Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

શ્રાવણ શ્રધ્ધા બિંદુ

શિવકૃપાથી સંસારમાં સુખમય જીવન

નારી હઠ સામે શિવજીને નમવાનું જ રહ્યું...!

શિવજીની જ્યોતિરૂપ વાણી સરસ્વતી સર્વદેવોમાં પ્રિય થયા ભગવાન વિષ્ણુને સરસ્વતી પ્રત્યે અનુરાગ થયો. આમ છતા લક્ષ્મીજી પ્રત્યે વૈકુંઠનાથને વિતરાગ થયો.

 

પતિના અનાદરથી દેવી લક્ષ્મીજી દુઃખી થયાં રિસાઈને શૈલ પર્વત પર ચાલ્યા ગયા. અહીં શિવલીંગ સમીપે બેસીને તેમણે કઠોર તપ આદર્યુ.

લક્ષ્મીજીના કઠોર તપનું ફળ આપવા આશુતોષ આવ્યા નહીં મહાદેવીની કસોટી કરવા માટે શિવજી કઠોર થયા હતા. મહાલક્ષ્મીજી સ્ત્રીહઠ હતા. દેવીએ વૃક્ષનું રૂપ ધારણ કર્યુ. વર્ષો સુધી ટાઢ, તડકો ને વર્ષા સહન કરીને ધૈર્ય ધરીને શિવજીને આરાધના કરતા જ રહ્યાં.

નારીહઠ સામે શિવજીને નમવાનું જ રહ્યું. પ્રસન્ન થઈને દેવીને વિષ્ણુ પ્રેમની પુનઃ પ્રાપ્તિનું વરદાન આપ્યું.

લક્ષ્મીજી વૃક્ષ સ્વરૂપે રહ્યા હતા તેથી વૃક્ષનું નામ આપ્યું 'બિલ્વ વૃક્ષ' અને એટલે તો બિલ્વ વૃક્ષને તિર્થ સમાન તથા સર્વદેવોએ કહ્યું છે.

ત્રિગુણ સંપન્ન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરની પ્રિતિ મેળવનારૂ બિલ્વ વૃક્ષ હોવાથી દેવલોકો આ વૃક્ષને સુરલોકમાં લઈ ગયા. આમ કૈલાસ વૈંકુઠ શ્વેતદ્વિપ, સુરલોક, મંદરાહી પર્વત ઉપર તથા સમગ્ર પૂણ્ય ક્ષેત્રોમાં શ્રી બિલ્વ વૃક્ષની પૂજા થવા લાગી.

બિલ્વતરૂ જ્ઞાનપ્રદ, દારિદ્ર હરનાર તથા લક્ષ્મીજીને પ્રિય હોવાથી જે તેની પૂજા કરે છે અથવા શ્રી યંત્ર કે શિવલીંગની પૂજા ત્રિદલ એવા બિલ્વ વૃક્ષના પાનથી ભકિતપૂર્વક કરે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે વસ્તુઓ તેને આધીન થાય છે.

ભગવાન વિષ્ણુએ શિવજીના શિરે બિલ્વ વૃક્ષ અર્પણ કરેલા. તેથી ભગવાન શિવજીએ પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ ભગવાનને સર્વશ્રેષ્ઠતા અને અનેક સિદ્ધિ આપી હતી. વિષ્ણુ ભગવાન દ્વારા પૂજન થતા બિલ્વ વૃક્ષ શ્રી વૃક્ષ કહેવાયું.

એક કરેણના ફુલની પૂજા-શિવપૂજા એકસો આઠ ગાયના દાન સમાન છે. લાલ કરેણનું ફુલ ચડાવવાથી એથી બમણુ પૂણ્ય પ્રાપ્ત થાય છે.

રત્નો, હીરા પૂજા કરવાથી જે ફળ મળે છે તેવું ફળ દ્રોણ પુષ્પ ચડાવવાથી મળે છે. સુવર્ણ લીંગ પર સુવર્ણનું ફુલ ચડાવીને જે ફળ મળે છે તે ચંપાનુ ફુલ ચડાવવાથી મળે છે. આ બધા પુણ્યો જ બિલ્વ પત્રનું પૂણ્ય વિશેષ છે.

બિલ્વ વૃક્ષના ૧૯ નામ છે. માલુટ, શ્રીફળ, શાંડિલ્ય, શૈલેષ, શિવ, પૂણ્ય, શિવપ્રિય, દેવાપક્ષ, તર્થપ્રદ, પાપદ, કોમચ્છદ, જપ, વિજય, વિષ્ણુ ત્રિનયન, હર, ધુર્માક્ષ, શુકલ વર્ણ અને શ્રાદ્ધ દેવલ બિલ્વ વૃક્ષ સ્વયં દેવ હોવાથી એ કોઈ જીવ આ વૃક્ષ નીચે રહીને પ્રાણ ત્યાગ કરે તો તે મોક્ષ પામે છે તેને પછી તિર્થયાત્રા કરવાની જરૂર નથી. સાક્ષાત ભગવાન શિવજી કહે છે. બિલ્વ વૃક્ષ નીચે જ રહેશે તેને સંપૂર્ણ શાંતિ મળશે.

ભગવાન શિવને પ્રિય એવા બિલ્વ વૃક્ષના બિલ્વ પત્રથી આ પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ શ્રધ્ધાપૂર્વક જે પૂજા કરે છે તેને ઘણુ પૂણ્ય પ્રાપ્ત થાય છે અને શિવકૃપાથી સંસારમાં સુખમય જીવન વિતાવે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:00 am IST)