Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સરકારી મહેમાન

2021માં ચીફ સેક્રેટરી અનિલ મુકિમ સાથે 13 IAS અને સાત IPS ઓફિસર નિવૃત્ત થશે

પગાર અને ભથ્થામાં મનમાની કરતાં બોર્ડ-નિગમના વડા પર નાણાં વિભાગે કાતર ફેરવી: સરકારી કંપનીઓનું ઓડિટ કરતાં CAનું આવી બન્યું, હવે વસૂલાત સાથે બ્લેકલિસ્ટ કરાશે: ગુજરાતમાં સરકારી જમીન પર દબાણનું આધિપત્ય, 165 ઠરાવ પણ લાકડાની તલવાર બન્યાં

ગુજરાતમાં આઇએએસ ઓફિસરોની ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ 313ની સામે અત્યારે 218 આઇએએસ ઓફિસરો ફરજ બજાવે છે જે પૈકી 40 ટકા સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે. રાજ્યમાં 2021ના વર્ષમાં ચીફ સેક્રેટરી અનિલ મુકિમ સહિત કુલ 13 ઓફિસરો વયનિવૃત્ત થઇ રહ્યાં છે. ચીફ સેક્રેટરીનો એક્સટેન્શનનો સમય ફેબ્રુઆરી મહિનો છે જેથી 1લી માર્ચે ગુજરાત સરકારને નવા ચીફ સેક્રેટરી મળશે. પદ માટે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા ગુરૂપ્રસાદ મહાપાત્ર, મહેસૂલ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમાર અને વન વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના નામની અટકળો ચાલી રહી છે. નવા વર્ષમાં જે ઓફિસરો નિવૃત્ત થવાના છે તેમાં --- દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા જેપી ગુપ્તા (ડિસેમ્બર) તેમજ ડો.વી થીરૂપુગ્ગાઝ (જૂન) વયનિવૃત્ત થશે. ઉપરાંત ડીબી રહેવર (જાન્યુઆરી), એમકે ડામોર (એપ્રિલ), આરજે હાલાની અને આરકે પટેલ (ઓગષ્ટ), આઇકે પટેલ અને આરઆર રાવલ (જૂન), એમજે ઠક્કર (ફેબ્રુઆરી), એવી કાલરિયા અને જીએચ ખાન (સપ્ટેમ્બર), વીએમ મેકવાન (ડિસેમ્બર)નો સમાવેશ થાય છે. એવી રીતે ગુજરાતના પોલીસ તંત્રમાં આઇપીએસ ઓફિસરોની કુલ ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ 208 ઓફિસરોની છે જે પૈકી 45 આઇપીએસ હાલ ડેપ્યુટેશન પર ગુજરાતની બહાર ફરજ બજાવી રહ્યાં છે. રાજ્યમાં 2021ના વર્ષમાં વયનિવૃત્ત થનારા આઇપીએસ ઓફિસરોની સંખ્યા સાત છે. ઓફિસરોમાં કમલ કુમાર ઓઝા (જાન્યુઆરી), કેશવકુમાર અને વિનોદકુમાર મલ્લ (એપ્રિલ), રાકેશ અસ્થાના અને એસકે ગઢવી (જુલાઇ), એચઆર મુલિયાણા (ઓગષ્ટ) અને એમકે નાયક (ઓક્ટોબર) વયનિવૃત્ત થઇ રહ્યાં છે.

નાણાકીય લાભમાં બોર્ડ-નિગમની મનમાની નહીં ચાલે...

કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં હવે બોર્ડ-કોર્પોરેશનની મનમાની નહીં ચાલે, કેમ કે રાજ્યના નાણાં વિભાગે એક ગંભીર બાબત પર સરકારનું ધ્યાન દોરીને એવા આદેશ કર્યા છે કે સરકારી કચેરીઓના કર્મચારીઓ કરતાં બોર્ડ-નિગમના કર્મચારીઓના પગાર અને ભથ્થાં વધારે હોવા જોઇએ નહીં. એવા કેટલાક કિસ્સા બન્યાં છે કે જેમાં સરકારી કચેરીઓના પગાર અને ભથ્થાં કરતાં વધુ રકમ બોર્ડ-નિગમના કર્મચારી મેળવી રહ્યાં હતા. જે તે નિગમના વડાએ કેન્દ્રના કર્મચારીઓને મળતાં પગાર અને ભથ્થાં જેવો સીધો આદેશ તેમના કર્મચારીઓ માટે કર્યો હતો. નાણાં વિભાગના ધ્યાનમાં આવી બાબત સામે આવતાં વિભાગે એવો આદેશ કર્યો છે કે બોર્ડ-નિગમના કર્મચારીઓને મળતાં પગાર અને ભથ્થાંમાં સુધારો કરતાં પહેલાં મંજૂરી લેવા આવશ્યક અને ફરજીયાત છે. કોઇપણ બોર્ડ-નિગમના વડા તેમના કર્મચારીઓના પગાર સહિતના ભથ્થામાં પૂર્વ મંજૂરી વિના સુધારો કરી શકશે નહીં. વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે કર્મચારીઓની સેવા કે નોકરીની બાબતમાં નાણાં વિભાગની મંજૂરી લેવાની રહેશે. વિભાગે સૂચિત કર્યું છે કેન્દ્ર સરકારના સમાન ધોરણે આપવામાં આવતા નાણાકીય લાભ પોતાની મેળે લેવામાં આવે છે તે ઉચિત નથી. વિભાગે તાકીદ કરી છે કે પૂર્વ મંજૂરી વિના આપવામાં આવેલા નાણાકીય લાભની વસૂલાત કરાશે અને સબંધિતોની જવાબદારી નક્કી કરી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

સરકારી કંપનીના ગોટાળા રોકવા સ્પેશ્યલ આદેશ...

સરકારી કંપનીઓમાં કામ કરતાં ઓડિટરોની જવાબદારી રાજ્યના નાણા વિભાગે સ્પષ્ટ કરી છે. આમ કરવાનું કારણ જે તે કંપનીઓમાં થતી ગેરરીતિ અટકાવવાનો ઉદ્દેશ છે. ગુજરાત સરકારની એક કંપનીમાં ઓડિટની કામગીરી માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક હુકમની શરતો અને સ્કોપ ઓફ વર્ક પ્રમાણે કરવામાં આવી નહીં હોવાથી કંપનીની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી જોવી મળી હતી. એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ દરમ્યાન એક કૌભાંડ બહાર આવ્યું હતું તેથી નાણાં વિભાગે એવો આદેશ કર્યો છે કે રાજ્યના વિવિધ બોર્ડ, કોર્પોરેશન, શહેરી વિકાસ સત્તામંડળો, વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને ટ્રસ્ટમાં ઓડિટની કામગીરી માટે શરતો અને સ્કોપ ઓફ વર્ક પ્રમાણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સની નિયુક્તિ ફરજીયાત કરવાની રહેશે. એટલું નહીં, ઓડિટ વિષયક કામગીરી તેમજ ઓડિટર દ્વારા કરવામાં આવેલા રિપોર્ટીંગમાં કોઇ ક્ષતિ અથવા ખામીઓ જણાય તો તેને ધ્યાને લઇ જે તે સરકારી સંસ્થાએ ગેરરીતિ સંદર્ભે વિવિધ પગલાં લેવાના રહેશે. પગલાંમાં ઓડિટ ફીમાં કપાત હોઇ શકે છે. ફી જપ્તી કરી શકાશે. પેનલ્ટી કે નુકશાન વસૂલી શકાશે. નિયુક્તિ રદ કે ઓડિટ કામગીરી સ્થગિત કરી શકાશે. જે તે સંસ્થા ઓડિટરને બ્લેકલિસ્ટ તેમજ તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં પણ લઇ શકશે. ગેરરીતિ બદલ ઓડિટર સામે ફોજદારી કેસ સહિતના શિક્ષાત્મક પગલાં પણ લઇ શકાશે. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી છે અને તેમના વિભાગે આવો આદેશ બહાર પાડ્યો છે.

સોલાર કેમ્પેઇન છતાં થર્મલ પ્લાન્ટ પ્રથમક્રમે...

ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 24 પાવર સ્ટેશનો છે જે પૈકી સૌથી વધુ 10 પાવરસ્ટેશનો ગેસ આધારિત છે જે એક સમયે થર્મલ વિદ્યુત ઉત્પન્ન કરતા હતા. રાજ્યમાં હવાના પ્રદૂષણને ઘટાડવા માટે થર્મલ પાવર પ્લાન્ટની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. સરકારની નીતિ પ્રમાણે હવે થર્મલ પાવર પ્લાન્ટને અનિવાર્ય સંજોગો સિવાય મંજૂરી આપવામાં આવતી નથી. જો કે પ્લાન્ટની કેપેસિટી જોતાં એવું સામે આવે છે કે રાજ્ય સરકાર આજે પણ 14000 મેગાવોટ જેટવી વિશાળકાય વીજળી કેન્દ્ર અને રાજ્ય સ્થિત થર્મલ પાવર પ્લાન્ટમાંથી મેળવી રહી છે. રાજ્યમાં ગેસ આધારિત વીજ પાવર પ્લાન્ટની સંખ્યા વધારે હોવા છતાં તેની કેપેસિટી હજી 4550 મેગાવોટ થવા જાય છે. ગુજરાતમાં હાઇડ્રો પાવર પ્લાન્ટની સંખ્યા ચાર છે અને તેની કેપેસિટી 779 મેગાવોટ છે જ્યારે એટોમિક એનર્જી ઉત્પન્ન કરતો એક પ્લાન્ટ છે અને તેની કેપેસિટી 559 મેગાવોટ છે. ગુજરાત વીજળી ઉત્પાદનમાં સરપ્લસ રાજ્ય હોવાનો દાવો થાય છે પરંતુ સૌથી વધુ ઉત્પાદન અત્યારે થર્મલ પાવર પ્લાન્ટની મદદથી લેવાઇ રહ્યું છે. જો કે ગુજરાતે સોલાર પાવર પ્રોજેક્ટમાં અપ્રતિમ સફળતાં હાસલ કરી છે. 31મી જુલાઇ 2020ની સ્થિતિએ રાજ્યમાં સોલાર પ્રોજેક્ટની કેપેસિટી 3127.88 મેગાવોટ થઇ છે. સોલાર પાવર પૈકી રૂફટોપ પ્રોજેક્ટની ઇન્સ્ટોલ કેપેસિટી 675.223 મેગાવોટ નોંધવામાં આવી છે. બીજી તરફ વિન્ડ પાવર પ્લાન્ટની કેપેસિટી વધીને 7523.45 મેગાવોટ જોવા મળી રહી છે. એટલે કે ગુજરાત ગ્રીન ઉર્જામાં અગ્રેસર રાજ્ય બનતું જાય  છે તેવા સરકારી દાવા સફળ થઇ રહ્યાં છે.

દબાણ અને કલેક્ટર – એક સિક્કાની બે બાજુ છે...

ગુજરાત સરકારમાં સૌથી મોટો માથાના દુખાવા જેવો પ્રશ્ન સરકારી જમીન પર દબાણો અંગેનો છે. સરકાર સમયાંતરે આદેશો બહાર પાડે છે તેમ છતાં સરકારી જમીન પરના દબાણો સંપૂર્ણપણે દૂર થઇ શકતા નથી. જિલ્લા કલેક્ટરોને વારંવાર સૂચનાઓ આપવા છતાં મુદ્દો કાયમી ધોરણે પડતર રહે છે. સચિવાલયમાં જ્યારે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક મળતી હોય છે ત્યારે સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની બાબત એડન્ડામાં હંમેશા પ્રથમ જોવા મળતી હોય છે. હેતુસર સરકારે 165 જેટલા ઠરાવો અને આદેથ બહાર પાડ્યા છે તેમ છતાં સરકારી જમીન પરના દબાણોનો પ્રશ્ન યથાવત રહ્યો છે. મહેસૂલ વિભાગે એવું સાબિત કર્યું છે કે મહેસૂલી વહીવટ આંટીઘૂંટીવાળો  છે. છેલ્લા કેટલાક વર્ષોથી વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે અને તેના ભાગરૂપે વિવિધ સુવિધાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે તેમ છતાં જમીન પરના દબાણો અંગે કોઇ ચોક્કસ નીતિ બનાવી શકાઇ નથી. થોડાં સમય પહેલાં સરકારી જમીનો પરના દબાણો અંગે રાજ્યના મહેસૂલ વિભાગના મંત્રી કૌશિક પટેલે એકશન પ્લાન તૈયાર કર્યો છે. પ્લાન પ્રમાણે રાજ્યના ક્યા જિલ્લામાં કેટલી જમીન પર સરકારી દબાણ છે તેની માપણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં એકમાત્ર વડોદરા જિલ્લો એવો છે કે જ્યાં સરકારી જમીન પર જ્યાં દબાણો છે તે જમીન શોધવા માટે મોબાઇલ-જીપીએસના માધ્યમથી જિયોટેગીંગ પદ્ધતિથી સર્વેની કામગીરી કરી છે જે આખા રાજ્ય માટે ઉદાહરણરૂપ છે. હવે પદ્ધતિ પ્રમાણે રાજ્યભરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રોનની મદદથી પણ સર્વેનું કાર્ય ચાલી રહ્યું છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:40 am IST)