Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સરકારી મહેમાન

ક્યા નામે લખવી કંકોતરી…? “ઇન્ડિયા” કહો કે ‘ભારત’ કે પછી ‘હિન્દુસ્તાન’, ટપાલ મળી જશે

શ્રીલંકાનું નામ સીલોન હતું પરંતુ 1972માં લંકા અને 1978માં આગળ શ્રી નો ઉલ્લેખ થયો હતો : સિંધુ નદીને ઇન્ડસ વેલી કહેવાતી હતી તેથી અંગ્રેજોએ તે નામનો ઉપયોગ ઇન્ડિયા તરીકે કર્યો : નામ બદલવાની પ્રક્રિયા જે તે સમયે થવી જોઇતી હતી, હવે સુપ્રીમ કોર્ટમાં મુદ્દો આવી ગયો છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂ ઇન્ડિયાનો કન્સેપ્ટ લઇને આવ્યા છે ત્યારે દિલ્હીના એક નાગરિકે ઇન્ડિયાનું નામ બદલીને ભારત અથવા હિન્દુસ્તાન કરવાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટ 2જી જૂનના રોજ બંધારણીય રીતે દેશના અંગ્રેજી નામ ઇન્ડિયાને ભારતમાં બદલવા અંગેની અરજી પર સુનાવણી કરવાની છે. આ સુનાવણી ચીફ જસ્ટીસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થવાની છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે સરકાર અનુચ્છેદ-1માં બદલાવ કરવાનો નિર્દેશ કરે, કેમ કે તેમાં દેશના નામનો ઉલ્લેખ છે. અરજદારનું કહેવું છે કે નામ બદલવાથી આપણને તાનાશાહી ભૂતકાળથી છૂટકારો મળશે અને સ્વતંત્રતા આંદોલનમાં સેનાનીઓનું બલિદાન સાર્થક બનશે. મહત્વની બાબત એવી છે કે અરજીમાં અનુચ્છેદ-1માં સામેલ જોગવાઇ અંગે 1948માં થયેલી બંધારણસભાની ચર્ચાનો પણ ઉલ્લેખ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણસભામાં દેશનું નામ ભારત અથવા હિન્દુસ્તાન કરવાના પક્ષમાં મજબૂત લહેર ઉઠી હતી. એ સમય આવી ગયો છે કે દેશને તેની સાચી ઓળખથી જોવામાં આવે. આપણી સરકારો પણ દેશના શહેરોના નવા નામ બદલીને પ્રાચીન નામથી ઓળખ આપી રહી છે. આ પહેલાં મહારાષ્ટ્રના સામાજીક કાર્યકર નિરંજન ભટવાએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન ફાઇલ કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે દેશનું નામ ઇન્ડિયા થી બદલીને ભારત કરવું જોઇએ. ગુજરાતી ભજનના શબ્દો છે કે—હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી.. આજે ઇન્ડિયા માટે એવું કહેવાય છે પરંતુ ત્રણેય નામોથી ટપાલ તો મળી જાય છે...

આપણા દેશના ત્રણ નામ કેમ પડ્યાં છે...

ભગવાન રામચંદ્રના પૂર્વજ સમ્રાટ ભરત ચક્રવર્તી હતા. તેમનું સામ્રાજ્ય કાશ્મિર થી કન્યાકુમારી સુધી વ્યાપેલું હતું. તેમના નામ પરથી ભારત પડ્યું છે. અન્ય એક મત પ્રમાણે જ્યારે આર્યો આ દેશમાં આવ્યા ત્યારે તેઓ કબીલાના રૂપમાં અલગ અલગ હિસ્સામાં ફેલાઇ ગયા હતા. એક મોટો કબીલો ભારત કહેવાતો હતો તેથી ભારત નામ પડ્યું હોવાનું પ્રચલિત બન્યું છે. હિમાલયના પશ્ચિમમાં સિંધુ નદી વહે છે અને એક મોટો જમીની હિસ્સો તેનાથી ધેરાયેલો છે. આ જમીન હિસ્સાને સિંધુ ઘાટી કહેવામાં આવે છે. આ ઘાટીની સભ્યતા બહુજ પ્રસિદ્ધ છે. મધ્યયુગમાં જ્યારે તુર્કિસ્તાનથી કેટલાક વિદેશી લુટેરાઓ અને ઇરાની લોકો દેશમાં આવ્યા ત્યારે સૌ પ્રથમ તેમણે સિંધુ ઘાટીમાં પ્રવેશ કર્યો હતો. આ વિસ્તારના લોકોએ તેમને હિન્દુ નામ આપ્યું હતું, જે સિંધુનું અપભ્રંશ છે. હિન્દુઓના દેશને તેમણે હિન્દુસ્તાનના નામથી પ્રચલિત કર્યો હતો. બીજી તરફ સિંધુ નદીને ઇન્ડસ વેલી પણ કહેવાતી હતી. સિંધુ ઘાટીની સભ્યતા રોમની સભ્યતા જેટલી પ્રસિદ્ધ હતી અને આખા દેશમાં ફેલાયેલી હતી. ઇન્ડસ વેલીના કારણે દેશનું નામ ઇન્ડિયા પાડવામાં આવ્યું છે. ભારતવર્ષને ભારતખંડ, આર્યાવર્ત, હિન્દુસ્તાન, ઇન્ડિયા, હિન્દ, ભારત અને જંબુદ્વિપના નામથી ઓળખવામાં આવે છે.

ધાર્મિક કથાઓમાં જંબુદ્વીપનું વર્ણન છે...

ધાર્મિક કથાઓમાં જંબુદ્વીપનું વર્ણન આવે છે. કથાવાચક પુરોહિત જ્યારે મંત્રોનું ઉચ્ચારણ કરે છે ત્યારે જંબુદ્વીપે ભારતખંડે એવું વર્ણન કરે છે. આજે ભારતની જે ભૂગોળ છે તેમાં જંબુદ્વીપને સમજવું મુશ્કેલ છે. જંબુદ્વીપની આસપાસ છ દ્વીપ પ્લક્ષ, શાલ્મલી, કુશ, કૌંચ, શાક અને પુષ્કર એવા સાત દ્વીપ હતા. જંબુદ્વીપ ધરતીની મધ્યમાં સ્થિત છે અને તે તેના મધ્યમાં ઇલાવૃત નામનો દેશ છે જેમાં આજે કઝાકિસ્તાન, રશિયા, માંગોલિયા અને ચીનના મધ્યભાગ આવે છે. આ ઇલાવૃતના મધ્યમાં સુમેરૂ પર્વત આવે છે. ઇલાવૃતની દક્ષિણમાં કૈલાસ પર્વત પાસે ભારતવર્ષ આવે છે. જંબુદ્વીપમાં હિન્દુસ્તાન સહિત 20 દેશો આવે છે. એટલે કે જંબુદ્વીપથી ભારતવર્ષ નાનું છે પરંતુ આજે જંબુદ્વીપ નથી અને ભારતવર્ષ પણ નથી પરંતુ એવું કહેવાય છે કે પહેલાં સંપૂર્ણ હિન્દુ જાતિ જંબુદ્વીપ પર શાસન કરતી હતી. કાળક્રમે આ શાસન ઘટીને ભારતવર્ષ સુધી સિમિત થઇ ગયું હતું, કૌરવ-પાંડવોની લડાઇ પછી આર્યાવર્ત નામના એક ક્ષેત્રનો જન્મ થયો હતો જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો હિસ્સો હિન્દુસ્તાનમાં આવતો હતો.

ઇન્ડિયા પ્રચલિત થવા પાછળ અનેક કારણો...

ઇન્ડિયા નામ પ્રચલિત થવા પાછળ અનેક કારણો છે. જ્યારે અંગ્રેજો દેશમાં આવ્યા ત્યારે હિન્દુસ્તાન અથવા તો હિન્દનું ઉચ્ચારણ કરવામાં તેમને બહુ તકલીફ પડી હતી. અંગ્રેજોએ તેનો ઉકેલ પ્રાપ્ત કરી લીધો. તેમણે ખબર પડી કે સિંધુ ઘાટીનું નામ ઇન્ડસ વેલી પણ છે તેથી તેમણે દેશનું નામ ઇન્ડિયા આપી દીધું હતું અને સમગ્ર વિશ્વમાં દેશ ઇન્ડિયાથી જાણીતો થયો હતો. અન્ય એક મત પ્રમાણે જ્યારે એલેકઝાન્ડર ભારત આવ્યા ત્યારે તેમણે અંગ્રેજીમાં હિન્દુમાંથી એચ હટાવીને દેશને ઇન્દુ નામ આપતાં પછીથી ઇન્ડિયા થઇ ગયું હતું. જો કે સંવિધાનમાં દેશનું નામ ભારતવર્ષ છે. ભારત દેશમાં અંગ્રેજોએ જેટલો સમય શાસન કર્યું તેમણે ભારત નહીં ઇન્ડિયા શબ્દપ્રયોગ કર્યો છે.

સર્વદમનનું નામ ભરત પડ્યું હોવાનો ઇતિહાસ...

મહારાજા દુષ્યંત અને શકુન્તલાના મહાપ્રતાપી પુત્ર મહારાજા ભરત થઇ ગયા હતા. રાજા દુષ્યંત અને રાણી શકુન્તલા તેમજ તેમના પુત્ર ભરતનો ઉલ્લેખ મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસે કર્યો છે. અતિ પ્રાચીન કાળમાં દિવ્ય ગુણોથી સંપન્ન યશસ્વી મહારાજા પુરૂં થયા હતા, જેમના નામથી પુરૂવંશ અને ચંદ્રવંશ ચાલ્યો હતો. તેમની પત્નીનું નામ પૌષ્ટી હતું. આ કુળમાં વીર્યવાન દુષ્યંતનો જન્મ થયો હતો અને તેમણે કણ્વ ઋષિની પુત્રી દેવી શંકુન્તલા સાથે ગાંધર્વ વિવાહ કર્યો હતો. દુષ્યંતનો પુત્ર ભરત તેમનો ઉત્તરાધિકારી બન્યો હતો. કહેવાય છે કે ભરતનું નામ પહેલાં સર્વદમન હતું. શુદ્ધ મહાભારત ગ્રંથના રચનાકાર પ્રો. સંતરામ બીએ એ મહાભારતના આદિપર્વના અધ્યાય 74ના આધારમાં લખ્યું હતું કે મહારાજા દુષ્યંત અને તમામ જનતાએ સર્વદમનનું નામ ભારત રાખ્યું હતું. આ ભરતના નામથી ભરતકુળ થયું છે. ભરતના સમયમાં દેશમાં ધર્મ પ્રચાર, વિદ્યા પ્રચાર અને વીરતાનો સંચાર થયો હતો. ભરતને વૈદિક યજ્ઞો પર શ્રદ્ધા હતી.

પ્રાચીન ગ્રંથોના નામકરણમાં ભારત આવે છે...

ભારતવંશી કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની ગાથાને વેદવ્યાસે મહાભારતના રૂપમાં લખી છે તેથી પણ દેશના નામની ઉત્પત્તિ ભારત શબ્દથી થઇ હોવાનું પણ માનવામાં આવે છે. ભારત શબ્દ આપવાનું શ્રેય વેદવ્યાસને જાય છે. માન્યતા છે કે ભરતના નામથી આ દેશનું નામ ભારત રાખવામાં આવ્યું છે. ભારતથી પણ પ્રાચિન એક નામ આર્યાવર્ત છે, કારણ કે આર્યો આવીને વસ્યા હોવાથી તેમજ તેઓ રહેતા હોવાથી દેશનું પૌરાણિક નામ આર્યાવર્ત છે. ઇતિહાસમાં કહેવાય છે કે આર્યાવર્ત પહેલાં દેશનું કોઇ નામ ન હતું, એટલું જ નહીં આર્યો પહેલાં આ દેશમાં અન્ય કોઇ મનુષ્ય અહીં રહેતા ન હતા.

ભારત નામનો શ્રેય મહર્ષિ વેદવ્યાસને જાય છે...

રામાયણ અને મહાભારત એ ઇતિહાસના અતિ પ્રાચીન ગ્રંથ છે. આ ગ્રંથની રચના મહર્ષિ વાલ્મિકી અને મહર્ષિ વેદવ્યાસે કરી છે. મહાભારતનું યુદ્ધ 5150 વર્ષ પહેલાં પૂર્વ કુરૂક્ષેત્રની ભૂમિ પર પાંડવો અને કૌરવો વચ્ચે થયું હતું. આ યુદ્ધના કેટલાક સમય બાદ મહર્ષિ વેદવ્યાસે ભારત નામથી આ યુદ્ધ પર આધારિત એક ઐતિહાસિક ગ્રંથની રચના કરી હતી જેમાં 24000 જેટલા શ્લોક છે. આ હકીકત વેદવ્યાસે કહી છે અને લખી છે, પરંતુ સમય જતાં તેમાં વિસ્તાર થતો ગયો અને મહાભારતમાં શ્લોકની સંખ્યા 1.25 લાખ થઇ છે. આજે ઇતિહાસ સાક્ષી છે કે મહર્ષિઓએ સમજી વિચારીને ભારત શબ્દનો ઉપયોગ કર્યો છે. પંડિત ભગવત દત્તના સમાન આયાર્ય રામદેવજી પણ આર્યજગતમાં અભૂતપૂર્વ વક્તા, શિક્ષાશાસ્ત્રી અને સાહિત્યકાર થયા હતા. તેમણે ત્રણ ખંડોમાં ભારતવર્ષનો બ્રુહદ ઇતિહાસ લખ્યો છે જેમાં રામાયણકાળ, મહાભારતકાળ અને પ્રાચીન ઇતિહાસ સામેલ છે. આ ગ્રંથોના નામકરણમાં ભારત નામનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

પ્રસિદ્ધ વિશ્વુ પુરાણમાં પણ લખ્યું છે કે

18 પુરાણોમાં વિશ્નુ પુરાણનું કદ નાનું છે પરંતુ તેનું મહત્વ પ્રાચીન સમયથી વધુ માનવામાં આવે છે. સંસ્કૃત વિદ્વાનોની દ્રષ્ટીએ તેની ભાષા ઉંચા દરજ્જાની, સાહિત્યિક, કાવ્યાત્મક ગુણોથી સભર અને પ્રસાદમયી છે. આ પુરાણમાં જે તે સમયે 7000 શ્લોક ઉપલબ્ધ હતા પરંતુ સમય જતાં શ્લોકની સંખ્યા 23000 થઇ છે. આ પુરાણ છ ભાગોમાં વહેંચાયેલું છે. આ પુરાણમાં ભારતવર્ષને કર્મભૂમિ કહીને તેની મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम्

वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः।।

(એટલે કે જે દેશ સમુદ્રના ઉત્તર અને હિમાલયના દક્ષિણમાં સ્થિત છે તેનું નામ ભારત છે અને તેની સંતતિ ભારતીય કહેવાય છે.)

સીલોનનું લંકા પછી શ્રીલંકા થયું છે...

કહેવાનું તાત્પર્ય એટલું છે કે ઇન્ડિયાનું નામ બદલીને ભારત રાખવામાં આવે કે હિન્દુસ્તાન રાખવામાં આવે તો કોઇને વાંઘો હોવો જોઇએ નહીં, પરંતુ વિશ્વના દેશોમાં આપણી પ્રતિષ્ઠા ઇન્ડિયાથી વધી છે. આખું વિશ્વ ઇન્ડિયાના નામથી દેશને ઓળખે છે. આટલા વર્ષો પછી નામકરણ કરવાનું અજુગતુ લાગે તે સ્વાભાવિક છે. શ્રીલંકાનું નામ પહેલાં સીલોન હતું પરંતુ 1972માં સીલોનનું નામ બદલીને પહેલાં લંકા કરવામાં આવ્યું હતું પરંતુ 1978માં તેની આગળ શ્રી લગાડીને શ્રીલંકા કરવામાં આવ્યું હતું. ઇન્ડિયાનું નામ પણ જો સદીઓ પહેલાં બદલાયું હોત તો વિશ્વ તેને ભારત કે હિન્દુસ્તાનના નામથી ઓળખતું હોત...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:28 am IST)