Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

સરકારી મહેમાન

વિજય રૂપાણી જ્યાં જવાના છે તે ઉઝબેકિસ્તાન જીતવા સિંકદરે રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા

20 વર્ષથી નીચેની વયના બાળકો ડ્રગ્સ, તમાકુ કે શરાબનું સેવન કરે તો સખ્ત સજા થાય : વયસ્કોનો આદર, મહિલા સાથે હસ્તધૂનન નહીં ડાબો હાથ દિલ પર રાખી નમન કરાય છે : વિશ્વનો ચોથો મોટો ગોલ્ડ ભંડાર આવેલો છે, વર્ષે 80 ટન સોનું ખાણોમાંથી કાઢવામાં આવે છે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ બિઝનેસ ડેલિગેશન સાથે જે દેશના પ્રવાસે આવતા સપ્તાહે જવાના છે તે ઉઝબેકિસ્તાનનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં બે વખત ગયા છે અને ભારત તેમજ ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-વ્યવસાયના કરાર કર્યા છે. ગુજરાતની છેલ્લી વાયબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાન ગુજરાતનું પાર્ટનર કન્ટ્રી પણ બની ચૂક્યું છે. આ દેશના એન્ડીજન ક્ષેત્રમાં 19 અને 20 ઓક્ટોબરે પહેલી ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ થવાની છે જેમાં 20થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. ફોરમના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એન્ડીજન ક્ષેત્રના રાજ્યપાલ શૌકત અબ્દુરખમાનોવની દ્વિપક્ષીય બેઠક થવાની છે.

સિકંદરને પ્રતિરોધનો સામનો કરવો પડ્યો...

એશિયાના કેન્દ્રીય ભાગમાં સ્થિત ઉઝબેકિસ્તાન ચારેબાજુએ જમીનથી ઘેરાયેલો દેશ છે. 1991 સુધી દેશ સોવિયત સંઘનો ઘટક હતો. દેશના પ્રમુખ શહેરોમાં તાશકંદ, સમરકંદ અને બુખારા છે. અહીંના મૂળ નિવાસી ઉઝબેક જાતિના છે. માનવ વસવાટ અહીં ઇસાના 2000 વર્ષ પહેલાંથી છે. એવું માનવામાં આવે છે કે આજના ઉઝબેકોએ આર્યોને વિસ્થાપિત કરી દીધા હતા. સન 327 ઇસા પૂર્વમાં સિકંદર જ્યારે વિશ્વ વિજય પર નિકળ્યો હતો ત્યારે તેને વિસ્તારમાં પ્રતિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેણે અહીંની રાજકુમારી રોક્સાના સાથે લગ્ન પણ કર્યા પરંતુ યુદ્ધમાં તેને ફાયદો થયો નહીં તેમ છતાં દેશ લાંબા સમય સુધી ફારસી સામ્રાજ્યનો હિસ્સો રહ્યો છે.

મુસલમાનો પણ કૃષ્ણની આરાધના કરે છે...

આઠમી શતાબ્દિ દરમ્યાન અરબ સેનાઓએ ક્ષેત્ર પર તેમનો કબજો કરી દેશમાં રહેતી તુર્ક જનજાતિઓને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરી દીધી હતી. કહેવાય છે કે ઉઝબેકિસ્તાન બીજું મક્કા બનવા ઇચ્છે છે કે જ્યાં દર વર્ષે તમામ દેશોના તીર્થ યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. મધ્ય એશિયાના સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં ઘણી પ્રાચીન સંરક્ષિત મસ્જિદો અને તીર્થસ્થાન આવેલા છે. મુસ્લિમ દેશ હોવા છતાં મુસલમાન દેશમાં ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરતાં હોય છે.

વયસ્કો અને મહિલાઓને બહુમાન મળે છે...

દેશની વિશેષતા એવી છે કે તેની સંસ્કૃતિ અને પરંપરા મહાન છે. વયસ્કોનો આદર કરવાનું જનતા ચૂકતી નથી. ઉઝબેકિસ્તાનમાં મોટી ઉંમરના લોકોનો આદર કરવામાં આવે છે. તેમની સાથે ઉંચા અવાજમાં વાત કરી શકાતી નથી. સન્માનિત અતિથિને ઘરના પ્રવેશ દ્વારથી થોડા અંતરે રાખીને સન્માન આપવામાં આવે છે. અભિવાદન માટે હાથ મિલાવવાની પ્રથા પુરૂષો સુધી સિમિત છે. દેશમાં મહિલાઓનું અભિવાદન કરવા માટે તેમના ડાબા હાથને દિલ પર રાખીને નમન કરે છે.

ભોજનમાં વપરાતી બ્રેડની અજીબ માન્યતા...

દેશમાં ભોજનના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે તે લેપિયોશકા (એક જાતની બ્રેડ)ની પ્રથા પ્રચલિત છે. કોઇપણ વ્યક્તિ તેના પ્રવાસ દરમ્યાન બ્રેડ સાથે લઇ જાય તો પણ તેને ઉંધી કે જમીન પર રાખવામાં આવતી નથી. બ્રેડ માટે કહેવાય છે કે તેને ઉંધી કરવામાં આવે તો જીવનમાં દુખ અને દર્દ વધી જાય છે. બ્રેડ માટે બીજી માન્યતા એવી છે કે કોઇપણ ઉઝ્બેક પરિવારનો સભ્ય જ્યારે કોઇપણ યાત્રા માટે જાય તે પહેલાં બ્રેડનો અડધો ટૂકડો કાપીને ખાય છે અને બાકી બચેલા ટુકડાને છુપાવીને રાખે છે અથવા જમીનમાં ત્યાં સુધી ડાટે છે કે જ્યાં સુધી તે પ્રવાસ કરીને ઘરે પાછો આવે.

રાષ્ટ્રીય ભોજન પ્લોવ છે, સિંકદરની શોધ...

ઉઝબેક અને રશિયન ભાષા જ્યાં બોલવામાં આવે છે તે ઉઝબેકિસ્તાનમાં સુન્ની મુસ્લિમોની વસતી 88 ટકા છે, પરંતુ ઉઝબેકિસ્તાનના મુસ્લિમો ધર્મનિરપેક્ષ હોય છે. તેમને બીજા કોઇપણ ધર્મથી પરેશાની હોતી નથી. ઉઝબેકિસ્તાનના લોકોને અલગ અલગ ભોજન કરવાનું ગમે છે. લોકોના ભોજનમાં ઇરાની, અરબ, ભારતીય તેમજ રૂસી તેમજ ચીનના વ્યંજનોની ઝલક જોવા મળે છે. દેશનું રાષ્ટ્રીય ભોજન પાલોવ છે જેને પ્લોવના નામથી પણ ઓળખવામાં આવે છે. ભોજનમાં મટન, ચાવલ, ડુંગળી અને ગાજરનો ઉપયોગ થાય છે. પાલોવ અંગે એવું કહેવાય છે કે ભોજનની શોધ સિંકદર મહાનના રસોઇયાએ કરી હતી. જો કે ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં લીલું મરચું અને ટામેટાં ઉમેરવામાં આવે છે.

ગરીબ દેશમાં ગોલ્ડમાઇનની બોલબાલા..

2015માં દેશની અર્થવ્યવસ્થામાં આઠ ટકાની વૃદ્ધિ થઇ હતી પરંતુ દેશ એશિયામાં સૌથી ઓછો વિકસિત અને ગરીબ દેશ છે. દેશના શહેરીજનો ગ્રામીણ લોકોથી બમણી કમાણી કરે છે. દુનિયાનો સૌથી મોટો કપાસ નિકાસ કરતો દેશ છે અને વિશ્વના પાંચમો કપાસ ઉત્પાદક દેશ છે. દેશની અર્થવ્યવસ્થામાં ખેતીને ખૂબ મહત્વ આપવામાં આવે છે. દેશમાંથી નિકાસ થતી તમામ કમાણી પર રાષ્ટ્રપતિ અને શાસકનો અધિકાર હોય છે.

ઉઝબેકિસ્તાનની અર્થવ્યવસ્થા મુખ્યરૂપથી કપાસ, સોનું યુરેનિયમ અને પ્રાકૃતિક ગેસ સહિત કોમોડિટી પર નિર્ભર છે. દેશ પાસે દુનિયાના ચોથો સૌથી મોટો સોનાનો ભંડાર છે. પ્રતિવર્ષ 80 ટન સોનું દેશમાંથી નિકળે છે. સોનાના ઉત્પાદનમાં દેશનો ક્રમ વિશ્વમાં સાતમો આવે  છે. દેશની સૌથી મોટી ગોલ્ડ માઇન રણવિસ્તારમાં છે. યુરેનિયમના ઉત્પાદનમાં દેશનો ક્રમ 17મો અને પ્રાકૃતિક ગેસમાં 11મો છે. દેશનો જીડીપી પ્રતિવ્યક્તિ (પીપીપી) 7000 ડોલર છે. ઉઝબેકિસ્તાને 2018ના વર્ષમાં 11.38 બિલિયન ડોલરની નિકાસ અને 11.44 બિલિયન ડોલરની આયાત કરી હતી.

2700 વર્ષ પુરાણી પિરામિડો આવેલી છે...

ઉઝબેકિસ્તાનમાં પુરાતત્વવિદ્દોએ 2002માં પ્રાચીન પિરામિડોની શ્રેણી શોધી હતી જે 2700 વર્ષ પુરાણી હોવાનું માનવામાં આવે છે. દેશમાં ઉગમ ચાટકલ નેશનલ પાર્ક આવેલો છે જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. અત્યારે દેશમાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. દેશમાં ભૂગર્ભ જળ તેમજ નદીઓના પાણી સૂકાતા જાય છે. દેશના બાળકો તો ઠીક પણ વૃક્ષો પાણી માટે તરસે છે કેમ કે અહીં વરસાદ ખૂબ ઓછો થાય છે. ઉઝબેકિસ્તાનમાં 1991 પછી પહેલી ચૂંટણી 2016માં થઇ હતી, કેમ કે સમય દરમ્યાન રાષ્ટ્રપતિશાસન રહ્યું છે. ઇસ્લામ કરિમોવ રાષ્ટ્રપતિ રહ્યાં છે. દેશનો લોકપ્રિય ખેલ સોકર અને ટેનિસ છે. ઉપરાંત દેશમાં સાઇકલ ચલાવવી, મુક્કેબાજી, કુસ્તી અને જિમનાસ્ટિક મુખ્ય છે. દેશના પર્યટકોમાં ઉંટ ટ્રેકીંગ, લાંબી પદયાત્રા, બર્ડ વોચિંગ, રાફ્ટિંગ અને સ્કીઇંગ મશહૂર છે.

સવા ત્રણ કરોડની વસ્તી જળતરસી છે...

રાજધાની તાશકંદ સૌથી મોટું શહેર છે. દેશમાં કાનૂન સખ્ત છે. કાનૂન તોડનારા લોકોને સખ્ત સજા આપવામાં આવે છે. પોલિસ સાથે પણ ખરાબ વ્યવહાર માટે સજાની જોગવાઇ છે. 20 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ડ્રગ્સ, તમાકુ અને શરાબનો ઉપયોગ નિષેધ છે એટલું નહીં તેમને ગુનેગાર ગણી સજા કરવામાં આવે છે. મહત્વની બાબત એવી છે કે જાહેર સ્થળો પર ફોટો લેવો પણ ગુનો ગણાય છે. દેશની જનસંખ્યા 3.18 કરોડની છે, કૃષિ યોગ્ય જમીન 62.6 ટકા છે પરંતુ પાણીના અભાવે ખેતીને વિપરિત અસર થઇ છે. દેશના લોકો ગ્રીન ટી વધુ પસંદ કરે છે. પ્રતિદિન લોકો ગ્રીન ટી પિવાનું પસંદ કરે છે. દેશનું ક્ષેત્રફળ 448.978 ચોરસ કિલોમીટર છે. દેશનું ચલણ ઉઝબેકિસ્તાનિ સોમ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:33 am IST)
  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • સેરેના જીતી ઓકલેન્ડ કલાસીકની ફાઇનલ મેચ : પ્રાઈઝ મની ઓસ્ટ્રેલિયાની આગમાં અસરગ્રસ્તો માટે દાન કરી access_time 3:36 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST