Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સરકારી મહેમાન

યંગ ગુજરાતની કમાલ: સાંજે સચિવાલય છૂટે ત્યારે કોલેજ છૂટી હોય તેવો માહોલ સર્જાય છે

'કુમારની કમાલ'-- મહેસૂલ વિભાગને આંખે પાણી લાવી દીધા, ઉત્તમ ઉપલબ્ધિ : ઇમારતોમાં રોશની પણ પાર્કિંગમાં અંધારપટ-- આન કહેવાય દિવા નીચે અંધારૂં : CM રૂપાણી વાયબ્રન્ટ માટે ઉત્સાહી છે, પણ 2008 જેવી વૈશ્વિક મંદી આવી રહી છે

એક સમય હતો જ્યારે ગાંધીનગરનું સચિવાલય છૂટે ત્યારે સાયકલ કે સ્કૂટર પર કર્મચારીઓ રાજમાર્ગ પર લાઇન લગાવી દેતા હતા. એ સમયે ટ્રાફિકની સમસ્યા ન હતી પરંતુ આજે સચિવાલયમાં પ્રવેશવાના સમય અને છૂટવાના સમયે ચ-માર્ગ ટ્રાફિકથી છલોછલ દેખાય છે. પ્રત્યેક ચારરસ્તે ટ્રાફિક પોલીસ વાહનોનું નિયમન કરે છે. એકમાત્ર ગાંધીનગર એવું શહેર છે કે જ્યાં ટ્રાફિક સિગ્મનો નથી. ટ્રાફિક લાઇટ નથી. આજે સ્થિતિ એવી સર્જાઇ છે કે સચિવાલયના છૂટવાના સમયે ચ-માર્ગ પર યુવાન અને યુવતીઓ બાઇક, એક્ટિવા અને મોટરકારમાં જોવા મળે છે. ગાંધીનગરમાં સાંજના 6 થી 7ના સમયમાં આ માર્ગ પર કોલેજીયન યુવાનો તેમની કોલેજમાંથી છૂટ્યા હોય તેવો માહોલ સર્જાય છે. યંગ ગુજરાતની આ કમાલ છે. સચિવાલય હવે યંગ બન્યું છે. કુલ કર્મચારીઓમાંથી 65 ટકા કર્મચારીઓ યુવાન છે જેમાં યુવતીઓની સંખ્યા સવિશેષ જોવા મળે છે.

ફ્લડલાઇટની ખાસ જરૂર સરકારીપાર્કિંગમાં છે...

ગાંધીનગરના જૂના અને નવા સચિવાલય ઉપરાંત બોર્ડ-કોર્પોરેશનની કચેરીઓના કમ્પાઉન્ટમાં બનાવેલા પાર્કિગમાં મોડી સાંજ થી આખી રાત સુધી લાઇટ હોતી નથી તેથી અંધકાર છવાયેલો જોવા મળે છે. ગેરકાયદે કામો હંમેશા અંધકારમાં થતાં હોય છે. અંધારામાં સીસીટીવી કેમેરામાં પણ કોઇને ઓળખી શકાય નહીં. સરકારના સલામતી રક્ષકો રાખવામાં આવ્યા છે પરંતુ તેઓ સચિવાલયની ઓફિસોનું ધ્યાન રાખે છે પરંતુ પાર્કિંગનું ધ્યાન કોઇ રાખતું નથી. હકીકતમાં સરકારે સચિવાલય સહિતની તમામ કચેરીઓના પાર્કિંગમાં ફ્લડલાઇટ મૂકવી જોઇએ કે જેથી કોઇપણ ગેરકાયદે કામ પાર્કિંગ વિસ્તારમાં થાય નહીં અને થાય તો સીસીટીવી કેમેરામાં પકડાઇ જાય. સચિવાલય ઉપરાંત ઉદ્યોગ ભવન, અરણ્ય ભવન, કૃષિ ભવન સહિતની બોર્ડ-કોર્પોરેશનની ઓફિસો આવેલી છે. આ ઓફિસોના પાર્કિંગ રેઢાં પડ્યા છે. આ પાર્કિંગમાં સરકારી ગાડીઓ પણ વર્ષોથી ધૂળ ખાઇ રહી છે, જો કોઇ ભાંગફોડિયા તત્વો આવી ગાડીઓમાં વિસ્ફોટક મૂકી જાય તો પણ સરકારને તેની ખબર પણ પડે નહીં, કારણ કે આ સ્થળે અંધકાર હોય છે.

સરકાર સામે પડકારનો મહિનો શરૂ થયો છે...

ગુજરાત સરકાર માટે સપ્ટેમ્બર મહિનો પડકારનો છે. હાર્દિક પટેલના ઉપવાસ, ખેડૂતોની ચીમકી, કર્મચારીઓની પડતર માગણી સહિતના પ્રશ્નો ઉભા થયા છે. સરકાર માટે આ પ્રશ્નો હલ કરવા કઠીન છે. ગુજરાતમાં હાલ સળગતો પ્રશ્ન પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારાનો છે. સચિવાલમયમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ વિકરાળ પ્રશ્નમાં સરકારની દરમ્યાનગીરી સામાન્ય લોકો માગી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની રહી છે. એક કર્મચારીએ કહ્યું હતું કે- કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરી છલકાઇ રહી છે પરંતુ મધ્યમવર્ગના ખિસ્સા હળવાં થઇ રહ્યાં છે. સચિવાલયના નાણા વિભાગના એક કર્મચારીએ કહ્યું હતું કે ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશોમાં વેટના કારણે સરકારને વર્ષે 12000 કરોડ રૂપિયાની આવક થાય છે છતાં સરકાર તેમાં કોઇ કાપ મૂકવા માગતી નથી. ગુજરાતીમાં કહેવત છે કે-- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. આપણે ભિખારી જેવા થઇ ગયા છીએ.

વૈશ્વિક મંદી આવશે તો વાયબ્રન્ટને મુશ્કેલી...

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થવા જઇ રહી છે ત્યારે આર્થિક નિષ્ણાંતો કહી રહ્યાં છે કે જો વૈશ્વિક મંદી શરૂ થશે તો આ વખતે દિવાળી તો બગડશે પરંતુ સાથે સાથે વાયબ્રન્ટ સમિટમાં ટારગેટ પ્રમાણેના સમજૂતી કરાર થઇ શકશે નહીં. ગુજરાતમાં હાલ જે ઓનગોઇંગ પ્રોજેક્ટ્સ છે તેને મૂડીરોકાણ ગણીને સરકારે સંતોષ માનવો પડે તેમ છે. ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન, શેરબજારની કૃત્રિમ તેજી, ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદની ઘટ, દેશની બદલાઇ રહેલી આર્થિક હાલત અને ક્રુડ ઓઇલ તેમજ પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારાના મુદ્દે કેન્દ્ર અને રાજ્યની સરકારો ચિંતિત છે. વાયબ્રન્ટ સમિટમાં એમઓયુના ટારેગટ સોલ્વ કરવા સચિવાલયના તમામ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતે સ્થાનિક ઉપરાંત આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ માટેના દરવાજા તો ખોલ્યા છે પરંતુ વૈશ્વિક મંદી આવશે તો આ વખતની વાયબ્રન્ટ સમિટના મૂડીરોકાણના અંદાજને ગંભીર અસર થાય તેમ છે.

અમિત શાહ-- કોને કોની જરૂર વધારે છે...

રાષ્ટ્રીય ભાજપને અમિત શાહની જરૂર છે, કેમ કે અમિત શાહના કાર્યકાળમાં ભાજપ પ્રેરિત એનડીએના ઘટક પક્ષોએ 19 રાજ્યોમાં સત્તા હાંસલ કરી છે. અમિત શાહનો કાર્યકાળ જાન્યુઆરી 2011માં પૂર્ણ થાય છે તે પહેલાં મધ્યપ્રદેશ,રાજસ્થાન, અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી છે. અમિત શાહ માટે આ ત્રણ રાજ્યોની ચૂંટણી ભારેલા અગ્નિ જેવી છે, કેમ કે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર જોરમાં ચાલી રહ્યું છે. આ રાજ્યોમાં થયેલા સર્વેક્ષણના પરિણામો ભાજપથી વિપરીત આવ્યા છે. મધ્યપ્રદેશની કુલ 230 બેઠકો પૈકી કોંગ્રેસને 117 મળે છે, છત્તીસગઢની 90માંથી 54 કોંગ્રેસને મળે છે જ્યારે રાજસ્થાનની 200 બેઠકો પૈકી કોંગ્રેસ 130 સાથે આગળ છે. આ સમયમાં મિઝોરમ અને હવે તેલંગાણાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારપછી એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે અમિત શાહ અને તેમની ટીમના કાર્યકાળને લંબાવવામાં આવ્યો છે. પાર્ટીની બેઠકમાં એવું નક્કી થયું છે કે લોકસભાની ચૂંટણી પછી રાષ્ટ્રીય લેવલે સંગઠનની ચૂંટણીઓ થશે, એટલે કે જો લોકસભાની ચૂંટણીમાં એનડીએના ઘટક પક્ષોને બહુમત મળશે તો-- અમિત શાહને મોદી કેબિનેટમાં પ્રમોશન મળશે એ નક્કી છે અને સાથે સાથે પાર્ટી બીજા નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પણ વરણી કરશે.

પંકજકુમારને ફરી એકવાર અભિનંદન...

ગુજરાતના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ફરી એકવાર અભિનંદનના અધિકારી બન્યા છે. પહેલીવાર તેઓએ જ્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને ટ્વિટર પર ઓનલાઇન કર્યા ત્યારે અભિનંદનના અધિકારી બન્યા હતા અને હવે મહેસૂલના દસ્તાવેજોના ડિઝીટલાઇઝેશન તેમજ એનએ ઓનલાઇન સિસ્ટમના કારણે તેઓ પ્રસંશા પામ્યા છે. સરકારી જમીનમા એનએ ઓનલાઇન કરવામાં પંકજકુમારે વિભાગના કર્મચારીઓને આંખે પાણી લાવી દીધા છે. મહેસૂલ વિભાગ પહેલીવાર કામ કરતું થયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં એનએ ઓનલાઇના પાયલટ પ્રોજેક્ટને સફળતા મળ્યા બાદ હવે ઓક્ટોબર મહિનાથી એનએ ઓનલાઇન સમગ્ર ગુજરાતમાં શરૂ થઇ રહ્યું છે. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે એનએ ઓનલાઇન કરવાથી ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવી શકાશે. અમે ગાંધીનગર અને અમદાવાદમાં એનએ ઓનલાઇનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો જેના પરિણામ સારા આવ્યા છે. લોકોનો પ્રતિભાવ પણ સારો મળ્યો છે. હવે ઓક્ટોબરથી આ પ્રોજેક્ટને રાજ્યના 33 જિલ્લા સુધી લઇ જવાશે. મહેસૂલ વિભાગમાં જમીનના દસ્તાવેજોનું ડિઝીટલાઇઝેશન થઇ ગયું છે. એનએ સહિત સાત-બારના ઉતારા પણ હવે ઓનલાઇન જોવા મળશે. નિયત ફી ચૂકવીને અરજદારો તેમના દસ્તાવેજ લઇ શકશે. 1947 થી અત્યાર સુધીના તમામ દસ્તાવેજોનું ડિઝીટલાઇશેન થયું છે. લોકોને જિલ્લાના રેકોર્ડ હવે આંગળીના ટેરવે મળી રહેશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:09 am IST)
  • ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવા કાર અથડાઈ: કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા access_time 12:41 am IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST