Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

સરકારી મહેમાન

ઇલેક્શનમાં એક મતની કિંમત શું છે તે જાણવા વાજપેયી, સરદાર, જોષી અને હિટલર યાદ કરો

કોંગ્રેસમાં સેનાપતિ છે પરંતુ તેના સૈનિકો નથી, તેઓ તો ભાજપના ઘરમાં છે: ભારતમાં કોંગ્રેસનો સુવર્ણકાળ હતો તેવો સમય હવે મોદી અને ભાજપ માટે છે: યુવા ઉદ્યોગ સાહસિકો માટેના પ્લાન બને છે પરંતુ તેનો અમલ થઇ શકતો નથી...

હું મારો એક મત આપું કે નહીં, તેનાથી શું ફરક પડવાનો છે તેવું બોલતા પહેલાં વિચારી જોશો, કારણ કે એક મતની કિંમત બહુ મોટી છે. આ માનસિકતાથી આપણે બહાર આવવાનું છે. એક મતની બહું મોટી તાકાત પણ છે. 2008માં નાથદ્વારા- રાજસ્થાનના વિધાનસભાના ઉમેદવાર ડો. સી.પી.જોષી એક મત ઓછો મળતાં ચૂંટણી હારી ગયા હતા. 1923માં એક મત વધારે મળતાં એડોલ્ફ હિટલર નાઝી પાર્ટીનો નેતા બન્યો હતો. 1998માં એક મત ઓછો મળતાં અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારને શાસનમાંથી વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. 1875માં એક મતથી ફ્રાન્સ રાજાશાહીમાંથી ગણતંત્ર બન્યું છે. 1976માં એક મત વધુ મળતાં જર્મનની જગ્યાએ અંગ્રેજી અમેરિકાની ભાષા બની હતી. 1917માં એક મત ઓછો મળતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સરદાર વલ્લભભાઇ પટેલ હારી ગયા હતા. આથી મતદાન અવશ્ય કરો...

ઉમેદવારો પસંદ કરવામાં કોંગ્રેસની પણ હાર...

વિધાનસભાના અમારા ઉમેદવારો છ મહિના પહેલાં ડિક્લેર કરી દેવામાં આવશે તેવી કોંગ્રેસના ગુજરાત પ્રવક્તાના દાવા ઊંઘા પડી ગયા છે. ભાજપ સિંગલ નામ હોય તેવા ઉમેદવારો એડવાન્સ જાહેર કરી દેશે તેવા વાયદા પણ ખોટા પડ્યા છે. ઉમેદવારી કરવાના અંતિમ દિવસ પહેલાં ટેલીફોન કરીને મેન્ડેટ આપવા પડે તે ગુજરાત માટે શરમજનક બાબત છે. જે હાલત કોંગ્રેસમાં છે તેવી જ હાલત ભાજપમાં છે. બન્ને પાર્ટીઓ ઉમેદવારોની પસંદગી કરતાં ડરે છે. આમ કરવા પાછળનું કારણ કોઇ અસંતુષ્ટ સભ્ય ચૂંટણીના મેદાનમાં ઉભો ન રહે તે છે, આમ છતાં બન્ને પાર્ટીઓમાં અસંતોષ ચરમસિમાએ છે. ભાજપમાં અસંતુષ્ટો માની જાય છે પરંતુ કોંગ્રેસમાં તોડફોડ પર ઉતરી આવે છે. સત્તાવાર ઉમેદવારને સામી પાર્ટી પાસેથી રૂપિયા લઇને હરાવવાનું કામ કરે છે. પ્રત્યેક ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થાય છે તેનું કારણ જ છેલ્લી ઘડીએ પસંદ કરેલા ઉમેદવારો છે. ઉમેદવાર પસંદગી સુધી કોંગ્રેસનો ઘોડો વિનમાં હતો પરંતુ ઉમેદવારો પસંદ થયા પછી એવું લાગે છે કે પાર્ટીમાં યાદવાસ્થળી આકાર લઇ રહી છે તેથી ઉમેદવારોની વિકેટ એક પછી એક પડતી દેખાઇ રહી છે.

ઉમેદવાર છે પણ સમર્થકો તો ભાજપમાં છે...

વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલની સીડી હવે હવાઇ ચૂકી છે. બન્ને પાર્ટીઓ હાલ તો ઉમેદવારોની પસંદગીમાં મગ્ન બન્યા છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત માટે ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે. કોંગ્રેસના મજબૂત ઉમેદવારો છે તેવા વિસ્તારોમાં ભાજપે જિલ્લા, તાલુકા અને પાલિકાઓના પદાધિકારીઓ ઉપર નજર દોડાવી છે. કોંગ્રેસના મજબૂત ઉમેદવારોના સમર્થકોને ભાજપમાં ભેળવવા માટેની મોસમ શરૂ થઇ છે. આશ્ચર્યજનક બાબત એવી છે કે કોંગ્રેસ તેના ગ્રાસરૂટના કાર્યકરો અને નેતાઓ કે જેઓ ઉમેદવારને વિજયી બનાવવાની મહેનત કરતા હોય છે તેમને મનાવી શકતી નથી. એકલો ઉમેદવાર તેના સમર્થકો વિના ચૂંટણીની વૈતરણી પાર કરી શકે નહીં તે વાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓને ક્યારેય સમજાતી નથી. આ સ્થિતિમાં એવું કહી શકાય છે કે કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારો છે પરંતુ તેમના સમર્થકો ભાજપમાં છે તેથી પરિણામ શું આવશે તે કલ્પી શકાય તેવું છે.

આપણું યુવા ટેલેન્ટ અમેરિકા કેમ જતું રહે છે...

આપણું મહામોંઘું યુવાધન વિદેશ જઇ રહ્યું છે તેને અટકાવવા માટે કેન્દ્ર સરકારે પગલાં ભરવા જોઇએ. આપણા વિદ્યાર્થીઓને સસ્તુ ભણતર અને ઝડપથી નોકરી જો આપણે આપી શકતા હોઇએ તો તે વિદ્યાર્થીઓ ભારત બહાર વિદેશમાં ચાલ્યા જતા અટકી શકે છે. આપણે શા માટે સ્કીલયુક્ત મેનપાવરનો ઉપયોગ કરી શકતા નથી તે સમજાતું નથી. આપણું સ્કીલ વિદેશમાં ભણે છે અને વિદેશમાં કમાય છે અને વિદેશમાં જ ખર્ચે છે. આ સ્થિતિ હાલના શાસકો માટે લાલબત્તી સમાન છે. ભારતના વિદ્યાર્થીઓએ એક જ વર્ષમા માત્ર અમેરિકામાં અભ્યાસ કરવા પાછળ 654 કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે જેમાં આગલા વર્ષની તુલનાએ 30 ટકાનો મોટો ઉછાળો છે. આ રૂપિયાની સામે અમેરિકાએ ભારતમાં માત્ર 237 કરોડ ડોલરનું સીધું વિદેશ મૂડીરોકાણ કર્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ફર્સ્ટ અમેરિકા નિતી કામ કરી ગઇ છે. ભારતના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જાય છે અને ત્યાં જ નોકરી પસંદ કરે છે અને તેમનો 90 ટકા ખર્ચ પણ અમેરિકામાં જ થાય છે. આપણી સ્કીલનો અમેરિકા જો ઉપયોગ કરી શકતું હોય તો આપણે જ આપણી સ્કીલનો ઉપયોગ કેમ કરી શકતા નથી તે પ્રશ્ન છે.

ગુજરાતની ઔદ્યોગિક હરણફાળને નજર લાગી છે...

ઉદ્યોગોના રજીસ્ટ્રેશનની વૃદ્ધિના મામલે મહારાષ્ટ્ર પ્રથમક્રમે આવ્યું છે જ્યારે ગુજરાતે ઔદ્યોગિક માપદંડોએ ઘણી સારી કામગીરી દર્શાવી છે પણ નવા ઉદ્યોગોની નોંધણીના મામલે નિરાશ કર્યા છે. નાણાકીય વર્ષ 2013 થી 2015 દરમ્યાન આંતરપ્રિનિયોર મેમોરેન્ડમ પાર્ટ-2 હેઠળ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસિસના રજીસ્ટ્રેશનની દ્રષ્ટીએ મહારાષ્ટ્ર એ 129 ટકાનો રેકોર્ડ હાઇએસ્ટ ગ્રોથ નોંધાવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ચેમ્બર એસોચેમ એ તેના રિપોર્ટ મેન્યુફેક્ચરીંગ એક્સિલન્સી એન્ડ ઇમરજન્સ ઇન્ડિયામાં આ બાબત જણાવી છે. ઉદ્યોગોની નોંધણીના મામલે મહારાષ્ટ્ર પછી ઉત્તરપ્રદેશ 69 ટકાના વૃદ્ધિદર સાથે બીજાક્રમે આવ્યું છે. તો આ ગાળામાં તામિલનાડુએ 57 ટકા, ગોવાએ 55 ટકા અને પશ્ચિમ બંગાળે 47 ટકાનો ગ્રોથ દર્શાવ્યો છે. જો કે તમામ પ્રકારના ઉદ્યોગોના રજીસ્ટ્રેશન મુદ્દે ગુજરાતની પીછેહઠ થઇ છે અને આંતરપ્રિનિયોર મેમોરેન્ડમના ગ્રોથના મામલે આ યાદીમાં ગુજરાતનો 14નો ક્રમ આવે છે. નાણાકીય વર્ષ 2013માં 68,275 ઉદ્યોગની નોંધણી હતી તે 2015માં ઘટીને 64,160 થઇ છે. મતલબ કે આ સમયમાં નવી નોંધણીનું પ્રમાણ છ ટકા ઘટ્યું છે. બીજી તરફ એક્સલન્સ મેન્યુફેક્ચરીંગના મુખ્ય રાજ્યોની યાદીમાં કર્ણાટક બેસ્ટ સ્ટેટ તરીકે ઉપસ્યું છે. ગુજરાતમાં ફેક્ટર પ્રોડક્ટિવિટીમાં 15મો, ફિક્સ્ડ કેપિટલ ઇન્કમ રેશિયોમાં 16મો, રોકાણ પર વળતરમાં આઠમો અને ઇફિશિયન્સીમાં 14મો ક્રમ મેળવ્યો છે.

યુવા સાહસિકો માટે પ્લાન છે પણ નિર્ણયશક્તિ નથી...

ગુજરાત સરકાર આવનારા 25 વર્ષ માટેનો રોડમેપ બનાવી રહી છે. આ રોડમેપમાં કેન્દ્રસ્થાને યુવા સાહસિકોને સામેલ કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો વહીવટ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે તેના માટે વિજય રૂપાણી આગ્રહી છે. તેઓ કહે છે કે સચિવાલયના વિભાગો અને સરકારી કચેરીઓમાં વિવિધ યોજનાઓની ફાઇલો, મુલાકાતીઓના પ્રશ્નો અને ઉદ્યોગ જેવા વિભાગોની પ્રોજેક્ટ દરખાસ્તો લાંબો સમય સુધી આપણી કચેરીઓમાં પડી રહેવી ન જોઇએ. છેલ્લા 15 વર્ષમાં ભારતના વિકાસમાં ગુજરાતનો ફાળો સર્વોત્તમ છે. 2000 થી 2015-16 વચ્ચે ભારતના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 5.8 ટકાથી વધીને 7.3 ટકા થયું છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે 2011-12 થી 2015-14ના સમયગાળામાં સરેરાશ વાર્ષિક 8.9 ટકાનો વૃદ્ધિદર મેળવી ગુજરાત દેશના 19 મોટા રાજ્યો પૈકી સૌથી ઉંચો વિકાસ દર ધરાવે છે. આજે ગુજરાતની માથાદીઠ આવક વર્ષ 2015-16માં અંદાજીત 1,38,023 થઇ છે જે ભારતના સરેરાશ માથાદીઠ આવકની સરખામણીએ 46 ટકા ઉંચી છે. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તેના એજન્ડામાં યુવા સાહસિકો માટેની અલગ નિતી બનાવે તેવી સંભાવના છે. યુવાનો માટે સરકાર ઇન્સેન્ટીવ આપશે, તેમને જરૂરી સુવિધા પૂરી પાડશે. સરકારી યોજનાઓમાં તેમને સામેલ કરશે. અન્ય રાજ્યોના વિકાસ કામોમાં ગુજરાતનું માનવબળ મોકલવાના પ્રયાસ પણ કરશે.

ગુજરાત પછી મોદીની કસોટીના બે વર્ષ શરૂ થાય છે..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કસોટીના બે વર્ષ શરૂ થાય છે. 2017માં હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીના પરિણામો મોદી માટે 2018 અને 2019નો રસ્તો ક્લિયર કરશે. મોદી જો હોમટાઉન ગુજરાતમાં ચૂંટણી હારી ગયા તો આવનારા બે વર્ષ તેમના માટે કઠીન છે. ઉત્તરપ્રદેશની ચૂંટણી પછી ભાજપ ફુલફોર્મમાં છે પરંતુ ગુજરાતમાં ભાજપને ઘોળે દિવસે તારા દેખાઇ રહ્યાં છે. 2018માં નાગાલેન્ડ, કર્ણાટકા, મેદ્યાલય, ત્રિપુરા, મિઝોરમ, રાજસ્થાન, છતીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી છે.આ બધી ચૂંટણીઓ પૂરી થશે ત્યારે 2019માં લોકસભાની ચૂંટણી આવશે અને તેની સાથે સાથે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની ચૂંટણી પણ 2019ના વર્ષમાં આવી રહી છે. આ વખતે લોકસભાની ચૂંટણી અતિ મહત્વની બની રહેવા સંભવ છે, કારણ કે મેદાનમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ રાહુલ ગાંધી ગાંધી છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ડુ ઓર ડાય જેવી પરિસ્થિતિ છે જ્યારે મોદી માટે અસ્તિવનો જંગ છે. મોદીનો રોડ મેપ ગુજરાતથી બને છે અને તે દિલ્હી પહોંચે છે. 18 રાજ્યોમાં ભાજપ અને તેના સાથીપક્ષોની સરકાર હોય ત્યારે તે સંખ્યા નાની તો નથી. જે સમય કોંગ્રેસનો હતો તે સમય હવે ભાજપનો આવ્યો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

 

 

 

(1:41 pm IST)
  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST