Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નોરતુ પહેલુ

નવરાત્રીનું સાતત્ય જાળવીએ

યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા

રાજયભરમાં મેઘરાજાએ કૃપાદ્રષ્ટિ કરી છે સર્વત્ર સારો વરસાદ સંતોષકારક વરસાદ થયો છે. મુંગા પશુઓ અને તેમાં પણ દેવપ્રિય ગૌમાતાઓની ઘાસચારા અને પાણીની મુશ્કેલી હલ થઇ  છે. ખેતરોમાં હરિયાળો પાક પવનની લહેરો સાથે ઝુમી રહ્યો છે. ધરતી લીલીછમ બની છે એવે વખતે મહાદેવી જગદંબા નવરાત્રી રમવા આવી છે.

ચોમાસુ સારૂ થયું ધરતી પર ધાન્યના ઢગલા થશે આકાશમાંથી મોંઘેરો મેઘરાજા વિદાય લઇ રહ્યો છે નવરાત્રીના નવલાં દિવસો અને લોકપ્રિય ઉત્સવો આવ્યા છે. આધિ વ્યાધિ અને ઉપાધિને ભૂલીને ગરવી ગુજરાતણ ગરબે ઘૂમવા નીકળી છે. આદ્યશકિતની આરાધનાનો આસ્વાદ અન ેઉલ્લાસની છોળો ઉડી રહી છે.

લોક ગીતની હેલી અંતરમાં પ્રગટતા આનંદને વ્યકત કરવા ગુજરાતની રમણીઓ પાસે નમણી નાજુક કળા છે. ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જ સૌરાષ્ટ્ર-ગુજરાતની સન્નારીઓને રાસ-ગરબાના સંસ્કાર ગળથુથ્થીમાં પીવા મળે છે.

એથી ચિંતા મુશ્કેલીઓને થોડી ક્ષણો વિસરી જઇને મુકત મને ગરબે ઘુમવા નીકળી પડે છે.

એ ગરબો કેવો...!

''છલકાતુ આવે બેડલું

મલપાતી આવે નાર રે,

મારી સાહેલીનું બેડલું

મારી લાલ રંગીલીનું બેડલું''

ડોલાવતાં છંદવાળા લોકગીતની પંકિતઓમાં ગરવી ગુજરાતણનું મનોહરચિત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રની સન્નારીઓ લોકગીતની હેલ ભરીને મલપતી ગતિએ, મલપાતા મુખે ચાલી આવે છ.ે તંદુરસ્ત, જોબનવંતી અને રંગભરી છે.

આપણાં રાસ-ગરબામાં મુકત મનથી છલકાતો ઉલ્લાસ અને અનેરા ઉત્સવનો સુર બુલંદ પણે સંભળાય છે.

ગુજરાતના લોકોએ, હૈયાના હિલોળે અવનવા અલબેલા ગીતો ચગાવ્યા છે આનંદના પંચમ સુરથી ધરતી અને આભને તરબોળ કર્યા છે અને એ રીતે  સંસારની વાડીમાં આંબા અને ચંપા રોપ્યા છે. તેથી જ તો કવિ કલાપીના અંતરમાં ભાવો દ્વેશ જાગ્યોને સુરતાની વાડીના ગીત ગવાયા.

આપણા રાસ ગરબામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને, આપણે લોકગીત ગાયિકીએ વાતાવરણમાં સંભાર્યા છે.

''રાધાજીના ઉંચા મંદિર નીચા મોલ

ઝરૂખડે દીવા બળે રે લોલ,

રાધા ગોરી ગરબે રમવા આવો

કે સાહેલીઓ ટોળે મળી રે લોલ.''

રાસ રસીયણ સુકન્યા આ રીતે રાસ રમવા આવવા સાહેલીઓને સાદ પાડે છે અને નારીવૃંદ એક સૂર, એક તાલે ઘૂમે, ગીત ગાય ત્યારે સંસારની સઘળી આધિ વ્યાધિ ભૂલી જવાય છે.જાણે કે સ્વર્ગની પરીઓ પૃથ્વીના ચોકમાં રમવા ઉતરી પડી કેમ ન હોય.

ગરબામાં વ્યવહારિક પ્રશ્નો

સામાન્ય દિવસોમાં રાસ અને ગરબે ઘુમતી ગૌરીના રાસ-ગરબામાં ફેર છે સંસારના વ્યવહારિક પ્રશ્નોનો મુકાબલો કરવા જતા માનવ સ્વભાવને, ખાસ કરીને યુવતિઓના મનની વાતને લોકગીતોએ ખુબ ખુબ પ્રમાણમાં ઝીલી છે. જે આજ સુધી જળવાતી આવી છે. આવા એક લોકગીતની અહીં ઝાંખી કરીએ.

''કુંવરી ચેડો રે કમાડ સુંદર વરને નીરખવા,

દાદા મોરાએ વર જો જો,

એ વર છે વરણાંગીયો રે,

દિકરી મોરી, કયાં તમે દીઠો,

કયાં તમારા મન મોહ્યા!''

કાચું કલેવર

આમ આપણા રાસ ગરબા ભકિત રસમાંથી ઉત્પન્ન થઇને મંથનો આશા આકાંક્ષાઓ લઇને આવ્યા છે. આવા આપણા ઉત્સવની તટસ્થ દ્રષ્ટિએ આત્મ નિરીક્ષણ કરીએ, તો આજે ગરબામાં ભભકાનો ભાર વધી જાય છે, પરિણામે લોકગીતનું લાક્ષણિક તત્વ ખોવાતું જાય છે કામણગારો કંઠ કયાં સંભળાતો નથી. કૃત્રિમ અવાજે આપણી પરંપરા પ્રમાણિત વિશિષ્ટતા ગુમાવી છે ગરબો ગાવો ગવરાવાવો અને ઝીલવો એએક કળા છે. જે ભૂલાતી જાય છ.ે આમ રાસ-ગરબા પરાવલંબી બની રહ્યા છ.ે

માતાજીની અર્ચના

કૃત્રિમ આવાજ (માઇક) ની સહાય લેવા જતા હૈયાના હેત અને હોંશની અનોખી હલક સંભળાવતાં સુરને ગુમાવી બેસવાનો સમય આવે ત ેપહેલાં જાગૃત થવાની ઘડી આવી પહોંચી છે.

નવરાત્રી ઉત્સવો ભલે ઉજવાય, એથી એટલો વખત તો આધિ વ્યાધિમાંથી માનવ મુકત થાય તો ખોટું નથી જ. પરંતુ ઉત્સવમાં સાત્વિકતા આવે મનોરંજનને પોષક બને નહીં, દુઃખ દર્દ ભૂલવા અને તેને દૂર કરવામાં દેવી શકિતની અર્ચના થાય અને યા દેવી શકિતરૂપે સંસ્થિતાં  નમસ્તયે, નમસ્તયે, નમસ્તયે નમો નમઃની આરાધના થાય તો નવરાત્રીનું સાત્યત જળવાશે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:23 am IST)