Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કાલે ગાંધી નિર્વાણ દિન - શહીદ દિન નિમિતે રાજકોટ સ્થિત રાષ્ટ્રીયશાળા ખાતે 'સ્વરાંજલિ - મૌનાંજલિ'ના કાર્યક્રમ

'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે'નું સતત નવમા વર્ષે પ્રેરક આયોજન : અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, નીલેશ પંડયા અને પંકજ ભટ્ટ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ, ગાંધી ગીતો થકી 'સ્વરાંજલિ'

રાજકોટ તા. ૨૯ : ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ ને બુધવારે - ગાંધી નિર્વાણ દિન - શહીદ દિન નિમિત્તે – સવારે ૯.૦૦ કલાકે, રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા પ્રાંગણ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોનાં 'સ્વરાંજલિ' તેમ જ સામૂહિક 'મૌનાંજલિ'નાં ભાવાંજલિ કાર્યક્ર્મ 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે'નું આયોજન સતત નવમા વર્ષે થઈ રહ્યું છે. રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક લાગણીસભર સંસ્મરણો રાજકોટ સાથે છે તેથી ૧૫૦મી ગાંધી-જયંતી વર્ષ અંતર્ગત આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ છે. ૩થી ૭ માર્ચ ૧૯૩૯ દરમિયાન ગાંધીજીએ 'તપોભૂમિ' રાષ્ટ્રીયશાળા ખાતે ઉપવાસ કરેલા જે ખાસ ઉલ્લેખનીય છે.

આપણાં સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં આહૂતિ-બલિદાન આપનાર નામી-અનામી સ્વાતંત્ર-સેનાનીઓથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું છે. સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ, રાષ્ટ્રીયશાળા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

સવારે ૯ થી ૧૧ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ,   નીલેશ પંડ્યા અને પંકજ ભટ્ટ (સંગીતકાર) દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી 'સ્વરાંજલિ'અર્પણ થશે. કસુંબીનો રંગ, રકત ટપકતી સો સો ઝોળી, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રે'જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, શિવાજીનું હાલરડું, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-કન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર મેઘાણી-ગીતો રજૂ થશે. સવારે ૧૧ કલાકે સાયરન વાગતા જ કાર્યક્ર્મને વિરામ આપીને શહીદોને સામૂહિક 'મૌનાંજલિ'અર્પણ થશે. દેશની સરહદોની રક્ષા તથા આંતરિક સુરક્ષા માટે શહીદ થનાર વીર-જવાનોને પણ વિશેષ અંજલિ અર્પણ થશે.

મોટી સંખ્યામાં ભાવિકો અને વિદ્યાર્થીઓને કાર્યક્ર્મમાં પધારવા ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯), મુનાફભાઈ નાગાણી (૯૫૮૬૯૭૨૯૯૯), નીલેશ પંડ્યા (૯૪૨૬૪૮૧૩૮૭), રાજેશ ભાતેલીયા (૯૪૨૭૨૨૦૧૭૨)નો સંપર્ક કરી શકાશે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) http://eevents.tv/meghani પર થશે.  

ગાંધી નિર્વાણ દિન નિમિત્ત્।ે 'મારા સ્વપ્નનું ભારત'વિષય પર શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક નિંબધ-લેખન થાય તેવી અપીલ પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનએ કરી છે. સમગ્ર ગાંધી-મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન જીલ્લા પુસ્તકાલય, લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય તથા સરદાર સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુલાબચંદ તલકચંદ શેઠ લાયબ્રેરી ખાતે થયું છે. નવી પેઢીને ખાદી પહેરવા-ખરીદવા માટે પ્રેરણા ખાદી-રચનાત્મક ક્ષેત્રના આગેવાન, ભારત સરકારનાં ખાદી ગ્રામોદ્યાગ કમિશનનાં પૂર્વ-અધ્યક્ષ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (રાજકોટ)ના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીએ આપી છે.(૨૧.૧૭)

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

(1:12 pm IST)