Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સરકારી મહેમાન

મોબાઇલ ફોનનો વપરાશ વધતાં ટેલીફોનને બાય-બાય: મંત્રીઓના ટેલીફોન બીલ અડધા

પેટ્રોલ, ડીઝલ, PNG, CNGમાં રાજ્યની પાંચ વર્ષની આવક 60,000 કરોડ રૂપિયા: ગુજરાતના જેટલા IAS ઓફિસરો ડેપ્યુટેશન ઉપર છે તેનાથી બમણી તો અછત છે : ગુજરાતનું જાહેર દેવું 2.17 લાખ કરોડ; પાંચ વર્ષમાં 70,000 કરોડ વ્યાજ ભર્યું છે

એક સમય હતો જ્યારે મંત્રીમંડળના સભ્યોના ટેલીફોનનો ખર્ચ ખૂબ ઉંચો આવતો હતો. એ સમયે મોબાઇલ ન હતા, માત્ર લેન્ડલાઇન ફોન અસ્તિત્વ ધરાવતા હતા. આજે જ્યારે મોબાઇલ યુગ ચાલી રહ્યો છે અને વિવિધ કંપનીઓ 500 રૂપિયાની અંદર ત્રણ ત્રણ મહિના સુધીના ડેટા આપી રહી છે ત્યારે ગુજરાતના મંત્રીમંડળના સભ્યોના ટેલીફોન ખર્ચ ઘટ્યા છે. ગુજરાત સરકાર સૌથી મોંઘી વોડાફોનની સર્વિસ લઇ રહી છે. મોબાઇલના યુગમાં પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના નિવાસસ્થાને લેન્ડલાઇન ટેલીફોન યથાવત છે. જો કે સરકાર માટે મોબાઇલ હોવા છતાં આ સાધન જરૂરી છે તે સમજી શકાય તેમ છે. ગુજરાત સરકારની કેબિનેટનું ટેલીફોન બીલ 2013-14માં સાત લાખની આસપાસ હતું જે ઘટીને 2017-18માં ત્રણ લાખ થયું છે. એટલે કે સરકારમાં પણ ટેલીફોનનો વપરાશ મર્યાદિત થઇ ગયો છે. સરકાર અને ગુજરાતની જનતા માટે આ સારી બાબત છે.

પેટ્રોલ-ડીઝલના ભાવની બૂમ કેમ પડે છે, જુઓ...

જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી.. આ ઉક્તિ મહાઅમાત્ય ચાણક્યએ ઉચ્ચારી છે. આ ઉક્તિ પ્રમાણે રાજા એટલે કે સરકાર માલામાલ બનતી જાય છે પરંતુ તેની પ્રજા ભિખારી બની રહી છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ પેટ્રોલ અને ડીઝલ ઉપર 20 ટકા વેટ અને ચાર ટકા સેસ છે જ્યારે સીએનજી અને પીએનજીમાં 15 ટકા વેટ છે. છેલ્લા એક વર્ષ એટલે કે 2017-18માં સરકારની આવકમાં મોટો વિક્રમ નોંધાયો છે. સરકારે પેટ્રોલ ઉપર વેટ અને સેસમાંથી 3991.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે ડીઝલ પર વેટ અને સેસમાંથી 8883.63 કરોડની કમાણી કરી છે. સીએનજીમાં સરકારને એક વર્ષમાં 499.91 કરોડ અને પીએનજીમાં 1328.77 કરોડ રૂપિયા મળ્યા છે. આ તમામનો સરવાળો કરીએ તો 14703 કરોડની આવક મળી છે. જો છેલ્લા પાંચ વર્ષનું સરવૈયુ કરવામાં આવે તો ગુજરાતની જનતા પાસેથી સરકારે પેટ્રોલ, ડીઝલ, પીએનજી અને સીએનજીમાં 60,000 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી લોકોને ભિખારી બનાવી દીધાં છે.

IAS ઓફિસરોની ઘટનો આંકડો મોટો છે...

ગુજરાત સરકારમા આઇએએસ ઓફિસરોની સંખ્યા એક સમયે હાઉસફુલ હતી. મહેકમ સામે ભરતીનો રેશિયો જળવાઇ રહ્યો હતો, પરંતુ આજે આઇએએસ અધિકારીઓની ઘટ મહેસૂસ થાય છે. ભારત સરકારે ગુજરાત માટે 297 જગ્યાઓ મંજૂર કરી છે જેની સામે હાલ 24થી વધુ આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન પર દિલ્હી અને અન્ય જગ્યાઓએ કામ કરી રહ્યાં છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં આજની સ્થિતિએ 53 આઇએએસ અધિકારીઓની ઘટ છે. ડેપ્યુટેશન પર ગયેલા ઓફિસરો પાછા આવે તો પણ આ ઘટ પૂરી શકાય તેમ નથી. ઘટનો આંકડો ડેપ્યુટેશન પર ગયેલા ઓફિસરોની સરખામણીએ ડબલ છે.

ગીરની ગાયો ભારત દર્શન પર નિકળી છે...

ગુજરાતની ગીરની ગાયો જાણે કે ભારત દર્શન માટે નિકળી છે. ગુજરાતની ગાયો વિદેશોમાં તો જાય છે પરંતુ સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ જાય છે. 2016માં ગુજરાતના પાંચ જિલ્લા ભાવનગર, બોટાદ, રાજકોટ, વડોદરા અને જૂનાગઢની ગીરની 40 ગાયો હાલ દેશના રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ અને  મધ્યપ્રદેશમાં વસવાટ કરે છે. રાજ્ય સરકારે ગાયોની નિકાસ કરવાની પરવાનગી આપી છે. એવી જ રીતે 2017માં ગીરની 95 ગાયો વડોદરા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદથી સીધી મધ્યપ્રદેશ, કર્ણાટકા અને રાજસ્થાન ગઇ છે. આટલી ગાયોની નિકાસ કરવા સરકારે પરમિશન આપી છે પરંતુ ગાયોની ગેરકાયદે નિકાસ માટે સખ્ત સજાની જોગવાઇ પણ છે. ગુજરાતની મોટાભાગની ગાયો ભાજપ શાસિત રાજ્યોમાં નિકાસ થયેલી છે એ એક અચરજ પમાડે તેવી બાબત છે.

દેવું કરીને ઘી પીવું તે આનું નામ...

ગુજરાત સરકાર દેવું કરીને વિકાસ કરે છે. આ દેવાની રકમ વધીને 2.17 લાખ કરોડ રૂપિયા થઇ છે જે માર્ચ 2019 સુધીમાં ત્રણ લાખ કરોડના આંકડાને પણ વટાવી શકે છે. એનો મતલબ એ થયો કે ગુજરાતના વાર્ષિક બજેટ કરતાં પણ દેવાની રકમ વધારે છે. આ દેવા સામે ગુજરાત સરકારે નાણાં ધીરનારી આર્થિક સંસ્થાઓને પાંચ વર્ષમાં કુલ 70,000 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે. સરકારના સત્તાવાર અહેવાલ પ્રમાણે દેવાની સામે વ્યાજની રકમ વધતી જાય છે. રાજ્ય સરકારે માર્ચ 2013ના અંતે 12000 દેવું ચૂકવ્યું હતુ  તે રકમ માર્ચ 2017ના અંતે વધીને 16000 કરોડ થઇ છે અને હવે માર્ચ 2018માં સરકારે 17100 કરોડનું દેવું ચૂકવ્યું છે. દેવાની રકમ વર્ષે સરેરાશ 16000 થી 17000 કરોડ સુધી પહોંચી છે, આમ છતાં સરકારનો દાવો છે કે ગુજરાતની આસ્થિક સ્થિતિ સદ્ધર છે. દેવું કરીને રૂપિયા લાવવામાં આવે તો તેને સદ્ધરતા કેમ કહેવાય તે નવાઇ પમાડે તેવી બાબત છે.

કહેવાય સીસીટીવી પણ ફુટેજ તો મળતા નથી...

ગુજરાતમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની સૂચના આપવામાં આવેલી છે પરંતુ તેમાંથી કેટલા બંધ છે તેના આંકડા પણ ચોંકાવનારા છે. સરકારે તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા મૂકવાના આદેશ કર્યા હતા અને રાજ્યના 550 જેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે. રાજ્યવાર બંધ કેમેરાની વિગતો જોઇએ તો અમદાવાદ ગ્રામ્યના 33 કેમેરા બંધ છે. આણંદના 22, ગીર સોમનાથના 23, છોટાઉદેપુરના 34, જૂનાગઢના 58, દાહોદના 34, દેવભૂમી દ્વારકાના 29, પોરબંદરના 56, ભરૂચના 26, મહેસાણાના 27, સુરેન્દ્રનગરના 64, રાજકોટ ગ્રામ્યના 59, સુરત શહેરના 35 અને સુરત ગ્રામ્યના 12 કેમેરા બંધ છે. રાજ્યના તમામ જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં કેમેરા બંધ છે. ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને પકડવા માટે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે છે પરંતુ રાજ્યના પોલીસ સ્ટેશનમાં અંદાજે 800થી વધારે સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે. જલસા કરો ભાઇ.. સરકારે એજન્સીઓને કેમેરા ફીટ કરવા માટેના રૂપિયા તો આપી દીધા છે પરંતુ બંધ કેમેરા આ એજન્સીઓ ક્યારે ચાલુ કરશે તે નિશ્ચિત નથી.

ખર્ચની દ્રષ્ટિએ હેલિકોપ્ટર કરતાં પ્લેન સારૂં...

ઘાટ કરતાં ઘડામણ વધુ મોંધું પડે છે તે ઉક્તિ રાજ્ય સરકારને ફીટ બેસે છે. ગુજરાત સરકાર પાસે પ્લેન અને હેલિકોપ્ટર એમ બે હવાઇ સર્વિસ છે. નેતાઓ અને મહાનુભાવોની સરભરા માટે હેલિકોપ્ટર કરતાં પ્લેન સારૂં ગણી શકાય છે, કેમ કે પ્લેનના ઉડાનમાં હેલિકોપ્ટર જેવું જોખમ હોતું નથી. ભારતના છ સિનિયર નેતાઓના હેલિકોપ્ટરની ઉડાનમાં મોત થયાં છે જેમાં કેટલાક મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સરકાર પાસે નાનકડું પ્લેન અને હેલિકોપ્ટર બન્ને છે. સરકારે હેલિકોપ્ટર તો બદલ્યું છે પરંતુ પ્લેન બદલ્યું નથી. આ બન્ને હવાઇ વાહનોનું મેઇન્ટેનન્સ કરાવવું પડે છે. રાજ્ય સરકારે આ બન્ને વાહનોની મરામત અને ઉડાન સ્ટાફ માટે પાંચ વર્ષમાં 24 કરોડનો ખર્ચ કર્યો છે. સરકારના પ્લેનની નિભાવણી હેલિકોપ્ટર કરતાં સસ્તી છે કેમ કે સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પ્લેન પાછળ 10.50 કરોડનો ખર્ચ કર્યો છે જ્યારે હેલિકોપ્ટર પાછળ 13.25 કરોડનો ખર્ચ થયો છે. વર્ષ 2017-18નો આંકડો જોઇએ તો સરકારે પ્લેનની મરામત અને સ્ટાફ પાછળ 2.22 કરોડનો ખર્ચ કર્યો છે જ્યારે હેલિકોપ્ટર પાછળ 3.23 કરોડનો જંગી ખર્ચ થયો છે.

કહેવાય સરપ્લસ પણ વીજળી આવે છે ક્યાંથી...

ગુજરાત વીજળીના ઉત્પાદનમાં સરપ્લસ હોવાનો સરકાર દાવો કરે છે પરંતુ આ વીજળી આવે છે ક્યાંથી તેની તપાસ કરવામાં આવે તો ખાનગી વીજળી ખરીદીના આંકડા મોટા થતા જાય છે. ખાનગી વીજળીના ભાવ પણ જાલીમ છે તે ચૂકવીને ગુજરાતની જનતાને સરકાર મોંઘાભાવની વીજળી વિતરણ કરે છે. ગુજરાત સરકાર સીએલપી ઇન્ડિયા પાસેથી 4.65 રૂપિયે યુનિટ વીજળી ખરીદે છે. આટલી મોંઘી વીજળી ખરીદવાનું કોઇ લોજીક બેસતું નથી. એ ઉપરાંત સરકારે અદાણી પાવર પાસેથી 3.05 રૂપિયે, એસ્સાર પાવર પાસેથી 3.36 રૂપિયે, એસબીસી ઇન્ડિયા પાસેથી 2.24 રૂપિયે તેમજ કોસ્ટલ ગુજરાત પાવર પાસેથી 2.62 રૂપિયે વીજળી ખરીદી છે. આટલી મોંઘી વીજળી ખરીદીને સરકાર લોકોને ઉંચાદામે પધરાવે છે એટલું નહીં દેશના 15 રાજ્યોને વીજળી વેચે છે પણ ખરી... સૌથી વધુ 5.15 રૂપિયે યુનિટનો ભાવ ગુજરાતે તામિલનાડુ માટે ભર્યો છે. એનો મતલબ એ થયો કે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી ઉંચા ભાવે વીજળી લઇને ગુજરાત તેના ગ્રાહકોને તેમજ અન્ય રાજ્યોને ઉંચા દામે વેચી નફો કમાય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:21 am IST)