Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

'શૌર્યભૂમિ' ધંધુકા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પણ

પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્થિતિઃ લોકગાયક અભેસિંહ રાઠોડે સિંધુડોનાં શૌર્યગીતો થકી સ્વરાંજલિ

રાજકોટ, તા.૨૯: અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ — ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ — ધંધુકાની ભરી અદાલતમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સિંધુડોમાંથી હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ (છેલ્લી પ્રાર્થના) સ્વરચિત ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્થિત વિશાળ માનવમેદની તથા મેજિસ્ટ્રેટ ઇસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. આ ઐતિહાસિક પ્રસંગની ૮૯મી જયંતી અવસરે શૌર્યભૂમિ ધંધુકા સ્થિત તે સમયનો ડાક બંગલો જયાં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી અને હાલનાં જિલ્લા પંચાયતનાં રેસ્ટ-હાઉસ ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી.  ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, આરએસએસના કિર્તીભાઈ ભટ્ટ, ધંધુકા એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, ધંધુકા નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ ચૌહાણ, સભ્યો ભદુભાઈ મહારાજ અને હર્ષદભાઈ ચાવડા, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, અગ્રણીઓ ચન્દ્રસિંહ ચુડાસમા, પ્રકાશભાઈ રામી, દિલીપભાઈ ઠાકર, કિરણભાઈ શાહ, શાંતિભાઈ પંચાલ, રમેશભાઈ ચૌહાણ, મહેન્દ્રભાઈ મણવર, રણછોડભાઈ ભુંભાણી, પદુભા ચુડાસમા, અશોકભાઈ દિક્ષીત, હસમુખભાઈ ડાભી, યુવરાજસિંહ ગોહિલ, બળવંતસિંહ ઝાલા, અજિતભાઈ ઠાકર અને નરવીરસિંહ ચુડાસમા, સરપંચ જીવરાજભાઈ દલવાડી (ગલસાણા),  વિપુલભાઈ ઠાકોર (સારોડીયા), મહેશભાઈ દલવાડી (વાસણા), ફતેહસિંહ પરમાર (ખસ્તા), ચંદુભાઈ ડુમાણિયા (ગુંજાર) અને ઘનજીભાઈ ભરવાડ (કોટડા), નિવૃત્ત તલાટી હેમંતસંગ ડાભી, લલિતભાઈ વ્યાસ, હરદેવસિંહ રાણા, બાબભાઈ ખાચર (સાળંગપુર), સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જે  ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં સ્મૃતિરૂપે સ્થાપિત મેઘાણી ઓટલો પાસે ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી કૃત સિંધુડોમાંથી શૌર્યગીતો કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, તારાં નામમાં ઓ સ્વતંત્રતા, શિવાજીનું હાલરડુંની હૃદયસ્પર્શી રજૂઆત દ્વારા સ્વરાંજલિ અર્પણ કરી. ભારત માતાની જય, વંદે માતરમ, ઈન્કલાબ ઝીંદાબાદ, આઝાદી અમર રહો, ઝવેરચંદ મેઘાણી અમર રહોનો જયઘોષ પણ સહુએ કર્યો હતો. ભરતભાઈ પંડ્યાના દાદા સ્વ. અમૃતલાલ ગૌરીશંકર પંડ્યાએ આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલના સંપર્કમાં હતા. હાલ અત્યંત જરજરિત હાલતમાં આ ઐતિહાસિક ઈમારતનો સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર કરવામાં આવે તેમજ અહિ ભવ્ય સ્મારક સંકુલનું નિર્માણ થાય તથા પાસે આવેલ નિર્માણધીન ફ્લાયઓવરનું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બ્રીજ' તરીકે નામકરણ થાય તેવી લોકલાગણી છે.

આલેખન  પિનાકી નાનકભાઈ મેઘાણીઃ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:15 pm IST)