Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

રાત્રે પાડોશમાં કોઇનું મૃત્યુ થયું. સવારે આચાર્યશ્રીને જાણ કરી. તેમણે કહ્યું: ''મૃત્યુ નિશ્ચિત છે. તે સિવાય બીજું કાંઇ નિશ્ચિત નથી. જન્મ સાથે જ મૃત્યુ જડાયું છે. જે આ સત્ય જાણે છે, તે જીવન-અમૃત મેળવે છે.''

અમે શાન્ત બેઠા-આચાર્યશ્રીએ ફરી કહ્યું, ''હું મૃત્યુથી નહીં પણ કોઇ જીવન વ્યર્થ જતું જોઇને જરૂર દુઃખી થાઉં છું. તે જ ખરૃં મરણ છ.ે શરીરનો અંત નહીં, પણ જીવનની વ્યર્થતા સાચું મરણ છે.''

પછી તેમણે એક વાર્તા કહી, ''રાજા જનક વિદેહી કહેવાતા. એક દિવસ તેમના એક યુવાન અમાત્યે પૂછયું ''મહારાજ, તમે દેહધારી છતાં વિદેહી શી રીતે?'' જનક હસ્યા અને ચૂપ રહ્યા.

થોડા દિવસ પછી તેમણે તે યુવકને જમવા નોતર્યો. આવું સૌભાગ્ય  ભાગ્યે જ કોઇને મળતું. તે ખૂબ ખુશ થયો. પણ બીજે દિવસે તે તેટલો જ દુઃખી હતો. જ્યારે તેણે રાજમહેલ જતાં ચાર રસ્તે એક ઢંઢેરો સાંભળ્યો કે તે જ દિવસે સાંજે કોઇ રાજદ્રોહને કારણે તેને ફાંસીની સજા થવાની છે. આ કેવો ઉપહાસ!

બપોરે રાજમહેલમાં આતિથ્ય અને સાંજે રાજાજ્ઞાથી મૃત્યુ ! છતાં તે જેમ તેમ જમવા ગયો. રાજાએ રસોઇયાને કહ્યું હતું કે ભોજનમાં મીઠું બિલકુલ ન નાંખવું. જમતી વખતે રાજા જનક પોતે હાજર હતા. ખૂબ પ્રેમથી તેમણે યુવકને જમાડયો. તે યુવકે ભોજન તો કર્યું પણ તેનું મન ત્યાં ન હતું. કેવી રીતે હોય ? એક એક પળ વીતતાં મૃત્યુ પાસે આવતું હતું. રાજાએ જમ્યા પછી પૂછયું, ''ભાઇ, ભોજનમાં કાંઇ ઓછપ તો ન હતી ?'' તે યુવક અમાત્ય જાણે ઉંઘમાંથી જાગ્યો-કહ્યું ''ભોજન ? હાં, ભોજન મેં કર્યું પણ યાદ નથી. મૃત્યુની બીકે સ્વાદ ઝૂંટવી લીધો છે. શુદ્ધિ પણ નથી.હું જ્યાં છું ત્યાં નથી. રાજા જનક આ સાંભળી હસ્યા. અને કહ્યું '' આ તમારા પ્રશ્નનો જવાબ છે. ગભરાઓ નહીં સાંજે તમારે મરવાનું નથી. આ મારી યુકિત હતી.મૃત્યુ જેને દેખાય છે તે દેહ હોવા છતાં વિદેહી થઇ જાય છ.ે અને જે  છે, તેને માટે મૃત્યુ નષ્ટ છે. આથી ચેતનામાં, વ્યકિત અમૃતને ઉપલબ્ધ કરે છે.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:48 am IST)