Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સરકારી મહેમાન

રાજ્યની બ્યુરોક્રેસીના સુપ્રીમો અનિલ મુકિમ કે જેમના ટેબલ પર ફાઇલ પડી રહેતી નથી

CM બદલાય છે તેવી અટકળો દર છ મહિને આવે છે અને તેઓ મજબૂત થાય છે: રાજ્યસભાની 2020ની ચૂંટણીમાં કોંગ્રેસને એક બેઠકનો ફાયદો, પાંચ સભ્યો થશે: ગુજરાતની યંગ બ્યુરોક્રેસીમાં 25 વર્ષની સૌથી નાની ઉંમરના ચાર ઓફિસરો છે

ગુજરાતના નાણા વિભાગને નવો ઓપ આપી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં જેમને દિલ્હી બોલાવી લીધા હતા તે 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકિમ કેન્દ્રમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ છોડીને ગુજરાત પાછા આવ્યા છે. સચિવાલયના સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીએ જ તેમને ગુજરાતમાં મોકલ્યા છે. તેઓ અહીંથી દિલ્હી ગયા હતા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે મારી વયનિવૃત્તિ દિલ્હીમાં થશે પરંતુ સંજોગો બદલાઇ ગયા અને અનિલ મુકિમને ચીફ સેક્રેટરી પદે પાછા આવવું પડ્યું છે. ગુજરાતમાં બહુ ઓછા અધિકારીઓ છે કે જેમના ટેબલ પર એકપણ ફાઇલ પેન્ડીંગ પડી રહેતી નથી. મુકિમ પણ આ પ્રકારના અધિકારીઓની ટીમમાં આવે છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અનિલ મુકિમ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થશે પરંતુ તેમને મળેલા સમયગાળામાં ગુજરાતના વિકાસનો આકાર બદલાશે તે નિશ્ચિત છે. તેમણે મેનેજમેન્ટ સાથે એમકોમ અને એલએલબી કર્યું છે. મુકિમે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ પણ નેટીવ પ્લેસ અમદાવાદથી જ લીધું છે. તેઓ રાજ્યના 29મા ચીફ સેક્રેટરી બન્યા છે. સપ્ટેમ્બર 2001માં નરેન્દ્ર મોદી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના કાર્યાલયમાં પ્રથમ સચિવ તરીકે અનિલ મુકિમની નિયુક્તિ કરવામાં આવી હતી. વિવિધ વિભાગોમાં તેમની સાથે કામ કરનારા અધિકારીઓ કાયમ કહે છે કે તેમના ટેબલ પર કોઇ ફાઇલ પેન્ડીંગ રહેતી નથી. તેઓ તેનો ત્વરીત નિકાલ કરી દેતા હોય છે.

ગુજરાતના વધુ એક નેતા રાજ્યપાલ બનશે...

વર્ષોથી ચાલતી આવતી પ્રણાલિકા છે કે કેન્દ્રમાં જે પાર્ટીની સરકાર હોય તે પાર્ટીના સિનિયર નેતાઓ રાજ્યપાલ બનતા હોય છે. કોંગ્રેસની સરકારોમાં પણ લોકોએ જોયું છે કે કોંગ્રેસના સિનિયર નેતાઓ રાજ્યપાલ બનેલા છે. હવે કેન્દ્રમાં એનડીએની સરકાર હોવાથી ભાજપના સિનિયર નેતાઓ રાજ્યપાલ બની રહ્યાં છે. ગુજરાતના વધુ એક નેતા કોઇ રાજ્યના રાજ્યપાલ બને તેવી સંભાવના તેજ બની છે. આ નેતા કોણ છે તેની અટકળો સચિવાલયમાં વહેતી થઇ છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે સિનિયર નેતાઓને દેશના રાજ્યોમાં રાજ્યપાલ બનવાના ચાન્સ આપેલા છે. છેલ્લે ભાજપના સિનિયર નેતા આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતાં તેમને 23મી જાન્યુઆરી 2018માં મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે. તેમના પહેલાં રાજ્યમાં નાણામંત્રી તરીકે સૌથી વધુ સમય રહેલા અને એક સમયના મુખ્યમંત્રીના દાવેદાર વજુભાઇ વાળાને પણ 1લી સપ્ટેમ્બર 2014માં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા. ગુજરાતમાં તેમણે 18 વખત બજેટ અને લેખાનુદાન પસાર કર્યાં હોવાનો રેકોર્ડ છે. હવે ગુજરાત ભાજપના ત્રીજા કોઇ સિનિયર નેતા રાજ્યપાલ બની રહ્યાં છે.

ભાજપને રાજ્યસભા ચૂંટણીમાં ફટકો પડશે...

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી અત્યારે ભાજપ પાસે સાત અને કોંગ્રેસ પાસે ચાર સભ્યો છે. એપ્રિલ 2020માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય વયનિવૃત્ત થઇ રહ્યાં છે જે તમામ નો રિપીટ થિયરીમાં આવી શકે છે. ભાજપમાંથી ચીનુભાઇ ગોહિલ, લાલસિંહ વડોદિયા અને શંભુપ્રસાદ ટુંડિયા તેમનો છ વર્ષનો સમયગાળો પૂર્ણ કરી નિવૃત્ત થવાના છે, જ્યારે કોંગ્રેસમાંથી મધુસુદન મિસ્ત્રી પણ નિવૃત્ત થાય છે. રાજ્ય વિધાનસભામાં સંખ્યાબળ જોતાં વિપક્ષ પાસે 71 સભ્યો છે તેથી કોંગ્રેસને બે બેઠકો મળી શકે છે. ભાજપ ત્રણ પૈકી માત્ર બે બેઠકો જીતી શકે છે, એટલે કે ભાજપને એક બેઠકનું મોટુ નુકશાન થવાનું છે. છેલ્લી બે ચૂંટણીથી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં રસપ્રદ બનતી જાય છે તેમ એપ્રિલમાં આવનારી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી પણ રસપ્રદ બની શકે છે. લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસ પાસે એકપણ બેઠક નથી પરંતુ રાજ્યસભામાં તેના ચાર સભ્યો છે જે આવતા વર્ષે વધીને પાંચ થશે. અત્યારે મધુસુદન મિસ્ત્રી ઉપરાંત અહમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવા સભ્ય છે. રાજ્યસભામાં સૌથી વધુ પાંચ વખત જવાનો રેકોર્ડ કોંગ્રેસના એકમાત્ર અહમદ પટેલનો છે.

ગુજરાતના ચાર ઓફિસરો 25 વર્ષના છે...

ગુજરાત કેડરના ચાર આઇએએસ ઓફિસરોની ઉંમર માત્ર 25 વર્ષની છે. યંગ બ્યુરોક્રેસીના પ્રવેશ પછી આટલી નાની ઉંમર હોય તેવા આ ચાર ઓફિસરોમાં રાજસ્થાનના બાડમેરના વતની અને ગુજરાત કેડરના 2017ની બેચના અધિકારી ગંગાસિંહ બીએસસી, એમએ (હિન્દી લિટરેચર) થયેલા છે. બીજાક્રમે 2017ની બેચના ગૌર્વ દિનેશ રમેશ છે જેઓ મહારાષ્ટ્રના પૂણે નિવાસી છે અને તેઓ બીટેક થયેલા છે. ત્રીજા આઇએએસ શિવાની ગોહિલ છે કે જેઓ દિલ્હીના નિવાસી છે અને 2018ની બેચના છે. 2018ની ગુજરાત બેચના ચોથા અધિકારી અંકિત પન્નું છે, તેઓ પણ દિલ્હી નિવાસી છે. આ ચારેય અધિકારીઓનો જન્મ 1994માં થયો છે અને ગુજરાતની યંગ બ્યુરોક્રેસીમાં સૌથી નાની ઉંમરના આઇએએસ અધિકારીઓ છે.

અફવાથી વિજય રૂપાણી મજબૂત બને છે...

ગુજરાત ભાજપમાં નવો બદલાવ આવી રહ્યો છે. અત્યારે કોઇ ચૂંટણી નથી પરંતુ સંગઠનમાં હોદ્દેદારો બદલાઇ રહ્યાં છે. સરકારમાં પણ થોડી ઉથલ-પાથલના સંકેત મળી રહ્યાં છે. સચિવાલયમાં તો ફરી એકવાર એવી અફવાએ જોર પકડ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી બદલાય છે પરંતુ ફરીવાર એ જ નામો સામે આવે છે જે અગાઉ પણ આવ્યા છે. રાજ્યમાં જ્યારથી વિજય રૂપાણીએ સત્તાના સુકાન સંભાળ્યા છે ત્યારથી પ્રત્યેક છ મહિને “મુખ્યમંત્રી બદલાય છે…” તેવી અટકળો તેજ બને છે, પરંતુ જેટલી અટકળો વહેતી થાય છે તેટલા તેઓ વધારે મજબૂત બનતા જાય છે. પેટાચૂંટણીના પરિણામો એવાં ખરાબ નથી કે જેનાથી મુખ્યમંત્રી બદલી શકાય, કેમ કે છ બેઠકોમાંથી ત્રણ બેઠકો તો ભાજપે મેળવી છે. હવે એવા દિવસો તો નથી કે ચૂંટણીમાં ભાજપને 100 પરસન્ટ બેઠકો મળે, કેમ કે ગુજરાતના મોદી હવે દિલ્હીમાં છે. તેમની ગેરહાજરીમાં તેમના કરિશ્માની થોડી અસર ગુજરાતમાં પડે તે સ્વાભાવિક છે. સરકારમાં કેબિનેટનો વિસ્તાર 2020માં નિશ્ચિત બન્યો છે પરંતુ મુખ્યમંત્રી બદલાય છે તે વાતમાં તથ્ય જોવા મળતું નથી. જો કે ભાજપના સંગઠનમાં બહુ મોટા બદલાવ આવી રહ્યાં છે. ડિસેમ્બર મહિનામાં પાર્ટીના તમામ હોદ્દેદારો બદલાઇ જશે.

ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ વધુ છે...

ગુજરાતમાં એક મોટું આશ્ચર્ય એવું છે કે રાજ્યની વસતી કરતાં મોબાઇલ ધારકોની સંખ્યા વધારે છે. આટલા વર્ષોમાં આવું પહેલીવાર બન્યું છે. હાલની સ્થિતિએ એવું અનુમાન છે કે રાજ્યની વસતી 6.40 કરોડ થઇ છે જેની સામે મોબાઇલ ફોન ધારકોની સંખ્યા 6.87 કરોડ થઇ છે. એવું પણ બની શકે છે કે કેટલાક લોકો પાસે એક કરતાં વધુ મોબાઇલ કનેક્શન છે. રાજ્યમાં બીજી મહત્વની બાબત એવી સામે આવી છે કે જૂની મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ જેવી કે વોડાફોન-આઇડિયા અને એરટેલ કરતાં રિલાયન્સ જિયોના મોબાઇલ નંબરો વધારે છે. સસ્તી અને ઝડપી સર્વિસના કારણે રિલાયન્સ જિયોને દેશભરની જેમ ગુજરાતમાં પણ લોકોએ આવકાર્યું છે. માત્ર ત્રણ વર્ષમાં જિયોની લાઇફનો ગ્રાફ ઉંચો આવ્યો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:36 am IST)
  • JNU હિંસામાં સંડોવણીઃ ABVPના અક્ષત - રોહિતને પોલીસ સમન્સઃ એબીવીપીએ અક્ષત અને રોહિત તેના સભ્યો હોવાનો ઈન્કાર કર્યો, અક્ષત અવસ્થીએ જેએનયુની સાબરમતી હોસ્ટેલની શેરીમાં ટોળા દ્વારા વાહનો અને ફર્નીચરની કરાયેલી તોડફોડની વિસ્તૃત વિગતો આપી : અક્ષત અને રોહિતે જેએનયુમાં વિદ્યાર્થીઓ પર હુમલામાં પોતાની ભુમિકા સ્વીકારી લીધી હોવા છતાં પોલીસે હજુ સુધી તેમની કોઈ ધરપકડ કરી નથી : અક્ષત અવસ્થી પોલીસ સ્ટેશને જશે પરંતુ તપાસમાં જોડાશે નહિં : સૂત્રો, દિલ્હી પોલીસે કેસની તપાસ માટે કબૂલાતની ટેપ્સ માટે ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યુ access_time 12:42 am IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST

  • ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં : વર્લ્ડકપ ટી-૨૦ માટે ઈન્ડિયન વુમન્સ ટીમની થઈ જાહેરાત : ટીમમાં રીચા ઘોષ એકમાત્ર નવો ચહેરો : ૨૧ ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ખોલશે યુદ્ધનો મોરચો access_time 3:37 pm IST