Gujarati News

Gujarati News

News of Tuesday, 5th September 2023

બાળ કનૈયાની બંસરીએ પશુ,પક્ષી, ગોપીઓ સૌને ઘેલા કર્યા

શ્રાવણ સત્‍સંગ

સોહામણી શરદઋતુએ વૃંદાવનની શોભા અનેરી બનાવી છે. મંદ મંદ વાયુ લહેરાતો હતો પાંચેક વર્ષના બાળ ગોપાલ, બાલકૃષ્‍ણ ગાયો ચરાવવા ગોવાળદોસ્‍તો સાથે જઇ રહેલ હતા પોતાની નિત્‍ય સંગાથી એવી વાંસળીને કાનાએ હોઠે અડાડી, અને એનો મધુર સૂર આખી જંગલ કેડીને ચેતનવંતી બનાવી રહ્યો હોય તેમ ધરતી નાચી ઉઠી !

ગાયોના ધણે એ મોહક વાંસળીના મધુર સૂરો સાંભાળ્‍યા ત્‍યારે આપોઆપ એમના ગળામાં બાંધેલી દોરડાઓને વાંસળીના સુર સાથે તાલ આપવો હોય એમ એમની ડોક ઘુણવવા લાગ્‍યા આમ બંસરીના તાલે ડોલતા ગાયોના ધણ રસ્‍તો કાપી રહ્યાતા ગાયોના ઉંચાનીચા થઇ રહેલ વદનો કૃષ્‍ણની સૂર-સુધાનું પાન કરી રહ્યા હોય તેઓ ભાવ દર્શાવી રહેલા....!

શ્રી કૃષ્‍ણની વાંસળીના અલબેલા સૂર જ઼ગલે રસ્‍તે દોડી આવતી હરિણીઓ, કૃષ્‍ણની સન્‍મુખ આવી પહોંચી મેના, પોપટ, મયુર, જેવા પક્ષીઓના ટોળે-ટોળાએ વાંસળીના વહી રહેલા સુરોની મોહિની તજી ન શકતા હોય એમ આખે રસ્‍તે કૃષ્‍ણની બંને બાજુમાં ઉડ્ડયન કરી રહ્યા હતા.

શ્‍યામનીએ બંસરીના સુરોની તે શી વાત કરવી ? એ શ્‍યામની મુરલીના સુરોએ સમગ્ર સૃષ્‍ટિને આનંદ વિભોર બનાવી દીધી હતી...!!

બાળ કનૈયો જયારે કદમ્‍બના વૃક્ષ પર  ચડી જઇને બંસરી બજાવી રહ્યો હતો, અને પોતાના ધણમાં ચાલી આવતી ગાયોના નામ બંસીના આરોહ-અવરોહના સુરોમાં જયારે રેલાયા..ત્‍યારે...હે ! ગંગે...હે યમુને કે ગોદાવરી..! એવા નામો સાંભળતા જ ગાયોના આનંદની કોઇ અવધી રહી નહી.

ગાયો ગેલમાં આવી ગઇ, અને વૃક્ષ ઉપર બેઠેલા બાળ કનૈયાને નિઃસીમ પ્રેમથી એમના વદનો લંબાવી લંબાવીને ઉંચા-નીચા કરીને નીરખી રહી હતી...!

અને જયારે એ વાંસળીના સુરોની અનન્‍ય મોહકતા જયારે ગોપીઓના કાને પડી ત્‍યારે સવારમાં ઘરકામમાં ગુંથાયેલી એ વ્રજભૂમિની ગોપીઓ પોતાનુ ઘરકામ જલ્‍દી જલ્‍દી પુરૂ કરીને એ વેણુનાદની ઉછળી રહેલી હેલીમાં જોડાવા ઉત્‍સુક બની ...!

ગોપીઓ એકબીજાને કહેતી હતી ઓ...હો. પેલી ગાયો હરિણીઓ, નાચ કરી રહેલા મયુરો..! પાંખ પ્રસારીને કુદાકુદ કરી રહેલા મેના-પોપટ અને ઢેલ કેવા ભાગ્‍યશાળા છે....!

વૃંદાવનમાં નંદ-જસોદાના ઘેર ઉછરી રહેલા  બાલકૃષ્‍ણ વાત પરિક્ષીત રાજાને, શુકદેવજી કહેતા હતા...!

શુકદેવજી કહીે  છે કે બાળકૃષ્‍ણના બંસીનાદે જડ ચેતન, સમગ્ર સૃષ્‍ટિને અદ્દભૂત મોહીની લગાડેલી...! કનૈયાના વેણુંના નાદે તો અબાલ વૃધ્‍ધ સૌ કોઇને ડોલાવેલા...!

શબ્‍દાતીત અદ્દભૂત મન મોહક એવા કનૈયાની બંસરીના સુરને હું શબ્‍દોમાં વર્ણન કરવા અસમર્થ છું...!

આ સચરાચર બ્રહ્માંડનું આદિકારણ પરમાત્‍માજ છે. નારાયણ એ જ પરમાત્‍માનું નામ છે.

જગતની ઉત્‍પતિ સ્‍થિતિ અને લયરૂપી ત્રિવીધ લીલા કરવા માટે, રજોગુણ, સત્‍યગુણ અને તપોગુણ રૂપી, વિવિધ શકિતઓનો સ્‍વીકાર કરીને બ્રહ્મા, વિષ્‍ણુ અને શિવરૂપે કાર્ય કરે છ.ે

આ ભગવાન ચર, અચર, દેહધારીઓનો અંતરમાં એક અલક્ષ્ય સત્તા, એક અલક્ષ્ય પુરૂષરૂપે સ્‍થિર છે.

જેમને જાણવાનો પામવાનો માર્ગ પણ અલક્ષ્ય એટલે કેમનબુધ્‍ધિથી પર છે..! એવા વાસુદેવ ભગવાનને હું વંદુ છું....!

નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલકી...!

હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી....!

દીપક એન. ભટ્ટ

(11:32 am IST)