Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સરકારી મહેમાન

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી હંમેશા વિવાદ સાથે આવે છે, વોટીંગ સ્ટેટેજીમાં ભાજપ માહિર

રાજ્યસભામાં 2020માં ચાર બેઠકો ખાલી થાય છે જે પૈકી ત્રણ ભાજપ અને એક કોંગ્રેસ પાસે છે : રાજ્ય સરકારમાં આઇએએસ બનવું હોય તો-- ક્લાસ-1ના અધિકારીઓએ અરજી કરવાની રહેશે : શરીરનું વજન ઉતારવા લીંબુ-મધનું પાણી ઉત્તમ છે પરંતુ તેમાં હળદરથી પરિણામ બદલાય છે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે આખા દેશમાં તેની ચર્ચા થાય છે, તેનું મહત્વનું કારણ ત્રીજા ઉમેદવારનું પદાર્પણ છે. પાર્ટીના સત્તાવાર ઉમેદવારને હરાવવા માટે ક્રોસવોટીંગનો સહારો લઇને બિનસત્તાવાર ઉમેદવારને વિજયી બનાવવાની ટ્રીક નેતાઓ વાપરે છે. બે વર્ષ પહેલાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અહમદ પટેલને હરાવવાના પ્રયાસ થયા હતા પરંતુ રાજકીય ખેલાડી હોવાના કારણે તેઓનું સભ્યપદ જળવાઇ રહ્યું હતું. એ પહેલાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલના શાસનમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી હતી ત્યારે તેમની પાર્ટીના સત્તાવાર ઉમેદવાર જેવી શાહને હરાવવા માટે ભાજપે તરકીબ બનાવી હતી. ભાજપના સત્તાવાર ઉમેદવાર આનંદીબહેન પટેલ હતા. શંકરસિંહ વાઘેલા તે સમયે ભાજપમાં હતા, તેમણે પાર્ટીને કહ્યું હતું કે-- આપણે બે બેઠકો જીતી જઇશું. ક્રોસ વોટીંગના ખેલમાં શંકરસિંહ વાઘેલાએ તેમના સમર્થક અને ભાજપના બીજા ઉમેદવાર કનકસિંહ માંગરોળાને જીતાડ્યા હતા અને ચીમનભાઇ પટેલના મનસૂબા પર પાણી ફેરવી નાંખ્યું હતું. આ ચૂંટણી આખા દેશમાં ચર્ચાસ્પદ બની હતી. આ વખતે અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની ખાલી પડેલી બે બેઠકો પૈકી સંખ્યાબળના આધારે કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થવાનો હતો પરંતુ ભારતના ચૂંટણી પંચે અગાઉના ચૂકાદાના આધારે બે બેઠકો માટેના અલગ નોટિફિકેશન અને મતદાનની પ્રક્રિયા અલગ કરતાં 71 ધારાસભ્યો હોવા છતાં કોંગ્રેસને રાજ્યસભામાં કોઇ ફાયદો થઇ શકે તેમ નથી. આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણી વિવાદો સાથે આવી રહી છે...

ગુજરાતમાં બે પ્રોજેક્ટ ટુરિસ્ટને આકર્ષી શકે છે...

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બે એવા પ્રોજેક્ટ પર વિચારણા થઇ રહી છે કે જે સાકાર થાય તો રાજ્યમાં પરપ્રાંત તેમજ વિદેશી ટુરિસ્ટો મોટી સંખ્યામાં ઉમટી પડે તેમ છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અડાલજ પાસે મીની ભારત બનાવવાની યોજના પર વિચાર કરવાનું ટુરિઝમ વિભાગના અધિકારીઓને કહ્યું હતું. આ મીની ભારતમાં દેશના તમામ રાજ્યોની ખાણીપીણીની ચીજવસ્તુઓનું બજાર રાજ્યની ભાતીગળ ઓળખ સાથે ઉભું કરવાની દરખાસ્ત છે. અડાલજમાં પ્રવાસન વિભાગની જમીન આવેલી છે અને આ સ્થળ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલું છે જેથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ત્વરીત ઉભી થઇ શકે છે. પ્રવાસન વિભાગ બીજો પ્રોજેક્ટ ડિઝનીલેન્ડનો વિચારી રહ્યું છે પરંતુ તેમાં સ્પર્ધાત્મકતા વધારે છે, કેમ કે ડિઝનીલેન્ડ મુંબઇમાં સ્થપાય તેવી ઇચ્છા મહારાષ્ટ્ર સરકાર રાખી રહી છે પરંતુ હવે તે સ્પર્ધામાં ગુજરાત પણ ઉતર્યું છે. સમગ્ર વિશ્વમાં હાલ અમેરિકાના કેલિફોર્નિયા અને ફ્લોરિડા, જાપાનમાં ટોક્યો, ફ્રાન્સના પેરિસમાં હોંગકોંગ અને ચીનમાં ડિઝનીલેન્ડ આવેલા છે. અમેરિકા સ્થિત ડિઝનીલેન્ડ કંપનીના માલિક ભારતમાં યોગ્ય જગ્યાની શોધમાં છે ત્યારે ગુજરાત સરકાર તેના માટે દરખાસ્ત કરી શકે છે. સચિવાલયના સૂત્રો કહે છે કે ડિઝનીલેન્ડ માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે તીવ્ર સ્પર્ધા થઇ શકે છે. સમગ્ર વિશ્વમાં જો આ પ્રોજેક્ટ ગુજરાતને મળશે તો તે ભારતમાં પહેલો પ્રોજેક્ટ હશે. ગુજરાતમાં ડિઝનીલેન્ડ ક્યાં બની શકે તે માટેની જગ્યાઓ પર પ્રવાસન વિભાગ કામગીરી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં પણ સ્થાપી શકાય તેમ છે, કે જ્યાં પાણીની સુવિધા વધુ મળી રહે.

આઇએએસ અધિકારી બનવું છે: અરજી કરો...

ગુજરાત સરકારમાં વર્ગ-1ના અધિકારીઓ કે જેઓ આઇએએસ અધિકારી બનવા માગે છે તેમની પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ રૂલ્સ પ્રમાણે પસંદગીથી આઇએએસ સંવર્ગમાં નિમણૂક અંગેની આ જોગવાઇ છે. સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા વર્ગ-1ના અધિકારીઓ કે જેમની વય 1લી જાન્યુઆરી-2018ના રોજ 56 વર્ષ કરતાં ઓછી હોય અને વર્ગ-1માં આઠ વર્ષની સેવા બજાવવાનો અનુભવ હોય તેવા તમામ વર્ગ-1ના અધિકારીઓ પસંદગીથી આઇએએસમાં નિયુક્ત થવા ઇચ્છતા હોય તો તેમણે અરજી કરવાની રહે છે. જો કે આ ઓફિસરોમાં જીએએસ, જીપીએસ અને જીએફએસ અધિકારીઓનો સમાવેશ થતો નથી. સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહે જણાવ્યું છે કે 1લી જુલાઇ સુધીમાં વર્ગ-1ના અધિકારીઓ કે જેઓ નિયુક્ત થવા માગતા હોય તેમની અરજી મંગાવી છે. આ અધિકારીઓના સીઆર ક્રાઇટેરિયામાં આઉટસ્ટેડીંગ માટે 10 માર્ક્સ, વેરી ગુડ માટે 8 માર્ક્સ, ગુડ માટે 6 માર્ક્સ અને એવરેજ માટે શૂન્ય માર્ગ નિયત કરેલા છે.

2020માં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી...

ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે જે પૈકી બે બેઠકો હાલ ખાલી છે. કુલ નવ બેઠકો પૈકી ભાજપ પાસે પાંચ અને કોંગ્રેસ પાસે ચાર બેઠકો છે. 23મી મે ના રોજ ખાલી પડેલી અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની બેઠકોની પેટા ચૂંટણી 5મી જુલાઇએ યોજવામાં આવી રહી છે. કોંગ્રેસમાં અહમદ પટેલ, નારણ રાઠવા, અમી યાજ્ઞિક અને મધુસુદન મિસ્ત્રી રાજ્યસભાના સભ્ય છે, જ્યારે ભાજપમાં ચીનુભાઇ ગોહિલ, શંભુપ્રસાદ ટુંડિયા, પરસોત્તમ રૂપાલા, લાલસિંહ વડોદિયા અને મનસુખ માંડવિયા સાંસદ છે. હાલની પેટા ચૂંટણી પછી ગુજરાતમાં રાજ્યસભાની કુલ ચાર બેઠકો ખાલી પડે છે. આ બેઠકોની ચૂંટણી એપ્રિલ 2020માં થવાની છે. આ સમયે ભાજપના ચીનુભાઇ ગોહિલ, શંભુપ્રસાદ ટુંડિયા અને લાલસિંહ વડોદિયા નિવૃત્ત થઇ રહ્યાં છે જ્યારે કોંગ્રેસમાંથી એકમાત્ર મધુસુદન મિસ્ત્રી નિવૃત્ત થાય છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ જોતાં ખાલી પડનારી આ ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસને બે અને ભાજપને બે બેઠકો મળવાની શક્યતા છે પરંતુ જો ભાજપ કોઇ ગેમપ્લાન બનાવે તો ભાજપના ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળે તેમ છે. સત્તા વિહોણી કોંગ્રેસને રાજ્યસભામાં થઇ રહેલો ગેરફાયદો ભાજપને રાજ્યસભામાં વધારે મજબૂત બનાવે છે. એવું કહેવાય છે કે-- કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણીના જે સ્ટેટેજી માસ્ટર્સ છે તેના કરતાં વધારે ધારદાર ભાજપના એકમાત્ર અમિત શાહ છે કે જેઓ રાજ્યસભાની ચૂંટણી જીતાડવાના સ્ટેટેજી માસ્ટર છે. જો કે તેઓ અહમદ પટેલને હરાવવાના વાયદામાં થાપ ખાઇ ગયા હતા.

પાણી સાથે હળદરના ઉપયોગથી ઉત્તમ પરિણામ...

સામાન્ય રીતે વજન ઉતારવા માટે લોકો સવારે લીંબુ અને મધવાળું હૂંફાળું પાણી પીવે છે પરંતુ જો તેમાં તેમાં હળદરનો પણ ઉપયોગ કરવામાં આવે તો ચમત્કારીક પરિણામ મળે છે. આયુર્વેદના મતે શરીરના ઝેરીલા તત્વો બહાર કાઢવા માટે હળદર ઉત્તમ ઔષધ છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ચામડીમાં ચમક આવે છે.  હળદરના ગુણધર્મોમાં એન્ટી ઓક્સિડેન્ટ મુખ્ય છે, જે કેન્સરના કોશો સામે લડે છે. દૂધમાં હળદર પીવી તેના કરતાં હૂંફાળા પાણીમાં પીવી વધારે હિતકર છે. હળદરથી પાચનશક્તિ પણ વધે છે. હળદરમાં કરક્યુમીન નામના કેમિકલની હાજરીને કારણે તે દવાના રૂપમાં વપરાય છે. શરીરના સોજા પણ ઓછા કરવામાં મદદરૂપ થાય છે. એ ઉપરાંત સાંધાના દુખાવાને પણ દૂર કરે છે. હળદર મગજશક્તિ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. આ પાણીના ઉપયોગથી સ્મૃતિદોષ થી બચી શકાય છે અને યાદશક્તિમાં વધારો પણ થાય છે. આ પાણીથી લોહી જામતું નથી તેથી હ્રદય માટે સારૂં છે. લોહી શુદ્ધ કરવાનો તેનો અનોખો ગુણ છે.  લોહીની ધમનીઓમાં જમાવ પણ દૂર થાય છે. મહત્વની બાબત એવી છે કે હળદરવાળું પાણી લીવર સેલને સાજા કરી તેનું રક્ષણ કરે છે અને પિત્તાશયનું ફંકશન પણ વધારે છે.

સંકુલમાં ઘૂસતાં બંદરોથી કર્મચારીઓ ત્રાહિમામ...

બંદરના ખેલ માત્ર દિલ્હીમાં જ નહીં હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળે છે. રાજા કરે રાજ અને બંદર કરે તા-રાજ... જૂના અને નવા સચિવાલયમાં ક્યાકેય બંદરોનું દંગલ સર્જાય છે ત્યારે ભલભલા વાહનોને પછાડે છે. કારના બોનેટ અને છત પર જઇને કૂદીને મોટો ખાડો પાડે છે. કર્મચારીઓની શાકભાજી ભરેલી કોથળી હાથમાંથી છીનવીને ઝાડ પર કૂદકા મારે છે. સચિવાલયના આ બંદરો લૂંટારૂં બની રહ્યાં છે. આ બંદરોને અટકાવવાનો પોલીસ પાસે પણ રસ્તો નથી. નવા સચિવાલયના બ્લોકની લોબીમાં બંદર-રાજ જેવો માહોલ ખડકાય છે. દરવાજો ખુલ્લો હોય તો બંદર ઓફિસની અંદર આવી જાય છે. બંદરોને સચિવાલયમાં વિશ્રામ માટે એન્ટ્રીપાસની જરૂર નથી. પાર્કિંગમાં તેઓ વાહન મસ્તીમાં કર્મચારીઓને ભારે નુકશાન કરે છે તો બીજી તરફ સચિવાલયમાં ઘણીવાર માર્ગ રોકીને બેઠાં હોય છે. સચિવાલયમાં ખુલ્લા પાર્કિગમાં પાર્ક થયેલી સંખ્યાબંધ ગાડીઓના બોનેટ અને છત પર મોટા ગોબા પાડી દીધા છે. આ બંદરોએ વન વિભાગ અને પોલીસ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. સચિવાલયના એક સુરક્ષા જવાને કહ્યું હતું કે સચિવાલયમાં કેન્ટીન અને કર્મચારીઓના ટીફીનના કારણે બંદરોની આવન-જાવન વધી ગઇ છે. થોડાં સમય પહેલાં એક ચોથા વર્ગના કર્મચારીના હાથમાંથી ટીફીન પડાવીને બંદરોએ પાર્કિંગ પ્લોટમાં ઉજાણી કરી હતી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:05 am IST)