Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

શ્રાવણ શ્રધ્ધા બિંદુ

સ્થિર અને દ્રઢ રહીને શિવાભિમુખ રહીએ

વિચાર અને વાણીમાં એકરૂપતા

આપણામાં જો સાચી ધિરજ અને તૃષા જાગૃત થાય તો જ ઈશ્વર પ્રાપ્તી માટે લક્ષ્ય પ્રાપ્તિ સિદ્ધ થઈ શકે.

સાચી તૃષા, શ્રધ્ધા, સંયમ અને ધૈર્ય આ ચારને જીવનમાં જો આત્મસાત કરી શકાય તો જીવનનુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

આપણી જરૂરીયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે પરમ કૃપાળુ પરમાત્માની નજીક જઈ શકીએ છીએ અને આત્મ તત્વની આત્મ સ્વરૂપની પ્રતિતિ તો જ થાય જ્યારે શિવતત્વના ભાવમાં ઓતપ્રોત થઈ જઈએ.

શિવલીંગને આત્મલીંગ અથવા બ્રહ્મલીંગ પણ કહેવાય છે. શિવ કાલાતીત છે, એટલે કે મહાકાલ છે.

જીવમાંથી શિવ તરફ ગતિ કરવા સંપૂર્ણ સમર્પિત ભાવથી સેવા અને પોતાની શકિત ઈશ્વરીય કાર્યમાં વાપરવા તત્પરતા જરૂરી છે.

પવનપુત્ર હનુમાનજી જેવી ભકિત અને કોઈપણ ફળની આશા વગરની સેવા શિવત્વ તરફ જવાની મૂળભૂત જરૂરીયાત છે.

જીવમાંથી શિવ તરફ ગતિ કરતા નિર્ભેળ અને સંપૂર્ણ પવિત્રતા નિરાભીમાન, રિદ્ધિ અને સિદ્ધિ બન્નેને પામવાની ક્ષમતા કેળવવી પડે.

નંદીની માફક જ આપણુ શરીર પણ આત્માભિમુખ અને જીવમાંથી શિવ તરફ પ્રગતિ કરવાની... આત્મામાં સ્થિત એવા શિવત્વને પ્રગટ કરવાની સાધના તરફ આપણે આગળ વધીએ.

નંદીની જેમ જ શિવભાવથી ઓતપ્રોત થવા માટે તપ અને બ્રહ્મચર્યની સ્થાપના કરીએ.

સ્થિર અને દ્રઢ રહીએ તેમજ હંમેશા શિવ સન્મુખ અને શિવાભીમુખ રહીએ.

મન અને ઈન્દ્રીઓને કાબુમાં રાખી વિચારોને શિવ એટલે કલ્યાણ માટે કેન્દ્રીત કરી, સમગ્ર ચેતા તંત્રને ઉર્જીત કરવાની પ્રક્રિયા જીવને શિવ તરફ લઈ જાય છે.

વિચાર અને વાણીમાં એકરૂપતા રાખો, વાણીને વર્તન એક સરખા રાખો. વિચાર, વાણી અને વર્તન સદા સંવાદી હોવા જોઈએ.

પ્રાણી, પક્ષી અને હલનચલન કરનાર જીવ માત્ર પ્રત્યે પ્રેમને કરૂણા દર્શાવો એમના પ્રત્યે ભલા રહો, વિના કારણ સુંદર પુષ્પ અને છોડનો નાશ ન કરો. જુઓ પછી તમારૂ જીવન કેવુ સમૃદ્ધ અને ઉપયોગી બને છે.

આપો..આપો... આપો... પુષ્કળ પામવાનું આ જ રહસ્ય છે. રાજી થઈને દાન આપો.. તમારી પાસે જે છે. એમાથી અન્યને આપો તમારા હૃદયને આ પવિત્ર કરશે અને તમને પરમાત્મા તરફ દોરી જશે. તમે અમર નામને પ્રાપ્ત કરશો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:22 am IST)