Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

સરકારી મહેમાન

ગુજરાતના પાડોશી રાજ્યોમાંથી શરાબ પણ આવે અને ટાઇગર પણ આંટા મારી જાય છે

વિક્રમ રાજા વેશપલટો કરીને નગરચર્યાએ નિકળતા હતા, આજે તેનું સ્થાન મોબાઇલે લીધું છે: મધ્યમ વર્ગ માટે અચ્છે દિન તો ન આવ્યા પરંતુ સરકાર માટે અચ્છે દિન છે, તિજોરી ફુલ છે : PM મોદીના બાળપણ આધારિત ફિલ્મ "ચલો જીતે હૈ" નહીં પણ "ચલો જીતતે હૈ" બની શકે છે

ગુજરાતનીસરહદને અડીને ત્રણ જિલ્લા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવે છે. આ ત્રણેય જિલ્લાઓમાં વાઘ એટલે કે ટાઇગર સેન્ચ્યુરી છે. 1985માં અંબાજીમાં જ્યારે ટાઇગર દેખાયો હતો ત્યારે એવું અનુમાન હતું કે રાજસ્થાન બોર્ડરથી તે ગુજરાતમાં પ્રવેશ્યો હશે. હવે જ્યારે તાજેતરમાં તાપી જિલ્લામાં વાઘના ફુટપ્રિન્ટ મળ્યા છે અને બે વ્યક્તિએ ટાઇગરને જોયો છે ત્યારે એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાંથી તે ગુજરાતમાં પ્રવેશ્યો હોઇ શકે છે. ગુજરાત માટે આ સારી નિશાની એટલા માટે છે કે રાજ્યમાં જો દક્ષિણ ગુજરાતમાં ટાઇગર સેન્ચ્યુરી બનાવવામાં આવે તો ત્યાં ટાઇગરનો વસવાટ શક્ય બને છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી આ ટાઇગર ગુજરાતમાં પ્રવેશ્યો હશે, તેણે એક વ્યક્તિને ઘાયલ કરી દીધો છે. આપણા તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાના ફોરેસ્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં વાઘ માટે અનુકૂળ વાતાવરણ કચ્છના બન્નીમાં છે. સાબરકાંઠાના જંગલોમાં છે અને દક્ષિણ ગુજરાતના ડાંગમાં છે. એક ફોરેસ્ટ અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશની સરકાર આપણા સિંહ લેવા માટે કાનૂની જંગ ખેલતી હોય તો આપણે પણ મધ્યપ્રદેશના વાઘને ગુજરાતમાં વસાવવાની દરખાસ્ત કરવી જોઇએ. મજાની બાબત એવી છે કે આપણા પડોશી રાજ્યોમાંથી ચોરીછુપીથી દારૂ પણ આવે છે અને હવે ટાઇગર પણ એ રીતે આવે છે, કારણ કે આપણે ટાઇગરથી ઘેરાયેલા છીએ.

સરકાર કેવી ચાલે છે તે જોવા એપ્લિકેશન બનાવો...

પહેલાના સમયમાં મોંઘવારી કે સરકાર સામે રોષ કાઢવો હોય તો આંદોલન થતાં હતા. ચૂંટણી હોય ત્યારે નેતાઓના ભાષણ સાંભળવા લોકો ખાસ જતા હતા. હવે એ જમાનો ગયો, લોકો પાસે ટાઇમ નથી. હા, ગરીબ જનતાને તમે લાલચ આપશો તો તમારા વાહનમાં બેસીને કલાકો સુધી નેતાની રાહ જોતી સભા મંડપમાં બેસી રહેશે પરંતુ હવે સ્વયંભૂ કોઇ આવે નહીં. લોકોની યાતના જોવા માટે વિક્રમ રાજા રાત્રે વેશપલટો કરીને નિકળી પડતા હતા. હવે તેનું સ્થાન એપ્લિકેશને લીધું છે. મોબાઇલ એપ્લિકેશન અને સ્માર્ટ ફોનનો જમાનો છે. સરકાર એવી એપ્લિકેશન બનાવે તે લોકો તેમની ફરિયાદો તેમાં રજીસ્ટર્ડ કરાવે તો ખબર પડશે કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે. સરકારે પબ્લિક સાથે સીધો સંપર્ક હોય તેવા વિભાગોમાં મોબાઇલ એપ્સ બનાવીને લોકોની ફરિયાદોનું નિરાકરણ કરવું જોઇએ. પેપરલેસ સરકારે ફાઇલોમાંથી બહાર આવીને લોકોની ભલાઇ માટે આટલું કરવું જોઇએ, જો તેમ થાય તો ભાજપની સરકારને કોઇ ઉખાડી શકશે નહીં, પછી ભલે મુખ્યમંત્રી પાર્ટીનો કોઇપણ વ્યક્તિ હોય...

મધ્યમ વર્ગનો માનવી મહિને 700 ટેક્સ ભરે છે...

સામાન્ય જનતા ટેક્સના ભારણમાં દબાતી જાય છે. જેને લોન લીધી નથી તેને લોનના હપ્તા જેવું લાગે છે. કહેવાય છે કે રોજ નવી સવાર પડે ત્યારે મધ્યમવર્ગનો પરિવાર 700 રૂપિયાનો ટેક્સ ભરે છે. આ રકમમાં સરકારી તમામ ટેક્સ આવી જાય છે. મધ્યમ વર્ગનું જીવન દોહ્યલુ બની રહ્યું છે. જીએસટીના અમલ પછી વન નેશન-વન ટેક્સનું ભાજપની કેન્દ્ર સરકારે સૂત્ર આપ્યું છે પરંતુ હજી તો ઇન્કમટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, સેસ, એક્સાઇઝ, કસ્ટમ જેવા અનેક ટેક્સના ભારણ લોકો પર છે. અધુરામાં પૂરૂં હોય તેમ કોર્પોરેશનના ટેક્સ પણ છે. જે સોસાયટીમાં રહે છે ત્યાં મેઇનટેનન્સ છે. વિવિધ બીલોનો બોજો છે. મોંઘવારીએ માઝા મૂકી છે. પ્રત્યેક ચીજમાં ટેક્સ લેવાય છે. આવા માહોલમાં ભાજપના એક કાર્યકરે બહુ સરસ વાત કરી છે. ભાજપના 28 વર્ષ જૂના એક કાર્યકરે કહ્યું છે કે “જો મધર બચ્ચા પેદા કરતી હૈ ઉસ પર જીએસટી લગના ચાહિયે, બેટી પેદા કરે તો જીએસટી મેં સે મુક્તિ મિલની ચાહિયે..” વાત નાની છે પણ સમજણ મોટી છે. બેટી બચાવો અભિયાનને ચરિતાર્થ કરતી આ બાબત છે. સરકાર ટેક્સ વસૂલી તેની તિજોરી ભરે છે પરંતુ મધ્યમ વર્ગનું પાકીટ ખાલી થતું જાય છે. આ વર્ગ બેન્કલોનના દેવામાં ડૂબતો જાય છે. 2014ની ચૂંટણીમાં મધ્યમવર્ગનું જીવન સુધારીશું તેવો વાયદો અચ્છે દિન સૂત્ર સાથે ભાજપે કર્યો હતો પરંતુ અચ્છે દિન તો સરકારના આવ્યા છે, લોકો માટે તો બુરે દિન શરૂ થઇ ચૂક્યાં છે.

જૂના ડીઝલ વાહનો સ્ક્રેપ ન કરો, રેટ્રોફિટીંગ કરો...

ગુજરાતમાં ફરતા જૂના ડીઝલ વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે એક નવી પદ્ધતિ શરૂ થઇ રહી છે અને તેને રેટ્રોફિટીંગ કહેવામાં આવે છે. ભારત સરકારે માન્યતા આપ્યા પછી હવે ગુજરાતમાં પણ તેનો વિધિવત પ્રારંભ થશે. આ પદ્ધતિની મદદથી હાઇબ્રીડ એટલે કે જૂના કોમર્શિયલ અને પ્રાઇવેટ વાહનને ઇલેક્ટ્રિક વ્હિકલમાં મોડીફાઇડ કરવામાં આવે છે. સીએનજીની જેમ ઇલેક્ટ્રિક કીટના ઉત્પાદકોના રજીસ્ટ્રેશનની યાદી બહાર પાડવામાં આવ્યા પછી તે ઉત્પાદકો જૂના વાહનોને ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરી આપશે. આવા રૂપાંતરણનો ખર્ચ એક લાખ રૂપિયા કરતાં ઓછો હશે. જો કે, તેનું પ્રમાણ વધે તેની સાથે તેના ખર્ચમાં ઘટાડો થશે. હાલ રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ કેન્દ્રના નોટીફિકેશનનો અભ્યાસ કરી રહ્યો છે. સરકારે આ સિસ્ટમ એડોપ્ટ કરવી જ જોઇએ, કારણ કે રાજ્યમાં 15 વર્ષ જૂના વાહનોની સંખ્યા મોટી માત્રામાં છે તેને સ્ક્રેપ કરવાની જગ્યાએ રેટ્રોફિટીંગ કરવામાં આવે તો વાહનમાલિકના રૂપિયા બચી શકે અને પ્રદૂષણની માત્રા શૂન્ય થઇ શકે.

નર્મદાના કિનારે મીઠાના ખડકો ઉભા થઇ રહ્યાં છે...

ભરૂચ જિલ્લાના નર્મદા ડેમના ગ્રામ્ય વિસ્તારમાં દરિયાના ખારા પાણી ઘુસી જતાં નર્મદાનો કિનારો સોલ્ટપામમાં ફેરવાઇ જવાની દહેશત ઉભી થઇ છે. ખંભાતના અખાતથી 40 કિલોમીટરના નર્મદાકાંઠાના વિસ્તારમાં ખારા પાણીએ કેર વર્તાવ્યો છે. ઓછામાં ઓછી 10,000 હેક્ટર જમીન ધોઇ નાંખી છે. ખારા પાણીથી પ્રભાવિત નર્મદાકાંઠાના 18 ગામોની ગ્રામસભામાં આ ઇસ્યુ રેઇઝ કરવામાં આવ્યો હતો. આ ગામના સરપંચોએ મળીને જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે. આ ગ્રામજનોની માગણી છે કે નર્મદા ડેમમાંથી પાણી નદીમાં વહાવવામાં આવે તો સોલ્ટપામ બનેલા વિસ્તારોની જમીન સુધરી શકે તેમ છે. 2013માં નિરીએ નર્મદા નદીમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું હોવાનો સ્ટડી કર્યો હતો. આ સંસ્થાએ તેના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 2000ની સાલમાં 43 ટકા હતું તે વધીને 87 ટકા નોંધવામાં આવ્યું છે. એટલું જ નહીં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ખારા પાણી નર્મદામાં ઘુસી રહ્યાં હોવા અંગે ગુજરાત સરકારને ચેતવણી પણ આપી હતી પરંતુ રાજ્ય સરકારે આ દિશામાં કોઇ પગલાં ભર્યા નથી.

મોદી આધારિત ફિલ્મ ચૂંટણીમાં મદદ કરી શકે છે...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મ "ચલો જીતે હૈ" ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઇને રાજકારણમાં ધૂમ મચી છે, કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદીની ફિલ્મ ભાજપ અને મોદીને ફાયદો કરાવી શકે છે. ભારતમાં ભાજપને જો ચૂંટણી જીતવી હોય તો મોદીને જ આગળ કરવા પડે તેમ છે કેમ કે તેઓ પાર્ટીના એવા નેતા છે કે જે ભારત જ નહીં વિશ્વના દેશોમાં લોકપ્રિય છે. ભાજપના એકમાત્ર સ્ટાર પ્રચારક છે. એવો પ્લાન છે કે લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ઠચલો જીતે હૈઠ ઉપરાંત બીજી બે શોર્ટ ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ઇન્ટરનેટ પર તેમજ ટીવી ચેનલોમાં દર્શાવવામાં આવશે. તે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ નહીં થાય કારણ કે તેની લંબાઇ માત્ર 35 મિનિટની છે. આ ફિલ્મ મોદીના બાળપણ આધારિત છે. ફિલ્મમાં બાળકના પાત્રનું નામ નારૂં છે. ફિલ્મનું શૂટીંગ ગુજરાતના વડનગરના રેલવે સ્ટેશન પર થયું છે કે જેમાં મોદી બાળપણમાં ચાય વેચતા હતા. રાષ્ટ્રીય એવોર્ડ વિનર મંગેશ હડાવલેએ આ ફિલ્મ બનાવી છે. સૂત્રો કહે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારની બીજી બે ફિલ્મો નેટ પર આવી રહી છે.

18 ટકા પ્રોજેક્ટ ડ્રોપ થાય તેને નિષ્ફળતા ન કહેવાય...

ગુજરાતમાં 2011, 2013, 2015 અને 2017માં ચાર વાયબ્રન્ટ સમિટ થયા હતા જેમાં થયેલા કુલ 72,177 એમઓયુ પૈકી 15.369 પ્રોજેક્ટ ડ્રોપ થયા છે. પડતા મૂકાયેલા આ પ્રોજેક્ટમાં સૌથી મોટું કારણ સરકારની વિવિધ મંજૂરીઓમાં થતો વિલંબ અને કંપનીએ દર્શાવેલી અનિચ્છા મુખ્ય છે. અર્બન ડેવલપમેન્ટ સ્ટેટની છાપ ધરાવતા ગુજરાતમાં સૌથી વધુ અર્બન ડેવલપમેન્ટના 1186 પ્રોજેક્ટ ડ્રોપ થયા છે. રાજ્યની આ ચાર વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગજૂથોએ કુલ 83,83,183 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાના દાવા કર્યા છે. રાજ્યમાં ડ્રોપ થયેલા પ્રોજેક્ટની ટકાવારી 18 ટકા સુધી પહોંચી છે પરંતુ તેના મૂડીરોકાણના આંકડા બહાર આવ્યા નથી. જો કે મોટાભાગે માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોના એમઓયુ ડ્રોપ થયેલા છે. સરકારે એમએસએમઇના ઇમ્પ્લિમેન્ટેશન માટે અલગ કમિશનરેટ બનાવ્યું છે છતાં આ વિભાગના સૌથી વધુ એમઓયુ ડ્રોપ થાય છે તે સરકાર માટે ગંભીર બાબત છે. ગુજરાતની નવમી વાયબ્રન્ટ સમિટ જાન્યુઆરી 2019માં યોજાઇ રહી છે ત્યારે સરકારે આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે પ્રોજેક્ટ ડ્રોપ થવાની સંખ્યા વધતી જાય છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી જાહેરાત પણ કરી છે કે નવમી ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં અગાઉની તમામ વાયબ્રન્ટ સમિટનું સરવૈયું મૂકશે કે જેથી ઉદ્યોગજૂથોને વાસ્તવિકતાનો ખ્યાલ આવી શકે. આવું ગુજરાતમાં પહેલીવાર બની રહ્યું છે. જો કે 18 ટકા પ્રોજેક્ટ ડ્રોપ થાય તેને નિષ્ફળતા તો ન કહેવાય...

કોંગ્રેસને શું થયું છે?, સિક્રેટને જાહેર કરી રહી છે...

કહેવાય છે કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા બનાવતા નિષ્ણાંતો મહેનત તો ખૂબ કરે છે પરંતુ કોંગ્રેસમાં કોઇ સિક્રેટ બાબત છૂપી રહી શકતી નથી. લોકસભાની ચૂંટણીને હજી નવ મહિનાની વાર છે ત્યારે કોંગ્રેસે વિચારેલી ફોર્મ્યુલાની ડિલીવરી ભાજપ સિઝેરિયન કરીને વહેલી કરી શકે છે. એટલે કે -- કોંગ્રેસે કહ્યું છે કે તે સત્તા પર આવશે તો 35 કે તેથી નીચેની વયના વ્યક્તિને ઇન્કમટેક્સમાંથી મુક્તિ અપાશે. યુવાનોને આકર્ષવાનો આ અભિગમ ઉત્તમ છે પરંતુ વહેલી જાહેરાત થતાં તે મુદ્દો ભાજપના નિશાના પર આવી ચૂક્યો છે. ભૂતકાળમાં 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાના કોંગ્રેસના ઢંઢેરામાં ઘરનું ઘર યોજના હતી જેને ભાજપે આબેહૂબ નકલ કરીને ઉપાડી લીધી હતી. આ મુદ્દાનું પણ કોંગ્રેસમાં બાળમરણ થઇ શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:50 am IST)
  • તાપી:કાકરાપાર પોલીસ મથકમાં નોંધાયેલ 12 વર્ષીય બળા સાથેનો દુષ્કર્મ મામલો:બાળકીની માતા દ્વારા બાળકીના પિતા અને અન્ય એક વ્યક્તિ પર કરાઈ હતી બળાત્કાર ની ફરિયાદ: બાળકીએ સુરત સિવિલમાં હાલ થોડા દિવસ અગાઉ આપ્યો હતો બાળકને જન્મ:બાળકના ડીએનએ શકમંદો સાથે ટેસ્ટ કરતા થયો ખુલાસો:શકમંદ પિતા અને અન્ય એક ઈસમના ડીએનએ બાળક સાથે મેચ ન થયા:પોલીસે વધુ તપાસ હાથ ધરી access_time 12:03 am IST

  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST