Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

'સિંધુડો' ના પ્રાગટય દિન - ધોલેરા સત્યાગ્રહ જયંતિ નિમિતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવાંજલી અર્પણ

રાજકોટ, તા.૮: સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧પ શૌર્ય ગીતોનો સંગ્ર સિંધુડો ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રસિધ્ધ થયો હતો.

સિંધુડોના ૮૯માં પ્રાગટ્ય દિન તથા ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જયંતી નિમિત્તે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ઘોલેરા (સત્યાગ્રહ સ્મારક અને ગાંધી ચોક), ધંધુકા (જિલ્લા પંચાયતનું ઐતિહાસિક રેસ્ટ હાઉસ) અને રાણપુર (પોલીસ સ્ટેશન પાસે આવેલ મેદ્યાણી-પ્રતિમા) ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી. ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન અને ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ દાજીભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લ્ભભાઈ પટેલ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ તેમજ ધોલેરા સત્યાગ્રહનાં અગ્રણ્ય સ્વાતંત્ર્ય-સેનાનીઓને ઉપસ્થિત સહુએ ભાવભરી અંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેદ્યાણી રચિત શૌર્ય અને દેશપ્રેમના ગીતો 'કસુંબીનો રંગ', 'કોઈનો લાડકવાયો, છેલ્લી પ્રાર્થના, તારા નામમાં ઓ સ્વતંત્રતા'ની પંકિતઓનું સહુએ સમૂહ-ગાન કરીને સ્વરાંજલિ અર્પણ કરી હતી. 'ભારત માતાની જય', 'વંદે માતરમ', 'ઈન્કલાબ ઝીંદાબાદ','શહીદ-વીરો અમર રહો' નો જયઘોષ પણ કર્યો હતો. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં વિવિધ કાર્યક્ર્મોમાં પથદર્શક રહેલાં ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધુ અને પિનાકી મેઘાણીનાં માતા કુસુમબેન નાનકભાઈ મેઘાણીને પાંચમી માસિક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ અર્પણ થઈ હતી.  ધોલેરા સ્થિત સ્મશાન પાસે આવેલ સત્યાગ્રહ સ્મારક તથા બજારમાં આવેલ ગાંધી ચોક ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી. ધોલેરાના પૂર્વ સરપંચ વિક્ર્મસિંહ ચુડાસમા, ધોલેરા ભાલ સેવા સમિતિ (ઓતારિયા)ના પ્રમુખ સામતસંગ ઉમટ અને મંત્રી રાજુભાઈ પટેલ, માહિતી સંસ્થા (ધોલેરા)નાં પ્રમુખ દેવુબેન પંડ્યા અને પ્રોજેકટ મેનેજર દિનેશભાઈ પંડ્યા, ભાલ મહિલા બચત ધિરાણ સહકારી મંડળી (ધોલેરા)ના પ્રમુખ જયાબેન મેર અને સભ્યો ગૌરીબેન બારૈયા, અજયભાઈ ધારાણી, નિવૃત્ત તલાટી હેમંતસંગ ડાભી, ઉચ્ચતર ઉત્તર બુનીયાદી વિદ્યાલય (ઓતારિયા)ના આચાર્ય પ્રતાપભાઈ જીવરાજભાઈ પટેલ, નિવૃત્ત આચાર્ય કુબેરદાસ પંડ્યા, પથુભા ચુડાસમા, પ્રવીણભાઈ જાદવની ઉપસ્થિતિ રહી. ગાંધી-મૂલ્યોને વરેલાં, આજીવન સમાજ-સેવિકા અને પૂર્વ-સાંસદ સ્વ.જયાબેન વજુભાઈ શાહની પ્રેરણાથી ૨૦૦૭માં આની સ્થાપના થઈ હતી જે ખાસ ઉલ્લેખનીય છે. માહિતી સંસ્થા (ધોલેરા) તથા ધોલેરા ભાલ સેવા સમિતિ (ઓતારિયા)ની પણ સહુએ મુલાકાત લીધી હતી. આગામી વર્ષે – ૯૦મી જયંતી અવસરે ધોલેરા ખાતે સિંધુડો – ધોલેરા સત્યાગ્રહનાં ભવ્ય સ્મારકનું નિર્માણ થાય તેવી લોકલાગણી છે. અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ — ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ — ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને ઝવેરચંદ મેઘાણીએ 'સિંધુડો'માંથી 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ' (છેલ્લી પ્રાર્થના) ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્થિત વિશાળ માનવ મેદની તથા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની થઈ હતી. એ સમયે 'ડાક બંગલા'તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં 'રેસ્ટ-હાઉસ'માં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. જે ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં સ્મૃતિરૂપે સ્થાપિત 'મેઘાણી ઓટલો' પાસે ભાવાંજલિ અર્પણ થઈ જેમાં ધંધુકા એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, અગ્રણી ચન્દ્રસિંહ ચુડાસમા, નિવૃત્ત્। તલાટી હેમંતસંગ ડાભી, રફીકભાઈ – ઈકબાલભાઈ ખલીફા ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઐતિહાસિક ઈમારતનો જીર્ણોધ્ધાર કરીને ભવ્ય શૌર્ય-સ્મારક તરીકે વિકાસ કરવામાં આવે તથા પાસે આવેલ નિર્માણધીન ફ્લાયઓવરનું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બ્રીજ'તરીકે નામકરણ થાય તેવી લોકલાગણી છે.  જયાં 'સિંધુડો'નાં ગીતોની રચના થઈ તે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ. રાણપુર મહિલા પીએસઆઈ એમ. જે. સાગઠીયા, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, રાણપુર એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે, પૂર્વ સરપંચ જીવાભાઈ રબારી અને ઉસ્માનભાઈ દેસાઈ, અગ્રણીઓ મનુભા ચાવડા - રાજા (સુંદરીયાણા), ડો. ધરાબેન પંડ્યા, જગદીશભાઈ વકીલ, હરદેવસિંહ રાણા, ગમાનસંગ ડોડીયાની ઉપસ્થિતિ રહી. ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અને આર્થિક-સામાજિક વંચિત બહેનોને સ્વરોજગારી આપતી અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની મુલાકાત લઈને સહુએ જૈન મુનિશ્રી સંતબાલજીના ૩૭માં સ્વર્ગારોહણ દિને એમને ભાવાંજલિ અર્પણ કરી હતી. ૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રે કાર્યરત સેવાભાવી ગોવિંદસંગ ડાભીએ નવી પેઢીને ખાદી પહેરવા તેમજ ખરીદવાની પ્રેરણા આપી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેદ્યાણી અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

આલેખન  પિનાકી નાનકભાઈ મેઘાણી  :ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:33 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST