Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સરકારી મહેમાન

બે IAS ઓફિસર CSના સપનાં જોતાં રહ્યાં અને નિવૃત્ત થયાં, મુકિમને એક્સટેન્શનની સંભાવના

કોરોના સામે લડવા માટે આઇએએસ ઓફિસરે ગ્રામીણ મહિલાઓ સાથે પીપીઇ કીટ બનાવી : 60 ચોરસફૂટ જગ્યામાં 26 જાતના શાકભાજી વાવ્યા, 20 વર્ષથી સબ્જી માર્કેટ જોયું નથી: લોકડાઉનના સમયમાં દેશના મજૂરોનું સ્થળાંતર રોકવા અક્ષયકુમારની એરલિફ્ટ જોવી પડે

ગુજરાતના વહીવટી વડા એટલે કે 29મા ચીફ સેક્રેટરી તરીકે હાલ 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકીમ ફરજ બજાવી રહ્યાં છે. તેઓ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થાય છે પરંતુ તેમની પસંદગી દિલ્હીથી થઇ હોવાથી તેમને છ મહિનાનું એક્સટેન્શન મળે તેવી સંભાવના છે, કારણ કે તેમના અગાઉ નિવૃત્ત થયેલા ડો. જેએન સિંઘને પણ છ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું. જો એક્સટેન્શન મળે તો તેઓ 1લી માર્ચે નિવૃત્ત થશે. ગુજરાત કેડરના ત્રણ સિનિયર ઓફિસરો કે જેમના નામ ચીફ સેક્રેટરી તરીકે ચર્ચાતા હતા તે પૈકી અરવિંદ અગ્રવાલ અને અતનુ ચક્રવર્તી એપ્રિલ મહિનામાં વયનિવૃત્ત થયાં છે. ચક્રવર્તીનું પોસ્ટીંગ હાલ દિલ્હી છે. ત્રીજા પ્રબળ દાવેદાર હતા તે સંગીતાસિંઘ આગામી ઓક્ટોબરમાં નિવૃત્ત થવાના છે. આ સર્વોચ્ચ પદ માટે બીજા ચર્ચાઇ રેલા બે નામ પૈકી પુનમચંદ પરમાર જુલાઇમાં અને સંગીતાસિંઘ ઓક્ટોબરમાં વયનિવૃત્ત થશે. સેન્ટ્રલ ડેપ્યુટેશન પર અત્યારે કિ-રોલમાં છે તેવા ગુજરાત કેડરના ઓફિસર પીડી વાઘેલા સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે. અનિલ મુકિમને એક્સટેન્શન મળવા પાછળ મહત્વનું કારણ એવું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અને પ્રામાણિક છાપ ધરાવતા લો-પ્રોફાઇલ અધિકારી છે.

ઓપરેશન કવચ”ના યોદ્ધા IAS ઓફિસર...

કોરોના સામે લડનારા સૈનિકો માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે પીપીઇ કીટ જોઇએ પરંતુ તે મોંઘી પડી રહી છે. આફતમાં સમયમાં કમાઇ લેવા માટે કેટલીક લેભાગુ કંપનીઓએ નકલી કીટ બનાવવાનું શરૂ કર્યું છે જે અત્યંત જોખમી હોય છે. વિશ્વસનીય અને પ્રભાવી કીટની કિંમત 1000 રૂપિયા કરતાં વધુ હોય છે. ઉત્તરપ્રદેશના એક નાનકડા જિલ્લામાં એક આઇએએસ ઓફિસર અરવિંદસિંહે લખીમપુરની ગ્રામીણ મહિલાઓના સહયોગથી મોટી માત્રામાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ પીપીઇ કીટ બનાવી છે. આ કીટનો ઓર્ડર ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભારતીય સેનાએ તેમની હોસ્પિટલો માટે આપ્યો છે. અરવિંદસિંહ કહે છે કે –મારો જિલ્લો વિકસિત નથી. મલ્ટી હેલ્થકેર સુવિધા પણ નથી છતાં મહિલાઓની ડિઝાઇન તેમજ મહેનત રંગ લાવી છે. હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર માટેનું કામ કરતાં ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને ચોકીદાર તેમજ સુરક્ષા પોલીસને પણ આ કીટ આપવામાં આવે છે. આ ઓફિસરે તેમના આ કાર્યને “ઓપરેશન કવચ” નામ આપ્યું છે. આ કીટની કિંમત માત્ર 490 રૂપિયા છે. કીટ બનાવવાના કામમાં 175 મહિલાઓ રોકાયેલી છે. જ્યાં કીટ બને છે તે જગ્યાએ દિવસમાં બે વખત ડિસઇન્ફેક્શન કરવામાં આવે છે. અરવિંદસિંહ 2015ની બેચના આઇએએસ છે. તેમણે આઇઆઇટી અને આઇઆઇએમમાં અભ્યાસ કર્યો છે. યુપીએસસી પરીક્ષામાં તેમનો રેન્ક 10મો હતો. દક્ષિણ કોરિયા તેમજ હોંગકોંગમાં પણ તેમનો રિસર્ચ અનુભવ છે.

એક ઓફિસરે ઇન્દોરમાં નદીની કાયાપલટ કરી...

સરકારમાં ફરજ બજાવતા ઓફિસરો ધારે તો ઘણું કરી શકે છે, તેમને નેતાઓના ભાષણોની જરૂર નથી. એક સમય હતો જ્યારે ખાન નદી અને તેની સહાયક નદી સરસ્વતીને ઇન્દોરની વિરાસત માનવામાં આવતી હતી. 70ના દસકામાં થયેલા ઔદ્યોગિકરણના કારણે આ નદી ગંદા નાળાની જેમ દૂષિત બની ગઇ હતી. ઇન્દોરના નગર આયુક્ત આશીષસિંહ અને તેમની ટીમે આ નદીને શુદ્ધ કરવાનું નક્કી કર્યું અને પછી જે કામો કર્યા તેનાથી ઇન્દોરની જનતા આફરિન પોકારી ગઇ છે. ઇન્દોરમાંથી વહેતી સરસ્વતીના બન્ને કિનારાના બે કિલોમીટરના હિસ્સાને 100 ટકા શુદ્ધ બનાવ્યો છે. તેમણે 28 સીવેજ લાઇનોમાં થતાં પાણીના પ્રવાહને એસટીપીના માધ્યમથી શુદ્ધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પાણીને બીજી વખત ઉપયોગ કરી શકાય તેવું આ મોડલ છે. રિસાયકલ પાણીનો ઉપયોગ સૂકા તળાવો ભરવા અને 250 જેટલા બગીચાઓને લીલાછમ રાખવા અમે કરીએ છીએ. સરસ્વતી નદીમાં માછલીઓની ઉપસ્થિતિ એ અમારા કામની સફળતા છે. ગુજરાતમાં સાબરમતી નદીમાં રિવરફ્રન્ટથી ખૂબસુરતી વધી છે તેમ રાજ્યની બીજી નદીઓની ખૂબસુરતી વધે તેવા કાર્યો આપણા આઇએએસ ઓફિસરોએ કરવા જોઇએ.

કેરળના એક એન્જીનિયરની કુશળતાની કમાલ...

આપણી પાસે જગ્યા છે પણ આપણે કંઇ કરવું નથી. જો કંઇ કરવાનું નક્કી કરીએ તો આપણે પણ એક એન્જીનિયરથી ઓછા નથી. કેરળના અલાપ્પુઝા જિલ્લાના અરૂકુટ્ટી કસબામાં રહેતા નાસર આમ તો એન્જીનિયર છે પરંતુ દિલથી કિસાન છે. માત્ર 60 ચોરસફૂટની જગ્યામાં તેણે કિચન ગાર્ડન બનાવ્યો છે અને તેમાં તે રોજનો માત્ર અડધો કલાક આપે છે. આ એન્જીનિયર તેના ગાર્ડનમાં 26 પ્રકારના શાકભાજી ઉગાડે છે. છેલ્લા 20 વર્ષથી નાસર તેમના પરિવાર માટે બજારમાંથી શાકભાજી લાવતા નથી. નાસરે આ જગ્યાને ક્લાઇંબર, ક્રીપર અને ટ્યુબર એમ ત્રણ વિભાગમાં વહેંચી છે. નાસર કહે છે – જગ્યા મહત્વ રાખતી નથી. જે હિસ્સામાં તમારે કિચન ગાર્ડન બનાવવો છે તે હિસ્સામાં માત્ર પ્લાનિંગ જોઇએ. ઘરમાં ઉગાડેલી તાજી શાકભાજી ખાવાનો અવસર અનેરો છે. નાસર આ શાકભાજી ઉગાડતી વખતે રાસાયણિક ખાતરો કે કીટનાશકોનો ઉપયોગ કરતા નથી. તેમની આ શાકભાજી તંદુરસ્ત અને ઓર્ગેનિક હોય છે. તેઓ કહે છે કે જો તમે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરો છો તો તે ખેતીનો કોઇ મતલબ નથી. હું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરૂં છું જેનાથી વિપુલ ઉત્પાદન પણ મળે છે.

મજદૂરો માટે જે પણ થાય છે તે સારૂં નથી...

અક્ષયકુમારની ફિલ્મ એરલિફ્ટ અત્યારે યાદ આવી જાય છે. 1990માં કુવૈત અને ઇરાન વચ્ચે થયેલા યુદ્ધની આ સત્યઘટના છે. ફિલ્મનું પાત્ર રંજીત કટિયાલ એક મતલબી બિઝનેસ ટાયફૂન હોય છે. પોતાની પત્ની સાથે તે કુવૈતમાં એશોઆરામનું જીવન જીવતો હોય છે. જીવનમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે કે જ્યારે ઇરાક એ કુવૈત પર હુમલો કરે છે. આ સમયે રંજીત તેના સાથીદારો અને ફસાયેલા ભારતીયોને બચાવવા માટે પ્રયાસ કરે છે. પોતાના બિઝનેસને ઉપર લાવવામાં મદદરૂપ થયેલા સાથીદારોને કપરા સમયમાં પણ પોતાની પાસેની બચતમાંથી સાચવે છે અને તેમને ભારત પાછા લાવે છે. અત્યારે કોરોના સંક્રમણના સમયે આપણા ઉદ્યોગ સંચાલકોએ પણ નફાખોરી કર્યા વિના તેમના બિઝનેસના સાથીદારોને સાચવવા જોઇએ પરંતુ તેવું થયું નથી અને મજદૂરો તેમના વતનમાં પાછા જતા રહ્યાં છે. કોરોના મહામારીના સમયમાં મજદૂર વર્ગને દૂર કરી દેવો હિતાવહ નથી. પરિવારનું ગુજરાન ચલાવવા તેમજ કમાણી શોધવા ઘર છોડીને બીજા રાજ્યમાં સ્થાયી થયેલા આ મજદૂરો આવનારા દિવસોમાં ભારતની સૌથી મોટી સમસ્યા બની શકે છે. આપણે વિકાસની ગતિમાં કમ સે કમ એક વર્ષ સુધીનો અવરોધરૂપ પાયો ખોદી નાંખ્યો છે.

સ્કૂલના બાળકો અને શિક્ષકો માટે નવો પડકાર...

લોકડાઉન ખૂલશે અને સ્કૂલ શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓ માટે નવો પડકાર સર્જાશે અને તે સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ફરજીયાત ફેસમાસ્કનો હશે. એજ્યુકેશન પહેલાં જેવું નહીં હોય, પરિવર્તન કરવું પડશે. રોજીંદા જીવનમાં આ બન્ને પદ્ધતિઓનું પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ બદલવું પડશે. કોરોના વાયરસનું સંક્રમણ ઓછું રાખવા માટે સ્કૂલ ડ્રેસની જેમ માસ્ક ફરજીયાત હશે. જૂનમાં શરૂ થઇ રહેલા શૈક્ષણિક સત્રમાં સરકારે બનાવેલા નિયમોનું પાલન કરવું કઠીન હશે, કેમ કે પહેલાની જેમ વિદ્યાર્થીઓ વર્તી શકશે નહીં. જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બેસવા માટેની પુરતી વ્યવસ્થા નહીં હોય ત્યાં વધારે મુશ્કેલી સર્જાશે, કેમ કે બાળકોને એક બીજાથી દૂર દૂર બેસાડવા પડશે. રમતના મેદાનમાં પણ કેટલાક નિયમોનું પાલન કરાવવાનું રહેશે. એટલું જ નહીં સ્કૂલવાનમાં બાળકોને દૂર બેસાડવાનો સૌથી મોટો પડકાર આવી રહ્યો છે. જે સ્કૂલવાન બાળકોને ગીચતા વચ્ચે સફર કરાવે છે તેવા દ્રશ્યો આગામી દિવસોમાં જોવા નહીં મળે. કેન્દ્રના આદેશ પછી ગુજરાત સરકાર રાજ્યના એજ્યુકેશન સેક્ટરમાં બહુ મોટા ફેરફારો લાવી રહી છે.

112 દેશોમાં કોરોના સંક્રમિત ભારત 16મા ક્રમે...

કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોતાં હવે વિવિધ દેશોએ વર્ક વીથ કોરોનો નો થીમ અપનાવ્યો છે. સમગ્ર વિશ્વમાં પોઝિટીવ કેસોની સંખ્યા 35 લાખને પાર થઇ ગઇ છે. વિશ્વના 212 દેશોમાં ફેલાયેલી આ મહામારીના કારણે 2.50 લાખ લોકોના મોત થયાં છે જ્યારે 11.25 લાખ કેસોમાં રિકવરી આવી છે. વર્લ્ડોમીટરના રિપોર્ટ પ્રમાણે 51000 દર્દીઓ સિરિયસ છે અથવા તો ક્રિટીકલ કન્ડીશનમાં છે. વિશ્વમાં આ મહામારીનો મૃત્યુઆંક 18 ટકા જોવા મળ્યો છે જ્યારે રિકવર રેટ સૌથી વધુ 82 ટકા જોવા મળ્યો છે. ચાઇનાના વુહાનમાંથી ફેલાયેલી આ મહામારીના કારણે યુએસએ, સ્પેન, ઇટાલી, યુકે, ફ્રાન્સ, જર્મની, તુર્કી, રશિયા અને બ્રાઝીલ વધુ ભોગ બન્યાં છે. વિશ્વમાં સૌથી વધુ 11.65 લાખ કેસ એકલા યુએસએમાં છે. આ કન્ટ્રીમાં 68000 લોકોના મોત થઇ ચૂક્યાં છે. કોરોના સંક્રમિત વિશ્વના ટોપ ફાઇવ કન્ટ્રી પૈકી ચારમાં 25000થી વધુ લોકોના મોત થયાં છે. આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે ચાઇનામાં પોઝિટીવ કેસનો આંકડો 82800 પર સ્થગિત થઇ ગયો છે જે પૈકી 77350 દર્દીઓ રિકવર થયાં છે. ચાઇનામાં કોરોનાથી 4633નાં મોત થયાં છે. હાલ એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 500 જોવા મળી છે. કોરોના સંક્રમિત દેશોમાં 40 હજારથી વધુ પોઝિટીવ કેસો સાથે ભારતનો ક્રમ 16મો આવે છે. હજી આજે પણ ભૂતાનમાં માત્ર સાત કેસો પૈકી પાંચ રિકવર થયાં છે અને બે લાઇવ કેસો છે.

આઇએએસ અધિકારી પાણી પહોંચાડી રહ્યાં છે...

નાગાલેન્ડના એક આઇએએસ ઓફિસર લોકડાઉનની સ્થિતિમાં લોકોના ઘર સુધી પાણી, દવા, ગેસ, શાકભાજી અને જરૂરી સામાન પહોંચાડી રહ્યાં છે. ભારત અને મ્યાંમાર સરહદ પાસે આવેલો રાજ્યનો મોન જિલ્લો લોકડાઉનથી ગંભીરરૂપથી પ્રભાવિત છે. પ્રોજેક્ટ લોકલ ગ્રીન્સ નામના અભિયાનથી જિલ્લા પ્રશાસને પ્રત્યેકના ઘરે તાજી શાકભાજી પહોંચાડવાનું તો કામ કર્યું છે પરંતુ આવા સમયે મોનના ડેપ્યુટી કમિશનર થવસેલન ખૂબ મહેનત કરી રહ્યાં છે. જળસંકટ સામે ઝઝૂમી રહેલા આ જિલ્લાના પ્રત્યેક ઘરમાં પાણી પહોંચાડવાનું કામ આ અધિકારી કરી રહ્યાં છે. એ ઉપરાંત જીવન આવશ્યક ચીજવસ્તુઓ લોકોને આસાનીથી મળે તેની વ્યવસ્થા તેમણે કરી છે. આ જિલ્લામાં કોરોના પોઝિટીવનો એકપણ એક્ટિવ કેસ નથી છતાં સંક્રમણને રોકવા માટે પ્રશાનને એક્ટિવ કેસ સર્ચની રણનીતિ અપનાવી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:50 am IST)