Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સરકારી મહેમાન

'બહેન'નો 25 લાખ કરોડનો રેકોર્ડ તૂટી શકે તેમ નથી તેથી વાયબ્રન્ટમાં રોકાણના આંકડા 'ગુપ્ત'

ફિલ્મ કલાકારો સાથે શશી રૂઇયા, રતન ટાટા, નારાયણ મૂર્તિ સમિટમાં સૌથી મોટી ગેરહાજરી : હૈદરે ટ્રેડ શો માં વટ રાખ્યો, સમિટમાં કૈલાસનાથન, જેએન સિંહ અને એમકે દાસ પર મોટો ભાર : સમિટની સાથે મહાત્મા મંદિર સેલ્ફિ પોઇન્ટ અને પિકનિક પ્લેસ બન્યું, બઘાં લોકોએ જલસા કર્યા

ગુજરાતમાં નવમી વાયબ્રન્ટ સમિટનું સમાપન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10મી વાયબ્રન્ટ સમિટ 2021માં યોજવાની જાહેરાત કરી છે પરંતુ તે પહેલાં સાબરમતીમાં ઘણું પાણી વહી જશે. રૂપાણીના યજમાનપદની આ બીજી સમિટમાં પણ મૂડીરોકાણના આંકડા છૂપાવવામાં આવ્યા છે. આ અગાઉ 2017માં થયેલી સમિટના આંકડા પણ સરકારે સમિટના અંતિમ દિવસે જાહેર કર્યા ન હતા પરંતુ ખાનગીમાં એ આંકડો 15 લાખ કરોડનો હતો. 2015માં થયેલી સમિટના યજમાન આનંદીબહેન પટેલ હતા ત્યારે તે સમિટમાં અંતિમ દિવસે ડિજીટલ આતશબાજી વચ્ચે 25 લાખ કરોડના મૂડીરોકાણના એમઓયુ સાઇન થયા હોવાની મોટી જાહેરાત કરી હતી. આવી ધમાકેદાર જાહેરાત છેલ્લી બે વાયબ્રન્ટમાં થઇ નથી. રૂપાણી સરકાર એક ગૌરવ લઇ શકે છે કે આ વખતે 28360ની વિક્રમી સંખ્યામાં એમઓયુ સાઇન થયાં છે. અગાઉની છેલ્લી ત્રણ સમિટ પૈકી 2013માં 17719, 2015માં 21304 અને 2017માં 24474 એમઓયુ સાઇન થયા હતા. સરળ અને નિખાલસ એવા વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ માટે ખૂબ મહેનત કરી છે પરંતુ તેમના વહીવટી તંત્રમાં કેટલીક ચૂક રહી ગઇ છે જે આ વખતના વાયબ્રન્ટમાં આંખે ઉડીને વળગે તેવી છે. આમ પણ જો આઠ વાયબ્રન્ટ સમિટમાં 80 લાખ કરોડના એમઓયુ થયા હોય તો હવે ઉદ્યોગજૂથો પાસે વધુ રૂપિયા ક્યાંથી હોય? મૂડીરોકાણના આંકડા મહત્વના નથી પરંતુ રિયલ ઇન્વેસ્ટેમેન્ટ કેટલું થાય છે વધારે મહત્વનું છે. આ વખતે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 10 વર્ષમાં 3 લાખ કરોડનું રોકાણ કરવાની કરેલી જાહેરાતે ગુજરાત સરકારની લાજ રાખી છે. આખી સમિટમાં સૌથી મોટો આંકડો રિલાયન્સનો છે.

પતિદેવ વચ્ચે અંતર, પત્નિ હમ સાથ સાથ હૈ...

ગુજરાત સરકારમાં સર્વોચ્ચસ્થાને બેઠેલા ભાજપના બે નેતાઓ વચ્ચે મતમતાંતરો હોઇ શકે છે પરંતુ પારિવારિક સબંધો જોઇએ તો તે ખૂબ જ નિકટના હોવાનું દેખાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ વચ્ચે રાજકીય અંતરમાં વધ્યું હશે, બન્ને નેતાઓ વચ્ચે મનમેળ ઓછો થતો હશે પરંતુ રૂપાણીના પત્નિ અને નિતીન પટેલના પત્નિ વાયબ્રન્ટ સમિટમાં એકસાથે જોવા મળ્યા હતા. આ બન્ને ખાસ સખીઓ હોય તેવું મહેમાનોને લાગ્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે વ્યક્તિ તેની પત્નિથી ઉજળો હોય છે. એક સફળ પુરૂષ પાછળ મહિલાનો મોટો હાથ હોય છે. રૂપાણીની સફળતાનો યશ તેમના પત્નિ અંજલિબેનને ફાળે જાય છે. પતિદેવ સાથે ખભેખભા મિલાવીને ઘણીવાર બન્નેને કામ કરતાં જોવામાં આવ્યા છે. વાયબ્રન્ટ સમિટનું આકર્ષણ અંજલિબેન અને નિતીન પટેલના ધર્મપત્નિ હતા, કેમ કે આ બન્ને તમામ સમારંભમાં સાથે ને સાથે જ જોવામાં આવ્યા છે. ગુજરાત સરકારમાં જો રૂપાણી અને પટેલ વચ્ચે મનમેળ થઇ જાય તો આ બેલડી 2022 સુધીનું ગુજરાત સ્પ્રિન્ટ સમયસર પૂરૂં કરે તેમ છે. આપણે ગુજરાતીઓ એવી આશા રાખીએ કે 2021ના વાયબ્રન્ટ સમિટમાં આ બન્ને નેતાઓ મંચ પર એકસાથે બેઠેલા જોવા મળે.

ગ્લોબલ ટ્રેડ શો માં એસજે હૈદરે મેદાન માર્યું છે...

ગુજરાતના મહાત્મા મંદિરમાં આયોજીત નવમી વાયબ્રન્ટ સમિટમાં ઇન્ડેક્ષ્ટ-બીના સુપ્રીમો રાજકુમાર બેનિવાલ છવાઇ ગયા છે. તેમણે અને તેમની ટીમે કરેલા આયોજનમાં ટીકાઓ ઓછી થઇ છે અને શાબાશી વધારે મળી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાપન સમારોહમાં વાયબ્રન્ટની ટીમ ગુજરાતનો ખાસ આભાર માન્યો હતો. સૌથી વધુ ઉડીને આંખે વળગે તેવું આયોજન ટુરિઝમ વિભાગના અગ્રસચિવ એસ.જે. હૈદરે કર્યું હતું. તેમણે દિન-રાત જોયા વિના એક્ઝિબિશન સેન્ટરમાં બે લાખ ચોરસમીટર વર્ગમાં ફેલાયેલા ગ્લોબલ ટ્રેડ શો નું અદ્દભૂત સંચાલન કર્યું છે. હૈદરના વખાણ તો સીએમઓ કરી રહ્યું છે. ટ્રેડ શો માં તેમની મહેનત રંગ લાવી છે. ટ્રેડ શો માં સ્થાપિત 1200થી વધારે સ્ટોલમાં 3000 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. 20મી જાન્યુઆરી એ ટ્રેડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આ ટ્રેડ શો જોવાનું ચૂકશો નહીં. ભારે ભીડનો સામનો કરીને પણ આ ટ્રેડ શો જોવા જેવો છે. રાજ્યના ઉદ્યોગ વિભાગા સુપ્રિમો અને મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજ કુમાર દાસે પણ વાયબ્રન્ટમાં ખૂબ મહેનત કરી છે. તેમની મહેનત વિદેશી મહેમાનોને સાચવવામાં રંગ લાવી છે. ગુજરાતના માહિતી ખાતાની ટીમને પણ ધન્ય એટલા માટે છે કે દર વખતની જેમ ખાનગી પીઆર એજન્સી જે કામ કરી શકતી નથી તે કામ આ ટીમે કર્યું છે. ખાનગી એજન્સી મિડીયા માટે કામ ઓછું પણ ફાંકા ફોજદારી વધારે કરે છે.

જેએન સિંહ અને કૈલાસનાથન ખડેપગે રહ્યાં...

વાયબ્રન્ટ સમિટમાં ત્રણ દિવસ સતત રાજ્યના ચીફ સેક્રેટરી ડો. જેએન સિંહ અને મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાનનાથન ખડેપગે રહ્યાં છે. પહેલા દિવસે જ્યાં સુધી પ્રાઇમ મિનિસ્ટર ગાંધીનગર હતા ત્યાં સુધી તેઓ તેમના પડછાયાની જેમ રહ્યાં છે. તેમના ગયા પછી તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રહ્યાં છે. ટીમ ગુજરાતમાં તેમની વહીવટી કુનેહ હોવાથી સરકાર 28360 એમઓયુ કરી શકી છે. સરકારમાં બિઝનેસ ટુ બિઝનેસ -બીટુબી- અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ -બીટુજી- માં એક મોટો વિક્રમ સર્જાયો છે. બીટુબીમાં 2458 જેટલી મિટીંગ થઇ છે જ્યારે બીટુજીમાં 1140 મિટીંગ થઇ છે. આ સમિટમાં બ્રિટન ઉપસ્થિત ન હતું પરંતુ ગેરહાજર રહેવાનું કારણ આપતાં બ્રિટનના પ્રતિનિધિએ કહ્યું હતું કે-- અગાઉની સમિટમાં અમે ગુજરાતના વાયબ્રન્ટ સમિટમાં આવ્યા હતા પરંતુ તેનો અમને ફાયદો થયો નથી તેથી આ વખતે અમે ભાગ લેવાના નથી પરંતુ તેનો મતલબ એ નથી થતો કે ગુજરાતમાં અમે ઇન્વેસ્ટ કરવા માગતા નથી. અમે બીટુબી અને બીટુજી બેઠકોમાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. આ સમિટમાં પણ એવું જ થયું છે. બીટુબી અને બીટુજી બેઠકોમાં બિઝનેસ પ્રતિનિધિઓને વધારે વિશ્વાસ રહ્યો છે.

વાયબ્રન્ટ સમિટમાં પહેલીવાર ગેરહાજર...

નવમી સમિટમાં ઘણાં મહાનુભાવો અને નેતાઓ ગેરહાજર રહ્યાં છે. એવી માહિતી હતી કે વાયબ્રન્ટ સમિટમાં કેન્દ્રની આખી મોદી કેબિનેટ આવશે પરંતુ તેવું થયું નથી. ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી આવ્યા નથી. નિર્મલા સિતારામને આવવાનું ટાળ્યું છે તેનું કારણ સાફ છે. અનિલ અંબાણી માટે પણ એ જ કારણ છે. અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો હોવાથી તેઓ ગેરહાજર રહ્યાં છે. કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલી બોડી ચેકઅપ માટે અમેરિકા હોવાથી આવી શક્યા ન હતા. ઉદ્યોગજૂથમાં એસ્સાર જૂથના શશી રૂઇયા કે રવિ રૂઇયા આવ્યા નથી. સમિટના છેલ્લા દિવસે ચાર્મ ટકાવી રાખવા માટે બોલિવુડમાંથી માત્ર વિવેક ઓબેરોય આવ્યા હતા. એ સિવાય કોઇ ફિલ્મ કલાકાર જોવા મળ્યા નથી. અગાઉની સમિટમાં હેમા માલિની, જૂહી ચાવલા, રવિના ટંડન, પરેશ રાવલ, અનુપમ ખેર, વિનોદ ખન્ના, શત્રુધ્નસિંહા, ધર્મેન્દ્ર, સુરેશ ઓબેરોય સહિતની હસ્તીઓ આવેલી છે. ટાટા જૂથના સુપ્રિમો રતન ટાટા પણ આવ્યા નથી, જો કે તેમણે કંપનીના ચેરમેનને મોકલ્યા હતા. ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિ પણ આવ્યા નથી. અગાઉની સમિટમાં આવ્યા હોય તેવા એક ડઝન જેટલા ઉદ્યોગપતિઓ આ વખતે સમિટમાં આવ્યા નથી.

મંદિર સેલ્ફિ પોઇન્ટ બન્યું, ફરવાનું સ્થળ પણ...

મહાત્મા મંદિર વાયબ્રન્ટ સમિટમાં બિઝનેસમેન અને સરકાર વચ્ચેની ડિલીંગ વચ્ચે આખું મંદિર સેલ્ફિ પોઇન્ટ જેવું બની ગયું હતું. આ સ્થળે હરવા ફરવાનું સ્થળ પણ બન્યું હતું. બિઝનેસ ડેલિગેશન સાથે જે સામાન્ય લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ મહાત્મા મંદિરમાં ફરવા અને જમવા માટે આવતા હતા. મંદિરમાં નોન બિઝનેસ પર્સનની સંખ્યા વધી ચૂકી હતી. રજીસ્ટ્રેશન કરનારા લોકોને ત્રણ દિવસ સુધી મહાત્મા મંદિરમાં જલસા થઇ ગયા હતા. એક એવી બાબત પણ સામે આવી છે કે કેટલાક સરકારી કર્મચારીઓના આખા પરિવારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કર્મચારી ફરજમાં હોય અને પરિવાર મહાત્મા મંદિરમાં જલસા કરતો હતો. પહેલીવાર મંદિરમાં વાયબ્રન્ટ સમિટ દરમ્યાન નાના બાળકોની હાજરી જોવા મળી હતી. બીજી તરફ નરેન્દ્ર મોદીનો ક્રેઝ એવો ને એવો જ છે. પ્રત્યેક મહાનુભાવે તેમના પ્રવચનમાં મોદીનો ઉલ્લેખ કર્યો છે. જો કે મહાત્મા મંદિરના બે સ્ટોલમાં મોદીના નામ લખેલા ટી-શર્ટ, કેપ કે અન્ય સામગ્રી ખરીદવા માટે લોકોએ ઓછો રસ દાખવ્યો હતો પરંતુ વર્ચ્યુલ નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા માટે લાંબી લાઇનો લાગતી હતી. છેલ્લા બે દિવસમાં તો મહાત્મા મંદિર સેલ્ફિ માટેનો મુખ્ય પોઇન્ટ બની ગયો હતો. સરકારી ખર્ચે ભોજન સહિતની તમામ સુવિધાઓ મંદિરના પ્રાંગણમાં પ્રાપ્ય હતી.

વાયબ્રન્ટના ઘડવૈયાઓની ટ્રાન્સફર આવશે...

વાયબ્રન્ટ સમિટ-2019ના ઘડવૈયાઓએ ખૂબ બિઝનેસ કર્યો પરંતુ હવે તેમની પોસ્ટમાં બદલાવ આવી રહ્યો છે. પ્રજાસત્તાક દિવસ પછી ગમે ત્યારે ગુજરાતના વહીવટી તંત્રમાં બદલીઓ આવી રહી છે. ઉદ્યોગ અને તેને સંલગ્ન વિભાગોમાં મોટાપાયે ફેરબદલ થવાની છે. સચિવાલયના સૂત્રો કહે છે કે ઉચ્ચ અધિકારીઓમાં 40 થી વધુ ઓફિસરોની સામૂહીક બદલીઓ થવાની સંભાવના છે. આ સાથે લોકસભાની ચૂંટણીને કારણે જિલ્લાના વહીવટી તંત્રમાં પણ 200થી વધુ બદલીઓ થવાની શક્યતા જોવાઇ રહી છે. 26મી જાન્યુઆરી પછી અથવા તો વિધાનસભાના ટૂંકા બજેટ (લેખાનુદાન) સત્ર પછી એટલે કે ફેબ્રુઆરીના મધ્યભાગમાં ટ્રાન્સફરો આવી શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:39 am IST)