Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

સરકારી મહેમાન

હમ તો ચલે પરદેશ: ગુજરાતના ઓફિસરોની વાયબ્રન્ટ ટૂરને આખરી ઓપ અપાઇ રહ્યો છે

બિઝનેસની ગાડી સ્ટાર્ટ કરવી છે પણ પહેલાં થોડું ફ્યુઅલ તો સરકારે નાંખવું પડે : 26 નંબર હવે ક્યારેય CM નહીં આપે, કેમ કે તે CMનું સત્તાવાર નિવાસ બન્યું છે : વન નેશન-વન ઇલેક્શન- કોંગ્રેસની દેન છે, જાણો ગુજરાતની ચૂંટણીનો ભૂતકાળ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રમાં ફેરફારો કર્યા પછી તેમની સરકાર વાયબ્રન્સી મોડ પર આવી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમાં મુખ્ય મહેમાન બનીને આવવાના છે તેવા વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાત સરકારની જેમ ભારત સરકાર પણ સહભાગી છે. કેન્દ્રના ઉદ્યોગ સાથે જોડાયેલા 20થી વધુ ડિપાર્ટમેન્ટ ગુજરાતની આ સમિટમાં સહભાગી બન્યાં છે. હવે ગુજરાતના આઇએએસ ઓફિસરોની વિદેશ યાત્રાઓ શરૂ થાય છે. સચિવાલયના સૂત્રો કહે છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં વાયબ્રન્ટ ફોરન ટુર થવાની છે જેમાં સરકારના મહત્વના વિભાગો કે જેઓને વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પરફોર્મન્સ આપવાનું છે તેઓને બિઝનેસ સમિટ અને રોડ શો માટે પહેલાં વિદેશ અને પછી ભારત યાત્રાએ મોકલવાના છે. સરકારના ઉદ્યોગ વિભાગે એક જીઆર બહાર પાડ્યો છે જેમાં વિદેશ યાત્રા માટે એડવાઇઝરી કમિટી બનાવવામાં આવી છે,  આ કમિટીના ચીફ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે જ્યારે અન્ય સભ્યોમાં ચીફ સેક્રેટરી, અન્ય ઓફિસરો તેમજ કોર્પોરેટ જગતના બિઝનેસ લિડર્સ છે. આ કમિટીનો રિપોર્ટ સબમીટ થયા પછી આવતા મહિને વિદેશ પ્રવાસનું ટાઇમટેબલ જાહેર કરાશે. વિશ્વના 125થી વધુ દેશોને વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી મહત્વના 25 દેશોમાં રાજ્યના બે ડઝન જેટલા ઓફિસરો પ્રવાસ કરશે. ઉદ્યોગ વિભાગના સૂત્રો કહે છે કે 2017માં 12 દેશો કન્ટ્રી પાર્ટનર હતા પરંતુ 2019માં 15 દેશોને કન્ટ્રી પાર્ટનર બનાવવામાં આવશે.

ચૂંટણી આવતાં કેન્દ્રનો ફરી આદેશ આવી ગયો...

લોકસભાની ચૂંટણી આવતાં કેન્દ્ર સરકારનો ફરી એકવાર આદેશ આવી ગયો છે કે ગુજરાત સરકારે દર મહિને બે થી ત્રણ પ્રજાલક્ષી જાહેરાતો કરવાની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બદલીઓ અને બઢતીની કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે તેમણે પ્રજાલક્ષી નિર્ણયોની દિશા પકડી છે. કેન્દ્રની યોજનાઓ કે જે ગુજરાતમાં અસર કરતી હોય તેને જનતા સમક્ષ લઇ જવાની જવાબદારી સરકાર ઉપરાંત પાર્ટીના સંગઠનની છે. કેન્દ્રીય મોવડી મંડળે સરકાર, સંગઠન ઉપરાંત સંસદસભ્યો તેમજ ધારાસભ્યોને એવો આદેશ કર્યો છે કે તેમણે કેન્દ્ર અને રાજ્યની સેક્ટર અને વિભાગ પ્રમાણેની સિદ્ધિઓ લોકો સુધી લઇ જવાની છે. માધ્યમ ચાહે કોઇપણ હોય, સરકારની સિદ્ધિઓને લોગો સુધી પહોંચાડીને વોટબેન્ક મજબૂત કરવાની છે. કેન્દ્ર સરકારે ગુજરાતના ક્યા ક્યા પડતર પ્રશ્નોનો નિકાલ કર્યો છે તેની વિભાગવાર યાદી બનાવવાની સૂચના સચિવાલયના વિભાગોને આપવામાં આવી છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો વધુ અસરકર્તા હોય છે. ગુજરાત ભાજપ અને સરકારને સોશ્યલ ફ્રેન્ડલી બનવાની પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ટ્રાફિકનો ઉકેલ માત્ર લેન સિસ્ટમ છે...

ગુજરાત સરકારના આદેશ પછી સ્થાનિક સંસ્થા સાથે પોલીસે રાજ્યભરમાં ટ્રાફિક અને પાર્કિંગના મુદ્દે ડ્રાઇવ શરૂ કરી છે ત્યારે આ ડ્રાઇવ એક સપ્તાહ પછી થંભી ન જાય તે જોવું પડશે. એક અધિકારીએ કહ્યું હતું કે "સરકારે અમદાવાદ અને સુરત જેવા શહેરો માટે મુંબઇની જેમ લેન ડ્રાઇવ ફરજીયાત બનાવવું જોઇએ કે જેથી ઓવરટ્રેકથી થતાં અકસ્માતો અટકાવી શકાય. કોઇ વાહનચાલક લેન તોડે તો તેનું લાયસન્સ જપ્ત કરી આકરો દંડ ફટકારવામાં આવશે તો ગુજરાતના વાહનચાલકો જાગૃત બનશે. આપણે ગુજરાતીઓ ચમત્કાર ત્યાં નમસ્કાર કરતા હોય છે. લાઇટ બીલ ન ભરીએ તો કનેક્શન કપાઇ જાય છે. ફોન કે ગેસ બીલ ન ભર્યું તો જોડાણ કટ થાય છે. મોબાઇલ બીલ ન ભરીએ તો તે મૂંગા બની જાય છે. ટ્રાફિક અને પાર્કિંગના નિયમન માટે પણ આવો આકરો દંડ ફટકારવામાં આવશે તો જ અદાલતના આદેશ પ્રમાણેના શહેરો હળવાં બની શકશે."- વાત તો સાચી છે. મુંબઇમાં વાહન લઇને જઇએ ત્યારે આપણને આવો અનુભવ થાય છે પરંતુ અમદાવાદમાં પાછા આવીએ એટલે હતા તેવા 'ને તેવા જ રહીએ છીએ...

ગાડી સ્ટાર્ટ થાય છે પણ દોડી શકતી નથી...

સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાતમાં હજી ગાડી શરૂ થઇ શકતી નથી. અનુભવે જણાયું છે કે ભારત કે રાજ્યમાં શરૂ થયેલું સ્ટાર્ટઅપ થોડાં સમય પછી બંધ થઇ જાય છે. એટલે કે નાના ઉદ્યોગનું બાળમરણ થાય છે. નિષ્ણાંતો જણાવે છે કે આપણા યુવાનો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ તો કરે છે પરંતુ પુરતું બજાર નહીં મળતું હોવાથી તે ફેઇલ જાય છે. આ સંજોગોમાં આઇ-ક્રિયેટ કામ લાગે છે. ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ મિશનનો રિવ્યુ કરવાનું વિચારી રહી છે અને તેમાં જે પ્રોજેક્ટ નિષ્ફળ જાય તેવો છે તેમાં વધુ રોકાણની તક પૂરી પાડવા માગે છે, જે નિરાશ થયેલા યુવાનો માટે સુખદ સમાચાર છે. સરકારે જે સ્કીમ વિચારી છે તેમાં નબળાં એકમને સરકારની આર્થિક ઉપરાંત તાલીમી સહાય પણ આપવામાં આવશે. જો ખરેખર તેમ થશે તો ભારત સરકાર અને મોદીનું સ્ટાર્ટઅપ મિશન ગુજરાતમાં નંબરવન સ્થાને રહેશે. એક સ્ટડી પ્રમાણે ભારતમાં શરૂ 10 થતાં સ્ટાર્ટઅપ પૈકી 7 બાળમૃત્યુ પામે છે. વાયબ્રન્ટ સમિટની મુખ્ય થીમ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટી હી પરંતુ આ વખતે ભારત સરકારનું સ્ટાર્ટઅપ મિશન છે તેથી સ્ટાર્ટઅપ માટે સરકારે રિવ્યુ બેઠકનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગરના ગુડાનો વિકાસ જોવા જેવો છે...

કોઇપણ શહેરનો વિકાસ કરવો હોય તો પહેલાં તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું પડે, ત્યારબાદ ઇમારતો બનાવવાની પરમિશન આપવી પડે છે પરંતુ ગુજરાતનું નમૂનેદાર શહેર ગાંધીનગરમાં સ્થાપિત થયેલું ગુડા- એટલે કે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ- નિયમો અને કાયદા-કાનૂન ભૂલ્યું છે. બિનખેતીની જમીનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના ડેવલપમેન્ટ શરૂ થઇ જાય છે, પરિણામ એ આવ્યું છે કે આ ઇમારતોમાં વોટર હાર્વેસ્ટીંગ નથી. ચોખ્ખા પીવાના પાણીની સુવિધા નથી. સ્ટ્રીટ લાઇટ નથી. 24 કલાક જ્યોતિગ્રામની વીજળી નથી. નિયમિત પાર્કિંગની સુવિધા નથી. ટ્રાફિક નિયમનનો અભાવ છે. નિયમ વિરૂદ્ધના અસંખ્ય સ્પીડબ્રેકરો સાથેના તૂટેલા માર્ગો છે. ગટરલાઇનના ઠેકાંણા નથી. ગાર્ડન કે હોસ્પિટલ નથી. સરકારી કોઇ ફેસેલિટી નથી. શાકમાર્કેટ નથી. ગુજરાતના ચીફ મિનિસ્ટર રાજપથ છોડીને ગુડા વિસ્તારની મુલાકાત લે તો ખબર પડે કે ગુજરાત કેવું ગતિશીલ છે. ગુજરાતનું પહેલું એવું નમૂનેદાર સત્તાતંત્ર છે કે જ્યાં 75000થી વધુ લોકો વસે છે. નવી મુંબઇનું ડેવલપમેન્ટ જોઇએ તો ખબર પડે કે ત્યાં ઇમારતોની પરમિશન પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. નિયમસર બાંધકામો માટે ગિફ્ટ સિટી એક મિસાલ છે પરંતુ ન્યૂ ગાંધીનગરને તે લાગુ પડતું નથી.

વન નેશન-વન ઇલેક્શન, ગુજરાત સાક્ષી છે...

ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થાય તેવો મત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરાવે છે. તેમણે ભારતના ચૂંટણી પંચને આવું સૂચન કર્યા બાદ પંચે તૈયારી બતાવી છે પરંતુ દેશની પાર્ટીઓને તે મંજૂર નથી. હકીકતમાં વન નેશન-વન ઇલેક્શન એ કોંગ્રેસના સમયની દેન છે. ગુજરાત સાક્ષી છે. યાદ રહે કે- ગુજરાતની પહેલી વિધાનસભા ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી પણ લડાઇ હતી. 1962માં બન્નેનું ઇલેક્શન સાથે થયું હતું. 19મી ફેબ્રુઆરીએ ગુજરાતની ચૂંટણી યોજાઇ હતી જ્યારે લોકસભાની ચૂંટણી 19 થી 25 તારીખે થઇ હતી. કેન્દ્રમાં 494 બેઠકો પૈકી 361 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બની હતી. એ સમયે કેન્દ્રના નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં ગુજરાત આવતા હતા ત્યારે તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીનો સાથે પ્રચાર કરતા હતા.એ સમયે વિધાનસભાની 154 અને લોકસભાની 22 બેઠકો હતી. માત્ર 50 ટકા મતદાન થયું હતું અને ચૂંટણીનો એક મુદ્દો અંગ્રેજી ભાષાનો હતો. અત્યારે જે ગાલીગલોચ થાય છે તેવું તેમાં ન હતું. એ સમયે કોંગ્રેસ અંગ્રેજી ભાષાના વિરોધમાં હતી તેવી છાપ હતી કે જેથી બાળકોના વાલીઓને ચિંતા હતી. ઉમેદવારે ખુલાસા કરવા કરવા પડતા હતા કે કોંગ્રેસ પાંચમા ધોરણ થી નહીં આઠમા ધોરણથી અંગ્રેજીની હિમાયતી છે. એ સમયે 25 લોકો ભેગા થતા હતા ત્યારે સભા થતી હતી. આનું નામ શાલિનતા કહેવાય છે.

નંબર-26- શુકન જોઇતા હોય તો અહીં જાવ...

ગાંધીનગરમાં એક બંગલો છે જે નસીબદાર છે. આ બંગલો એ ફાયનાન્સ મિનિસ્ટરનું સત્તાવાર નિવાસસ્થાન હતું, જેમને સરકારમાં નંબર-ટુનું સ્થાન અપાય છે. આ બંગલાએ ચાર મુખ્યમંત્રી આપ્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં શાસન કરતા હતા ત્યારે તેમને આ હકીકત સમજાતાં એ બંગલાને તેમણે તેમનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દેતાં તેમના કાર્યકાળમાં તેમજ આજદિન સુધી બીજા કોઇ મુખ્યમંત્રી આ બંગલામાંથી થયા નથી. મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા 26 નંબરના બંગલાનો રાજકીય ઇતિહાસ છે. આ બંગલામાં જે ફાયનાન્સ મિનિસ્ટર વસવાટ કરે છે તે ચીફ મિનિસ્ટર બને છે. આમ તો મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન બંગલા નંબર-1માં હોય છે. એક નંબરના બંગલામાં માધવસિંહ સોલંકી રહેતા હતા અને તેમણે 26 નંબરનો બંગલો અમરસિંહ ચૌધરીને ફાળવ્યો હતો. અમરસિંહ મુખ્યમંત્રી થયા. ચીમનભાઇ પટેલ એક નંબરના બંગલામાં રહેતા હતા અને 26 નંબર છબીલદાસ મહેતાના ફાળે આવ્યો હતો. છબીલદાસ મહેતા મુખ્યમંત્રી થયા હતા. કેશુભાઇના શાસનમાં 26 નંબરમાં સુરેશ મહેતા રહેતા હતા. સુરેશ મહેતા મુખમંત્રી બન્યા હતા. શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં દિલિપ પરીખ આ બંગલામાં હતા. દિલીપ પરીખ મુખ્યમંત્રી થયા હતા. 2001 પછી જ્યારથી મોદી આવ્યા હતા ત્યારથી તેમણે 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દીધું હતું અને એક નંબરના બંગલાને કચેરીમાં ફેરવી નાંખ્યો હતો. આ પછી આનંદીબહેન અને વિજય રૂપાણીએ પણ આ બંગલો છોડ્યો નથી. આ બન્ને સરકારમાં ફાયનાન્સ મિનિસ્ટર તરીકે સૌરભ પટેલ અને નિતીન પટેલ રહ્યાં છે. તેમના માટે હાર્ડલક છે, કે 26 નંબરના બંગલામાં તેમને રહેવાનું મળ્યું નથી.

રામનો વનવાસ 14 વર્ષ, કોંગ્રેસનો ડબલ થયો...

વો ભી ક્યા દિન થે હમે દિલ મેં બિઠાયા થા કભી...કોંગ્રેસ માટે આ સોંગ એક શમણું બનીને રહી ગયું છે. ગુજરાતમાં કોંગ્રેસ 1990થી સત્તામાં નથી. ભગવાન રામને 14 વર્ષનો વનવાસ હતો પરંતુ કોંગ્રેસનો વનવાસ 28 વર્ષ થયો છે. કોંગ્રેસે રામ કરતાં ડબલ સમય વનવાસમાં વિતાવ્યો છે. એક પાર્ટી નામે ભારતીય જનતા પાર્ટી કે જેણે 1980માં ગુજરાતમાં મૂળિયા રોપ્યાં હતા અને માત્ર 15 વર્ષમાં આ પાર્ટીએ કરિશ્મા કર્યો અને ગુજરાતની જનતા પર રાજ કરે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું બેસ્ટ પ્રદર્શન 1985માં રહ્યું હતું. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. આ સમયે જનતાપાર્ટીને 14 અને ભાજપને ફાળે 11 બેઠકો આવી હતી. ભાજપનો ગુજરાતમાં ઉદય આમ તો 1980માં થયો હતો અને તે ગાળામાં પહેલીવાર ભાજપે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં 9 બેઠકો મેળવી હતી. આજે 9 થી 99 છે. કોંગ્રેસની પડતી 1990માં શરૂ થઇ હતી અને ચીમનભાઇ પટેલ તેમજ ભાજપની સામે કોંગ્રેસને માત્ર 33 બેઠકો મળી હતી. 1995માં કોંગ્રેસનો પાવર 45 બેઠકો પુરતો મર્યાદિત બન્યો હતો. કોંગ્રેસની બેઠકો ક્રમશ: વધતી ગઇ છે પરંતુ પાવર મળ્યો નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:25 am IST)
  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST