Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ગાંધી જયંતિ નિમિતે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં ગાંધી વંદનામાં મેઘાણી ગીતો ગુંજ્યા

રાજકોટ : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ખાતે 'ગાંધી વંદના' – 'ખમા ખમા લખવાર' સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો હતો. નવી પેઢી મહાત્મા ગાંધીના જીવન-મૂલ્યો-વિચારોથી તથા આપણા સ્વાતંત્ર-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર-સેનાનીઓએ આપેલ આહૂતિ અને બલિદાનથી પરિચિત-પ્રેરિત થાય તેમ જ દેશભકિતની ભાવના જાગૃત થાય એ આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. એપ્રિલ ૧૯૨૫માં મહાત્મા ગાંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પહેલી મુલાકાત રાણપુરમાં થઈ હતી તેથી આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ રહ્યું. 

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ખાદી-સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઈ ડાભી, ભાલ નલકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ)ના પ્રમુખ ધીરૂભાઈ ડાભી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી અને કારોબારી સભ્યો મનુભાઈ રાજા, ગગુભા ગોહિલ, ભીખુભાઈ ડોડીયા, ભૂપતભાઈ ધાધલ, ભાલ સેવા સમિતિ-ઓતારીયાના રાજુભાઈ, બોટાદ એલસીબી પીઆઈ એચ.આર. ગોસ્વામી, રાણપુર સરપંચ અબ્બાસભાઈ ખલાણી, પૂર્વ સરપંચ જીવાભાઈ રબારી, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે, રામજી મંદિરના મહંત કનૈયાલાલ બાપુ, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, એ.ડી. શેઠ હોસ્પીટલના વિજયભાઈ પરીખ, શિક્ષણ જગતમાંથી ઘરશાળા-વઢવાણના તૃપ્તિબેન આચાર્ય-શુકલ, સાકરીયા મહિલા કોલેજ–બોટાદના ડો. ગુણવંતભાઈ વાજા, ગોપાણી પોલીટેકનીકના પ્રવીણભાઈ ડાભી, આદર્શ વિદ્યા સંકુલના કાંતિલાલ લાડોલા, કુમાર પ્રાથમિક શાળાના કાદરભાઈ કોઠારીયા, ગદાણી સ્કૂલના ગોહિલ, મોર્ડન સ્કૂલના મેહુલભાઈ, જન્મભૂમિ હાઈસ્કૂલના રસિકભાઈ પટેલ, જન્મભૂમિ પ્રાયમરી સ્કૂલના સંતાબેન પટેલ, એમ.એ. શેઠ ઈન્ગ્લીશ સ્કૂલના વીણાબેન સોલંકી, અગ્રણીઓ કાળુભાઈ ડાભી, હાલુભા ચુડાસમા, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, ડો. ધરાબેન ત્રિવેદી, જગદીશભાઈ વકીલ, સુરુભા પરમાર, હરેશભાઈ જાંબુકીયા, બાપુભાઈ-હરેશભાઈ ધાધલ, મનીષભાઈ ખટાણા, ડો. જગદીશભાઈ પંડ્યા, પ્રતાપભાઈ ડોડીયા, સવજીભાઈ શેખ, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા, લલિતભાઈ વ્યાસ, પીયૂષભાઈ વ્યાસ, વિનોદભાઈ મિસ્ત્રી સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને બહેનોએ કાર્યક્ર્મને મન મૂકીને માણ્યો. ઉપસ્થિત સહુ વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ સોસાયટી - બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ક્રીમ બિસ્કીટ અપાયાં હતાં. વિશ્વભરમાં વસતાં ૧૧૬૦૦૦ જેટલાં ભાવિકોએ આ સ્વરાંજલિ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની રમઝટ બોલાવી હતી. સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. અભેસિંહ રાઠોડના ૧૯ વર્ષીય પૌત્ર આદિત્યસિંહ રાઠોડે પણ સાથ આપ્યો હતો.

મહાત્મા ગાંધી, ઝવેરચંદ મેઘાણી અને મુનિશ્રી સંતબાલજીની વિશાળ કદને તસ્વીરોને શ્રધ્ધાસુમન અર્પણ થઈ. મુનિશ્રી સંતબાલજીનાં ૨૫ વર્ષ સુધી નિકટના સાથી તથા સહકારી પ્રવૃત્ત્િ।ઓ, ગ્રામ-સંગઠન, ખેડૂત-મંડળ અને અન્ય સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ સાથે સંકળાયેલા સ્વ. ફલજીભાઈ ડાભીને પણ એમની ૪૪મી પુણ્યતિથિએ ભાવાંજંલિ અર્પણ થઈ. પિનાકી મેઘાણી આલેખિત માહિતીસભર ગાંધી-મેઘાણી ચિત્ર પ્રદર્શન સહુએ રસપૂર્વક નિહાળ્યું હતું. પિનાકી મેઘાણી, ગોવિંદસંગભાઈ ડાભી, અભેસિંહભાઈ રાઠોડ, પંકજભાઈ ભટ્ટ, રાધાબેન વ્યાસ, રાજેશભાઈ ભાતેલીયા અને વાલજીભાઈ પિત્રોડાનું અભિવાદન કરાયું હતું. ઝવેરચંદ મેઘાણીના ગાંધીજી અને રાણપુર સાથેનાં લાગણીસભર સંભારણાં વિશે પિનાકી મેઘાણી, ગાંધી-વિચાર-મૂલ્યો અને ખાદી વિશે ગોવિંદસંગભાઈ ડાભી તથા પોલીસ-પબ્લીક વચ્ચે સમન્વય સેતુ વિશે એલસીબી પીઆઈ એચ.આર. ગોસ્વામીએ પ્રેરક વાતો કરી હતી. આભારદર્શન ધીરૂભાઈ ડાભીએ કર્યું હતું.

તે સમયનાં 'સૌરાષ્ટ્ર'પ્રેસ કાર્યાલય અને હાલની એ.ડી. શેઠ હોસ્પીટલ ખાતે મહાત્મા ગાંધીએ ત્યારે રાતવાસો કરેલો. આથી પ્રેરાઈને અહિથી ખાદી ભંડાર સુધી અનોખી 'ગાંધી ગૌરવ યાત્રા'નું આયોજન થયું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અગ્રણીઓએ આમાં ભાગ લઈને પગ-સાયકલ-યાત્રા કરી હતી. ૨ વર્ષની બાળકી જૈમિકા નીરવભાઈ ડાભીએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. પ્રેસમાં આવેલ ઐતિહાસિક લીંબડા પાસે મહાત્મા ગાંધી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પણ થઈ હતી. રાણપુર પોલીસ સ્ટેશન પાસે આવેલ મેઘાણી-પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ થઈ હતી.  

૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીએ ૧૫૦મી ગાંધી-જયંતીએ યુવા પેઢીને ખાદીનાં વસ્ત્રો પરિધાન કરવા તથા ખાદીની ખરીદી માટે અપીલ કરી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

આલેખન : પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(10:06 am IST)