Gujarati News

Gujarati News

News of Monday, 24th December 2018

રાજકોટ સ્થિત ૧૬૦ વર્ષ જૂની ઐતિહાસિક લેંગ લાયબ્રેરી ખાતે 'મેદ્યાણી-સાહિત્ય'કોર્નરની સ્થાપના

સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ), ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી મેદ્યાણી, લેંગ લાયબ્રેરીના ડો. નિરંજન પરીખ અને પ્રવીણભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિઃ નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત કરાવવાનો સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનનો પ્રેરક પ્રયાસ

રાજકોટ, તા. ર૪ : રાજકોટ સ્થિત ૧૬૦ વર્ષ જૂની ઐતિહાસિક લેંગ લાયબ્રેરી (લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય) ખાતે 'મેદ્યાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના થઈ. નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત કરાવવાનો સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનો આ પ્રેરક પ્રયાસ છે. જેમની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ' રાજકોટ રહી છે તેવાં મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લેંગ લાયબ્રેરીની મુલાકાત લીધેલી તેથી આનું સવિશેષ મહત્વ છે.    

મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં વિષયવાર અહિ મૂકાયા છે. ઝવેરચંદ મઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ'થી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા 'કાળચક્ર ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો શ્નયુગવંદના', શ્નસિંધુડો, 'રવીન્દ્ર-વીણા', 'વેવિશાળ', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'માણસાઈના દીવા', 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', સોરઠી સંતો, 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' અહિ ખાસ ઉપલબ્ધ કરાયાં છે. રાજકોટ શહેરના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેદ્યાણી, લેંગ લાયબ્રેરીના ડો. નિરંજન પરીખ (પ્રમુખ), પ્રવીણભાઈ રૂપાણી (માનદ્મંત્રી), ડો. નીતિન વડગામા (ઉપપ્રમુખ), દિનકર દેસાઈ (સહમંત્રી), રમેશ પીઠીયા, બિપીન મહેતા અને કલ્પાબેન ચૌહાણ (ગ્રંથપાલ), નિવૃત્ત્। નાયબ પોલીસ અધિક્ષક જે. એચ. જલુ, ઈતિહાસવિદ્-સંશોધક-લેખક ડો. પ્રદ્યુમ્ન ખાચર (જૂનાગઢ), શિક્ષણવિદ્મુનાફભાઈ નાગાણી, આર્કીટેકટ ઈલ્યાસ પાનવાલા, લોકગાયક નીલેશ પંડ્યા, મનીષ રાવલ, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશ ભાતેલીયા, ભરત આડેસરા, વાલજી પિત્રોડા, ભરત કોટક (સાહિત્યધારા) સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને મેદ્યાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. યુવા પેઢીની સવિશેષ ઉપસ્થિતિ રહી.વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીંં તેવી ભાવાંજલિ સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ અર્પી હતી. લેંગ લાયબ્રેરીની વિવિધ પ્રવૃત્ત્િ।ઓ અને તેનાં પદાધિકારીઓનાં સંનિષ્ઠ પ્રયાસોને પણ તેઓએ બિરદાવ્યાં હતાં. રાજકોટ સાથેનાં ઝવેરચંદ મેદ્યાણીનાં લાગણીસભર સંભારણાંને પિનાકી મેદ્યાણીએ વાગોળ્યાં હતાં. રાજકોટ શહેર પોલીસ અને લેંગ લાયબ્રેરી ટ્રસ્ટનાં સહયોગ બદલ પણ પિનાકીભાઈએ હૃદયથી આભાર માન્યો હતો. અનેક મહાનુભવોએ આ ઐતિહાસિક લાયબ્રેરીની મુલાકાત લીધી છે તેનું સવિશેષ ગૌરવ હોવાનું પ્રવીણભાઈ રૂપાણી અને ડો. નિરંજન પરીખે જણાવ્યું હતું. સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી અને પિનાકી મેદ્યાણીનું અભિવાદન કરાયું હતું. લાયબ્રેરી ખાતે થઈ રહેલ દુર્લભ-અપ્રાપ્ય પુસ્તકોનાં ડીજીટલાઈઝેશન અને જાળવણીનાં ઉત્કર્ષ કાર્યને સહુએ પ્રત્યક્ષ નિહાળીને હર્ષ વ્યકત કર્યો હતો.            

ઝવેરચંદ મેદ્યાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ (આઈપીએસ), સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ) અને સમસ્ત રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ રહ્યો. આકર્ષક કાચનાં કબાટનું નિર્માણ-કાર્ય વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું હતું. કાર્યક્ર્મ માટે લેંગ લાયબ્રેરીના પુસ્તક-પ્રેમી ગ્રંથપાલ કલ્પાબેન ચૌહાણ અને સાથીઓએ જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેદ્યાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.  

આલેખન 

પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:41 pm IST)