Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સરકારી મહેમાન

બોલો ક્યાંથી CM બદલાય? 33 માસ વિરોધીઓ સામે ઝઝૂમ્યા આખરે 99નો બદલો 26થી લીધો

રૂપાણી જાય છે તેવી અટકળો દર ત્રણ મહિને થતી હતી, 11 વખત વિરોધીઓએ CM બદલ્યા છે : લોકસભામાં કોંગ્રેસ 10 થી 12 સીટ લઇ જશે તેવી સંભાવના છતાં આક્રમક પ્રચાર ચાલુ રાખ્યો : વહીવટી અનુભવ નથી તેવી ધારણા ખોટી પાડી-- CM ડેશબોર્ડ એ સૌથી મોટી ઉપલબ્ધી બની

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને 33 મહિના જેટલો સમય થયો છે. તેઓ જ્યારથી ગુજરાતની ગાદી પર બેઠાં છે ત્યારથી તેમની સામે પાર્ટીના કેટલાક વિરોધીઓ અને વિપક્ષના નેતાઓએ તેમની સરકારને અનેક વાર ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અનેક વિરોધીઓ વચ્ચે પણ વિજય રૂપાણીએ રસ્તો કાઢી આજે દિલ્હીમાં કદ વધાર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી શરમજનક એવી 99 બેઠકોનો બદલો તેમણે લોકસભાની તમામ 26 બેઠકોમાં જીત હાંલસ કરીને લીધો છે. લોકસભાની જીત એ નરેન્દ્ર મોદીને આભારી છે તેવું જાહેરમાં બયાન કરીને રૂપાણીએ તેમનું કદ મોટું કર્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહી ચૂકેલા વિજય રૂપાણીને પાર્ટીએ રાજ્યસભાનું પદ અને ભાજપના પ્રદેશ પ્રમુખનું પદ પણ આપ્યું છે. 7મી ઓગષ્ટ 2016થી તેઓ ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સાચવી રહ્યાં છે.

દર ત્રણ મહિને અટકળો થતી: રૂપાણી જાય છે...

ગુજરાતમાં વિજય રૂપાણીના શાસનને ડિસ્ટર્બ કરવા માટે દર ત્રણ મહિને એવી અટકળો થતી હતી કે રૂપાણી જાય છે અને તેમના સ્થાને પાર્ટી મનસુખ માંડવિયા અથવા પુરૂષોત્તમ રૂપાલા આવે છે. ગુજરાતમાં આનંદીબહેન પટેલના શાસનને સમાપ્ત કરવામાં પાટીદાર અનામત આંદોલનનો મોટો ફાળો છે તેમ વિજય રૂપાણી સામે પણ પાટીદારો પડકાર બનીને આવ્યા હતા પરંતુ દૂરંદેશીપણું અને સાલસતાથી તેમણે પાટીદારોનો વિરોધ શાંત કરી દીધો છે. રૂપાણી સામે અલ્પેશ ઠાકોરનું વાવાઝોડું પણ આવ્યું પરંતુ ઠાકોર સેનાના અન્ય સાથીદારો સાથે રૂપાણીએ મસલતો કરીને એ આંદોલન પણ શાંત કરી દીધું છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાની હવાઓ વચ્ચે રૂપાણીએ અડગ રહીને, કોઇપણ જાતના ઉશ્કેરાટ વિના સહજ ભાવે શાસન ચાલુ રાખ્યું છે. રૂપાણી પાસે વહીવટી તંત્રનો અનુભવ નથી તેવા આરોપ પણ મૂકવામાં આવ્યા હતા છતાં સીએમ ડેશબોર્ડના માધ્યમથી તેમણે દેશમાં વહીવટી તંત્રની સાચી દિશા આપી છે. શાસનના 33 વર્ષમાં 11 વખત અટકળોએ રૂપાણી સરકારનું રાજીનામું લઇ લીધું છે.

નબળા બાળકને પિતા વધારે સાચવે...

એક બાબત સ્પષ્ટ છે કે ગુજરાતની સરકારને મુશ્કેલીમાંથી ઉગારવા માટે કેન્દ્રની મોદી સરકારે રૂપાણી સરકારને હંમેશા સાથ અને સહકાર આપ્યો છે. રૂપાણી સામે બવંડર ઉભું ન થાય તે માટે 1991 પછી પ્રથમવાર 2017માં ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની પોસ્ટ ઉભી કરીને પાર્ટીએ નિતીન પટેલ અને પાટીદાર સમાજના રાજકીય નેતાઓને સાચવી લીધા છે. હાર્દિક પટેલ પ્રેરિત પાટીદારોના આંદોલનને તોડી પાડવા માટે આર્થિક રીતે નબળાં સવર્ણો માટે મોદીએ જ્યારે 10 ટકા અનામતની જાહેરાત કરી ત્યારે રૂપાણી સરકારના મુખ્ય વિરોધી કહેવાતા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતાઓએ હથિયાર હેઠાં મૂકી દીધા હતા. ગુજરાતની સરકાર બચાવવાનો મોદીનો આ માસ્ટરસ્ટ્રોક હતો જે આખા ભારતમાં અમલી બન્યો છે. ભાજપના વિરોધીઓને શાંત કરવામાં મોવડીમંડળની મોટી ભૂમિકા છે. ગુજરાત સરકારના વહીવટમાં જ્યારે ભૂલો થતી ત્યારે કેન્દ્રની સરકારે તેને સાચવી લીધી છે. વિજય રૂપાણી એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પસંદ હોવાથી તેમની સામે જે પડકારો આવ્યા તેનો સામનો કેન્દ્ર અને રાજ્ય સરકારે એકઠા થઇને કર્યો છે.

સંજોગના સીએમ પરિશ્રમથી ઉપર આવ્યા...

કહેવાય છે કે સંજોગોએ ગુજરાતમાં પાંચ મુખ્યમંત્રી આપ્યા છે જેમાં માધવસિંહ સોલંકી વખતે અમરસિંહ ચૌધરી, ચીમનભાઇ પટેલ વખતે છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ વખતે સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા વખતે દિલીપ પરીખ અને આનંદીબહેન પટેલ વખતે વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. જો કે આ પાંચ મુખ્યમંત્રીઓમાં સૌથી વધુ સફળ અમરસિંહ અને વિજય રૂપાણી થયા છે. સતત પરિશ્રમ કરીને રૂપાણીએ મોદીનો ગુજરાતમાં વૈભવ સાચવ્યો છે. મોદીએ ગુજરાતમાં 13 વર્ષ શાસન કર્યું છે અને તેમાં જે કાર્યો કર્યા છે તેને રૂપાણીએ આગળ ધપાવ્યા છે. મીસ ફીટ મુખ્યમંત્રી હોવાના આરોપ વચ્ચે રૂપાણીએ ફીટ ચીફ મિનિસ્ટરનું લેબલ પ્રાપ્ત કર્યું છે. વિપક્ષ કોંગ્રેસ તો મુખ્યમંત્રી રૂપાણીને ડિસ્ટર્બ કરી શકી નથી પરંતુ એક તબક્કે પાર્ટીના વિરોધીઓએ તેમને અનેક વખત ડિસ્ટર્બ કરવાના પ્રયાસ કર્યા છે પરંતુ તેઓ તેમની મહેનતથી આગળ આવ્યા છે. પાર્ટીના અનેક વિરોધીઓની પરવા કર્યા વિના તેમણે શાસનને પરિવર્તનશીલ બનાવ્યું છે.

16 મહિનાના શાસન પછી પડતી આવી પણ...

ગુજરાતમાં 808 દિવસના શાસન પછી ભાજપના હાઇકમાન્ડે આનંદીબહેન પટેલનું રાજીનામું લઇ લેતાં એવી અટકળો વહેતી થઇ હતી કે ગુજરાતના મુખ્યમંત્રી પદે અમિત શાહ, પુરૂષોત્તમ રૂપાલા કે મનસુખ માંડવિયા આવશે પરંતુ બઘાં નામની વચ્ચે ખુદ અમિત શાહે પાર્ટી બેઠકમાં વિજય રૂપાણીનું નામ મૂક્યું અને અંતે પસંદગીનો કળશ ઢોળાયો. શરૂઆતમાં ભાજપના મુખ્યમંત્રીના દાવેદારોએ તેમના નામનો વિરોધ કર્યો હતો પરંતુ હાઇકમાન્ડ સામે તેઓનું ચાલ્યું નહીં અને પાર્ટીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી દીધો હતો. 16 મહિનાના શાસન પછી વિજય રૂપાણી સામે વિધાનસભાની ચૂંટણીનો નવો પડકાર આવ્યો. આ સમયે પણ ભાજપમાં એવી અટકળો વહેતી થઇ હતી કે આ ચૂંટણી રૂપાણીના નેતૃત્વમાં લડાશે નહીં. નવા મુખ્યમંત્રી આવશે પરંતુ તેમ ન થયું અને વિધાનસભાની ચૂંટણીનું નેતૃત્વ પાર્ટીએ વિજય રૂપાણીને આપી દીધું. આખરે ભાજપનો પાતળી બહુમતિથી વિજય થયો. રાજ્યમાં 99 બેઠકો મળતાં હાઇકમાન્ડ રૂપાણીથી થોડું નારાજ થયું પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની ઝૂંબેશ શરૂ કરીને પાર્ટીએ તેની સભ્યસંખ્યા વધારવાનો પ્રયાસ શરૂ કર્યો અને વિજય રૂપાણીને જીવતદાન મળી ગયું. મોદી અને અમિત શાહની પસંદ હોવાથી રૂપાણીને આંચ ન આવી.

રૂપાણી સીધા મુખ્યમંત્રી બન્યા નથી...

વિજય રૂપાણીએ સીધા મુખ્યમંત્રી બન્યા નથી. 1975થી જનસંઘ અને ભાજપ સાથે સંકળાયેલા રૂપાણી 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તેઓ 1996 થી 1997 સુધી રાજકોટના મેયર રહી ચૂક્યાં છે. 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય હતા. ઓગષ્ટ 2014માં કર્ણાટકના રાજ્યપાલ પદે પસંદ થયેલા વજુભાઇ વાળાએ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી રાજીનામું આપતાં રૂપાણી પેટા ચૂંટણી લડ્યા હતા. નવેમ્બર 2014માં જ્યારે તેઓ આનંદીબહેન પટેલની સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બન્યા ત્યારે કોઇને શંકા પણ ન હતી કે રૂપાણી એક દિવસ મુખ્યમંત્રી બનશે. રૂપાણીને 2016માં ફેબ્રુઆરી થી ઓગષ્ટ સુધી પાર્ટીના પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવેલા છે. છેવટે તેમને મુખ્યમંત્રીની ખુરશી આપવામાં આવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાનું તેમનું 16 મહિનાનું શાસન મધ્યમ રહ્યું છે પરંતુ વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી તેમણે છેલ્લા ત્રણ મહિના દિવસ રાત જોયા વિના પ્રજા કલ્યાણની અનેક યોજનાઓની જાહેરાત કરી અમલ શરૂ કરાવ્યો હતો.

શાંત, સાલસ અને સૌમ્ય પ્રકૃત્તિ ધરાવે છે...

નરેન્દ્ર મોદીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ.. સૂત્રને આગળ કરીને વિજય રૂપાણીએ ગુજરાતનું શાસન ચાલુ રાખ્યું છે. કોણ મુલાકાતી છે તેની પરવા કર્યા વિના તેઓ તેમના શાસન દરમ્યાન પ્રત્યેક વ્યક્તિને મળ્યા છે. સ્વભાવે શાંત, સાલસ અને સૌમ્ય પ્રકૃત્તિ ધરાવતા રૂપાણી કેબિનેટના સભ્યો સાથે હોય કે પાર્ટી મિટીંગમાં હોય, ક્યારેય ઉગ્રતા તેમનામાં જોવા મળી નથી. અધિકારીઓ પાસેથી પણ કામ લેવાની તેમની આવડતથી ગુજરાત પ્રગતિશીલ રાજ્ય બન્યું છે. તેમણે શાસન દરમ્યાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિશ્વાસ મેળવ્યો છે. ગુજરાતમાં વિવિધ સમાજ અને જ્ઞાતિઓ સાથે મંત્રણા કરીને વિખવાદો ટાળ્યા છે. પાટીદારો પછી દલિત અને ઓબીસી જ્ઞાતિને ભડકાવવાના પ્રયાસો થયા પરંતુ તેમણે બઘાંને સમજાવ્યા છે. પ્રશ્નો ઉકેલ્યા છે. કોંગ્રેસના આશા પટેલ, કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને પાર્ટીમાં લઇને રૂપાણીએ પાટીદાર, કોળી અને ઓબીસી સમાજનું બેલેન્સીંગ કર્યું છે. જો કે આ ઓપરેશન માટે અમિત શાહનો મોટો ફાળો રહ્યો છે.

99નો બદલો 26 બેઠકોથી લીધો છે...

ગુજરાતમાં ભાજપને જ્યારે 99 બેઠકો આવી ત્યારે પાર્ટીમાં નારાજગી હતી પરંતુ ધીમે ધીમે કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવીને રૂપાણીએ અત્યારે વિધાનસભામાં 104 સભ્યોની સ્ટ્રેન્થ એકત્ર કરી લીધી છે. 99 બેઠકોનો અભિશાપ પૂર્ણ થયો છે. લોકસભાની ચૂંટણી પહેલાં એવી ધારણા હતી કે કોંગ્રેસને 10 થી 12 બેઠકો મળી શકે છે પરંતુ રૂપાણીએ સંખ્યાની પરવા કર્યા વિના રાજ્યભરમાં ચૂંટણી પ્રવાસ કરીને મોદીના સપનાને પૂરા કરવા મતો માગ્યા છે. રૂપાણીએ તમામ 26 બેઠકોના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો છે. ભાજપમાં કહેવાય છે કે 99નો બદલો 26 બેઠકોથી લેવાયો છે. લોકસભાની ચૂંટણીનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે રૂપાણીએ 26 બેઠકોનો જશ પોતાના શિરે લેવાની જગ્યાએ જાહેરમાં કહી દીધું કે-- મોદી હૈ તો મુમકિન હૈ... ગુજરાતમાં તમામ બેઠકોનો શ્રેય તેમણે માત્રને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપ્યો છે. રૂપાણી જ્યારે મેયર હતા ત્યારે તેમને રાજકોટના સ્થાનિક નેતા તરીકે લોકો ઓળખતા હતા. મુખ્યમંત્રી થયા ત્યારે ગુજરાતની જનતા તેમને ઓળખતી થઇ છે અને હવે 26 બેઠકો જીતવાનું નેતૃત્વ હોવાથી તેમને ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે પદવી મળી છે. રૂપાણીનું દિલ્હીમાં કદ વધ્યું છે અને એ સાથે રૂપાણીને હટાવવાની અટકળો શાંત પડી છે. પાર્ટીનો જૂથવાદ 26 બેઠકોના વિજયમાં ઓગળી રહ્યો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:42 am IST)