Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સરકારી મહેમાન

લોકસભા ચૂંટણીના પરિણામ પછી ગુજરાતમાં ભાજપની 'કોંગ્રેસ તોડો' ઝૂંબેશ ફરીથી શરૂ થશે

ગુજરાતમાં "પ્લાસ્ટીક ફ્રી" અને "ટોબેકો ફ્રી" સ્ટેટના સરકારે કરેલા વાયદા ખુદ ગાંધીનગર તોડી રહ્યું છે : બેન્કોએ ચાર વર્ષમાં તેના ગ્રાહકો પાસેથી 12,400 કરોડ રૂપિયાની પેનલ્ટી અને સર્વિસ ચાર્જ વસૂલ કર્યો : ગુજરાત સોલાર પાવર જનરેશનમાં દેશભરમાં પછાત રહ્યું છે, પરંતુ વિન્ડ પાવર જનરેશનમાં બીજા ક્રમે

કોંગ્રેસ મુક્ત ગુજરાત માટે ભાજપનો માસ્ટરપ્લાન તૈયાર થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યોને ભાજપમાં સમાવવવાની એક યોજના બની રહી છે. ભાજપને જ્યારથી 99 સીટો મળી છે ત્યારથી ચેન પડતું નથી. આ સ્થિતિ દૂર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપે કોંગ્રેસના જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને રાજીનામું અપાવીને સરકારમાં કેબિનેટનું સ્થાન આપ્યું છે. ભાજપનો દાવો છે કે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાર્ટીને તમામ ચાર બેઠકો પર જીત મળશે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસ તોડો અભિયાન શરૂ કરવામાં આવશે જેમાં ભાજપમાં આવવા ઇચ્છુક ધારાસભ્યોને રાજીનામાં અપાવીને પાર્ટી પેટા ચૂંટણી જીતાડીને તેની સભ્યસંખ્યા વધારવા માગે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે હવે પછીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે ઉમેદવારો નહીં હોય તો પણ ચાલશે, કેમ કે ભાજપના નેતાઓ કોંગ્રેસના સભ્યોને તોડીને તેમની પાર્ટીમાં સામેલ કરી રહ્યાં છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાના અભિયાનમાં કોંગ્રેસના ટોચના મજબૂત નેતાઓને ભાજપ પાર્ટીમાં સામેલ કરી રહી છે. ભાજપની આ પ્રેક્ટિસ બન્ને પાર્ટીઓ માટે જોખમી પુરવાર થઇ રહી છે.

નીમ પછી પ્રદૂષણ નિયંત્રણ-- રાજીવ ગુપ્તાની પહેલ...

ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોમાં રાજકીય ડખલગીરી ન હોય તો કેવા કામો થાય છે તે હાલના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની કામગીરી દર્શાવી આપે છે. વિભાગનો હવાલા ઉપરાંત તેઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ છે. રાજ્ય સરકારે આ બોર્ડમાં પોલિટીકલ નેતાને ચેરમેન બનાવ્યા નથી. જે ઉદ્યોગો સરકારના નીતિ નિયમો અને માપદંડોનું પાલન કરતા નથી તેમને સજા થવી જોઇએ તેવું સરકાર ખુદ માને છે પરંતુ ભલામણોની સામે બોર્ડ લાચાર બની જાય છે. રાજીવ ગુપ્તાએ બદનામ થઇ ચૂકેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સુધારવાનો પ્રયાસ કર્યો છે જે સરાહનિય છે પરંતુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોના સંચાલકો માટે માત્ર દંડ જ નહીં, જેલની સજા કે ઉદ્યોગોને સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવે તો બીજા ઉદ્યોગો ગુનો કરતાં ડરે. આશ્ચર્યની સાથે એક બાબત એવી સામે આ છે કે રાજીવ ગુપ્તાએ કસૂરવાર ઉદ્યોગો પાસેથી માત્ર છ મહિનાના સમયમાં 10 કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલ કર્યો છે. જેની સામે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં માત્ર 21 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તા જ્યારે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએનએફસી- માં હતા ત્યારે તેમણે શરૂ કરેલો નીમ પ્રોજેક્ટ દેશભરમાં સફળ થયો છે. લીમડાની લિંબોળીના સાબુ, શેમ્પુ, હેરઓઇલ, ખાતર અને અનેક જાતની વેરાયટી બનાવીને તે પ્રોજેક્ટમાં પર્સનલ ધ્યાન આપ્યું હતું જેના કારણે આદિવાસી પરિવારોની મહિલાઓને સ્વરાજગારીના અવસર પ્રદાન થયા હતા.

બેન્કોની ઉઘાડી લૂંટ છતાં રીઝર્વ બેન્ક મૌન...

ભારતમાં બેન્કોની એનપીએ વધવાનું કારણ ઉદ્યોગોને આપવામાં આવતી મોટી મોટી લોન છે. બેન્કો ઉદ્યોગો સામે તો કંઇ કરી શકતી નથી પરંતુ સામાન્ય વ્યક્તિ તેની હોમલોનનો એક હપ્તો ચૂકી જાય તો બેન્કો નોટીસ આપીને પેનલ્ટી વસૂલ કરે છે. બેન્કોના ક્રેડિટ કાર્ડના નિયમો પણ વિચિત્ર છે. ગ્રાહકો સરેઆમ લૂંટાય છે છતાં કેન્દ્ર સરકાર કે ભારતીય રીઝર્વ બેન્ક તરફથી કોઇ કાર્યવાહી થતી નથી. ભાજપની નેશનલાઇઝ બેન્કો ગ્રાહકોને લૂંટી રહી છે. જાણીને નવાઇ લાગશે કે 2014 થી 2018 સુધીના ચાર વર્ષમાં 21 સાર્વજનિક બેન્કો અને ત્રણ ખાનગી બેન્કોએ દંડ પેટે લોકો પાસેથી 12388.56 કરોડ રૂપિયાની રકમ ઝૂંટવી લીધી છે આમ છતાં રીઝર્વ બેન્કે સેવા નિયમો ઉપર કોઇ દિશાનિર્દેશ આપ્યો નથી. રીઝર્વ બેન્કના મુંબઇના વાર્ષિક લોકપાલના પાયલોટ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે બેન્કોના 30 ટકા ગ્રાહકો સર્વિસના નામે વસૂલ કરવામાં આવતી રકમથી અજાણ છે.25 ટકા ગ્રાહકોએ મિનિમમ બેલેન્સ અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. બેન્કો પૂર્વ સૂચના આપ્યા વિના 15 જાતના એવા ટેક્સ વસૂલ કરે છે કે જેની જાણ ગ્રાહકોને રૂપિયા કપાયા પછી થાય છે. બેન્કમાં તમારે મોબાઇલ નંબર બદલવો હોય કે કેવાયસી બદલવા હોય તો પણ તેનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. વિઝા માટે તમારે બેન્કમાં બેલેન્સ સર્ટીફિકેટ લેવું હોય તો પણ તેના 100 થી 300 રૂપિયાના ચાર્જ બેન્કો વસૂલ કરે છે.

ગુજરાતમાં શરૂ થયેલી બે મોટી ઝૂંબેશ સ્થગિત...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી પ્લાસ્ટીક ફ્રી ગુજરાતની માત્ર જાહેરાત થઇ છે પરંતુ તેનો અમલ થયો નથી. પ્લાસ્ટીક ફ્રી નો અમલ માત્ર મલ્ટીનેશનલ કંપનીઓ અને મેડિકલ સ્ટોરમાં થયો છે, કારણ કે તેઓ કાગળની બેગમાં ખોરાકની વસ્તુઓ અને દવાઓ આપે છે પરંતુ શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ આજે પણ ઓછું માઇક્રોન ધરાવતી પાતળી પ્લાસ્ટીકની બેગમાં મળે છે. ચિંતાનો વિષય એવો છે કે સચિવાલયની બહાર ફળ અને શાકભાજીનું વિતરણ કરતા બકાલીઓ અત્યંત પાતળી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરી રહ્યાં છે તેમ છતાં તેમની સામે કોઇ પગલાં લેવામાં આવતા નથી. પ્લાસ્ટીક ફ્રી અને ટોબેકો ફ્રી સ્ટેટમાં ગુજરાત કરતાં મહારાષ્ટ્ર રાજ્યએ પ્રગતિ કરી છે. ગુજરાતમાં પ્લાસ્ટીક ફ્રી અને ટોબેકો ફ્રી ઝૂંબેશની માત્ર જાહેરાત થઇ છે પરંતુ તેનું પાલન ઓછી જગ્યાએ જોવા મળી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આ દિશામાં કાર્યવાહી કરતા નથી, એવા સંજોગોમાં ભાજપે શરૂ કરેલી બે ઝૂંબેશ નિષ્ફળ નિવડી છે. ગુજરાતમાં મલ્ટી નેશનલ કંપનીઓ જેવી કે મેકડોનાલ્ડ, બર્ગર કિંગ અને સબ-વે જેવી ખાણી-પીણીના સ્ટોરમાં પેકિંગ મટીરિયલ તરીકે કાગળનો ઉપયોગ થાય છે પરંતુ આપણી દેશી કંપનીઓએ હજી પણ પ્લાસ્ટીકની કોથળીઓનું ચલણ ચાલુ રાખ્યું છે.

સોલારમાં ગુજરાતનું સ્થાન પાછળ જઇ રહ્યું છે...

ગુજરાતને સોલાર પાવરનું હબ બનાવવાના રાજ્ય સરકારે વાયદા કર્યા હતા પરંતુ સોલાર પાવર પેદા કરવામાં ગુજરાત પાછળ ધકેલાઇ ગયું છે. ભારતમાં હાઇએસ્ટ ઇન્સ્ટોલ સોલાર પાવર જનરેશન કેપેસિટીના 2018ના સર્વેમાં ગુજરાતનો ક્રમ છઠ્ઠો આવ્યો છે. ભારતના સોલાર સ્ટેટમાં કર્ણાટકા પ્રથમ નંબરે છે. આ રાજ્યમાં 5328 મેગાવોટની વીજળી મળે છે. દેશમાં આ રાજ્યનો સોલાર સેક્ટરમાં હિસ્સો 19.58 ટકા છે. બીજાક્રમે તેલંગાણા આવે છે જ્યાં 3501 મેગાવોટની વીજળી પેદા થાય છે. આ રાજ્યનો હિસ્સો 22 ટકા છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં 3081 મેગાવોટની સોલાર વીજળી પેદા થાય છે જેનો દેશમાં કુલ હિસ્સો 14.11 ટકા છે. ચોથાક્રમે 2829 મેગાવોટ સાથે આંધ્રપ્રદેશ અને પાંચમાક્મે 2055 મેગાવોટ સાથે તામિલનાડુ આવે છે. સોલાર પાવરમાં ગુજરાત દેશમાં છઠ્ઠાક્રમે આવી ગયું છે. ગુજરાતમાં 1607 મેગાવોટ સોલાર વીજળી પેદા થાય છે. ભારતમાં તેનો હિસ્સો માત્ર 5.12 ટકા છે. આ ક્રમ પછી મધ્યપ્રદેશ 1526 મેગાવોટ સાથે સાતમાક્રમે અને 1311 મેગાવોટ સાથે  મહારાષ્ટ્ર આઠમાક્રમે છે જ્યારે ઉત્તરપ્રદેશમાં 875 મેગાવોટ અને પંજાબમાં 845 મેગાવોટ સોલાર વીજળી પેદા થાય છે.

વિન્ડ પાવર કેપેસિટીમાં ગુજરાત બીજાક્રમે છે...

સોલાર પાવર કરતાં ગુજરાતમાં વિન્ડ પાવર કેપેસિટીમાં વધારો થયો છે. ભારતમાં 2005માં માત્ર 6270 મેગાવોટ વિન્ડ પાવરનું ઉત્પાદન થતું હતું પરંતુ 2018માં વિન્ડ પાવરની કેપેસિટી 36625 મેગાવોટની થઇ છે. માર્ચ 2018ના એક રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે તામિલનાડુ 8631 મેગાવોટની કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. બીજાક્રમે 6044 મેગાવોટ સાથે ગુજરાત આવે છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વિન્ડ પાવર કેપેસિટી 4789 મેગાવોટ જોવા મળી છે જ્યારે કર્ણાટકામાં 4584 મેગાવોટ, રાજસ્થાનમાં 4300 મેગાવોટ, આંધ્રપ્રદેશમાં 4007 મેગાવોટ અને મધ્યપ્રદેશમાં 2520 મેગાવોટની વિન્ડ પાવર કેપેસિટી જોવા મળી છે. ભારતમાં સૌથી વધુ વિન્ડ પાવર મેળવતી કંપની મુપ્પાંદલ વિન્ડ ફાર્મ છે જે તામિલનાડુ સ્થિત છે. આ કંપની 1500 મેગાવોટ પાવર જનરેટ કરે છે. અન્ય રાજ્યો પૈકી તેલંગાણામાં 128 મેગાવોટ અને કેરાલામાં 53 મેગાવોટ વિન્ડ પાવર જનરેશનની કેપેસિટી છે. ગુજરાતમાં 1640 કિલોમીટરનો દરિયાકિનારો વિન્ડ પાવર માટે ઉત્તમ માનવામાં આવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(9:01 am IST)