Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2018

માતૃભાષા ગૌરવ દિન નિમિતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો

રાજકોટ :. માતૃભાષા ગૌરવ દિન નિમિતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ' રાજકોટ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું હતું. ૧૯૦૧માં જ્યાંથી ઝવેરચંદ મેઘાણીએ શાળા-શિક્ષણનો પ્રારંભ કર્યો હતો તે સદર સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા તેમના માતા કુસુમબેન મેઘાણી, જાણીતા લેખિકા, નેશનલ બુક ટ્રસ્ટ - રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયના પૂર્વ-નિયામક અને અમૃતલાલ શેઠના દોહિત્રી ડો. વર્ષાબેન દાસ, નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, શાળાના આચાર્યા પૂર્વીબેન ગાંધી, શિક્ષકો રમેશભાઈ માંગરોલિયા, સવિતાબેન વઘાસિયા, સેજલબેન પરમાર, હિનાબેન શાહ અને જીજ્ઞેશભાઈ ખૂંટ, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા, ભરતભાઈ કોટક (સાહિત્યધારા)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આકર્ષક રંગીન ચિત્રો સાથે રસપ્રદ શૈલીમાં પ્રેરણાદાયી વાર્તા ડો. વર્ષાબેન દાસે રજૂ કરી જે વિદ્યાર્થીઓને ખૂબ પસંદ આવી હતી. મહાત્મા ગાંધી, કસ્તુરબા અને ઝવેરચંદ મેઘાણીના જીવનના પ્રેરક પ્રસંગો પણ રજુ થયા. મેઘાણી-ગીતોનું સમૂહગાન વિદ્યાર્થીઓ દ્વારા થયુ હતું. 'રઢિયાળી રાત'ના લોકગીતો પર વિદ્યાર્થીઓ મન મુકીને ગરબે પણ રમ્યા હતાં. ૨૦૧૪માં ગાંધી નિર્વાણ દિન નિમિતે ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ગાંધી બાપુને સ્વયંસ્કૂર્ત પત્રો લખ્યાં હતા. એમાથી ચૂંટેલા ૫૦ પત્રોની પિનાકી મેઘાણી દ્વારા સંકલિત પુસ્તિકા 'બાપુ, તમે કયાં છો ?'માં પ્રથમ પસંદગી પામેલા આ શાળાની પૂર્વ-વિદ્યાર્થીની પ્રિયા પરમારે ત્યારે લખેલ હૃદયસ્પર્શી પત્રનું પઠન થયું હતું. નવી પેઢીમાં 'દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે.

આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:24 am IST)