Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સરકારી મહેમાન

CM રૂપાણી પાસે વાયબ્રન્ટ સલાહકાર નથી પણ ટીમ ગુજરાત છે: PMO સતત મોનીટરીંગ કરશે

સચિવાલયમાં વાહનની હવા કાઢવામાં આવે છે પરંતુ જવાનની માનવતા હોય છે : રાજનીતિમાં આલિંગન-- રાહુલ ગાંધીએ શરૂ કરેલી પ્રથા હવે આગળ વધી શકે છે : લ્યો, હવે ગુજરાતના વધુ સાત આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન ઉપર જઇ શકશે

ગુજરાત સરકાર પાસે ઇન્ડસ્ટ્રીઝમાં એક એડવાઇઝરની નિયુક્તિ થઇ નથી તે કમી છે બાકી વાયબ્રન્ટની ટીમ તૈયાર છે. 2019માં આવી રહેલા વૈશ્વિક મેળાનું નેતૃત્વ રાજ્યના ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘ લેશે અને તેમના હાથ નીચે બાકીની ટીમ તૈયાર છે. ફોરેસ્ટમાં રાજીવકુમાર ગુપ્તા છે. ઉર્જામાં રાજગોપાલ છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટમાં સુનયના તોમર છે. જીએસપીસીમાં ટી. નટરાજન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અગ્રસચિવ મનોજ દાસ પાસે ઉદ્યોગનો હવાલો છે. કારણ કે ગુજરાત સરકાર તેમને ઉદ્યોગ વિભાગમાં રાખવા માગે છે. તાજેતરમાં થયેલી બદલીઓમાં ઉદ્યોગ વિભાગ સાથે ઇન્ડેક્ષ્ટ-બી, ઉદ્યોગ કમિશનરેટ અને જીઆઇડીસી જેવા સંલગ્ન વિભાગોને બાકાત કરી દેવામાં આવ્યા છે. ઇન્ડેક્ષ્ટ-બીમાં એમડી તરીકે રાજકુમાર બેનિવાલ છે. જીઆઇડીસીમાં સુપ્રિમો ડી. થારા છે. ઉદ્યોગ કમિશનર અને ઇન્ડેક્ષ્ટ-બીના ચેરમેન તરીકે મમતા વર્મા છે. આ છે વિજય રૂપાણીની વાયબ્રન્ટ ટીમ. આ ટીમમાં ટુરિઝમ વિભાગના વડા એસ.જે. હૈદર છે.  આ પાંચ ઓફિસરોને હાલ પુરતા તો ડિસ્ટર્બ કરવામાં આવ્યા નથી આ પાંચ ઓફિસરોના માથે ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનો ભાર છે. વાયબ્રન્ટ સમિટની મોદી સરકારમાં એક અલગ ટીમ હતી તેમ આ ટીમ વિજય રૂપાણીના વાયબ્રન્ટને વાયબ્રન્સીમાં કન્વર્ટ કરી શકે છે. હવે જો ડિસેમ્બર સુધીમાં કોઇ ફેરફાર ન થાય તો આ ટીમ વાયબ્રન્ટ સમિટની લીડ લેશે. સરકારમાં માત્ર એક જ સલાહકાર છે અને જળ નિષ્ણાંત નવલાવાલા છે જે મોદીના સમયથી ચાલતા આવે છે. તેમને ખસેડવામાં આવ્યા નથી કારણ કે નર્મદા યોજના જેવી બીજી કલ્પસર યોજનામાં તેમનો ફાળો છે.

હાઇકોર્ટના આદેશની સચિવાલયમાં અસર...

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના ભરચક માર્ગો તેમજ અણઘડ ટ્રાફિક નિયમન અંગે પોલીસ કમિશરને આડે હાથ લીધા પછી એસજી હાઇવેનો ટ્રાફિક નિયંત્રણમાં આવી ગયો છે. પાર્કિંગ સુધર્યું છે. વડોદરામાં તો સરકારી તંત્રએ અદાલતના આદેશ વિના ટ્રાફિક નિયમન સુધારવાનો પ્રયાસ કર્યો છે. મજાની વાત એવી છે કે સચિવાલયમાં થતું આડેધડ પાર્કિંગ હવે નિયમિત બન્યું છે. સચિવાલયના ઇન્ટરનલ માર્ગની સાઇડે પાર્ક થતાં વાહનોને પાર્કિંગમાં વ્યવસ્થિત પાર્ક કરવાનો આદેશ સલામતી જવાનોએ આપ્યો છે. જવાનની નજર બહાર જો કોઇએ રોડ સાઇડે પાર્કિંગ કર્યું હોય તો જે તે વાહનના વ્હિલની હવા કાઢી નાંખવામાં આવે છે. જો કે સલામતી રક્ષકો વાહનચાલકોની મજબૂરીનો ખ્યાલ રાખે છે તેથી તેઓ વ્હિલમાંથી હવા કાઢે છે પરંતુ વાહન પેટ્રોલપંપ સુધી પહોંચે તેવી સ્થિતિમાં હોય છે પણ લાંબા અંતર સુધી એ વાહન ચલાવી શકાય નહીં, કેમ કે હવા કાઢેલી હોય છે.

રાજનીતિમાં હવે આલિંગનની પ્રથા શરૂ થઇ છે...

રાજનીતિમાં હગની પ્રથા શરૂ કરનારા નરેન્દ્ર મોદી એકલા નથી. ભારતનો ભૂતકાળ રહ્યો છે કે રાજનેતાઓ ભેટીને વાતો કરે છે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પણ અનેક રાજનેતાઓને ભેટ્યાં છે. રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી પણ ભેટ્યાં છે. મોદી વડાપ્રધાન બન્યા પછી જ્યારે વિદેશ પ્રવાસ ગયા છે ત્યારે તેમણે અસંખ્ય મહાનુભાવો સાથે હાથ મિલાવ્યા નથી પરંતુ ગળે મળ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પુતીન હોય કે ચીનના પ્રેસિડેન્ટ શી જીનપિંગ—તમામ સાથે હગ ડિપ્લોમસી થઇ છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એટલા બઘા સરળ અને મિલનસાર છે કે તેમને જાદુ કી જપ્પી આપવી હોય તો આપી શકાય છે. વિધાનસભા ચાલુ હોય ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાદુ કી જપ્પી આપી શકે છે. આ શબ્દ સંજયદત્તની ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસ ફિલ્મમાં જોવા મળ્યો હતો. નમસ્તે... એ ભારતની પેટર્ન છે. કોઇપણ વિદેશી નમસ્તે કહીને એક ભારતીયને આવકાર આપતો હોય છે. હસ્તધૂનન એ વિદેશની પ્રથા છે. આપણે હસ્તધૂનન કરતાં થઇ ગયા અને વિદેશીઓ બે હાથ જોડીને નમસ્તે કહેતા થયા છે એવામાં જો હગની પ્રથા ચાલુ રહે તો મનની સાથે દિલ પણ મળશે એટલે નફરત પ્રેમમાં પલટાઇ જશે.

36 વર્ષના યુવાને અઢી લાખ વૃક્ષોનું જતન કર્યું છે...

સરકાર વનમહોત્સવ કરે છે પરંતુ રાજ્યના કોઇક ખૂણે એવું ઉમદા કામ થઇ રહ્યું છે જે સમાજ માટે ગૌરવની બાબત છે. હમણાં જ એક એવા ગામની કહાની જોવા મળી કે જેમાં 36 વર્ષના યુવાન વિજય ડોબરિયાએ તેમના વતનના વિસ્તારને હરિયાળો બનાવી દીધો છે. વ્યવસાયે બિઝનેસમેન એવા આ ડોબરિયાએ તેમના વતન પડધરી તાલુકાના ફતેપુરામાં ચાર વર્ષ પહેલાં ચોમાસામાં હજારો રોપાં વાવ્યા હતા. વાવણી કર્યા પછી તેની સતત તકેદારી પણ તેમણે રાખી પરિણામ એ આવ્યું કે આ તમામ રોપા આજે વૃક્ષ બની રહ્યાં છે. તેમણે અત્યાર સુધીમાં 2.18 લાખ વૃક્ષ વાવ્યા છે. વૃક્ષારોપણ કરીને વિજય ડોબરિયા સંતોષ માનતા નથી ત્યારપછી તેમણે 500 સ્વયંસેવકોની બનાવેલી ટીમને માર્ગદર્શન આપી વૃક્ષનું જતન કરવાનો આદેશ કરે છે. તેમની આ પ્રવૃત્તિમાં બીજા એક ગામ ખાકડાબેલાના મુન્નાભાઇ જાડેજા સહયોગી બન્યા છે. તેમણે રોપાં ઉછેરવા માટે 12 વીઘા જમીનમાં નર્સરી બનાવી છે. આ નર્સરીમાં ચાર લાખ રોપાં ઉછરે છે જે સાત થી આઠ ફુટના થાય ત્યારે તેને ગામડાઓમાં વિવિધ જગ્યાએ જમીનમાં વાવી દેવામાં આવે છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 60 ગામ આવેલા છે જે પૈકી 45 ગામમાં વૃક્ષારોપણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વધુ સાત આઇએએસ ઓફિસરો દિલ્હી જઇ શકે છે...

ગુજરાતના બે ડઝન કરતાં વધુ ઓફિસરો દિલ્હીમાં ડેપ્યુટેશન પર ગયેલા  છે છતાં બીજા વધુ નવ ઓફિસરોનું ડેપ્યુટેશન પર જવાનું પ્લેટફોર્મ તૈયાર થયું છે. ગુજરાત કેડરના નવ આઇએએસ ઓફિસરોને કેન્દ્ર સરકારે એમ્પેનલ્ડ કર્યા છે. આ ઓફિસરોમાં કે. શ્રીનિવાસ, સુનયના તોમર, પંકજ જોષી, કમલકુમાર દયાની, મનોજ અગ્રવાલ, મનોજ કુમાર દાસ, ગુરૂપ્રસાદ મોહપાત્રા, પી.ડી.વાઘેલા અને સંગીતાસિંઘનો સમાવેશ થાય છે. આ નવ ઓફિસરો પૈકી સાત ઓફિસરો ડેપ્યુટેશન પર નવી દિલ્હી જઇ શકે છે. કેમ કે નવ પૈકી બે ઓફિસરો કે. શ્રીનિવાસ અને ગુરૂપ્રસાદ મોહપાત્રા હાલ દિલ્હીમાં વિવિધ મંત્રાલયોમાં ફરજ બજાવી રહ્યાં છે. અલગ અલગ કેડરના આ અધિકારીઓ પૈકી સુનયના તોમર અને પી.ડી.વાધેલા અગાઉ ડેપ્યુટેશન પર જઇ આવ્યા છે. હાલ ગુજરાતમાં મનોજ કુમાર દાસ પાસે બે હોદ્દા છે. એક તો તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અગ્રસચિવ છે અને બીજો ચાર્જ તેમને ઉદ્યોગ વિભાગનો સોંપવામાં આવેલો  છે. એમ્પેનલ્ડમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેથી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કરીને તેઓ ગુજરાતમાંથી વિદાય થાય તો નવાઇ પામવા જેવું નથી.

એક પાટીદાર યુવાને વતનનું ઋણ અદા કર્યું છે...

પાટીદારો ધારે તે કરી શકે છે તેના એક નહીં અનેક ઉદાહરણ છે. વિદેશમાં રહેતા પટેલ પરિવારો તેમના વતનમાં એટલું બઘું દાન આપે છે કે તે ગામમાં સરકારી સહાય ન હોય તો પણ ચાલે છે. આફ્રિકામાં જન્મેલા અને મૂળ વડોદરા જિલ્લાના વતની ડો. કિરણ પટેલની ઇચ્છા છે કે ગુજરાતમાં તેઓ કૃષિ યુનિવર્સિટી બનાવે. તેમણે વડોદરા પાસેના હરવણ પાસે 220 વિઘા જમીન લીધી છે જ્યાં તેઓ આ યુનિવર્સિટી બનાવી રહ્યાં છે. યુએસના ફ્લોરિડાના ટેમ્પામાં રહેતા ડોક્ટર દંપત્તિ કિરણ પટેલ અને તેમના પત્નિ પલ્લવી મેડીકલ શિક્ષણને વધારે મહત્વ આપે છે. તેમણે નોવા સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટીને 1312 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેઓ હાલ ફ્રિડમ હેલ્થ કંપની ચલાવી રહ્યં છે, જ્યારે પલ્લવી પટેલ પિડિયાટ્રિશ્યન છે. કિરણ પટેલ પણ વતનની વાટે છે. વતનમાં તેમનું સ્વપ્ન પૂર્ણ કરવા તેઓ મક્કમ દિશાએ આગળ વધી રહ્યાં છે.

રાહુલ ગાંધીનો બદલાવ 2024માં કામ આવશે...

 ‘માત્ર પ્રેમ અને કરૂણા એકરાષ્ટ્ર બનાવી શકે છે’ —આ વાક્ય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું છે. તેમણે નો કોન્ફિડેન્સ મોશન પછી બીજા દિવસે કહ્યું છે. રાહુલ ગાંધીની જાદુ કી જપ્પી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ખુરશીમાં હેબતાઇ ગયા હતા. તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે રાહુલ ગાંધી તેમને આવી રીતે અચાનક આલિંગન કરશે. ચલો, સારૂં થયું કે હગ કરવાનો એક નવો અધ્યાય શરૂ થયો છે. નરેન્દ્ર મોદી દેશ-વિદેશના મહાનુભાવોને હગ કરે છે તે જોઇને રાહુલને પણ શૂરાતન ચઢ્યું અને તેમણે મોદીને હગ કરી દીધું. રાજનિતીમાં આ સિરસ્તો નવો નથી. સંઘ પરિવારના એક સમયના સુપ્રીમો શુદર્શને તો કહ્યું હતું કે ભારતમાં જો ભાજપ અને કોંગ્રેસ એક થઇ જાય તો તમામ સમસ્યાઓનું સમાધાન આવી શકે, એટલું જ નહીં કોઇપણ બહારી દેશ ભારત સામે ઉંચી આંગળી કરી શકે નહીં. એક વરીષ્ઠ રાજનીતિજ્ઞ કહે છે કે—ભારતનું ભલું થતું હોય તો વિવિધ પાર્ટીઓએ એક બનીને લડત આપવી જોઇએ. કારગીર યુદ્ધ સૌથી મોટું ઉદાહરણ છે. ગુજરાતની નર્મદા યોજના બીજું ઉદાહરણ છે. આખરે રાજનેતાઓ જનતાની ભલાઇ માટે તો હોય છે. રાહુલ ગાંધી રાજનિતીના પાઠ શીખી રહ્યાં છે જે તેમને 2024માં તો અવશ્ય કામ આવશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:59 am IST)
  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST