Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સરકારી મહેમાન

1962ની પહેલી ચૂંટણીનો પ્રચાર મુદ્દો હરિફોને ગાળો બોલવી નહીં, પણ અંગ્રેજી ભાષાનો હતો

26 નંબરનો બંગલો શુકનિયાળ-- જે વસવાટ કરે તે મુખ્યમંત્રી સુધી પહોંચે છે: હાલ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતો નેવે: 1960માં MLAનો માસિક પગાર 250 રૂપિયા હતો: 147ની ક્યારે 45 થઇ તે ખબર ન પડી, ભાજપની 1980માં 11 બેઠકોથી ઇંનિગ્સ

ભારતમાં હાલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે થાય તેવી દરખાસ્તો ભારતના ચૂંટણી પંચને મળી ચૂકી છે ત્યારે ગુજરાતની પહેલી વિધાનસભા ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી પણ લડાઇ હતી. 1962માં બન્નેનું ઇલેક્શન સાથે થયું હતું. 19મી ફેબ્રુઆરીએ ગુજરાતની ચૂંટણી યોજાઇ હતી જ્યારે લોકસભાની ચૂંટણી 19 થી 25 તારીખે થઇ હતી. કેન્દ્રમાં 494 બેઠકો પૈકી 361 બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બની હતી. એ સમયે કેન્દ્રના નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં ગુજરાત આવતા હતા ત્યારે તેઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીનો સાથે પ્રચાર કરતા હતા.એ સમયે વિધાનસભાની 154 અને લોકસભાની 22 બેઠકો હતી. માત્ર 50 ટકા મતદાન થયું હતું અને ચૂંટણીનો એક મુદ્દો અંગ્રેજી ભાષાનો હતો. અત્યારે જે ગાલીગલોચ થાય છે તેવું તેમાં ન હતું. એ સમયે કોંગ્રેસ અંગ્રેજી ભાષાના વિરોધમાં હતી તેવી છાપ હતી કે જેથી બાળકોના વાલીઓને ચિંતા હતી. ઉમેદવારે ખુલાસા કરવા કરવા પડતા હતા કે કોંગ્રેસ પાંચમા ધોરણ થી નહીં આઠમા ધોરણથી અંગ્રેજીની હિમાયતી છે. એ સમયે 25 લોકો ભેગા થતા હતા ત્યારે સભા થતી હતી. આનું નામ શાલિનતા કહેવાય છે.

 

સાત ચીફ મિનિસ્ટરની ઉમેદવારી નથી, મતદાન છે...

ગુજરાતની આ ચૂંટણીમાં કુલ સાત પૂર્વ મુખ્યમંત્રીઓ મતદાન કરી રહ્યાં છે. અત્યાર સુધીના વર્ષોની આ મહત્વની ઘટના છે. ભાજપના સિનિયર મોસ્ટ કેશુભાઇ પટેલે તો રાજકોટમાં મતદાન કરી દીધું છે. સુરેશ મહેતાએ પણ કચ્છમાં મતદાન કર્યું છે. કોંગ્રેસમાં એકમાત્ર પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હયાત છે. તેઓ 14મીએ મતદાન કરશે. એ ઉપરાંત રાજપાના શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ તેમજ ભાજપના નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલ હવે મતદાન કરશે. સાત સાત પૂર્વ મુખ્યમંત્રીઓ ગુજરાતની 2017ની ચૂંટણીમાં મતદાન કરે તે સૌથી મોટું ગૌરવ છે. જો કે આ સાતમાંથી એકપણ પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણી લડતા નથી તે સૌથી મોટું આશ્ચર્ય છે. ભાજપના કેશુભાઇ પટેલ છેલ્લી ચૂંટણી 2012માં લડ્યા હતા.

ગાંધીનગરમાં 26 નંબરના બંગલાની હકીકત....

ગાંધીનગરમાં મંત્રીમંડળ વિસ્તારમાં આવેલા 26 નંબરના બંગલાનો રાજકીય ઇતિહાસ છે. આ બંગલામાં જે મિનિસ્ટર વસવાટ કરે છે તે ચીફ મિનિસ્ટર બને છે. બંગલા વિસ્તારમાં અપશુકનિયાળ 13 નંબરનો બંગલો જ નથી તેના સ્થાને 12-એ નંબરનો બંગલો છે. આમ તો મુખ્યમંત્રીનું સત્તાવાર આવાસસ્થાન બંગલા નંબર-1માં હોય છે. એક નંબરના બંગલામાં માધવસિંહ સોલંકી રહેતા હતા અને તેમણે 26 નંબરનો બંગલો અમરસિંહ ચૌધરીને ફાળવ્યો હતો. અમરસિંહ મુખ્યમંત્રી થયા. ચીમનભાઇ પટેલ એક નંબરના બંગલામાં રહેતા હતા અને 26 નંબર છબીલદાસ મહેતાના ફાળે આવ્યો હતો. છબીલદાસ મહેતા મુખ્યમંત્રી થયા હતા. કેશુભાઇના શાસનમાં 26 નંબરમાં સુરેશ મહેતા રહેતા હતા. છેવટે સુરેશ મહેતા મુખમંત્રી બન્યા હતા. શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારમાં દિલિપ પરીખ આ બંગલામાં હતા. દિલીપ પરીખ મુખ્યમંત્રી થયા હતા. 2001 પછી જ્યારથી મોદી આવ્યા હતા ત્યારથી તેમણે 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન બનાવી દીધું હતું અને એક નંબરના બંગલાને કચેરીમાં ફેરવી નાંખ્યો હતો. આ પછી આનંદીબહેન અને વિજય રૂપાણીએ આ બંગલો છોડ્યો નથી.

આજ કા એમએલએ એટલે ખાવું, પીવું ને જલસા...

ગુજરાતના આપણા પ્રજાના પ્રતિનિધિઓ આજે જાલીમ પગાર અને ભથ્થાં લઇ રહ્યાં છે ત્યારે 1960માં ધારાસભ્યને માત્ર 250 રૂપિયા મહેનતાણા પેટે મળતા હતા. મોંઘવારીની સાથે સાથે ધારાસભ્યોના પગાર અને ભથ્થાં પણ વધતા ગયા છે. 18મી ઓગષ્ટ 1960માં ગુજરાતની પહેલી વિધાનસભાનો પ્રારંભ થયો ત્યારે તેના સભ્યોમાં સાદગી ઉડીને આંખે વળગે તેવી હતી. પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમમમાં વિધાનસભાનું ઉદ્દધાટન થયું હતું. સાદગીમાં માનનારા સભ્યોને મહેનતાણા પેટે 150 રૂપિયાનો પગાર અને 100 રૂપિયા એકત્રિત ભથ્થું મળતું હતું. 1965માં પહેલીવાર આ પગારમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે આજે ગુજરાતના ધારાસભ્યોને 80 હજાર જેટલો માસિક પગાર અને ભથ્થાં મળી રહ્યાં છે. જો કે સૌથી વધુ 2.50 લાખનો માસિક પગાર તેલંગાણાના ધારાસભ્યો મેળવી રહ્યાં છે. દિલ્હીના ધારાસભ્યો પણ આ રાજ્યનુ અનુકરણ કરી રહ્યાં છે અને હાલ 1.25 લાખ સુધી મહેનતાણું મેળવે છે. સૌથી ઓછો 17500 ત્રિપુરાના ધારાસભ્યોનો સેલેરી છે. આ ધારાસભ્યો ગરીબ છે...

કોંગ્રેસનું બેસ્ટ પ્રદર્શન 1980 અને 1985માં...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું બેસ્ટ પ્રદર્શન 1985માં રહ્યું હતું. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. આ સમયે જનતાપાર્ટીને 14 અને ભાજપને 11 બેઠકો ફાળે આવી હતી. ભાજપનો ગુજરાતમાં ઉદય આમ તો 1980માં થયો હતો. પહેલીવાર ભાજપે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને તેમાં 9 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 141 બેઠકો આવી હતી. કોંગ્રેસની પડતી 1990માં શરૂ થઇ હતી અને ચીમનભાઇ પટેલ તેમજ ભાજપની સામે કોંગ્રેસને માત્ર 33 બેઠકો મળી હતી. આ સમયે ચીમનભાઇ પટેલના બન્ને હાથમાં લાડુ હતા. તેમણે ભાજપની 67 બેઠકો સાથે જોડાણ કરીને સત્તા કબ્જે કરી હતી. ચીમનભાઇ પટેલને 70 બેઠકોનો સાથ હતો. ભાજપે ટેકો પાછો ખેંચી લેતાં ચીમનભાઇએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને છેવટે કોંગ્રેસમાં ભળી ગયા હતા. 1995માં માત્ર 45 બેઠકો સાથે કોંગ્રેસે વિપક્ષમાં બેસવાની શરૂઆત કરી હતી જે અત્યાર સુધી ચાલે છે.

જીવરાજ મહેતા 14 સભ્યોથી સરકાર ચલાવતા હતા...

ગુજરાતમાં અત્યાર સુધીમાં રચાયેલા મંત્રીમંડળમાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અને હિતેન્દ્ર દેસાઇના મંત્રીમંડળોની સંખ્યા ઓછામાં ઓછી હતી. આ બન્ને મુખ્યમંત્રીઓ માત્ર 14 સભ્યોથી ચલાવતા હતા, જ્યારે સૌથી વધુ 45 સભ્યો ધરાવતી કેબિનેટ છબીલદાસ મહેતાના સમયમાં હતી. એક સમયે માધવસિંહ સોલંકીએ પણ જંબો કેબિનેટ બનાવી હતી પરંતુ તેમની સરકાર વધુ સમય ટકી ન હતી. બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ પણ તેમના કેબિનેટનું કદ 15 સભ્યોનું રાખ્યું હતું. ધનશ્યામ ઓઝાના મંત્રીમંડળમાં પણ મર્યાદિત 18 સભ્યો હતા. રાજ્યમાં 1985 પછી મંત્રીમંડળની સંખ્યા વધારવાની સરકારોને ફરજ પડી હતી. જ્ઞાતિના ધોરણે લડાતી ચૂંટણીમાં કેબિનેટની રચના સમયે જિલ્લા અને જ્ઞાતિને પણ પ્રભુત્વ આપવાની શરૂઆત થઇ હતી જે આજદિન સુધી ચાલતી આવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(2:14 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST