Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

સરકારી મહેમાન

LS: 1980માં 25 અને 1985માં 21 બેઠકોનો વટ ધરાવતી કોંગ્રેસને 2014માં ફર્સ્ટ ટાઇમ 0 બેઠક

સોરી, હવે કોઇ કામ નહીં થાય: ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી છે, જૂનમાં આવજો: ભાજપને 16 બેઠકોની ચિંતા નથી, કોંગ્રેસને મળી શકે છે તેવી 10 બેઠકોમાં દાવપેચ થશે: રાજ્યમાં 26 સીટો જીતવાનું 'દંગલ': મોદી શહેન'શાહ' સે જો ડર ગયા સમજો મર ગયા

ગુજરાતમાં 1962થી લોકસભાની ચૂંટણી થાય છે. 1984 સુધી કોંગ્રેસનો સુવર્ણકાળ હતો. પ્રથમ ચૂંટણીમાં 22 બેઠકો પૈકી કોંગ્રેસને 16, સ્વતંત્ર પાર્ટીને 4, પીએસપી ને 1 અને એનજેપીને એક બેઠક મળી હતી. 1967માં લોકસભાની 24 બેઠકો પૈકી સ્વતંત્ર પાર્ટીને 12, કોંગ્રેસને 11 અને એક બેઠક અપક્ષને ફાળે ગઇ હતી. 1971માં કોગ્રેસને 11, એનસીઓ ને 11, સ્વતંત્ર પાર્ટીને બે બેઠકો મળી હતી. 1977માં લોકસભાની 26 બેઠકો થઇ હતી જે પૈકી કોંગ્રેસને 10 અને જનતા પાર્ટી-બીએલડીને 16 બેઠકો મળી હતી. 1980માં કોંગ્રેસને 25 અને જનતા પાર્ટીને માત્ર એક બેઠક મળી હતી. 1984માં કોંગ્રેસને 24, ભાજપને એક અને જનતા પાર્ટીને એક બેઠક મળી હતી. ભાજપના એકમાત્ર ડો. એકે પટેલ ચૂંટણી જીત્યા હતા. 1989માં જનતાદળને 11, ભાજપને 12 અને કોંગ્રેસને 3 બેઠકો મળી હતી. 1991માં ભાજપને 20, કોંગ્રેસને પાંચ અને જેડી(જી)ને એક બેઠક પ્રાપ્ત થઇ હતી. 1996માં ભાજપને 16 અને કોંગ્રેસને 10, 1998માં ભાજપને 19 અને કોંગ્રેસને 7, 1999માં ભાજપને 20 અને કોંગ્રેસને છ બેઠકો પ્રાપ્ત થઇ હતી. 2004માં દેશમાં યુપીએની સરકાર આવી ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને 12 અને ભાજપને 14, 2009માં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી હતી. છેલ્લે 2014ની લોકસભામાં નરેન્દ્ર મોદી ભાજપના પ્રાઇમ મિનિસ્ટરના કેન્ડિડેટ હોવાથી તમામ 26 બેઠકો મળી હતી. મોદીનો એ કરિશ્મા હતો. લોકસભાના ઇતિહાસમાં કોંગ્રેસને પહેલીવાર શૂન્ય બેઠક મળી હતી. ગુજરાતમાં કોંગ્રેસની પડતી 1985 પછી શરૂ થઇ હતી પરંતુ છેલ્લી ચૂંટણી જેવો અત્યંક કંગાળ દેખાવ કોંગ્રેસે ક્યારેય કર્યો નથી.

ગુજરાતનું રાજકીય દંગલ, કોંગ્રેસ સામે ભાજપ આક્રમક...

ગુજરાતની 26 બેઠકો જીતવા માટે એપ્રિલ મહિનામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય દંગલ ખેલાશે. ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે જ્યારે કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મેદાનમાં છે. ગુજરાત કોંગ્રેસનું ખ્વાબ છે કે પ્રિયંકા ગાધી ગુજરાતમાં બે થી ત્રણ સભાઓને સંબોધન કરે જ્યારે જ્યારે ભાજપનો પ્લાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે વધુમાં વધુ સમય બોલાવવાનો છે. ચૂંટણી પ્રચારના દિવસો ઓછા છે અને રાષ્ટ્રીય નેતાઓ દેશના તમામ 29 રાજ્યો સંભાળવના છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. હવે બન્ને પાર્ટીઓ તેમના 26 ઉમેદવાદોની પસંદગી પ્રક્રિયા શરૂ કરશે. કોંગ્રેસે તો તેના ચાર ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે પરંતુ ભાજપે હજી ઉમેદવારો જાહેર કર્યા નથી. ગુજરાત કોંગ્રેસમાં તોડફોડ કરીને ભાજપના નેતાઓ તમામ 26 બેઠકો જીતવાની જીદ લઇને બેઠાં છે, ત્યારે કોંગ્રેસ તેમના સભ્યોને બચાવવા માટે હવાતિયાં મારે છે. ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે 30 થી 35 સ્ટાર પ્રચારક નેતાઓની ફોજ છે, બીજી તરફ કોંગ્રેસ પાસે કરિશ્માયુક્ત નેતાઓમાં માત્ર પ્રિયંકા ગાંધી છે. કોંગ્રેસના જ એક સિનિયર નેતા કહે છે કે "અમારા નેતા રાહુલ ગાંધી પાંચ ઉદ્યોગપતિઓ અને રફાલ ડીલને ભૂલે તો ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે સાત થી દસ બેઠકો જીતી શકે છે તેમ છે," આ તબક્કે શોલે ના ગબ્બરસિંહનો ડાયલોગ યાદ આવે છે-- "જો ડર ગયા સમજો મર ગયા..."

ભાજપમાં શિસ્ત રહી નથી, આદર્શો બદલાઇ ગયા...

રાજકીય પાર્ટીઓના આદર્શ બદલાતા જાય છે. ભાજપ પહેલા કેડરબેઝ અને સિદ્ધાંતવાળી પાર્ટી કહેવાતી નથી પરંતુ હવે કેડર નથી રહી અને આદર્શનો પણ લોપ થઇ ચૂક્યો છે. ગુજરાતમાં તો ભાજપે તેનું કોંગ્રેસીકરણ કરીને સિદ્ધાંતોનો દાટ વાળી દીધો છે. કોંગ્રેસના ક્રિમિનલ ધારાસભ્યો ઉપર અગાઉ આરોપ મૂક્યા હતા તેવા ધારાસભ્યો હવે પાર્ટી માટે પ્રામાણિક થઇ ચૂક્યાં છે. શિસ્તમાં જોઇએ તો આ એ 1995 અને 1998ની પાર્ટી રહી નથી કે જ્યારે પાર્ટીના નેતા કે કાર્યકરો પક્ષ અને સરકાર માટે ઘસાતું બોલે તો તેને નોટીસ આપીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હતા. આજે સ્થિતિ અલગ છે. યશવંતસિંહા કે શત્રુધ્નસિંહા પાર્ટી અને પાર્ટીના નેતાઓ પર આરોપ વરસાવે છે છતાં પાર્ટીને તે નેતાઓ સારા લાગે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનના ફાયરબ્રાન્ડ રેશ્મા પટેલનો ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રેશ્મા પટેલ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં બોલી રહ્યાં છે ત્યારે પાર્ટીની શિસ્ત સમિતિ મૌન છે. પાર્ટીના વર્કરને સસ્પેન્ડ કરવા માટે શિસ્ત સમિતિ છે ખરી તેવો સવાલ થાય છે. પાર્ટીના ટોચના એક નેતાનું જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 'વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. રેશ્મા પટેલને ચૂંટણી પુરતાં લીધા હતા. હવે અમે તેમને સસ્પેન્ડ કરીને તેમને મોટા નેતા બનાવવા માગતા નથી.' ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં લેવાનો તેમજ 24 કલાકમાં મંત્રી બનાવવાનો જે પવન ફુંકાયો છે તે એક દિવસ ભાજપને ભારે પડી શકે છે.

ગુજરાતમાં કોંગ્રેસે ભૂલો ભાજપ રિપીટ કરી રહી છે...

કહેવાય છે કે ઘર મોટું થાય એટલે પરિવારોમાં ઝઘડા થાય-- આ કહેવત રાજકારણને પણ લાગુ પડે છે. પહેલાં ઓરિજનલ કોંગ્રેસ હતી ત્યારે ચૂંટણીમાં પરફોર્મન્સ સારૂં હતું પરંતુ જ્યારથી કોંગ્રેસે ભેલાણ કર્યું છે ત્યારથી કોંગ્રેસની પડતી શરૂ થઇ છે. 1993માં મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના જનતાદળ(ગુજરાત)ને કોંગ્રેસમાં ભેળવીને કોંગ્રેસે પહેલી ભૂલ કરી હતી. ચીમનભાઇએ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસનો ટેકો લીધો અને પછી કોંગ્રેસમાં ભળી ગયા હતા. કોંગ્રેસની બીજી ભૂલ 1997માં થઇ હતી. ભાજપમાંથી વિખુટા પડેલા શંકરસિંહ વાઘેલા બળવો કરીને મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને કોંગ્રેસના સભ્યોનો ટેકો હતો. ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જ્યારે કોંગ્રેસે ટેકો પાછોં ખેંચ્યો ત્યારે શંકરસિંહે વિધાનસભાનું વિસર્જન કરી દીધું હતું. 1998ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તેમની પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવામાં નિષ્ફળ ગયા ત્યારપછી તેઓ તેમની પાર્ટીના સભ્યો સાથે કોંગ્રેસમાં ભળી ગયા હતા. કોંગ્રેસનું કદ મોટું બન્યું પરંતુ પાર્ટીના સિનિયર સભ્યો અને નેતાઓને ખૂણો પાળવાનો સમય આવી ગયો હતો. આજે ભાજપ માટે એવી સ્થિતિની શરૂઆત થઇ ચૂકી છે. 1995 પછી આવેલી પ્રત્યેક ચૂંટણીમાં કોંગ્રેસના 85થી વધુ ધારાસભ્યો, સંસદસભ્યો અને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યાં છે. ઘરના સભ્યો વધે ત્યારે ઉચાટ, મનભેદ અને મતભેદો પ્રવર્તે તે સત્ય છે. ભાજપનું કદ મોટું થયું છે પરંતુ નેતાઓ અને કાર્યકરોના મન ખાટાં થઇ ચૂક્યાં છે. જેમની સામે ગંભીર આક્ષેપો કરીનને ચૂંટણી લડીને હાર્યા છે તેવા ઉમેદવારોએ હવે કોંગ્રેસના આયાતી નેતાના વખાણ કરીને તેમને મત આપવાની મતદારોને અપીલ કરવી પડી રહી છે.

ભાજપનો ગોલ: રાજ્યની 26 બેઠકોમાં વિજય...

ગુજરાતમાં ભાજપને 26 બેઠકો જીતવી છે. આ બેઠકો જીતવા માટે સામ, દામ, દંડ અને ભેદ એમ ચારેય યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે. ભાજપ ચૂંટણી પ્રચાર ન કરે તો પણ તેને રાજ્યમાંથી શહેરી વિસ્તાર સહિતની 13 બેઠકો આસાનીથી મળી જાય તેમ છે, કારણ કે કોંગ્રેસ પાસે આ બેઠકોમાં મજબૂત ઉમેદવારો નથી. બાકીની 3 બેઠકોમાં થોડી મહેતન કરવાથી પોતાની પાર્ટીના ઉમેદવારને મૂકીને જીતી શકાય છે. નવ બેઠકો એવી છે કે જ્યાં 2019ની ચૂંટણીમાં ભાજપને પછડાટ મળી શકે તેમ છે. આ બેઠકોમાં જાતિવાદ ભરપૂર છે. આ બેઠકો કોંગ્રેસ જીતી શકે છે તેવા અહેવાલોએ ભાજપના નેતાઓને વ્યાકુળ બનાવી દીધા છે. ભાજપના ઉમેદવાર જીતી શકે તેવી 13 બેઠકોમાં અમદાવાદ-ઇસ્ટ, અમદાવાદ-વેસ્ટ, ભરૂચ, ભાવનગર, કચ્છ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, વડોદરા, સુરત અને નવસારી છે. બીજી 3 બેઠકો પૈકી ખેડા, બનાસકાંઠા અને જૂનાગઢમાં જીતવાના ચાન્સિસ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારો માટે મજબૂત એવી 10 બેઠકોમાં અમરેલી, આણંદ, બારડોલી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડનો સમાવેશ થાય છે. કોંગ્રેસની 10 બેઠકો પડાવી લેવા માટે ગુજરાતમાં અનેક રાજકીય દાવપેચ સામે આવી શકે છે.

બઘાં કામ પૂરાં, હવે આચાર સંહિતા લાગુ પડી...

ગુજરાત સરકારના બઘાં કામ પૂરાં થયા છે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં અનેક પ્રોજેક્ટોના ઉદ્ધધાટન કરી દીધાં છે. લોકોને ગમતી યોજનાઓની જાહેરાતો કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લે છે છેલ્લે કોંગ્રેસના બે ધારાસભ્યોને લઇને મંત્રીમંડળનું વિસ્તરણ પણ કર્યું છે. રવિવારથી ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ચૂકી છે તેથી હવે નવી કોઇ જાહેરાત થાય તેમ નથી. મુખ્યમંત્રીએ બદલીઓની પ્રક્રિયા થોડી બાકી રાખી છે તેથી તે કસર હવે ભારતનું ચૂંટણી પંચ પૂર્ણ કરે તેમ મનાય છે. ચૂંટણી પંચ સર્વેક્ષણ કરીને જ્યાં ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યાએ જે ઓફિસર ફરજ બજાવે છે ત્યાં જાતે બદલી કરશે. ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં મહેસૂલ અને પંચાયતના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગના ઓફિસરો આવે છે. ખાસ કરીને જિલ્લાના સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોલીસની બદલીઓ થઇ શકે છે. જો હવે સરકારને બદલીઓ કરવી હશે તો ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવી પડશે. સરકાર હવે કોઇ મોટી યોજના જાહેર કરી શકશે નહીં. સરકારી ગાડીઓ ચૂંટણી પંચને હવાલે કરવી પડશે. સરકારી મશીનરીનો ઉપયોગ કરી શકશે નહીં. કોઇપણ નીતિ વિષયક નિર્ણય લઇ શકાશે નહીં. બાકી કામો માટે મંત્રીઓ અને અધિકારીઓનો એક જ જવાબ મળશે-- સોરી, હવે કામ નહીં થાય. ચૂંટણી આચાર સંહિતા છે, જૂનમાં આવજો.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:56 am IST)