જોઇએ ?''

થોડી વાર શાંત રહી તેઓ બોલ્યા, ''દર્પણની જેમ. સ્વાગત બધાંનું પણ સંગ્રહ કોઇનો નહીં. ચિત્ત સંસ્કાર અને પ્રભાવમાં આસકત ન થાય એવું જીવન જ શુદ્ધ જીવન છે. જે જાય તેને જવા દે અને ન આવ્યાની ચિંતા ન કરે, આવી સાધનાથી જ વ્યકિત વર્તમાનથી સંયુકત થાય છે, તેનાં મૂળ મજબૂત થાય છે. અતીત અને ભવિષ્ય માનસ-સત્તાઓ છે. જે તેમાં વ્યસ્ત અને ઘેરાયેલો રહે છે તે જીવન જાણી શકતો નથી. જીવન અત્યારે ને અહીં જ છે. તેને બીજે ખોળનાર તે ગુમાવે છે.''

આમ કહી તેઓ ચૂપ થઇ ગયા. તે જ વેળા પક્ષીઓની એક કતાર વૃક્ષ પરથી ઊડી અને હવાથી વૃક્ષ જોરથી ડોલવા લાગ્યું. આ જોઇ તેમણે કહ્યું, ''વૃક્ષોની જેમ થાઓ અને પક્ષીઓની જેમ શુદ્ધ વર્તમાનમાં જીવો. આમ જીવવાથી જે નિર્દોષ સરળતા પ્રાપ્ત થાય છે, તે જ સત્યને જાણવાનો માર્ગ છે.''

આકાશ સ્વચ્છ હતું, વરસાદ હતો છતાં સૂર્યનાં દર્શન થતાં હતા. વરસાદ પછીનો તડકો પ્રીતિકર હતો. થોડી જ વાર પહેલાં ઇન્દ્રધનુષ્ય આકાશમાં દેખાયું હતું, અમે બગીચામાં હતા.

આચાર્યશ્રીએ મેઘધનુષ્ય બતાવી કહ્યું, ''આ જગત્, આ શરીર, આ મન મેઘધનુષ્ય જેવાં છ.ે સુંદર પણ વાસ્તવિક નહીં. એનું સૌન્દર્ય જાણો પણ સાથે જ એ સ્વપ્નવત્ છે. તે પણ જાણો ! એ બાંધતું નથી. જયારે આપણે સ્વપ્નમાં હોઇએ ત્યારે તેને સત્ય માની લઇએ છીએ.''

મેં તેમને પૂછયું, ''સ્વપ્નમાં આપણે જે જોઇએ તે સાચું નથી, સ્વપ્ન છે, એ યાદ રાખવાનો કોઇ ઉપાય ?''

તેઓ બોલ્યા, ''જે વ્યકિત જાગૃતાવસ્થામાં એ યાદ રાખે છે, કે તે જે કાંઇ જુએ છે તે બધું સ્વપ્ન છે, તે ધીરે ધીરે સ્વપ્નને પણ જાણી શકેછે કે તે જ કાંઇ જુએ છે તે સત્ય નથી. જાગૃતિમાં આપણે સાચું માનીએ છીએ, તેથી જ સ્વપ્ન પણ સાચાં લાગે છે. જાગૃતિમાં આપણાં ચિત્તની જે ટેવ છે, તેનું જ પ્રતિબિમ્બ સ્વપ્નમાં પણ હોય છે.

તેમની આ વાતો સાંભળી અમે વિચારમાં પડી ગયા. તેઓ જે કાંઇ કહે છે તેનાથી ખૂબ વિચાર, ચિંતન ઊભું થાય છે, તેમની નાની સરખી વાત પણ કેટલોય અનુભવ અને તીક્ષ્ણ દૃષ્ટિભર્યા હોય છે.?''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:39 am IST)