Gujarati News

Gujarati News

News of Monday, 2nd March 2020

સરકારી મહેમાન

કલ્પસરની કલ્પના પૂર્ણ થતાં વાર લાગશે પરંતુ ભાડભૂત યોજનાના કામો શરૂ કરાયા

ચૂંટણી પંચના ખર્ચમાં લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાનો મુદ્દો સામે આવ્યો: કહેવાય વન નેશન-વન ટેક્સ છતાં ગુજરાતમાં હજી પણ 20 પ્રકારના ટેક્સ ઉઘરાવાય છે: રાજ્યની બેન્કોમાં 6.97 લાખ કરોડની થાપણો સામે બેન્કોએ 5.90 લાખ કરોડનું ધિરાણ કર્યું છે

ગુજરાતમાં કલ્પસર યોજના બને તે પહેલાં ભાડભૂત યોજનાની આશા બંધાઇ છે, કારણ કે રાજ્ય સરકારે આ યોજના માટે 800 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે કલ્પસર થઇ શકે તેમ છે કે નહીં તેવા 25 અહેવાલો તૈયાર થયાં છે અને હજી આઠ અહેવાલો બાકી છે.  આ અહેવાલો માટે સરકારે 60.33 કરોડનો ખર્ચ કરશે, એટલે કે 2021 સુધીમાં હજી આ યોજના શરૂ થઇ શકે તેમ નથી પરંતુ ભાજભૂત કે જે કલ્પસરનો ભાગ છે તે યોજના શરૂ કરી દેવામાં આવી છે. સમુદ્રની ભરતીનું ખારૂં પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા માટે તેમજ મીઠા પાણીનો સંગ્રહ કરવા નર્મદા નદી પર ભાડભૂત પાસે બેરેજ બની રહ્યો છે. આ યોજના હેઠળ નર્મદાનું પાણી ડાયવર્જન કેનાલ મારફતે કલ્પસરના સરોવરમાં લઇ જવાશે. અંકલેશ્વર થી ભાડભૂત વચ્ચે નર્મદા નદીના ડાબા કાંઠે 24 કિલોમીટર લાંબો પૂરનિયંત્રક પાળો બનાવી ભારતનો સૌથી મોટો રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન છે. આ બેરેકમાં સંગ્રહિત થનારા 599 એમસીએમ પાણીના જથ્થા પૈકી 300 એમસીએમ પાણી ઔદ્યોગિક વપરાશ માટે અપાશે. બેરેજના બાંધકામ માટે રાજ્ય સરકારે 4337 કરોડના કામોને વહીવટી મંજૂરી આપી છે.

ગુજરાત સરકારની વેરા કમાણી વધી રહી છે...

ગુજરાત સરકાર લોકો પાસેથી બે પ્રકારના કર ઉઘરાવે છે જેમાં એક કેન્દ્રીય કરવેરાનો હિસ્સો છે અને બીજો રાજ્યના પોતાના કરવેરા છે. કેન્દ્રીય કરવેરાની આવક પહેલીવાર એક લાખ કરોડને ક્રોસ થઇને 1.05 લાખ કરોડ થવાની ધારણા નાણાં વિભાગે રાખી છે. આ વેરામાં નિગમ કર, આવકવેરો, સંપત્તિવેરો, સીમાકર, આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય જીએસટી અને સંકલિત જીએસટી સહિત કુલ આઠ કરવેરાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કરવેરામાંથી ગુજરાત સરકારને આવતા વર્ષે 26646 કરોડ રૂપિયા મળશે. બીજી તરફ રાજ્ય સરકારના પોતાના 11 કર મોજૂદ છે જેની આગામી વર્ષની આવકનો અંદાજ 1.31 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. રાજ્યની કરવેરાની આવકમાં રાજ્ય જીએસટીનો હિસ્સો 55560 લાખ કરોડ થશે જ્યારે વેલ્યુ એડેડ ટેક્સ કે જે સામાન્ય રીતે પેટ્રોલિયમ પેદાશો પર રાખવામાં આવ્યો છે તેની કમાણી 17950 કરોડ થવાની ધારણા છે. વન નેશન વન ટેક્સના સ્લોગન સામે રાજ્યમાં હજી વેચાણવેરો, વેટ અને અન્ય વેરા પેટે સરકાર 23230 કરોડ રૂપિયાની કમાણી કરશે. વીજળી પરના વેરાની આવક 8700 કરોડ, વાહનપરના કરની આવક 4558 કરોડ, સ્ટેમ્પ અને નોંઘણીની આવક 8700 કરોડ, જમીન મહેસૂલની આવક 3000 કરોડ અને માલ અને ઉતારૂ કરની આવક 125 કરોડ અંદાજવામાં આવી છે. આ બન્ને કરની રકમ 1.31 લાખ કરોડ થવા જાય છે. એ ઉપરાંત રાજ્યની કર સિવાયની આવક 14600 કરોડ અને સહાયક અનુદાન અને કેન્દ્ર તરફથી મળતા ફાળાની આવક 16084 કરોડ થવાની છે.

ગુજરાતમાં ચૂંટણી પંચને 130 કરોડ અપાશે...

ગુજરાતમાં આવતા વર્ષે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી નહીં હોવા છતાં ચૂંટણી પંચના પગાર સહિતના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્યના નાણા વિભાગે 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઇ કરી છે. આ વખતે સામાન્ય વહીવટ વિભાગના ખર્ચના આંકડામાં પહેલીવાર એવું નોંધવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવામાં આવે તો તેના માટે ખર્ચનું આયોજન કરવાનું રહેશે. જો કે આ હેડ હેઠળ અત્યારે માત્ર ટોકનરૂપે 1000 રૂપિયા ફાળવવામાં આવેલા છે. રાજ્ય સરકારે ચૂંટણી પંચને 2018-19માં 267.09 કરોડ આપ્યાં હતા, ત્યારપછીના વર્ષ 2019-20 કે જેમાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે 483.76 કરોડ ફાળવ્યા હતા પરંતુ ચૂંટણી પંચે 461.89 કરોડનો ખર્ચ કર્યો હતો. આગામી વર્ષ 2020-21માં ચૂંટણી પંચને 130.38 કરોડ ફાળવવાનું નક્કી કર્યું છે જે પૈકી અધિકારી તેમજ કર્મચારીના પગાર-ભથ્થાં, મતદાર યાદીની સુધારણાના કાર્યક્રમો તેમજ મતદાર ઓળખપત્રોની કામગીરી કરવામાં આવશે. ચૂંટણી હોય કે નહીં, ચૂંટણી પંચને સરકાર દરવર્ષે તેના બજેટમાં ચોક્કસ રકમની ફાળવણી કરતી હોય છે.

રાજ્યમાં સૌથી વધુ વીજળી ઉદ્યોગો વાપરે છે...

ગુજરાતમાં એક સમય એવો હતો કે સૌથી વધુ વીજળી ખેતીવાડી ક્ષેત્રે વપરાતી હતી પરંતુ હવે સમય બદલાયો છે. સૌથી વધુ 57.77 ટકા વીજળી ઔદ્યોગિક અને વાણિજ્યિક ક્ષેત્રમાં વપરાય છે. રાજ્યમાં કુલ 92520 મિલિયન યુનિટ વીજ વપરાશની સામે ઔદ્યોગિક ક્ષેત્રે 53447 મિલિયન યુનિટ જોવા મળ્યો છે. બીજાક્રમે 21.39 ટકા એટલે કે 19789 મિલિયન યુનિટ વીજળી ખેતીવાડીમાં વપરાઇ છે. ઘરવપરાશની વીજળી 15443 મિલિયન યુનિટ તેમજ જાહેર દિવાબત્તી અને વોટર વર્કસ માટે 2390 મિલિયન યુનિટ વીજળી વપરાઇ છે. વીજળીનો અન્ય હેતુ માટે માત્ર 1.57 ટકાનો વપરાશ થાય છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં વપરાતી માથાદીઠ વીજળીનો વપરાશ 2007 યુનિટથી વધીને 2208 યુનિટ થયો છે.

ગુજરાતમાં વસતી કરતાં મોબાઇલ વધારે...

ગુજરાતમાં ઓક્ટોબર 2019ના આંકડા પ્રમાણે બીએસએનએલના જોડાણોની સંખ્યા ઘટીને 8.47 લાખ થઇ છે જ્યારે મોબાઇલ યુઝર્સની સંખ્યા વધીને 6.92 કરોડ થઇ છે. રાજ્યમાં હાલ 4.64 કરોડ ઇન્ટરનેટ ધારકો છે. ગુજરાતની સામાજીક-આર્થિક સમીક્ષાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વોડાફોન-આઇડિયા પાસે 29.59 કરોડ, ભારતી એરટેલ પાસે 10.90 કરોડ, રિલાયન્સ જીઓ પાસે 22.59 કરોડ મોબાઇલ યુઝર્સ છે. જો કે ટ્રાઇના છેલ્લા આંકડા પ્રમાણે ગુજરાતમાં રિલાયન્સ જીયો સૌથી વધુ રેવન્યુ જનરેશન કરતી મોબાઇલ કંપની બની છે. રાજ્યમાં બીએસએલએલ મોબાઇલના જોડાણો ઘટીને 60.69 લાખ રહ્યાં છે, જ્યારે અન્ય કંપનીઓના માત્ર 582 મોબાઇલ જોડાણો છે. ખૂબજ ઓછા સમયમાં રિલાયન્સ જીયો 369.93 મિલિયન યુઝર્સ સાથે ભારતની નંબર વન મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની બની છે.

રાજ્યની બેન્કોમાં 6.67 લાખ કરોડની થાપણો...

ગુજરાતની બેન્કીંગ સર્વિસ મજબૂત બનતાં બેન્કોની કુલ શાખાઓની સંખ્યા એક વર્ષમાં 9357 થી વધીને 9797 થઇ છે. આજેપણ બેન્કોની સૌથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. આ શાખાઓનો આંકડો 3617 થવા જાય છે. રાજ્યની બઘી બેન્કોમાં થાપણોની રકમ 6.97 લાખ કરોડ રૂપિયા થવા જાય છે જે ગયા વર્ષે 6.62 લાખ કરોડ હતી. એવી જ રીતે ધિરાણની સંખ્યા ગયા વર્ષના 5.39 લાખ કરોડ થી વધીને 5.90 લાખ કરોડ થઇ છે. છેલ્લા એક વર્ષમાં થાપણોની રકમમાં 34856 કરોડ તેમજ ધિરાણની રકમમાં 51272 કરોડનો વધારો થયો છે. મહત્વની બાબત એવી છે કે પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં ધિરાણની રકમ સૌથી વધુ 2.70 લાખ કરોડ છે. ખેતીક્ષેત્રનું ધિરાણ 83000 કરોડ થયું છે. નાના પાયાના ઉદ્યોગોનું ધિરાણ 1.27 લાખ કરોડ જેટલું છે, જ્યારે બેન્કોએ નબળા વર્ગોને આપેલા ધિરાણનો આંકડો 41000 કરોડ છે. ગુજરાતની બેન્કોમાં ખેડૂત ધિરાણ કાર્ડની સંખ્યા 27.08 લાખ છે જેમાં 46839 કરોડની રકમ પડી છે, જો કે કાર્ડની સંખ્યામાં 21000નો ઘટાડો થયો છે.

ખાદી ફોર નેશન મિશન ગુજરાતમાં ફેઇલ...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદીને વૈશ્વિક સ્તરે લઇ જવા માટે ખાદી ફોર નેશનનું સૂત્ર આપ્યું છે પરંતુ આ સૂત્ર ખાદી ફોર ગુજરાત બની શક્યું નથી. આપણી કમનસીબી એ છે કે ખાદીનો પ્રચાર કરી શકીએ છીએ પરંતુ ઉત્પાદન વધારી શકતા નથી. હવે તો ખાદીનું ઉત્પાદન કરતાં કારીગરો પણ આ ફિલ્ડ છોડી રહ્યાં છે. ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્રીય યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે પરંતુ ઉત્પાદન, વેચાણ અને રોજગારીના જે આંકડા મળ્યા છે તે નિરાશાજનક છે. 2018-19ના વર્ષમાં 79.79 કરોડ રૂપિયાની ખાદીનું ઉત્પાદન થયું હતું જેની સામે 85.55 કરોડની ખાદીનું વેચાણ થયું હતું. આ વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં રોકાયેલા 13599 લોકોનો રોજગારી મળતી હતી પરંતુ 2019-20ના ઓક્ટોબર 2019ના આંકડા પ્રમાણે રાજ્યમાં 51.19 કરોડની ખાદીનું ઉત્પાદન અને 54.89 કરોડનું વેચાણ થયું છે. ચોંકાવનારી બાબત એવી ચે કે ખાદી ક્ષેત્રમાં રોજગારી મેળવતા કારીગરોની સંખ્યા ઘટીને 8726 થઇ છે. એવી જ રીતે છેલ્લા બે વર્ષની ગ્રામોદ્યોગની સ્થિતિ જોઇએ તો 2018-19ના વર્ષનું વેચાણ 1092 કરોડ થી ઘટીને 2019-20માં 637 કરોડ થયું છે, જ્યારે રોજગારી 194376 થી ઘટીને 113386 થઇ છે. જો કે આ આંકડા સપ્ટેમ્બર મહિના સુધીના છે. છેલ્લા બે વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગના કારીગરોની સંખ્યામાં 85863નો મોટો ઘટાડો નોંધાયો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(10:28 am IST)