Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

સરકારી મહેમાન

રાજનીતિની ‘કઠણાઇ’: ભાજપને આખા દેશમાં શાસન જોઇએ છે, કોંગ્રેસમાં ‘તારણહાર’ નથી

આખા દેશમાં સત્તા મેળવવા માટે ભાજપની નેતાગીરીએ સિદ્ધાંતોની બલી ચઢાવી: ગુજરાત કોંગ્રેસમાં કાર્યકરોની અછત: જેટલા કાર્યકરો તેટલા નેતા બની ગયા છે : રૂપિયા લઇને ચૂંટણીમાં વિરોધી ઉમેદવારને જીતાડવાની વૃત્તિએ કોંગ્રેસને ડૂબાડી

ભારતમાં હવે કોઇપણ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નહીં હોય અથવા તો હારી જાય તો પણ ચાલશે, કેમ કે ભાજપ ઓછા સભ્યોથી પણ સરકાર કે સત્તામાં આવી શકે છે. દેશમાં એવા ઘણાં રાજ્યો છે કે જ્યાં બહુમતિ નથી છતાં સરકાર બનાવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જ્યાં શાસન નથી ત્યાં કોંગ્રેસના સભ્યોને તોડીને ભાજપમાં લઇ જવા, વિધાનસભામાં રાજીનામાં અપાવીને ધારાસભ્યોને ભાજપમાં લઇ જવા અને ગણત્રીના કલાકોમાં કેબિનેટ મંત્રી બનાવી દેવા જેવી ઘટનાઓ બની છે. જનતાનો મેન્ડેટ ન હોવા છતાં કર્ણાટકમાં ભાજપે સત્તા મેળવવા માટે નાટક શરૂ કર્યું છે. ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પા ખુરશી વિના બેચેન છે તેથી તેમણે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડ્યા છે. ગોવામાં કોંગ્રેસના 15 માંથી 10 સભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવીને ગોવાની સરકારમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. દેશમાં જે રાજ્યમાં સત્તા ન હોય ત્યાં સત્તા છિનવી લેવાના પ્રયાસો ભાજપ માટે પગ પર મારેલો કુહાડો” જેવા બનવાની દહેશત પાર્ટીના સિનિયર કાર્યકરોએ વ્યક્ત કરી છે. પાર્ટીના સિનિયર કાર્યકર કે જેણે પાર્ટીને ઉભી થતી જોઇ છે તેમણે કહ્યું કે- અમારા નેતાઓને શું સાબિત કરવું છે તે ખબર પડતી નથી. લોકશાહીમાં મજબૂત વિરોધપક્ષ નહીં હોય તો શાસક પક્ષ સરમુખત્યારની જેમ વર્તે છે તેવા દાખલા વિશ્વના અનેક દેશોમાં મોજૂદ છે. અમારી પાર્ટીને આખા દેશમાં કેસરિયો જોઇએ છે પણ કેસરિયો દેશ કરવા જતાં પાયાના કાર્યકરોની સમાધી બની રહી છે તે કોઇ રાષ્ટ્રીય નેતાઓને દેખાતું નથી.

ભાજપમાં સિદ્ધાંતો અને કેડરની બલી ચઢી છે...

જનસંઘમાંથી ભાજપની સ્થાપના થઇ હતી ત્યારે પાર્ટીના સિદ્ધાંતો અને કેડરબેજ પાર્ટીની છાપ હતી પરંતુ આ છાપ દિવસે દિવસે ભૂંસાતી જાય છે. કોઇપણ વ્યક્તિ ભાજપમાં આવી શકે છે પરંતુ શરત એટલી કે તે વ્યક્તિ સત્તા મેળવી આપવો જોઇએ. ભાજપને જ્યારથી કોંગ્રેસના સભ્યો અને નેતાઓ માટે પાર્ટીના દરવાજા ખોલી નાંખ્યા છે ત્યારથી પાર્ટીની કેડરબેજ ઇમેજની બલી ચઢી ગઇ છે. સંઘ પરિવારની ભગિની સંસ્થાઓ અને ભાજપ તેના કાર્યકરોને ટકોરા મારીને પસંદ કરતી હતી. વ્યક્તિનું ગોત્ર કયું છે, પાર્ટીની વિચારધારા સાથે સુસંગત છે કે કેમ, તેનામાં પાર્ટી માટેની ઉંચી ભાવના છે કે કેમ તેમજ જોડાનારા વ્યક્તિના સિદ્ધાંતો કેવા છે તેવા કોઇ ગુણ હવે ભાજપમાં જોવામાં આવતા નથી. ગુજરાતમાં ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે તેવું હવે આખા દેશમાં થઇ રહ્યું છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓને ભરપેટ ગાળો આપતા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ ભાજપને સારા લાગે છે. આ નેતાઓ ભાજપમાં ગયા પછી દૂધે ધોયેલા થઇ જાય છે. કોંગ્રેસમાં બીજી પાર્ટીના નેતાઓ ભળે તે સમજી શકાય તેમ છે, કારણ કે વર્ષો જૂની પાર્ટીમાં ભૂતકાળમાં એવું બન્યું છે. બહારના નેતાઓને લઇને કોંગ્રેસ મજબૂત થઇ છે અને કોંગ્રેસ ખરાબ રીતે તૂટી પણ છે. કોંગ્રેસનો ભૂતકાળ જોઇએ તો મમતા બેનરજી, જગન મોહન રેડ્ડી અને શરદ પવાર જેવા રાષ્ટ્રીય ગજાના નેતાઓએ કોંગ્રેસને છોડીને નવી પાર્ટી બનાવી છે. કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઇ જનારા નેતાઓએ કોંગ્રેસનો ભૂતકાળ જોવો જોઇએ.

દેશમાં કોંગ્રેસનો તારણહાર ગાંધી પરિવાર છે...

ભારતમાં કોંગ્રેસનો તારણહાર ગાંધી પરિવાર જ છે. ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસને ડૂબતી બચાવવાનું કામ ગાંધી પરિવારે કર્યું છે. દેશ ઉપર રાજ કરનારા જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એક એવું વ્યક્તિત્વ હતા કે તેમના પ્રયાસોથી કોંગ્રેસ ઉજળી હતી. કોંગ્રેસની સ્થાપના 28મી ડિસેમ્બર 1985માં થઇ હતી. ભારતમાં કુલ સાત કોંગ્રેસી વડાપ્રધાન આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઇતિહાસ બે અલગ યુગમાં વિભાજીત થાય છે. આઝાદી પહેલાનો યુગ કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ ભારતમાં આઝાદીની ચળવળમાં સૌથી મોખરે તેમજ લોકોની જાગૃતિ માટેનું સાધન હતી. બીજો આઝાદી પછીનો યુગ— એટલે કે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ભારતના રાજકારણમાં અગ્રણી સ્થાન ભોગવ્યું હતું. 1947ની આઝાદી પછીના 60 વર્ષમાંથી અવિરત 48 વર્ષ સુધી કોંગ્રેસે શાસન ભોગવ્યું છે. 1985માં કોંગ્રેસના પહેલા પ્રેસિડેન્ટ વ્યોમેશ ચંદ્ર બેનરજી હતા. 1947 સુધી કોંગ્રેસ પાર્ટીમાં 58 પ્રેસિડેન્ટ આવી ચૂક્યાં હતા. પ્રથમ 1929-30માં અને ત્યારબાદ 1936-37 અને 1951-52માં કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે જવાહરલાલ નહેરૂ નિયુક્ત થયા હતા. આ એવી પાર્ટી છે કે જેના પ્રેસિડેન્ટ તરીકેનું ગૌરવવંતુ સ્થાન મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ભોગવ્યું છે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ કોંગ્રેસના પ્રેસિડેન્ટ રહી ચૂક્યાં છે. 1998 થી 2017 જેટલા લાંબા સમય સુધી સોનિયા ગાંધી કોંગ્રેસના પ્રેસિડેન્ટ રહ્યાં છે. અત્યારે કોંગ્રેસના વર્તમાન પ્રેસિડેન્ટ (લોકસભામાં હારના કારણે રાજીનામું આપી ચૂક્યાં છે) રાહુલ ગાંધી 2017માં પ્રેસિડેન્ટ બન્યા હતા. હવે પાર્ટી તેમના અનુગામીની તલાશ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતાઓને ગાંધી પરિવાર સિવાય બીજા કોઇ પ્રેસિડેન્ટ જોઇતા નથી, કારણ કે આ પરિવાર જેવી લોકપ્રિયતા બીજા કોઇ રાષ્ટ્રીય નેતા ધરાવતા નથી.

ગુજરાત કોંગ્રેસમાં કાર્યકરોની અછત છે...

ગુજરાત કોંગ્રેસમાં કાર્યકરોની અછત પ્રવર્તી રહી છે, કેમ કે ગુજરાતમાં મોટાભાગના પરિવારો અને સમાજમાં ભાજપે પગપેસારો કર્યો છે. પિતા કોંગ્રેસમાં હોય તો પુત્ર ભાજપમાં હોય છે. કાકા ભાજપમાં છે તો ભત્રીજો કોંગ્રેસમાં છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તો 2001 થી 2014 સુધીના 13 વર્ષના શાસનમાં કોંગ્રેસને ગુજરાતમાં ખતમ કરી નાંખી છે. વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં કોંગ્રેસની રહી સહી વોટબેન્ક પણ તોડી નાંખી છે. પટેલોને બાદ કરતાં ઠાકોર સમાજ, દલિત સમાજ, આદિવાસીઓ, મુસ્લીમો અને પછાત વર્ગના સમાજોમાં મોદીએ ગાબડાં પાડીને તેઓને ભાજપના કેસરી ખેસ પહેરાવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં માધવસિંહ સોલંકીની ખામ થિયરી— ને મોદીએ ખેદાન મેદાન કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી ભાજપે લોકોને ભાજપ સાથે જોડવાના આપેલા કોલનો ગુજરાતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. યુવાનો અને મહિલાઓ ભાજપ જોઇન્ટ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ તૂટતી જાય છે. કોંગ્રેસ પાસે હાલ જેટલા કાર્યકરો છે તેટલા નેતાઓ છે. વિરોધનો ઝંડો લઇને કોઇને તડકામાં ફરવું નથી. એસી ચેમ્બરમાં બેસીને આદેશ કરવા ટેવાયેલા કોંગ્રેસના સિનિયર મોસ્ટ નેતાઓ પાર્ટીને બેઠી કરવાના કામથી દૂર ભાગી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે કાર્યકરોની મોટી અછત છે, કેમ કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સંસદસભ્યો અને નેતાઓને પાર્ટી છોડાવી છે તેથી તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં કાર્યકરોની કેડરમાં શૂન્યાવકાશ સર્જાયો છે છતાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓની આંખ ખૂલતી નથી. જો આવું જ ચાલ્યું તો 2022માં પણ કોંગ્રેસની હાર નિશ્ચિત છે.

કોઇ બેઠક બિનહરીફ ન થાય તો કોંગ્રેસનો વિજય...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોઇ બેઠક બિનહરીફ ભાજપ જીતે નહીં તો કોંગ્રેસનો ભવિષ્યમાં વિજય થાય તે નક્કી છે, કેમ કે ગુજરાતમાં 1995 પછી આવેલી તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસને પૂરતા ઉમેદવારો મળતા નથી તેથી ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલાં જ જે તે બેઠક પર બિનહરીફ વિજેતા થઇ જાય છે. સ્થાનિક ચૂંટણી તો દૂરની વાત છે પરંતુ લોકસભા અને વિધાનસભામાં શહેરી વિસ્તારની બેઠકોમાં પણ કોંગ્રેસને મજબૂત ઉમેદવારો મળતા નહીં હોવાથી કોઇપણ વ્યક્તિને ચૂંટણી લડાવે છે. કોંગ્રેસ માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જામનગર એવા વિસ્તારો છે કે જ્યાં લોકસભા અને વિધાનસભા માટે જીતી શકે તેવા ઉમેદવારો નથી. જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી 21મી જુલાઇએ આવી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીમાં ભડકો થયો છે. ટિકીટ વહેંચવામાં ગોટાળા થયા હોવાથી કોંગ્રેસના જૂનાગઢ શહેરના પ્રમુખ અમિપરીયાએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે પાર્ટીના કાર્યકરો મેદાનમાં આવી ચૂક્યાં છે. ચોંકાવનારી બાબત તો એવી છે કે કોંગ્રેસના સાત ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેમના નોમિનેશન પાછા ખેંચી લીધા છે. હવે આવી સ્થિતિ હોય ત્યાં ગુજરાતમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બનશે તે પ્રશ્ન છે.

ગુજરાતમાં કોંગ્રેસની કમજોરીના 20 કારણો...

ગુજરાતમાં કોંગ્રેસ નબળી અને કમજોર કેમ થતી ગઇ છે તેના 20 કારણો મુખ્ય છે. આ કારણો પર પાર્ટી હાઇકમાન્ડ ગંભીરતાથી વિચારે તો ગુજરાતમાં કોંગ્રેસ માટે ફરીથી સુવર્ણકાળ આવી શકે છે.

  1. પાર્ટીના સત્તાવાર ઉમેદવારોને હરાવી વિરોધીને વિજયી બનાવવાની પ્રવૃત્તિ
  2. કોઇપણ ચૂંટણીના મતદાન સમયે કાર્યકરોની ઉપસ્થિતિનો અભાવ
  3. જેટલા કાર્યકરો તેટલા નેતા બની ગયા છે, કોઇને કાર્યકર રહેવું નથી
  4. ચૂંટણી જીતવાના માઇક્રો પ્લાનિંગ અને સ્ટેટેજીનો સદંતર છેડ ઉડી રહ્યો છે
  5. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અત્યંત કંગાળ, ટિકીટ વિતરણમાં ગોલમાલ
  6. એક બીજાને પાડી દેવાની વૃત્તિ, હાઇકમાન્ડને સાચુ કહેવાની હિંમત નથી
  7. નરેન્દ્ર મોદી જેવી પ્રતિભા કે મુખ્યમંત્રી પદના દાવેદાર ઉભા થયા નથી
  8. સોશ્યલ મિડીયામાં ભાજપની ગતિ સામે અત્યંત કંગાળ દેખાવ રહ્યો છે
  9. મહિલા અને યુવા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહન મળતું નથી
  10. તમામ ચૂંટણીમાં મોદીને ગાળો આપીને કોંગ્રેસ સત્તા વિમુખ બની રહી છે
  11. કોંગ્રેસ જનતા માટે કઇ યોજનાઓ લાવવા માગે છે તેનો કોઇ પ્રચાર નહીં
  12. સ્થાનિક લેવલે મજબૂત નેતાઓ ગયા પછી નવી કેડર ઉભી થતી નથી
  13. વિવિધ વર્ગોમાં જનાધાર ગુમાવ્યો છે તે પાછો મેળવવાના પ્રયાસ થતાં નથી
  14. પાર્ટીમાં કોંગ્રેસ જોડો, નહીં પણ કોંગ્રેસ તોડો અભિયાન ચાલી રહ્યું છે
  15. પક્ષપલ્ટો કે બળવાખોરી કરે તેવા ઉમેદવારને ટીકીટ આપવાનું પરિણામ
  16. ભાજપમાંથી હાંકી કઢાયેલા નેતાઓને પ્રોત્સાહન આપીને હાર સ્વિકારાય છે
  17. પાર્ટીના જિલ્લા અને તાલુકા સ્તરના નબળાં સંગઠનો મજબૂત થતાં નથી
  18. પ્રદેશ યુનિટ અને હાઇકમાન્ડના યુનિટ વચ્ચે તાલમેલનો અભાવ રહ્યો છે
  19. ગુજરાતમાં સૌથી મોટો સમાજ ઓબીસી છે, તેની સતત અવગણના થાય છે
  20. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાર્ટીના હોદ્દેદારો વચ્ચે કોઇ તાલમેલ નથી

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:48 am IST)