Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સરકારી મહેમાન

‘આયો કહાં સે ઘનશ્યામ’: MLA બન્યાં પહેલાં CM બની ગયા, બહુમત છતાં ચીમન પટેલ નડી ગયા

નાસ્તા પર પ્રતિબંધ મૂકી દેતાં “ચપટી ચેવડા”ના કારણે ઘનશ્યામ ઓઝાની મુશ્કેલીઓ વધી : ચીન યુદ્ધ દરમ્યાન પુત્રને લશ્કરમાં મોકલીને સંસદમાં કહ્યું દેશની સેનાને યુવાનોની જરૂર છે : રેકડીવાળાને એક પોલીસ ડંડા ફટકારતો જોઇ કહ્યું ‘મારા રાજ્યમાં ગરીબોની આવી કનડગત?

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ એવી ઘટના બની હતી કે લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ઉદ્યોગ રાજ્યમંત્રી ગુજરાતમાં મુખ્યમંત્રી પહેલાં બની ગયા અને પછી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ગુજરાતના આ રાજનેતા તે સમયે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની અત્યંત નિકટ હતા. આ રાજનેતા એટલે ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા... સંજોગોએ તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તે સમય એટલે કે 1972માં ગુજરાત વિધાનસભાનું સંખ્યા બળ 182 નહીં પરંતુ 168 હતું. આ સંખ્યાબળમાં કોંગ્રેસના 140 સભ્યો, સંસ્થા કોંગ્રેસના 16, જનસંઘના 3, સામ્યવાદી પક્ષના 1 અને 8 અપક્ષો હતા. ઇન્દિરાની પસંદ ઘનશ્યામ ઓઝાના મંત્રીમંડળમાં નવ મંત્રીઓ અને નવ નાયબ મંત્રીઓ હતા. મંત્રીમંડળની સોગંદવિધિ 17મી માર્ચ-1972ના રોજ કરવામાં આવી હતી. ઘનશ્યામ ઓઝાના મંત્રીમંડળના સંસદીય બાબતોના મંત્રી ચીમનભાઇ પટેલે પક્ષમાં પોતાની બહુમતિ છે તેવી ઝૂંબેશ ઉપાડતાં અને તે અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં દિલ્હીથી પરત આવતાં અમદાવાદ હવાઇ મથક પર જ ઘનશ્યામ ઓઝાએ પોતાની સરકારના રાજીનામાની જાહેરાત કરી હતી.

CMના ઉમેદવાર આયાત થતાં છાપાંમાં સૂત્ર લખાયાં...

1972ની ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષને રતુભાઇ અદાણીના નેતૃત્વ હેઠળ મોટી બહુમતી મળી હતી, પરંતુ મુખ્યમંત્રીના પદ માટે એકમતિ ન સધાતા કોંગ્રેસ પક્ષે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મુખ્યમંત્રીપદના ઉમેદવારનું નામ સૂચવવા જણાવતા તેઓએ પસંદગીનો કળશ ઘનશ્યામ ઓઝા પર ઢોળ્યો હતો. તેઓ ત્યારે કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતાં હતા. એ વખતે વિધાનસભાના સભ્ય પણ તેઓ ન હતા. આથી વર્તમાનપત્રોમાં બહારની વ્યક્તિને લાવવા માટે ‘આયો કહાં સે ઘનશ્યામ !’ તેવા મથાળા બંધાયા હતા. ઘનશ્યામ ઓઝા વિધાનસભાના સભ્ય નહીં હોવાથી દહેગામના ધારાસભ્ય ડો.મનહરલાલ શાહે રાજીનામું આપી તેમના માટે બેઠક ખાલી કરી આપી હતી.

રસ્તા પરનું દ્રશ્ય જોઇ પોલીસ પર પગલાં લીધાં...

ઘનશ્યામ ઓઝા એક ખૂબ જ સાલસ અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ સૌરાષ્ટ્ર સરકારમાં પણ મંત્રીપદે રહી ચૂક્યા હતા. મુંબઇ રાજ્યની રચના થતાં મંત્રી મટી જતાં તેઓ રાજકોટ રેસકોર્સમાં પગે ચાલીને ફરવા જતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ ગાંધીનગર થી અમદાવાદ જતા હતા ત્યારે તેમણે આશ્રમરોડ ઉપર એક દ્રશ્ય એવું જોયું કે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું... એક પોલીસવાળો રેકડીવાળાને ડંડા ફટકારતો હતો. આ જોઇને તેઓ તુરત જ બોલી ઉઠ્યા હતા કે ‘મારા રાજ્યમાં ગરીબ માણસોને આવી રીતે કારણ વગર કનડગત થાય છે.’ તેમણે ગાંધીનગર આવીને તે પોલીસ કર્મચારી ઉપર પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્યમાં મફત માધ્યમિક શિક્ષણના પ્રણેતા રહ્યાં...

ઘનશ્યામ ઓઝાના મંત્રીમંડળમાં મંત્રી પદે ફરજ બજાવતાં ચીમનભાઇ પટેલ શરૂઆતથી મુખ્યમંત્રીપદ માટે પોતાનો દાવો કરી રહ્યાં હતા. ઘનશ્યામ ઓઝાના નેતૃત્વ સામે આંગળી ચિંધી તેઓ આ અંગે અવારનવાર પક્ષની કેન્દ્રીય નેતાગીરી ઉપર દબાણ લાવતા હતા. અંતે પક્ષની નેતાગીરીએ ગાંધીનગર ખાતે દૂત મોકલી ધારાસભ્યોના વિચારો જાણવા પ્રયત્ન કર્યો હતો. ઘનશ્યામ ઓઝાની સરકાર વખતે સમગ્ર રાજ્યમાં મફત માઘ્યમિક શિક્ષણ, શહેરી ટોચ મર્યાદા ધારા તથા પર્યાવરણ અંગે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી કેન્દ્રીય કાયદો ઘડવાની સત્તા આપતો વિધાનસભાનો ગૃહનો ઠરાવ જેવા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ચોથી વિધાનસભાના અગત્યના બનાવો પૈકી ઘનશ્યામ ઓઝાની સરકારે ગેસ્ટ કંટ્રોલ ઓર્ડર બહાર પાડી 25થી વઘુ વ્યક્તિઓના જમણવાર પર પ્રતિબંધ મુક્યો હતો. તેમના વતન સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયતમાં, પંચાયતની બેઠકમાં 25 થી વધુ વ્યક્તિઓને નાસ્તામાં પ્રતિબંધિત વસ્તુઓ આપવા માટે કલેક્ટરે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર કેસ કર્યો હતો. બીજે દિવસે વર્તમાનપત્રોમાં મથાળા આવેલાં કે ‘ચપટી ચેવડાના કારણે ઓઝા સરકાર મુશ્કેલીમાં મૂકાઇ છે.’

સરદારના કહેવાથી આઝાદી આંદોલનમાં જોડાયા...

ઘનશ્યામ ઓઝાના પિતા છોટાલાલ ભાવનગરમાં વકીલાત કરતાં હતા. ઘનશ્યામ ઓઝાએ પણ વકીલાતનો અભ્યાસ કર્યો હતો તેથી તેમની સાથે જોડાઇ ગયા હતા. 1941માં સરદાર વલ્લભભાઇ પટેલ ભાવનગરમાં આવ્યા હતા. છોટાલાલ સાથે તેમના નિકટના સબંધ હોવાથી તેઓ આ પરિવારને મળવા તેમના ઘરે ગયા હતા. સરદાર પટેલે ઘનશ્યામ ઓઝાને કહ્યું કે તમારા જેવા ભણેલા-ગણેલા યુવાનોએ દેશની સ્વતંત્રતાના આંદોલનમાં સહયોગ આપવો જોઇએ... ત્યારબાદ તેમણે છોટાલાલને જોઇને કહ્યું કે—છોટાભાઇ, આ છોકરો તમે મને આપી દ્યો... છોટાલાલે આ પ્રસ્તાવનો સ્વિકાર કર્યો અને પછી ઘનશ્યામની રાજનૈતિક સફર શરૂ થઇ હતી. આઝાદી પછી ઘનશ્યામ ઓઝા 1957 થી 1967 સુધી સતત સંસદસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 1971માં લોકસભાની ચૂંટણીમાં તેમણે રાજનીતિની કેરિયરમાં લાંબી છલાંગ લગાવી હતી. તેમણે મશહૂર સમાજવાદી નેતા અને સ્વતંત્ર પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડેલા મનુ મસાણીને રાજકોટમાંથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ઓઝાને 1.42 લાખ મત જ્યારે મનુ મસાણીને 75002 મત મળ્યા હતા. આ વિજયથી ઓઝા કોંગ્રેસના હાઇકમાન્ડ અને ઇન્દિરા ગાંધીના પ્રિય બની ગયા હતા. તેમને તેમની સરકારમાં ઉદ્યોગ રાજ્યમંત્રી બનાવ્યા હતા.

સંસદમાં લશ્કર અંગે બોલ્યા પણ ટીકા થતાં ચૂપ રહ્યાં...

ઘનશ્યામ ઓછા આઝાદીના આંદોલનમાંથી પ્રગટ થયેલા નેતા હતા અને મહાત્મા ગાંધીના કટ્ટર અનુયાયી હતા. 1942માં ભારત છોડો આંદોલન દરમ્યાન તેમનો ઝૂકાવ કોંગ્રેસ તરફ રહ્યો. તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. આઝાદી પછી ઓઝા 1948 થી 1957 સુધી સૌરાષ્ટ્ર લેજિસ્લેટીવ એસેમ્બલીના સભ્ય રહ્યાં હતા. 1957માં તેઓ બોમ્બે પ્રેસિડેન્સીની ઝાલાવાડ બેઠક પરથી ચૂંટાઇને કોંગ્રેસની ટિકીટ પર પાર્લામેટમાં પહોંચ્યા હતા. 1962માં તેઓ સુરેન્દ્રનગરની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેમના પુત્ર શરદ ઓઝાએ કહેલું કે --- 1962ના ચીન યુદ્ધ દરમ્યાન સંસદનું સત્ર ચાલી રહ્યું હતું. મારા પિતા તેમની બેઠક પર ઉભા હતા. તેમણે તેમના ભાષણ દરમ્યાન કહ્યું હતું કે વધુમાં વધુ યુવાનોએ દેશની સેનામાં સામેલ થવું જોઇએ. આ ભાષણ અંગે એક સભ્યએ જ્યારે એવો વ્યંગ કર્યો કે ધનશ્યામભાઇ પહેલાં તમારા ઘરથી જ શરૂઆત કરો ત્યારે ઘનશ્યામ ઓઝાનો પક્ષ લેતાં રામ મનોહર લોહિયાએ કહ્યું કે—તેમનો પુત્ર ડોક્ટર છે અને તેઓ પહેલેથી જ તેને સેનામાં મોકલી દીધો છે અને તે મારો મોટોભાઇ રોહિત હતો.

ચીમનભાઇ પટેલના પંચવટી પ્રકરણમાં ભોગ લેવાયો...

ઘનશ્યામ ઓઝાના મંત્રીમંડળમાં રતુભાઇ અદાણી બીજા ક્રમે હતા. સૌરાષ્ટ્રના મંત્રીમંડળ, દ્વિભાષી મુંબઇ રાજ્યના મંત્રીમંડળ તેમજ ગુજરાતના પ્રથમ મંત્રીમંડળમાં પણ તેઓ મંત્રી તરીકે રહી ચૂક્યાં હતા. ઘનશ્યામ ઓઝા સરકારમાં તેઓ સંસદીય કામગીરી સંભાળતા હતા. અદાણી રચનાત્મક ક્ષેત્રના અગ્રણી હતા. તેઓ નિષ્ઠાવાન અને મુલ્યવાન રાજનીતિજ્ઞ હતા. ઓછો અભ્યાસ હોવા છતાં વહીવટીતંત્ર પર તેમની ખૂબ જ સારી પકડ હતી. બીજા કુશળ મંત્રી સનત મહેતા હતા. તેઓ અભ્યાસુ અને મહેનતુ વ્યક્તિ હતા. પરંતુ એ વખતે રાજ્યના મંત્રીમંડળને ગુજરાત કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી અંગેના ઝઘડામાં નજર લાગી ગઇ હતી. સંસદીય બાબતોના મંત્રી ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી બનવા ખૂબ જ અધીરા બની ગયા હતા. તેઓએ કોંગ્રેસપક્ષમાં પોતાની બહુમતી છે તેમ જણાવી હાઇકમાન્ડ સમક્ષ મુખ્યમંત્રી પદનો દાવો રજૂ કરી દીધો હતો. ગાંધીનગર પાસેના પંચવટી ફાર્મને ચીમનભાઇએ અડ્ડો બનાવી દીધું હતું અને ઘનશ્યામ ઓઝાની સરકારને ઉથલાવવાના પેંતરા કરતા હતા. તેમણે ધારાસભ્યો તેમજ ઉદ્યોગપતિઓને આ ફાર્મહાઉસ પર રાખ્યા હતા. પ્રચંડ બહુમતિ ધરાવતી ઘનશ્યામ ઓછાની સરકાર 16 મહિનામાં અલ્પમત થઇ ચૂકી હતી.

ખટપટ વધી જતાં એરપોર્ટ પર રાજીનામું આપી દીધું...

રાજકીય કાવાદાવાથી તંગ આવી જઇ દિલ્હીથી અમદાવાદ પરત આવતા ઘનશ્યામ ઓઝાએ તેમના સિનિયર સાથીઓને પણ પુછ્‌યા વગર અમદાવાદ વિમાન મથકે જ સપ્ટેમ્બરમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. અને 17મી જુલાઇ, 1973ના રોજ ચીમનભાઇ પટેલની મુખ્યમંત્રી પદે વરણી કરવામાં આવી હતી. તેમના મંત્રીમંડળમાં 11 મંત્રીઓ, 3 રાજ્યના મંત્રીઓ અને 5 નાયબ મંત્રીઓ મળી કુલ 19 મંત્રીઓ હતા. ધારાસભ્ય કાંતિલાલ ઘીયા રાજ્યમાં પ્રથમ વખત નાયબમંત્રી બન્યા હતા. 25મી જૂન 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લગાવી દીધી હતી. આ સમયે ઘનશ્યામ ઓઝાએ ઇન્દિરા ગાંધી સામે મોરચો ખોલ્યો હતો. તેઓ ઇમરજન્સીનો વિરોધ કરતા રહ્યાં હતા. તેમણે તેના વિરોધમાં કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દેતાં તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. ઇમરજન્સી દૂર થયા પછી તેઓ મોરારજી દેસાઇના નેતૃત્વવાળી જનતા પાર્ટીના સભ્ય બની ચૂક્યાં હતા. 1978માં તેમને રાજ્યસભામાં મોકલી દેવામાં આવ્યા હતા. 1984માં રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થયા પછી તેમણે રાજનીતિને અલવીદા કરી દીધી હતી.

ગુજરાતની 487 દિવસ સુધી સેવા કરી હતી...

ઘનશ્યામ ઓઝાએ ગુજરાતની 487 દિવસની સેવા કરી હતી. ચીમનભાઇની સત્તા ભૂખ ન હોત તો ગુજરાત કેળવણીમાં એક વેંત ઉંચું બન્યું હોત પરંતુ ચીમનભાઇ પટેલે એ સમયમાં કોંગ્રેસમાં બળવાના મજબૂત બીજ રોપ્યાં હતા જેનો ભોગ ઘનશ્યામ ઓઝાની સરકાર બની હતી. તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા. આ મૂઠી ઉંચેરા માનવીની રવિવારે પુણ્યતિથિ હતી. 25મી ઓક્ટોબર 1911માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં જન્મેલા ઘનશ્યામ ઓઝાનું 12મી જુલાઇ 2002માં અવસાન થયું હતું. તેમની ઉંમર 90 વર્ષની હતી. આજે આ મહાન સપૂતને કોંગ્રેસ પણ યાદ કરતી નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(2:38 pm IST)