Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સરકારી મહેમાન

ગુજરાતમાં 130 ટકા વરસાદ સાથે 101 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર, તમાકુને બાય-બાય

કેન્દ્ર સરકાર ડાંગ જિલ્લાને 100 ટકા સેન્દ્રીય ખેતી હેઠળનો પ્રથમ જિલ્લો બનાવશે : દેશમાં ભાજપની ‘આજ’ ઉજળી થઇ છે અને કોંગ્રેસની ‘આજ’ નબળી બની રહી છે : અમિત શાહ ઓછું બોલે છે પણ વ્યવહારૂં છે, મિત્રો માટે વફાદારી સર્વશ્રેષ્ઠ ગુણ છે

ગુજરાતમાં આ વર્ષે મોસમનો બદલાવ થયો છે અને આસો મહિનામાં પણ વરસાદ ચાલુ છે. રાજ્યમાં મોસમનો કુલ 130 ટકાથી વધુ વરસાદ થયો છે જેની સાથે ખરીફ સિઝનની વાવણીમાં પણ વધારો થયો છે. રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 લાખ હેક્ટરની સામે આ વર્ષે 85.89 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કપાસનું વાવેતર 26.66 લાખ હેક્ટરમાં થયું છે, બીજાક્રમે 15.52 લાખ હેક્ટર સાથે મગફળીનું વાવેતર જોવા મળે છે. સૌથી મોટું આશ્ચર્ય એ બાબતનું છે કે રાજ્યના ખેડૂતો હવે તમાકુના વાવેતરથી દૂર ભાગી રહ્યાં છે. તમાકુનો વાવેતર વિસ્તાર 57800 હેક્ટર હતો તે ઘટીને હવે 25800 હેક્ટર થયો છે. રાજ્યના ખેડૂતોએ 2.27 લાખ હેક્ટરમાં શાકભાજી, 12.75 લાખ હેક્ટરમાં ઘાસચારો, 4.05 લાખ હેક્ટરમાં કઠોળ, 13.66 લાખ હેક્ટરમાં અનાજ અને 7.02 લાખ હેક્ટરમાં કેસ્ટરની ખેતી કરી છે.  રાજ્યમાં ખરીફ વાવેતર 101.31 ટકા થયું છે. ગયા વર્ષે 82,27,429 હેક્ટરમાં ખરીફના પાક લેવામાં આવ્યા હતા જ્યારે આ વર્ષે 85,87,826 હેક્ટરમાં પાક લેવામાં આવ્યા છે. જો કે વાવેલા પાક ભારે વરસાદમાં બદબાદ ન થઇ જાય તેની ખેડૂતોને ચિંતા છે. ગુજરાતમાં ઉત્તમ ચોમાસાના કારણે ખરીફ ઉપરાંત રવિ પાકની દિશા પણ બદલાવી નાંખી છે. રવિ પાકમાં ખેડૂતોને પાણીની અછત પડશે નહીં તેથી ખરીફ તેમજ રવિ સિઝનનો ગુજરાતને બંપર પાક મળી રહેશે.

ડાંગ જિલ્લાની ખેતી કેમિકલ ફ્રી બનશે...

રાસાયણિક ખાતરો અને કેમિકલ્સના બહોળા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા પર વિપરિત અસર થતી જાય છે અને પાકની ઉત્પાદકતા પણ ઘટી રહી છે. આ સાથે કૃષિ રસાયણોની માનવ જીવન અને પશુઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. રાજ્ય સરકાર હવે કૃષિ પ્રદૂષણને દૂર કરી સજીવ ખેતી માટે ખેડૂતોને જાગૃત કરી રહી છે. સેન્દ્રીય ખેતીના એક નહીં અનેક ફાયદા છે તેવું કૃષિ તજજ્ઞો ખેડૂતોને સમજાવે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સામાન્ય રીતે રસાયણિક ખાતરનો ઉપયોગ મર્યાદિત જોવા મળે છે. ભારત સરકારે રાજ્યના ડાંગ જિલ્લાને સંપૂર્ણ સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવાનું નક્કી કર્યું છે જ્યારે વસલાડના ધરમપુર, કપરાડા અને નવસારીના વાંસદા તાલુકાને પણ સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લીધા છે. રાજ્ય સરકાર ડાંગ જિલ્લા અને અન્ય ત્રણ તાલુકાને કેમિકલ ફ્રી એગ્રીકલ્ચરમાં ફેરવવા માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં સરકાર ટારગેટ પ્રમાણે કાર્યવાહી કરીને ડાંગ તેમજ ત્રણ જિલ્લાના ખેડૂતોને જાગૃત બનાવશે.

ઉદ્યોગો માટે ગ્રુપ તો કૃષિ માટે કેમ નહીં...

એક જાગૃત આઇએએસ ઓફિસર સરકારની કાર્યવાહીને લોકો સુધી પહોંચાડી શકે છે. લોકો (અરજદારો) ના પ્રશ્નો અને સમસ્યાઓ સોશ્યલ માધ્યમથી સાંભળીને તેનો નિકાલ કરી શકે છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે તેમના વિભાગના તમામ અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટરેટના ઓફિસરોને ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરી લોકોની સમસ્યાઓ ઉકેલવાનો આદેશ કર્યા પછી આજે રાજ્યના 33 જિલ્લા કલેક્ટરો ટ્વિટર પર ઓનલાઇન જોવા મળે છે. એવી જ રીતે બીજો એક સારો પ્રયાસ ઉદ્યોગ વિભાગમાં થયો છે. ઉદ્યોગોના પ્રશ્નોના ઉકેલ માટે રિયલ ટાઇમ ફીડબેક માટે ઉદ્યોગ પ્રતિનિધિઓએ સિનર્જી નામનું  વોટ્સઅપનું એક ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં ઉદ્યોગ એસોસિયેશનોના હોદ્દેદારો સભ્ય છે. એટલું જ નહીં, ખુદ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ તેના સભ્ય છે. કોઇપણ ઉદ્યોગ પ્રતિનિધિ તેને પડતી મુશ્કેલીઓ તેમજ સૂચનો આ ગ્રુપમાં જણાવી શકે છે. ઉદ્યોગ વિભાગનો આ પ્રયાસ સરાહનિય છે પરંતુ આવું ગ્રુપ જો કૃષિમાં બનાવીને ખેડૂત સંગઠનના હોદ્દેદારોને તેના સભ્ય બનાવવામાં આવે તો ખેડૂતોના પ્રશ્નોનો પણ સીધો નિકાલ આવી શકે તેમ છે. રાજ્યના કિસાન નેતાઓએ આવા વોટ્સઅપ ગ્રુપનો વિચાર કરીને રાજ્યના કૃષિ અધિકારીઓને તેમાં સભ્ય બનાવવા જોઇએ કે જેથી ખેડૂત આગેવાનો કિસાનોના વિવિધ પ્રશ્નો તેમજ કૃષિ વિષયક સૂચન કરી શકે.

ચાર વર્ષમાં સરકારે એક પ્લોટ કબજે કર્યો...

ગાંધીનગરમાં સરકારી રાહતદરના પ્લોટ લઇને વેચી દેનારાઓની યાદીમાં માત્ર ઓફિસરો કે કર્મચારીઓ જ નથી, આપણા સંસદસભ્યો અને ધારાસભ્યોએ પણ કરોડો રૂપિયા લઇને સરકારી પ્લોટને વેચી માર્યા છે. ગાંધીનગરમાં આ પ્રકારના 1000 થી વધારે દાખલા મોજૂદ છે. ખરીદનારા વર્ગની કમનસીબી છે કે સરકારી પ્લોટ લાખો રૂપિયામાં ખરીદે છે અને સરકારી પ્રિમિયમના દરો પણ તેને જ ભરવા પડે છે. સરકારી નિતીમાં વેચનારને તગડો ફાયદો છે. ગાંધીનગરમાં હજી એવા ઘણાં પ્લોટ છે કે જેમાં બાંધકામ થયું નથી અને શરતભંગ થયો છે છતાં સરકારના ચોપડે શરતભંગના ખૂબ ઓછા પ્લોટ બોલે છે. શહેરના સેક્ટર-1 થી સેક્ટર-8માં સરકારે આપેલા રહેણાંક, ઔદ્યોગિક, સામાજીક તેમજ શૈક્ષણિક હેતુના પ્લોટમાં શરતભંગના 544 કેસ શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામને શરતભંગની નોટીસ આપવામાં આવી છે પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા ચાર વર્ષમાં સરકારે માત્ર એક જ પ્લોટ સરકાર હસ્તક કર્યો છે, બાકીના કિસ્સામાં દંડ ભરીને બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર માટે એવું કહેવાય છે કે માલામાલ થવું હોય તો ગમે તેમ કરીને સરકારી પ્લોટના માલિક બની જાવ, પછી બજાર તમારા માટે રાહ જોઇને બેઠું છે.

અમિત શાહ એટલે મોદીની અડધી શક્તિ...

આજે દેશમાં મોદી સાથે શાહનું નામ લેવાય છે. આ બન્ને ગુજરાતી નેતાઓએ સમગ્ર દેશની બિન ભાજપ પાર્ટીઓના નેતાઓને તેમના મૂળ સ્થાન બતાવી દીધા છે. અમિત શાહ 2002થી મોદીનો પડછાયો બનીને સાથે રહ્યાં છે. અમિત શાહે ગુજરાત અને દેશમાં કોંગ્રેસને ખતમ કરવામાં જરાય પાછીપાની કરી નથી. કોંગ્રેસના ટોચના નેતાઓને ભાજપનો ખેસ પહેરાવનારા અમિત શાહ ઓછું બોલે છે પણ વ્યવહારૂં છે. મિત્રો માટે જે કરવું પડે તે કરવું અને વફાદારી સર્વશ્રેષ્ઠ ગુણ છે. રાજનિતીમાં ટેકનિકલ માઇન્ડ ધરાવતો ગુજરાત ભાજપનો ચહેરો આજે રાષ્ટ્રીય ભાજપનો તારણહાર બન્યો છે. ઉત્તરપ્રદેશની ગલીઓમાં જઇને વિશાળ પાર્ટીઓને ધરાશયી કરી છે. લોકસભામા મોદીની સાથે ખભેખભા મિલાવીને બમણા જોરથી પ્રચાર કર્યો છે. રાજનિતીમાં અનેક યાતનાઓ ભોગવી ચૂકેલા અમિત શાહને આખી પાર્ટી નરેન્દ્ર મોદીની અડધી શક્તિ કહે છે. અમિત શાહ છે તો મોદી માટે બધુ મુમકીન છે. દેશના 12 રાજ્યોમાં ભાજપમાંથી ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. ભાજપ સાથે જોડાણ કર્યું હોય તેવી પાર્ટીઓની 6 રાજ્યોમાં સરકાર છે. એટલે કે એનડીની સરકાર દેશના 18 રાજ્યોમાં છે. લોકસભામાં ભાજપના 303 અને રાજ્યસભામાં 80 સભ્યો છે. ભાજપ સાથે જે પાર્ટીઓએ જોડાણ કર્યું છે તેની સાથે સંખ્યા જોવામાં આવે તો લોકસભામાં એનડીના 357 અને રાજ્યસભામાં 117 સભઅયો થવા જાય છે. દેશની વિધાનસભાઓમાં કુલ 4120 બેઠકો પૈકી ભાજપ પાસે 1375 અને એનડીએ પાસે 250 મળીને કુલ 1852 બેઠકો છે. રાષ્ટ્રીય ભાજપના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ સૌથી મોટી સિદ્ધી છે. એનડીએની સ્થાપના 1998માં થઇ હતી અને તેના પ્રણેતા અટલ બિહારી વાજપેયી હતા. આજે એનડીએમાં 24 પાર્ટીઓ જોડાયેલી છે.

કોંગ્રેસની આજ વધુ નબળી બની રહી છે...

એક સમયે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો પરંતુ કોંગ્રેસની આજ વધુ નબળી પડી છે. પાર્ટી પાસે દેશમાં લોકસભાની 52 અને રાજ્યસભામાં 48 બેઠકો છે. યુપીએનો કુલ સરવાળો કરીએ તો 92 બેઠકો લોકસભામાં છે અને માત્ર 64 બેઠકો રાજ્યસભામાં જોવા મળે છે. એટલે કે બન્ને ગૃહોમાં ભાજપને બહુમતિ આપી દેવામાં આવી છે. રાજ્યોની વિધાનસભાઓમાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા માત્ર 864 જોવા મળે છે. જો તેમાં યુપીએના ઘટક પક્ષોને ઉમેરવામાં આવે તો કુલ સભ્યસંખ્યા 1218 થવા જાય છે. કોંગ્રેસ પાસે હાલ પોંડિચેરી, પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે. યુપીએ સમર્થિત કુલ છ રાજ્યોમાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળે છે. દેશમાં યુપીએની સ્થાપના 2004માં સોનિયા ગાંધીએ કરી હતી. આજે યુપીએમાં 16 પાર્ટીઓ સભ્ય હોવા છતાં સમગ્ર દેશમાં માત્ર છ રાજ્યોમાં સત્તા હાંસલ કરેલી છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે 1990 પછી સંપૂર્ણ સત્તા આવી નથી. કોંગ્રેસ કે ભાજપ સિવાયની પાર્ટીઓના ત્રણ-ચાર વર્ષને બાદ કરવામાં આવે તો રાજ્યમાં 24 વર્ષથી ભાજપની સરકાર શાસન કરે છે. ભાજપે ગુજરાતમાં 24 વર્ષમાં પાંચ મુખ્યમંત્રી આપ્યાં છે.  રાજ્યમાં સૌથી વધુ સાડા તેર વર્ષનું શાસન એકમાત્ર નરેન્દ્ર મોદીએ કર્યું છે જે અત્યાર સુધીનો રાજકીય વિક્રમ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:14 am IST)
  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST