Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

ગાઢ અન્ધકાર છે. અમે સૌ ચૂપ બેઠાં છીએ. આચાર્યશ્રી સાથે શાન્તિથી બેસવું એ પણ એક અનુભવ અને આનંદ છે. તેઓ મૌનમાં પણ કહેતા હોય એવું એમના સાન્નિધ્યમાં અનેકવાર લાગે છે આ વિષે એમને પૂછયું તો હસવા લાગ્યા અને કહ્યું ''સત્યને વ્યકત કરવામાં વાણી સમર્થ નથી. તેને મૌનમાં જ કહી શકાય છે. મૌન રહેતા આપણને આવડે તો રહસ્યના અનન્ત દ્વાર ખૂલી જાય છે.''

''માનવ મૌન રહેતાં ભૂલી ગયો છે એ  મોટુ દુઃખ છે. આ ભૂલને કારણે પ્રકૃતિ સાથેનો સમગ્ર સંબંધ વિછિન્ન થયો છે. પ્રકૃતિને મૌન વિના બીજી કોઇ ભાષા નથી. અને જે તે (મૌન) ભાષા ભૂલી જાય છે. તે સહજે જ પ્રકૃતિથી દૂર થઇ જાય છે. પ્રકૃતિથી દૂર થવું એ જ દુઃખ છે'' પછી તેઓ ચૂપ થઇ ગયા.  તેમની સાથે જ અમે પણ શાન્ત થઇ ગયાં.

રાત્રીની નીરવતામાં પણ શાન્તિ સંભળાવા લાગી. હવા વૃક્ષોને હલાવે છે. ઝીંગુરનું સંગીત સંભળાય છે. અમે સજાગ અને મૌન છીએ. એ મૌનમાં અમે પાછળ પડતાં હોઇએ એમ અનુભવીએ છીએ. અંદર કાંઇક વિલીન થતું લાગે છે. તે મૌન અમને વરાળવત્ કરી મૂકે છે, ત્યારે તેમણે કહ્યું : ''હું- ભાવ જ્યારે મટે છે ત્યારે જ મૌન પ્રાપ્ત થાય છે. ને ''હું'' વિલીન થાય ત્યારે જ પ્રકૃતિ સાથે મિલન અને સંવાદ થાય છે.

કોઇએ પૂછયું ''મૌન કેવી રીતે થાય?'' તેમણે કહ્યું, ''બસ, થાઓ, બહુ વિધિ અને વ્યવસ્થાની જરૂર નથી. ચારે બાજુ જે થઇ રહ્યું છે, તેને જાગૃત રહીને જુઓ અને જે સંભળાય, તેને સાક્ષી ભાવે સાંભળો. સંવેદનો તરફ પુરૃં ધ્યાન આપો; પણ તેની પ્રતિક્રિયા ન થવા દો! પ્રતિક્રિયા વિનાની જાગૃતિમાં મૌન સહજ પ્રાપ્ય છે.''

થોડા વખત પછી ફરી કહ્યું, ''માત્ર વાણીનો ઉપયોગ ન કરવો એટલે મૌન, એમ હું નથી કહેતો. પ્રશ્ન વાણીનો નહીં-પણ વિચારનો છે. વાણી તો ગૌણ છે. મૂળ અને કેન્દ્ર તો વિચાર છે. અંદર વિચાર ચાલુ હોય અને વાણી બંધ હોય તો પણ તે મૌન નથી.

''અંદર વિચારોની તાંત્રિક ધારા ન હોય અને વાણી ચાલુ હોય તો પણ તે મૌન છે. જેમ કોઇ ખોરાક ન લે પણ ખોરાકનું ચિન્તન કરે તો તેને હું ઉપવાસ નહી કહું. એમ પણ બને કે ખોરાક લે પણ તેમાં ભોગવૃત્તિ કે લોભ ન હોય તો તે ઉપવાસી છે.સાચી વાત અન્તરની છે, ઔપચારિક નહીં.''

હું સાંભળું છું અસલ વાત અંતરની જ છે, ઔપચારિક નહીં; અને મને તેમની ઘણી અન્તર્દષ્ટિઓ યાદ આવે છે. તેમના જીવન-દર્શનમાં આ ધારણા ખૂબ આધારભૂત છે. વસ્ત્રો પર નહીં પણ હંમેશા તેઓ વૃત્તિઓ પર ભાર દે છે. તેમનો આગ્રહ બાહ્ય-ચર્ચા બદલવા પર નહીં પણ હંમેશા અન્તઃક્રાન્તિ માટે જ છે. ઔપચારિકતાના ઝંઝાવાતે બધા ધર્મોનો નાશ કર્યો છે અસારની આ ભીડમાં જ સાર અટવાઇ જાય છે. એક દિવસ આપણા હાથમાં માત્ર રાખ રહેશે. અને અંગારા કયાંય લોપ થઇ ગયા હશે !

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:36 am IST)