Gujarati News

Gujarati News

News of Monday, 24th December 2018

સરકારી મહેમાન

યુરોપના લોકો નદી ઓળંગતા પણ ડરતા હતા તે સમયથી ગુજરાતી સાહસિકો દરિયો ખેડી રહ્યાં છે

જાતિવાદ ભગવાનને પણ છોડતો નથી, હનુમાનજીની જાતિ ભાજપ નક્કી કરે છે : ગાંધીનગરનું પ્રાઇમ લોકેશન બદલાયું, મિલકતના ભાવ આસમાને પહોંચ્યા છે : જસદણના 'વિજય'નો જશ રૂપાણીને, ભાજપના સંગઠનના નેતાઓને ગિફ્ટ મળશે

ભારતના 171 બંદરો પૈકી ગુજરાતના 42 બંદરો એ ગુજરાતની વિરાસત છે. કેટલાક બંદરો લુપ્ત થયા છે અને કેટલાક નવા શોધી કાઢવામાં આવ્યા છે. ગુજરાતના પૌરાણિક બંદરો પરથી ભૂતકાળમાં થયેલા વેપારની ઓળખ ભાગવત અને મહાભારતના સમય જેટલી પુરાણી છે. એક સમયે સુરત એ દેશનું અતિ મહત્વનું બંદર ગણાતું હતું. સુરત બંદરે 84 દેશોના વહાણો લાંગરેલા જોવા મળતા હતા અને એટલે જ સુરત આજુબાજુના વિસ્તારને ચોર્યાસી તરીકે ઓળખવામાં આવે છે. સુરત ઉપરાંત માંડવી બંદરે પણ આટલા જ વહાણો લાંગરતા હતા. કહેવાય છે કે યુરોપના લોકો નદી ઓળંગતા ડરતા હતા તે સમયથી ગુજરાતીઓ દરિયો ખેડે છે. ઇતિહાસકારોના મતે દુનિયાનું પહેલું સમુદ્રી બંદર ઇ.સ. પૂર્વે 2300ની આસપાસ ગુજરાતના દરિયાકિનારે લોથલ ખાતે બાંધવામાં આવ્યું હતું. આ લોથલ સુનિયોજીત નગરના અવશેષો નિષ્ણાંતોને આંજી નાંખે તેવા છે. ડો. એસ.આર.રાવે 1954માં આ બંદર શોધ્યું હતું ત્યારપછી 1955 થી 1960 દરમ્યાન થયેલા ઉત્ખનનનાં અંતે પ્રાચીનયુગના સુવિકસિત નગર લોથલની શોધ થઇ હતી.  એક યુગમાં ખંભાત બંદર હતું તે સહુ કોઇ જાણે છે, પરંતુ બનાસકાંઠાનું થરાદ પણ એક જમાનામાં બંદર હતુ, તેની કોઇને જાણ નથી. લોથલની બંદરીય વિરાસત અને મુંબઇ બંદરની નગર વસાહત રચના એ ગુજરાતની ખોજ છે. ગુજરાતનો આ એક રોમાંચક ઇતિહાસ છે.

દેશમાં ગોવાના લોકો વધારે સમૃદ્ધ છે...

ભારતમાં પર કેપિટા ઇન્કમમાં ગોવા નંબર વન સ્ટેટ છે. આ રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિની માથાદીઠ આવક 375554 રૂપિયા છે. બીજાક્રમે 329093 રૂપિયા સાથે દિલ્હી અને ત્રીજાસ્થાને 297765 રૂપિયા સાથે સિક્કીમ આવે છે. પર કેપિટા ઇન્કમમાં ગુજરાતનો ક્મ સમગ્ર દેશમાં 14મો આવે છે. ચોથાક્રમે 242386 રૂપિયા સાથે ચંદીગઢ અને પાંચમાક્રમે 198156 રૂપિયા સાથે પોંડીચેરી આવે છે. આ રાજ્યોની માથાદીઠ આવક વધારે હોવાનું કારણ તેની ઓછી વસતી છે. મોટા રાજ્યોમાં મહારાષ્ટ્રની પર કેપિટા ઇન્કમ 180596 રૂપિયા છે જ્યારે કર્ણાટકની 174551 અને તામિલનાડુની 166934 રૂપિયા છે. ગુજરાતની આગળ આ સિવાયના રાજ્યો હરિયાણા, ઉત્તરાખંડ, તેલંગાણા, કેરાલા અને હિમાચલ પ્રદેશ આવે છે. ગુજરાતની પર કેપિટા ઇન્કમ 1916-17ના વર્ષમાં 156527 રૂપિયા છે. ભારતની પર કેપિટા ઇન્કમ જોઇએ તો તે 126349 રૂપિયા છે જે ગુજરાત કરતાં ઓછી છે એટલે કે ગુજરાત એવું ગૌરવ લઇ શકે છે કે ભારતની પર કેપિટા ઇન્કમ કરતાં ગુજરાતની પર કેપિટા ઇન્કમ વધારે છે.

ગાંધીનગરમાં પ્રાઇમ લોકેશન બદલાયું છે...

ગાંધીનગરનું મહાત્મા મંદિર એ શહેરનું પ્રાઇમ લોકેશન બની રહ્યું છે. આ મંદિરની નજીક રેલ્વેસ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવી રહ્યું છે. એ સાથે રેલ્વેટ્રેક પર બિલીપત્ર આકારની 300 રૂમ ધરાવતી ફાઇવસ્ટાર હોટલ બનાવવામાં આવી રહી છે. એટલું જ નહીં રેલ્વે મંત્રાલયે છ સ્ક્રીન ધરાવતા મલ્ટીપ્લેક્સ અને શોપિંગ સેન્ટરની પણ મંજૂરી મેળવી છે. અત્યાર સુધી શહેરનું સેક્ટર-21 પ્રાઇમ લોકેશન હતું પરંતુ હવે મહાત્મા મંદિરનો વિસ્તાર-- સેક્ટર-15 પ્રાઇમ બની ગયો છે. આ વિસ્તારમાં જમીન તો નથી પરંતુ રાહત દરના મકાનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. મહાત્મા મંદિર પહેલાં આ વિસ્તાર પછાત હતો. ઝૂંપડપટ્ટીનું સામ્રાજ્ય હતું. જૂના ખખડધડ રેલ્વેસ્ટેશનમાં પાંચ દસ પ્રવાસીઓ આવતા હતા. આજે આ વિસ્તાર ટુરિસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. 90 મીટરના રાહતદરના મકાનો જે મહાત્મા મંદિર પહેલાં 10 લાખમાં વેચાતા હતા તેની કિંમત હવે એક કરોડ ઉપર પહોંચી ચૂકી છે. અહીં વસવાટ કરનારને ટુરિસ્ટ ડેસ્ટીનેશન ઉપરાંત મંદિર થી વિધાનસભા સુધીની વિસ્ટાનો વિશેષ લાભ મળે છે.

નિવૃત્ત થતાં રાજગોપાલને પ્રમોશનની શક્યતા...

ગુજરાત સરકારના ચાર આઇએએસ અધિકારીઓને પ્રમોશન મળવાની સંભાવના છે. 1987 બેચના આ સિનિયર અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી થી એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કનું પ્રમોશન આપવાનું થાય છે. આ બેચના અધિકારીઓમાં રાજગોપાલ ગુજરાત સરકારમાં ફરજ બજાવે છે જ્યારે રાજકુમાર, આર.પી.ગુપ્તા અને એલ ચુઆંગો સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે. રાજગોપાલ જાન્યુઆરીમાં નિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે તેમને આ ગિફ્ટ મળી શકે છે. બીજી તરફ 2003 બેચના ગુજરાત કેડરના ઓફિસરો રૂપવંતસિંઘ, સંધ્યા ભુલ્લર, પી. સ્વરૂપ, પ્રવિણ સોલંકી, અવંતિકા સિંઘ, એસએલ અમરાણી, એમએસ પટેલ અને લલિત પાડલિયાને પણ પ્રમોશન મળી શકે છે. આ ઓફિસરોમાં લલીત પાડલિયા આગામી ઓક્ટોબર મહિનામાં વયનિવૃત્ત થઇ રહ્યાં છે. વાયબ્રન્ટ સમિટ પહેલાં આ પ્રમોશન આપવામાં આવી શકે છે.

જસદણનો 'જશ' રૂપાણીને, હવે 'ગિફ્ટ' આપશે...

જસદણ બેઠકની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપના કુંવરજી બાવળિયાનો 20 હજાર મતે વિજય થયો છે. આ 'વિજય'નો 'જશ' મુખ્યમંત્રી રૂપાણીને મળ્યો છે. હવે તેઓ પાર્ટીના નેતાઓને ગિફ્ટમાં બોર્ડ-કોર્પોરેશન આપી શકે છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારના જાહેર સાહસોમાં રાજકીય નિયુક્તિ કરવા માટે અત્યાર સુધીમાં બે વખત- એક દિવાળી પહેલાં અને એક લાભપાંચમ પછી પ્રયાસ થયા છે. કહેવાય છે કે પાર્ટીના હાઇકમાન્ડે જસદણની ચૂંટણી સુધી આ નિયુક્તિને રોકી રાખી હતી પરંતુ હવે વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ પહેલાં સરકાર પાર્ટીના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓને ખુશ કરશે તેવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી પાર્ટીના સંગઠનને કામ કરતું કરવા માટે આ નિયુક્તિ કરવાની સરકારને ફરજ પડી છે. સરકાર 12 થી 15 બોર્ડ-કોર્પોરેશન અને શહેરી સત્તાવિકાસ મંડળોમાં ચેરમેન તેમજ ડિરેક્ટરોની નિમણૂક કરશે તેવી શક્યતા જોવામાં આવે છે. જસદણમાં કુંવરજી બાવળિયાનો નહીં રૂપાણીનો 'વિજય' થયો છે.

નેતાઓ બિમાર પડે તે ચાલી ન શકે...

ગુજરાત સરકારના નેતાઓ બિમાર પડી રહ્યાં છે. રાજ્ય સરકારમાં પહેલાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેન્સરનું ઓપરેશન કરાવ્યું છે. તેમના પછી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પગના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. હવે પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યા બિમાર પડ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની તબિયત સુગર પ્રોબ્લેમ હોવાથી નરમ-ગરમ રહે છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલ ઓપરેશન પછી પહેલા જેવું તેજીલું કામ કરી શકતા નથી. પરસોત્તમ સોલંકી ક્યારેક ઓફિસમાં આવે છે. રૂપાણી સરકારના અન્ય સભ્યોમાં આર.સી.ફળદુ, કૌશિક પટેલ, ગણપત વસાવા, જયેશ રાદડિયા, ઇશ્વર પટેલ અને વિભાવરી દવેમાં તરવરાટ દેખાય છે અને શારિરીક ફીટ છે. નેતાઓ તો તંદુરસ્ત હોવા જોઇએ કારણ કે તેઓ 15 થી 18 કલાક સુધી કામ કરે છે કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીની સરકારમાં આખી કેબિનેટ એક્ટિવ જોવા મળતી હતી. એ કેબિનેટ જેવો ઉત્સાહ હાલની કેબિનેટમાં જોવા મળતો નથી. આ સભ્યો ઓછો ખોરાક અને કસરત કરીને તેમની ફીટનેસ સુધારવાના પ્રયાસો કરી રહ્યાં છે તે સારી બાબત છે.

હનુમાનજી કોણ હતા-- માત્ર ભાજપ જાણે છે...

રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આજે જો હયાત હોત તો હનુમાનજીની જ્ઞાતિ અને ધર્મની જે સિરીઝ ભાજપના નેતાઓએ ચલાવી છે તે જાણીને તેમને દુખ થયું હોત. ગુજરાતના કથાકાર મોરારી બાપુએ તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે આકરા પ્રહારો કર્યા હતા જ્યારે તેમણે હનુમાનજીને રાજસ્થાનના ચૂંટણી પ્રચાર દરમ્યાન દલિત કહ્યા હતા. આ સિલસિલો અટકતો નથી અને ભાજપ તમાશો જુએ છે. ઉત્તરપ્રદેશના મંત્રી લક્ષ્મીનારાયણે કહ્યું હતું કે હનુમાનજી જાટ હતા. ભાજપના નંદકુમારે આદિવાસી કહ્યા હતા તો બાબા રામદેવ હનુમાનજીને ક્ષત્રિય ગણે છે. ભાજપના બળવાખોર નેતા કિર્તી આઝાદે હનુમાનજીને ચીનના હોવાનું કહ્યું હતું તો ભાજપના ધારાસભ્ય બુક્કલ નવાબે મુસ્લિમ કહ્યા હતા. ભાજપના સાંસદ ઉદિત રાજ કહે છે કે વિજ્ઞાનનું માનીએ તો હનુમાનજી છે જ નહીં. હદ થાય છે હવે તો-- ભાજપના નેતાઓએ ભાંગ પીધી લાગે છે. જે ભગવાને ઇન્સાનને બનાવ્યા છે તે ઇન્સાન ભગવાનની જાતિ અને ધર્મ નક્કી કરે છે. વાહ, મેરા ભારત મહાન હૈ...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(9:08 am IST)