Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સરકારી મહેમાન

PNGમાં ભારત ટોચના 10 દેશોમાં ક્યાંય નથી: હજી 16,240 કિલોમીટર સુધીની સફર કરી છે!

નર્મદા ડેમમાં 55 ટકા પાણીનો જથ્થો, ઉનાળો આકરો છે: મધ્યપ્રદેશમાં ચૂંટણી છે: ACS પંકજકુમારની ટ્વિટર પક્કડથી 33 જિલ્લાના ઓફિસરો એક્ટિવ બની ચૂક્યાં છે: 23 રાજ્યોની ચૂંટણીમાં રાહુલ ગાંધીની કસોટી, PM મોદીની પણ અગ્નિપરીક્ષા થશે

ભારત અને ગુજરાતને એનર્જીનું હબ માનવામાં આવી રહ્યું છે પરંતુ વિશ્વના નકશામાં ભારત હજી પાઇપલાઇન ગેસના મામલે પછાત છે. વિશ્વના ટોચના દસ દેશોની હરોળમાં પણ આપણે હજી આવી શક્યા નથી. ગુજરાતમાં પાઇપલાઇન ગેસનું મોટું નેટવર્ક છે પરંતુ ભારતમાં હજી આપણે ઘણાં પાછળ છીએ. યુએસમાં 19.84 લાખ કિલોમીટર, રશિયામાં 1.63 લાખ કિલોમીટર, ચાઇનામાં 74300 કિલોમીટર, યુક્રેઇનમાં 36720 કિલોમીટર, ઓસ્ટ્રેલિયામાં 30054 કિલોમીટર, આર્જેન્ટીનામાં 29930 કિલોમીટર, યુકેમાં 28609 કિલોમીટર, જર્મનીમાં 26985 કિલોમીટર, ઇરાનમાં 20794 કિલોમીટર અને ઇટલીમાં 20223 કિલોમીટરની ગેસ પાઇપલાઇન છે જ્યારે ભારતમાં હજી આપણે 16240 કિલોમીટર સુધી પહોંચ્યા છીએ. આવનારા ત્રણ વર્ષમાં એવો દાવો કરવામાં આવે છે કે ભારતમાં બીજી 10258 કિલોમીટરની ગેસ પાઇપલાઇન બિછાવાશે, તો પણ આપણે 26498 કિલોમીટર એટલે કે જર્મની સુધી પહોંચી શકતા નથી.

નર્મદાના પાણીની તંગીનું મુખ્ય કારણ આ છે...

ગુજરાતમાં નર્મદાના પાણીની તંગીનું મુખ્ય કારણ પાડોશી મધ્યપ્રદેશ રાજ્ય છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નર્મદાનું પાણી તેમના રાજ્યના ખેડૂતો માટે રોકી રાખ્યું છે પરિણામે ગુજરાતમાં પાણીની તંગી સર્જાય તેવી દહેશત છે. સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં આ વર્ષે ચૂંટણી છે. હાલ સરદાર સરોવર ડેમમાં પાણીની માત્રા 45 ટકા ઘટી ગઇ હોવાથી ઉનાળાના સમયમાં નર્મદાની કેનાલોમાંથી પાણી મેળવવું દોહ્યલુ બની રહેશે. ગુજરાત સરકારે પણ કહ્યું છે કે 15મી માર્ચથી ખેડૂતોને નર્મદા કેનાલના પાણી આપવામાં આવશે નહીં. ગુજરાતમાં નર્મદા જળાશયમાં હાલ જે પાણીનો સંગ્રહ છે તે છેલ્લા 15 વર્ષનો સૌથી નીચો છે. સરકારે બોર અને કુવાના પાણી ખેડૂતોને વાપરવાની સલાહ આપી છે અને કહ્યું છે કે નર્મદાનું પાણી ગુજરાતમાં પીવા માટે વાપરવાનું હોવાથી સિંચાઇ માટે કન્ટ્રોલ કરવામાં આવશે.

23 રાજ્યોની ચૂંટણીમાં રાહુલની કસોટી થશે...

ભારતમાં 23 રાજ્યોની ચૂંટણી આવી રહી છે. સૌથી મોટી સામાન્ય ચૂંટણી 2019ની લોકસભાની છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના પાણી મપાઇ જશે. 2018માં જ્યાં ચૂંટણી આવે છે તે રાજ્યોમાં જોઇએ તો નાગાલેન્ડની 60 બેઠકો છે. કર્ણાટકની 224 બેઠકો છે. મેઘાલયની 60 બેઠકો છે. ત્રિપુરાની 60 બેઠકો છે. મિઝોરમની 40 બેઠકો છે. 2019માં લોકસભાની ચૂંટણી મુખ્ય છે. એ ઉપરાંત અરૂણાચલ પ્રદેશની 60 બેઠકો માટે ચૂંટણી થવાની છે. રાજસ્થાનની 200 બેઠકો, છત્તીસગઢની 90 બેઠકો, સિક્કીમની 32 બેઠકો, આંધ્રપ્રદેશની 175 બેઠકો, મધ્યપ્રદેશની 230 બેઠકો, તેલંગાણાની 119 બેઠકો, હરિયાણાની 90 બેઠકો, મહારાષ્ટ્રની 281 બેઠકો અને ઓરિસ્સાની 147 બેઠકોની ચૂંટણી થશે. 2020માં ઝારખંડની 81 બેઠકો અને બિહારની 243 બેઠકોની ચૂંટણી થશે. 2021માં કાશ્મિરની 87 બેઠકો, આસામની 126 બેઠકો, તામિલનાડુની 234 બેઠકો, પશ્ચિમ બંગાળની 294 બેઠકો અને કેરળની 140 બેઠકોની ચૂંટણી થશે. આમ કુલ 23 રાજ્યોની અને અને 24મી લોકસભાની ચૂંટણી આ સમયગાળામાં થવાની છે.

ભારતનો ઇલેક્શન કિંગ 58નો થયો...

તામિલનાડુના એક વ્યક્તિને ચૂંટણી લડીને વર્લ્ડ રેકોર્ડ કરવો છે. તે વ્યક્તિ હવે 2019ની લોકસભામાં પણ ઝંપલાવી શકે છે, જેણે 2014માં નરેન્દ્ર મોદી સામે વડોદરાથી ચૂંટણી લડી હતી. આ વ્યક્તિ ચૂંટણી જીતતો નથી પરંતુ તે કહે છે કે હું જીતવા માટે લડતો નથી. માત્ર રેકોર્ડ બનાવવા લડું છું. મોદી સામે ચૂંટણી લડી ચૂકેલા ડો. કે. પદ્મરાજન તે સમયે 55 વર્ષના હતા અને હવે જ્યારે લોકસભા લડશે ત્યારે તેઓ 60 વર્ષના હશે. ક્વોલિફાઇડ હોમિયોપથી ડોક્ટર એવા પદ્મરાજને અત્યાર સુધી 177 ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તેને ‘વર્લ્ડ રેકોર્ડ’ પ્રસ્થાપિત કરવો છે. તે કહે છે કે હું ઇન્ડિયાનો ઇલેકશન કિંગ છું. સામાન્યરીતે હું પોપ્યુલર લિડરની સામે ઉભા રહેવાનું પસંદ કરૂં છું... પદ્મરાજન હાલ 58 વર્ષના છે. તેમને ઇલેક્શન કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બાય ઇલેક્શન પણ લડે છે. તેઓ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નરસિંમ્હારાવ સામે નાન્દીયાલની બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. લખનૌથી અટલ બિહારી વાજપેયી સામે લડ્યા છે. કરૂણાનિધિ અને જયલલિથા સામે ચૂંટણી લડ્યા છે. એટલું જ નહીં  ડો. અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ સામે રાષ્ટ્રપતિની અને મનમોહનસિંહ જેવા મહાનુભાવો સામે ચૂંટણી લડી છે.

પરેશ ધાનાનીની શેડો મિનિસ્ટ્રી, વિપક્ષ તૈયાર છે...

ગુજરાત વિધાનસભામાં 80 બેઠકો સાથે વિપક્ષનું સ્થાન મેળવ્યું છે તે કોંગ્રેસ વધારે મજબૂત અને તેના સભ્યો તોફાની છે તેથી સરકારને આસાનીથી સત્ર પૂર્ણ થાય તેવું માનવાને કારણ નથી. વિરોધપક્ષના યુવા નેતા પરેશ ધાનાનીએ સરકારને ચારેબાજુથી ધેરવા માટે  શેડો મિનિસ્ટ્રી બનાવી છે, જે ગુજરાતમાં પહેલીવાર થઇ રહ્યું છે. વિપક્ષી નેતા પરેશ ધાનાની વિપક્ષના ધારાસભ્યો વચ્ચે સરકારના ખાતાઓની વહેંચણી કરવાના છે. એટલે કે જે ધારાસભ્યને જે ખાતુ મળે તે ખાતાની વાતો વિધાનસભામાં અને વિધાનસભા બહાર કરવાની જવાબદારી જે તે ધારાસભ્યની રહેશે. સરકારના ખાતામાં બેદરકારી અંગે વિપક્ષના સભ્યો ગુજરાતમાં જાહેરમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. યુકે. કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સત્તાધારી પક્ષની જેમ વિપક્ષ પણ શેડો મિનિસ્ટ્રીની રચના કરતો હોય છે. ભારતમાં પહેલીવાર ગુજરાતમાં આ પ્રયોગ થઇ રહ્યો છે.

રેવન્યુ ACS પંકજકુમારનો ટ્વિટર પ્રેમ...

ગુજરાતના સિનિયર આઇએએસ ઓફિસર અને રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે રાજ્યના તમામ જિલ્લાઓમાં એક આદેશ બહાર પાડીને સોશ્યલ મિડીયા અને ખાસ કરીને ટ્વિટર એકાઉન્ટ પર અપડેટ રહેવા કહ્યું છે. આ માધ્યમથી લોકોના પેડિંગ કામોનો નિકાલ કરવાનો પણ તેમનો આદેશ છે. પંકજકુમારે નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરો ઉપરાંત પ્રાંત ઓફિસર, એસડીએમ અને ડેપ્યુટી કલેક્ટરોને પણ ટ્વિટર એકાઉન્ટની મદદથી પ્રશ્નોનો નિકાલ કરવાની સૂચના આપી છે. પંકજકુમારના આદેશ પછી રાજ્યના 33 જિલ્લાના કલેક્ટરોના ટ્વિટર હેન્ડલ શરૂ કરવામાં આવ્યા છે અને નાગરિકોને તેમની ફરિયાદ કે પ્રશ્ન ટ્વિટર પર મૂકવાનું કહેવામાં આવ્યું છે. ગુજરાતના આ આઇએએસ ઓફિસરે નાગરિકોની ફરિયાદના નિવારણ માટે ટ્વિટરનો ઉત્તમ ઉપયોગ કરી બતાવ્યો છે જેની સરાહના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પીએમઓ ઓફિસે કરી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:27 am IST)
  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST

  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST